You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતની 'ક્રાઇંગ ક્લબ' : અહીં અજાણ્યા લોકો એકસાથે મળીને રડે છે
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા
રુદન દુઃખ સાથે ગાઢ રીતે સંકળાયેલું હોય છે. દુઃખ દરમિયાન રુદન સ્વાભાવિક પ્રતિક્રિયા છે.
જોકે, સુરતમાં એક અનોખી ક્લબ એવી છે, જે 'ક્રાઇંગ થેરેપી' એટલે 'રુદનથી સારવાર' કરવામાં માને છે.
'ક્રાઇંગ ક્લબ' નામે ઓળખાતી આ ક્લબ છુપા રુદનને સાંત્વનામાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરે છે.
તમને આ પણ વાંચવું ગમશે
ક્લબમાં 100થી વધુ લોકો કે જેઓ એકબીજાને ઓળખતા પણ નથી એ ભેગા થાય છે અને સાથે મળીને રડે છે.
ક્લબના સભ્યો અનુસાર રડીને તેઓ પોતાનું મન હળવું કરે છે. આવા જ એક સભ્ય જીવણભાઈ પટેલે બીબીસીને જણાવ્યું કે, “મને ક્રાઇંગ ક્લબમાં આવીને, રડીને ઘણું સારું લાગે છે.
અહીં રડીને આંનદની લાગણી થાય છે. રોગ મુક્ત થવાનો અહેસાસ થાય છે.”
દર મહિને યોજાતી ક્રાઇંગ ક્લબની મિટીંગમાં યુવાનો અને વૃદ્ધો એમ તમામ ઉંમરના લોકો આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં આવતાં લોકો પોતાના જીવનની કરૂણ વાતો એકબીજા સાથે વાગોળે છે અને એના આધારે રડે છે.
તનુજા શાહ કહે છે કે “અમુક વાતો એવી હોય છે કે જે આપણે આપણા પરિવાર સાથે પણ શૅર નથી કરી શકતા.
મનમાં ને મનમાં ઘૂંટાયાં મૂંઝાતા હોઇએ છીએ. પણ અહીં રડીને હું એકદમ હળવાશ અનુભવું છું.”
પણ આ બધા વચ્ચે એક સવાલ એવો થાય કે શું રડવાથી ખરેખર ફાયદો થાય?
'ક્રાઇંગ ક્લબ'ના આયોજક કમલેશ મસાલાવાલાએ બીબીસીને જણાવ્યું, “હાસ્ય એ શ્રેષ્ઠ દવા છે પણ ખુલ્લામાં એક વખત રડી લેતા એવું લાગે છે કે જાણે મનનો બધો જ ભાર ઊતરી ગયો.
એટલે જ અમે અહીં આવતાં લોકોને એમના સ્મરણો વાગોળવાની તક આપીએ છીએ. ક્લબનું સૂત્ર પણ એટલા માટે જ 'ફ્રૉમ ટીયર્સ ટુ ચીયર્સ' રાખવામાં આવ્યું છે.”
આ ક્લબ સાથે મનોચિકિત્સકો પણ જોડાયેલાં છે.
આવા જ એક મનોચિકિત્સક ડૉ. તૃપ્તી દેસાઇએ બીબીસીને જણાવ્યું, “રડવાથી શરીરમાંથી 'કોર્ટિસોલ' નામનું દ્રવ્ય છૂટું પડતું હોય છે. અને એટલે જ રડ્યાં બાદ માનસિક રાહતનો અનુભવ થતો હોય છે.”
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો