ખેડૂત પગપાળા યાત્રા: મુશ્કેલીઓને વાચા આપતી તસવીરો

'ભારતીય કિસાન સભા'એ ખેડૂતોની વિવિધ માંગને લઈને નાસિકથી મુંબઈ લાંબી પગપાળા યાત્રાનું આયોજન કર્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે. હાલ આ યાત્રા મુંબઈ પહોંચી છે.

પુરુષો, મહિલાઓ અને યુવાઓ વિવિધ મુશ્કેલીઓ વચ્ચે નાસિકથી મુંબઈ સુધી 180 કિલોમીટર સૂર્યના પ્રકોપ વચ્ચે પોતાની યાત્રા કરી રહ્યા છે.

પગ પરની ઈજાઓ, પીડા અને ઘા ખેડૂતોની સ્થિતિ વર્ણવે છે.

કુદરતનો કહેર અને ખેતીનો પાક રોગની ઝપેટમાં આવી જતાં મોટાભાગના ખેડૂતોને નુકસાન થયું છે, જેથી તેમનું સમગ્ર વર્ષ નિષ્ફળ કહી શકાય.

આ લાંબી યાત્રા બાદ હાલ ખેડૂતોએ મુબંઈમાં પ્રવેશ કર્યો છે અને 12 માર્ચના રોજ મહારાષ્ટ્રની વિધાનસભાનો ઘેરાવ કરશે.

રસ્તા પર લાંબુ અંતર પગપાળા ચાલવાથી અનેક ખેડૂતોના પગ ઘાયલ થઈ ગયા છે અને પોતાની માંગ પૂરી નહીં થાય, ત્યાં સુધી હાર નહીં માને તેવું જણાવી રહ્યાં છે.

ખેડૂતોએ આ યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં લોકોએ 'નરેન્દ્ર મોદી... ખેડૂત વિરોધી' જેવા નારા લગાવ્યાં હતાં.

મહિલાઓ પણ પુરુષો સાથે આ લાંબી યાત્રામાં જોડાઈ છે અને પુરુષોની જેમ જુસ્સા સાથે વિરોધ કરી રહી છે.

ખેડૂતો કરજ માફી, જંગલની જમીનની માલિકી, પેન્શનની જોગવાઈ, પાકના નુકસાનની ભરપાઈ અને ઉત્તર મહારાષ્ટ્રમાં આવેલી નદીઓનું પાણી સામાન્ય લોકો સુધી પહોંચાડવાની માંગ કરી રહ્યાં છે.