મુંબઈ યાત્રા: મહારાષ્ટ્રના ખેડૂતો આટલા ગુસ્સામાં કેમ?

    • લેેખક, સંકેત સબનિસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'ભારતીય કિસાન સભા'એ ખેડૂતોની વિવિધ માંગને લઈને નાસિકથી મુંબઈ લાંબી પગપાળા યાત્રાનું આયોજન કર્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે.

6 માર્ચના રોજ નિકળેલી આ યાત્રા 12 માર્ચે મુંબઈમાં પહોંચશે અને મહારાષ્ટ્ર વિધાનસભાને ઘેરાવો કરવાની છે.

મહારાષ્ટ્રના ખેડૂતોએ પાંચ માંગો સરકાર સમક્ષ મૂકી છે.

જેમાં કરજ માફી, જંગલની જમીનની માલિકી, પેન્શનની જોગવાઈ, પાકના નુકસાનની ભરપાઈ અને ઉત્તર મહારાષ્ટ્રમાં આવેલી નદીઓનું પાણી સામાન્ય લોકો સુધી પહોંચાડવું છે.

ખેડૂતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં લોકોએ 'નરેન્દ્ર મોદી... ખેડૂત વિરોધી' જેવા નારા લગાવ્યાં હતાં.

બીબીસીએ ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા પત્રકાર, ખેડૂત નેતા અને નિષ્ણાતો સાથે વાતચીત કરી ખેડૂતોની નારાજગી વિશેની છણાવટ કરતા મુખ્ય સાત કારણો બહાર આવ્યા છે.

આ અંગે પત્રકાર સંજીવ ઉનાલે જણાવે છે કે, લોન માફ કરવાનો આંકડો સરકારે મોટો જણાવ્યો છે, જે આંકડા રજૂ થયા છે, તેટલી વાસ્તવમાં કરજ માફી થઈ નથી.

સરકારે કરજા માફી માટે ઑનલાઇન ફોર્મ પ્રક્રિયા તો શરૂ કરી, પરંતુ તેના માટે જરૂરી ડિજિટલ લિટરસી અંગે સરકારે રિસર્ચ કર્યું હતું?

આ અંગેની માહિતીના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

વરિષ્ઠ પત્રકાર નિશિકાંત ભાલેરાવ કહે છે કે જો ખેડૂતોને ટેકાનો ભાવ આપશે નહીં તો આ મુદ્દાનો અંત નહીં આવે.

ખેડૂતોની હાલ એટલી ખરાબ છે કે ટેકનો ભાવ સાથેસાથે અન્ય મદદ પણ કરવાની જરૂર છે.

મહારાષ્ટ્રમાં પાક ઉત્પાદનમાં 44%નો ઘટાડો થયો છે. કપાસ, દાળ અને અનાજના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થયો છે.

જેના કારણે ગ્રામીણ અર્થતંત્રમાં હાલ ખૂબ જ ઓછા પૈસા છે. તેવું ખેડૂત નેતા વિજય જાવંધિયા જણાવે છે.

મહારાષ્ટ્રમાં કપાસનું પુષ્કળ વાવેતર કરવામાં આવે છે, ત્યારે અચાનક આ પાક પર રોગનું મોજું ફરી વળતા સમગ્ર કપાસના પાકને નુકસાન પહોંચ્યું હતું.

આ ઘટના અંગે વધુ માહિતી આપતા પત્રકાર નિશિકાંત ભાલેરાવ જણાવે છે કે, આ રોગના અણસાર પહેલાંથી જણાઈ રહ્યા હતા, જેથી તેની તૈયારીરૂપે પગલા લેવાની જરૂર હતી, પરંતુ તેવી કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી.

તે સિવાય એક કંપનીએ દુકાળ અને રોગથી બચાવ થઈ શકે તેવા બિયારણની પણ શોધ કરી, પરંતુ અમૂક કારણોસર કેન્દ્ર સરકારે હજુ મંજૂરી આપી નથી.

નાસિકના આદિવાસી જે જમીન પર ખેતી કરે છે તે જંગલના કબજામાં છે.

આ અંગે પત્રકાર પાર્થ મીના નિખિલ જણાવે છે કે ખેડૂતોની જે જમીન પર ખેતી કરે છે તે જંગલ વિભાગના નામની છે.

જે હવે ખેડૂતોના નામની થવી જોઈએ.

કેટલાક કિસ્સામાં જંગલ વિભાગ પોતાના કામ માટે ખેડૂતોની જમીન પર ખોદકામ કે બાંધકામ કરતા હોય છે, જેથી ખેડૂતોના પાકને નુકસાન થાય છે, જેથી ખેડૂતોની માલિકી હોય તો તે અટકી શકે છે.

ખેડૂત નેતા વિજય જાવંધીયા જણાવે છે કે કોંગ્રેસની સરકાર જ્યારે મહારાષ્ટ્રમાં હતી, ત્યારે આશરે 2.5 લાખ કરોડનું દેવું હતું, પરંતુ આજે ભાજપ સરકારમાં વધીને 4 લાખ 13 હજાર કરોડ થઈ ગયો છે.

તો આટલો કરજો કોના માટે કરવામાં આવ્યો છે? ખેડૂતો અને સામાન્ય નાગરિકોને શું મળ્યું છે?

વધારે કરજાથી માત્રને માત્ર શહેરની અર્થવ્યવસ્થાનો વિકાસ થયો છે અને રૂરલ અર્થવ્યવસ્થામાં કંઈ ફેર પડ્યો નથી, જેથી ખેડૂતોને નુકસાન જ છે.

મહારાષ્ટ્રમાં ઘરેલું પ્રાણીઓ એક વિનાશક રોગને કારણે મરી રહ્યાં છે.

વરિષ્ઠ પત્રકાર નિશિકાંત ભાલેરાવ આ અંગે જણાવે છે કે ગામની આસપાસ રહેલા પ્રાણી સ્વાસ્થ્ય કેન્દ્રની હાલત ખૂબ જ ખરાબ છે.

મીડિયા ખેડૂતો વિશે વાત કરે છે પરંતુ પ્રાણી સ્વાસ્થ્ય કેન્દ્રની કથળેલી હાલત વિશે વાત કરતું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો