સોશિયલ: ‘ઇરફાનની બીમારી’ પર શું બોલ્યાં તેમના પત્ની?

જાણીતા અભિનેતા ઇરફાન ખાનના પત્ની સુતાપા સિકદરે શનિવારે ઇરફાનના ચાહકોનો આશીર્વાદ આપવા માટે ફેસબુક પર આભાર માન્યો છે.

સુતાપા સિકદરે કહ્યું છે કે તેઓ માફી માગે છે કે છેલ્લા થોડા દિવસથી તેઓ કોઈ ફોન અથવા મેસેજ લઈ શકતા નથી, પરંતુ તેઓ ઇરફાનના તમામ ચાહકોની પ્રાર્થનાના આભારી છે.

પાંચ માર્ચે ઇરફાને કહ્યું હતું કે તેઓ એક ખતરનાક બીમારીથી પીડિત છે, જે પછી દરેક વ્યક્તિ તેમની બીમારી વિશે જાણવાની કોશિશ કરી રહ્યા છે.

તેમણે તેમના સોશિયલ મીડિયા પેજ પર લખ્યું હતું કે, "ક્યારેક તમે જાગો છો અને ખબર પડે કે તમારું જીવન સંપૂર્ણપણે હચમચી ગયું છે.

છેલ્લા 15 દિવસમાં મારી જિંદગી એક સસ્પેન્સ સ્ટોરી બની ગઈ છે. મને એ અંદાજો પણ નહોતો કે દુર્લભ વાર્તાઓ શોધતા શોધતા મને જ દુર્લભ રોગ મળશે."

તમને આ પણ વાંચવું ગમશે

ઇરફાને ટ્વીટમાં કહ્યું હતું કે તેમનો પરિવાર તેની બીમારીના સમાચારથી ખૂબ જ વિચલિત છે. તેમણે પોતાના ચાહકોને તેમના સ્વાસ્થ્ય વિશે કોઈ અટકળો ન કરવાની વિનંતી કરી હતી.

'ઇરફાન યોદ્ધા છે'

સુતાપા સિકદર કહે છે, "મારો શ્રેષ્ઠ મિત્ર અને સાથી એક યોદ્ધા છે અને તે દરેક અંતરાય અને મુશ્કેલીનો સંપૂર્ણ આદર સાથે સામનો કરી રહ્યો છે.

હું અલ્લાહનો આભાર માનું છું કે તેમણે મને પણ યોદ્ધા બનાવી છે. હું હાલ આ યુદ્ધભૂમિ માટે રણનીતિ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું.

આ ક્યારેય સહેલું ન હતું અને હશે પણ નહીં. પરંતુ સમગ્ર દુનિયાભરમાંથી આવતી દુઆઓ મને જીતવાનો આત્મવિશ્વાસ આપે છે."

'જીત માટે દુઆ કરો'

સુતાપા સિકદરે પ્રશંસકોને ઇરફાન ખાનની બીમારી વિશે જાણવાની ઉત્સુક્તા દર્શાવવા કરતાં તેમના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે.

સિકદર કહે છે "તેઓ જાણે છે કે લોકોને ઉત્સુક્તા છે, પરંતુ આપણે 'શું થયું તેનાં કરતાં શું હોવી જોઇએ' પર કેન્દ્રિત કરવી જોઇએ"

ઇરફાને પણ ટ્વિટર પર પોતાના ચાહકોને અપીલ કરી હતી કે લોકો તેમના સ્વાસ્થ્ય વિશે અનુમાન ન કરે.

તેમણે એમ પણ કહ્યું છે કે તપાસ રિપોર્ટ આવ્યા પછી તેઓ ચોક્કસપણે વધુ માહિતી શેર કરશે.

51 વર્ષીય ઇરફાન ખાને 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

તેમની સફળ હિન્દી ફિલ્મોમાં 'પીકૂ', 'મકબૂલ', 'હાસિલ' અને 'પાન સિંહ તોમર' નો સમાવેશ થાય છે.

હોલીવૂડની 'લાઇફ ઑફ પાઈ', 'સ્લમડોગ મિલ્યનેઅર', ‘જુરાસિક વર્લ્ડ’ અને 'ધ અમેઝિંગ સ્પાઇડર મેન' જેવી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો