You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રમાં રેલીમાં જોડાયેલા ખેડૂતોએ લાલ ટોપી શા માટે પહેરી છે?
- લેેખક, પ્રીત ગરાલા
- પદ, બીબીસી ગુજરાતી
'ભારતીય કિસાન સભા'એ ખેડૂતોની વિવિધ માંગને લઈને નાસિકથી મુંબઈ લાંબી પગપાળા યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો.
6 માર્ચના રોજ નીકળેલી આ યાત્રા 12 માર્ચે મુંબઈમાં પહોંચી હતી જ્યાં ખેડૂતો મહારાષ્ટ્ર વિધાનસભાનો ઘેરાવ કરવાના હતા. પરંતુ તે પહેલાં જ આંદોલન પરત ખેંચી લેવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ રેલીમાં ખેડૂતો માથે લાલ ટોપી પહેરીને મુંબઈ તરફ પ્રયાણ કરી રહ્યા છે.
આ સમગ્ર ઘટના વચ્ચે તમને એ પ્રશ્ન થતો હશે કે રેલીમાં ખેડૂતોએ લાલ ટોપી શું કામ પહેરી છે તેમજ 'ભારતીય કિસાન સભા'ની શરૂઆત ક્યારે થઈ અને કોણ તેમાં આગેવાન હતું?
આ પ્રશ્નના જવાબ માટે બીબીસી ગુજરાતીએ મહારાષ્ટ્રની આ પદયાત્રા સાથે જોડાયેલા અને મહારાષ્ટ્ર રાજ્ય કિસાન સભાના જનરલ સેક્રેટરી નામદેવ ગાવડે સાથે વાત કરી હતી.
નામદેવ ગાવડેને જ્યારે ખેડૂતોએ પહેરેલી લાલ ટોપી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે વિસ્તૃતમાં માહિતી આપતા બીબીસીને જણાવ્યું, ''ટોપીનો કલર લોહીના લાલ રંગમાંથી પ્રેરીત થઈને રાખવામાં આવ્યો છે.
તેમણે કહ્યું, ''લાલ રંગ એ ધર્મનિરપેક્ષતાનું પ્રતીક છે. આ લાલ રંગ ડાબેરીઓની વિચારધારાનું પણ પ્રતીક છે.''
''અમે ઇચ્છીએ છીએ કે લોકોની ઓળખ કોઈ જાતિના આધારે નહીં પરંતુ તેમના કામના આધારે થવી જોઈએ.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ભારતીય કિસાન સભા'ની શરૂઆત
નામદેવ ગાવડે 'ભારતીય કિસાન સભા'ની શરૂઆત અંગે માહિતી આપતા જણાવે છે કે ''ભારતીય કિસાન સભાની શરૂઆત 11 એપ્રિલ 1936નાં રોજ સ્વામી સહજાનંદ સરસ્વતીનાં નેતૃત્વમાં લખનૌ ખાતે કરવામાં આવી હતી.
તે સમયે સહજાનંદ સરસ્વતી આ સભાના પ્રમુખ હતા.
આ સભાની શરૂઆતના સમય પર વધુ પ્રકાશ પાડતા નામદેવ ગાવડેએ જણાવ્યું હતું કે આ સભામાં તે સમયે ભારતની સ્વતંત્રતા માટે લડી રહેલા મોટા ભાગના ખેડૂતો જોડાયા હતા.
સોશિયલ મીડિયામાં લોકો આ રેલી અંગે શું કહીં રહ્યાં છે?
@HarjinderMallhi નામનાં ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું હતું કે અમારી કમાણી અબજોપતિ ચોરો પર લૂંટાવવાથી સારું છે કે તે જ પૈસાથી અન્નદાતાની મદદ થાય.
@AmiSri નામનાં ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું કે જો લોહીયાળ કમ્યૂનિસ્ટોના ધ્વજની જગ્યાએ કોઈ અન્ય ધ્વજ કે ભારતનો ધ્વજ હોત તો વ્યાપક સમર્થન મળ્યું હોત.
સંદીપ કુમાર નામનાં યૂઝરે જણાવ્યું કે આપણા દેશનું કેવું કમનસીબ કહેવાય કે વિદ્યાર્થીઓ અને ખેડૂતોએ ન્યાય મેળવવા રોડ પર આવવું પડે છે. સરકારે આ સૌથી મહત્ત્વના વર્ગની વાત સાંભળવી જોઈએ.
સુજેશ નામનાં યુઝરે ટ્વીટ કર્યું કે કાલે તેઓ આત્મહત્યા દ્વારા ચર્ચામાં હતા અને આજે તેઓ પોતાના સંઘર્ષ દ્વારા ઇતિહાસ લખી રહ્યા છે.
મનીષ પાંડે નામનાં યૂઝરે ટ્વીટ કર્યું હતું કે જો તેઓ ખેડૂત છે તો તેઓની પાસે શા માટે લાલ ઝંડા છે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો