રાજસ્થાનમાં ખેડૂતો કેમ ભૂ-સમાધિ સત્યાગ્રહ કરી રહ્યા છે?

જમીનમાં અડધા દટાઈને બેઠેલા આ ખેડૂતો પોતાની જમીન બચાવવા આંદોલન કરી રહ્યા છે.

જયપુર પાસે નીંદડ ગામમાં ખેડૂતોએ ભૂ-સમાધિ સત્યાગ્રહ શરૂ કર્યો છે. સરકારના જમીન સંપાદનના વિરોધમાં ખેડૂતો અને તેમના પરિવારની મહિલાઓ આ આંદોલન કરી રહી છે.

ખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી આ રીતે જમીનમાં ખાડા કરીને બેઠા છે.

તમને આ પણ વાંચવું ગમશે

ખાડામાં બેઠેલા એક ખેડૂતે ગુસ્સામાં કહ્યું, ''એક ઇંચ જમીન પણ નહી આપું. ભલે પછી મારો જીવ જ કેમ ના નીકળી જાય. સરકાર વિકાસ નહીં જમીનનો વ્યવસાય કરવા માંગે છે.''

આ આંદોલનમાં મહિલાઓ પણ જોડાઈ છે. છેલ્લા બે દિવસથી પુરુષોની સાથે મહિલાઓ પણ આ રીતે ખાડામાં બેઠી છે. આંદોલનમાં જોડાયેલી એક મહિલા કહે છે, '' અમારી પાસે એક વિઘા જમીન છે અને પાંચ દિકરાઓનો પરિવાર છે. એમની રોજીરોટીનું બીજું કોઈ સાધન નથી. શું હું મારા બાળકોને રસ્તા પર છોડી દઉં? ''

ખેડૂતોના જણાવ્યા મુજબ સરકાર 1300 વિઘા જમીન સંપાદન કરવા માંગે છે. જ્યાં આ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તે જગ્યાનું તાપમાન દિવસે 38 ડીગ્રી સેલ્સિયસ પહોંચી જાય છે. આ આંદોલન દરમિયાન ઘણીવાર ખેડૂતો બેભાન પણ થઈ ગયા હતા.

આંદોલનમાં નીંદડ ગામ સિવાય બાજુનાં ગામનાં લોકો પણ જોડાઈ રહ્યાં છે. નીંદડ ગામના ખેડૂત બીરબલ ચૌધરી કહે છે કે સરકારના આ પગલાંથી વીસ હજાર લોકો પર અસર થશે. સરકાર અમારા મૂળ કાપી રહી છે.

આંદોલનમાં જોડાયેલી ન્યાતિ બાઈની ઉંમર 80 વર્ષ છે. છેલ્લા બે દિવસથી ધરતીનો આ ખાડો જ એમનું ઘર છે. ન્યાતિ બાઈ ખુબ જ ગુસ્સામાં કહે છે , ''આ વિકાસ છે કે વિનાશ''

જમીન સંપાદનની આ યોજના જયપુર વિકાસ પ્રાધિકરણે બનાવી છે. પ્રાધિકરણને એનાથી એક હજાર કરોડ રૂપિયા મળવાનો અંદાજ છે.

વિવાદ વધ્યો તો સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત થઈ પરંતુ તેમાંથી કોઈ સમાધાન નીકળ્યું નહીં.

આ પહેલા હમણા જ શેખાવટી વિસ્તાર અને ઉત્તરી રાજસ્થાનમાં ખેડૂતોએ મોટું આંદોલન કર્યુ હતું. એ ખેડૂતો તેમનુ ઋણ માફ કરવાની માંગ કરી રહ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો