'ખેડૂતો દુઃખી હોય તેમાં મારે કેટલા ટકા?' જો તમે આવું વિચારતા હો તો ભીંત ભૂલો છો!

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

'ખેડૂતો દુઃખી હોય તેમાં મારે કેટલા ટકા?' જો તમે આવું વિચારતા હો તો ભીંત ભૂલો છો

રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા ત્યાર પછી તેમની 'નિર્દોષતા'ના અનેક કિસ્સા પ્રચલિત બન્યા.

એવા એક કિસ્સા પ્રમાણે, ગામડાના રસ્તેથી પસાર થતી વખતે ખેતરમાં ઉગેલાં લીલાં મરચાં જોઈને રાજીવ ગાંધીએ એ મતલબનું પૂછ્યું હતું, 'આ મરચાં લીલાં કેમ છે? મરચાં તો લાલ ન હોય?'

તેમને એ વખતે ખ્યાલ ન હતો કે મરચું પહેલાં લીલું હોય ને એમાંથી જ લાલ થાય.

બને કે ઘણા શહેરીઓને, ખાસ કરીને નવી પેઢીના શહેરીઓને, ઉપરની વાતમાં કશું રમુજી ન લાગે-તેમાં કોઈ પ્રકારના અજ્ઞાનનો અહેસાસ પણ ન થાય.

ખેતર અને ખેડૂતો વિશે જાણવાની આપણે શી જરૂર?

ફલાણી વેબસાઈટ પર ઑર્ડર આપી દઈશું એટલે ઘરબેઠાં શાક આવી જશે. ઢીકણા મૉલમાં જઈશું તો એકદમ ફાર્મ ફ્રેશ શાક મળી જશે અને કશું ન કરવું હોય તો સોસાયટીમાં શાકવાળો આવે જ છે.

એના માટે ખેતર અને ખેડૂતની પંચાતમાં પડવાની શી જરૂર? અને એ વિશે જોવું જ હોય તો 'સ્વદેશ'માં સરસ બતાવ્યું હતું. બીજી પણ ફિલ્મો છે.

--અને હમણાં એક પાર્ટી માટે ફ્રેન્ડના ફાર્મહાઉસ પર ગયા હતા, ત્યાં પણ એ લોકો ખેતી કરે જ છે. એમને કોઈ પ્રૉબ્લેમ નથી.

આવું શહેરી મધ્યમ-ઉચ્ચ મધ્યમ વર્ગના ઘણા લોકો વિચારતા હોય, તો આઘાત ન લાગવો જોઈએ.

આમ પણ જે સહેલાઈથી મળે તેના આપનાર વિશે વિચારવાની ટેવ સામાન્ય રીતે હોતી નથી. એને આપણે ગજવે ઘાલીને મત્ત મહાલીએ છીએ.

ક્યાં સુધી? પાઘડીનો વળ છેડે ન આવે ત્યાં સુધી

ડુંગળી ને ટમેટાં ખેડૂતો સડક પર ફેંકી દે ત્યારે આપણા માટે તે એક ફોટો અને ખરું કહીએ તો જોણું છે.

કેટલાક 'ક્રીએટીવ' લોકોને સ્પેનનો ટૉમેટિના ફેસ્ટિવલ પણ યાદ આવી શકે. ડુંગળી કે ટમેટાં કે બીજાં શાકભાજી સડક પર રઝળતાં પડ્યાં હોય ત્યારે તેની આસપાસ દેખાવ કરતા ખેડૂતો પણ હોય છે. ક્યારેક તે અને પોલીસ આમનેસામને થયેલા પણ દેખાય.

એમાં આપણને રસ પડતો નથી. પરંતુ જેવા ટમેટાં કે ડુંગળીના ભાવ વધવા લાગે અને છેવટે રાડ પોકારી જવાય એવી સપાટીએ પહોંચે કે તરત આપણે ખબર પડે છે કે આ (ભાવવધારો) તો ગંભીર સમસ્યા છે.

હા, એ ગંભીર છે. કારણ કે આપણી છે.

થોડા વખત પહેલાં એ જ ટમેટાં ને ડુંગળી સડકો પર ઠલવાયાં હતાં ને તેના પકવનારાએ જ હતાશ થઈને-રોષમાં આવીને આ કામ કર્યું હતું. ત્યારે આપણામાંથી કેટલાને થયું કે 'આ કેમ ચલાવી લેવાય?'

રાતદિવસની મહેનત, સમય અને નાણાંનું પાણી કરીને ઉગાડેલો પાક ખેડૂતોને ખેતરમાંથી ઉતારવાનું પણ ન પોસાય, એવી સ્થિતિ સર્જાય. છતાં, આપણને ફરક ન પડે?

જાણકારો વળી કહેશે કે આ વર્ષના અંદાજપત્રમાં સરકારે ખેડૂતો માટે અમુક યોજના જાહેર કરી છે ને તમુક રકમ અલગ ફાળવી છે. પછી શું છે? અને કેટલાં બધાં રાજ્યોમાં તો તેમને લોનમાફી જાહેર કરી દીધી. તેની રકમો રાજ્યનું આખું બજેટ રફેદફે થઈ જાય એવી તોતિંગ રકમ છે. હવે શું છે?

દેશના ખેડૂતો દુઃખી કેમ હોય છે?

સવાલ એ છે કે, આ બધું હોય તો પછી દેશના કિસાનો કેમ દુઃખી છે? અહીં અંડાગંડા કરીને પોતાના નામે ખેતીની જમીનો કરીને ખેડૂત તરીકેના લાભ મેળવનારા માલેતુજારોની વાત નથી.

મોટી જમીનોમાં ખેતી કરાવતા આધુનિક જમીનદારોની પણ વાત નથી. જેનું ગુજરાન ખેતી પર ચાલે છે અને ખેતીમાંથી જેનું ગુજરાન જ ચાલી શકે એમ છે, એવા નાના ખેડૂતો મોટી સંખ્યામાં છે અને તે દુઃખી છે.

હજુ તે દુઃખી જ છે. ગુસ્સે થયા નથી. સમજો કે આપણને સમય આપી રહ્યા છે. જેમ મુંબઈની કૂચના ખેડૂતોએ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે એટલા માટે રાત્રે કૂચ કરી દીધી, કંઈક એવી રીતે. હજુ તે ફક્ત કૂચ કરી રહ્યા છે--અને તે પણ અહિંસક.

તેમની કૂચ સરકાર માટે તો છે જ, સરકાર સમક્ષ માગણીઓ મૂકી રહ્યા છે, એવી અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર તેમની તકલીફો સમજે અને ઘટતું કરે.

તેમની કૂચ ખેતી અને ખેતરથી દૂર વસતા શહેરીઓ માટે પણ છે. સમાજ તરીકે પ્રતિષ્ઠિત થતા એ વર્ગ માટે પણ છે. સમાજ પણ તેમની તકલીફો વિશે જાણે અને તેમને સહકાર આપે.

સહકાર કેવી રીતે અપાય? તેનો જવાબ આપણે, ખેતી અને ખેડૂતથી દૂર થઈ ગયેલા ભારતના લોકોએ, શોધવાનો છે. તે કવાયત સહેલી પડે એટલા માટે વિચારી જુઓ.

આ ખેડૂતોના સમુહ પર પાટીદાર કે મરાઠા કે જાટ કે દલિત કે બ્રાહ્મણ કે ઓબીસી જેવું કોઈ લેબલ હોત તો? તેમને ક્યાંથી અને કેવો સહકાર મળ્યો હોત? અને તેનાં કેવાં પરિણામ આવ્યાં હોત?

શું આપણે એટલા સંકુચિત અને પછાત માનસિકતા ધરાવતા થઈ ગયા છીએ કે જ્ઞાતિની ઓળખ અથવા ધર્મ પરના સાચાખોટા ખતરાની બૂમ ન પડે ત્યાં લગી આપણે આપણા તાનમાં જ ગુલતાન રહીએ? તમાચો ખાધા પછી જ ઊંઘમાંથી જાગવું, એ જ આપણું 'ન્યૂ નૉર્મલ' છે?

ભાવનાવશ થઈને ખેડૂતોને અન્નદાતા તરીકે ઓળખાવવાની અને તેમની બિરદાવલીઓ ગાવાની જરૂર નથી. 'જગતનો તાત' કહી કહીને જ, 'જય જવાન જય કિસાન'ના નારા લગાવી લગાવીને જ આપણે તેમની આ દશા કરી છે.

આ કશું કર્યા વિના, સૌથી પહેલાં તો ખેડૂતોના અસ્તિત્વને અને તેમની વાસ્તવિક મુશ્કેલીઓને ગણતરીમાં લેવાની જરૂર છે અને ખેડૂતોને તે જણાવવાની જરૂર છે.

આપણે ખેડૂતોના બખેડામાં પડવાની શી જરૂર?

ખેડૂતોની આત્મહત્યાના આંકડા આવે ત્યારે જેટલા ડચકારા બોલાવીએ છીએ, કમ સે કમ એટલી ચિંતા જે ખેડૂતોએ આત્મહત્યા નથી કરી અને ભારતમાં ખેતીની કઠણાઈ સામે ઝઝૂમી રહ્યા છે, તેમની પણ કરવા જેવી છે.

એ કેવી રીતે કરવી? એક ઉદાહરણઃ ફક્ત ખેડૂતો જ ખેડૂતોની સમસ્યા વિશે રેલી કાઢે, દેખાવ કરે, આવેદનપત્રો આપે એવું જરૂરી છે? નાગરિકો-નાગરિક સંગઠનો પ્રતિનિધિઓ મોકલીને ખેડૂતોની સમસ્યા જાણે અને તેના વિશે રેલીઓ-દેખાવો-પ્રદર્શનો-માગણીઓ ન કરી શકે? આવી બીજી અનેક રીત હોઈ શકે.

પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે આપણે ખેડૂતોના બખેડામાં પડવાની શી જરૂર?

તેનો કરોડ રૂપિયાનો જવાબઃ આટલા બધા ખેડૂતોને દુઃખી રાખીને, માલેતુજારોની આવકની સરેરાશો દ્વારા જીડીપી ઊંચો આવશે, તો એવી રીતે સુપરપાવર નહીં થવાય.

અરે, સુપરપાવરપદું ઘેર ગયું, દાયકાઓથી ગળે આવેલા ખેડૂત સમુદાયનો અસંતોષ ફાટશે તો શું થશે?

તેમને ધર્મ, જ્ઞાતિ કે પ્રદેશના આધારે વહેંચી નાખવાની કે ડાબેરી તરીકે ખપાવીને રાજકીય વિરોધી તરીકે ગણાવી દેવાની તરકીબો નહીં ચાલે અને મુંબઈમાં જે થયું તેનું વધુ મોટા પાયે પુનરાવર્તન થશે ત્યારે શું થશે?

ઘરના રસોડામાં આગ લાગી હોય ત્યારે પહેલી તકે તેને ઓલવવા માટે બનતી કોશિશ કરવાની હોય? કે પછી 'એ તો રસોડામાં લાગી છે ને? આપણને ક્યાં નડે છે? આપણે બેડરૂમનું બારણું બંધ કરી દઈશું એટલે આગ અંદર નહીં આવે.' એવું વિચારીને ઉંઘી જવાનું હોય?

વિચારજોઃ આગ વધે તે પહેલાં જાગવું છે કે પછી...?

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો