જાણો, કોરિયા તણાવમાં શું થયું અને શું થઈ શકે?

કોરિયન તંગદિલીના ઇતિહાસમાં શુક્રવારનો દિવસ સીમાચિહ્નરૂપ સાબિત થયો છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને મળવા માટે તૈયાર થયા.

ત્યારે, તાજેતરમાં જે કંઈ થયું અને હવે જે કંઇ થઈ શકે એ વિશે ટૂંકમાં જાણી લો.

ઉત્તર કોરિયાની ઓફર

દક્ષિણ કોરિયાના બે અધિકારીઓએ કિમ જોંગ-ઉન સાથે ઉત્તર કોરિયામાં ગયા સપ્તાહે ડીનર લીધું હતું. એ ઘટના મૂળભૂત રીતે અર્થસૂચક છે.

એ પછી દક્ષિણ કોરિયાના અધિકારીઓ કિમ જોંગ-ઉનના સંદેશા સાથે અમેરિકા ગયા હતા.

કિમ જોંગ-ઉને એવો સંદેશો મોકલાવ્યો હતો કે તેઓ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને મળવા ઇચ્છે છે અને પોતાના અણુશસ્ત્રો ત્યજવા તૈયાર છે.

ડોનલ્ડ ટ્રમ્પે એ ઓફર સ્વીકારી લીધી છે અને બન્ને નેતાઓની મુલાકાત મે મહિનામાં થઈ શકે છે.

'ઠીંગુજી રોકેટ મેન' અને 'અશક્ત બુઢ્ઢો' એવા શબ્દોમાં બન્ને નેતાઓ છેલ્લા એક વર્ષમાં એકમેકનું અપમાન કર્યું હતું તથા ધમકીઓ આપી હતી.

દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે હાલ તલવારો તણાયેલી છે, પણ દક્ષિણ કોરિયાએ ટ્રમ્પ અને કિમ વચ્ચે મુલાકાતના સમાચારને 'ચમત્કાર' ગણાવ્યા હતા.

સમાચાર શા માટે મહત્ત્વપૂર્ણ?

તેનું કારણ એ છે કે ઉત્તર કોરિયાના અણુશસ્ત્રો વિકસાવવાના કાર્યક્રમને કારણે વિશ્વ દાયકાઓથી ચિંતિત છે.

ઉત્તર કોરિયા અણુશસ્ત્રોના છ ગેરકાયદે ભૂગર્ભ પરીક્ષણ કરી ચૂક્યું છે અને તેણે લાંબા અંતરની અનેક મિસાઇલો છોડી છે.

ઉત્તર કોરિયા કહેતું રહ્યું છે કે તે અમેરિકા પર અણુશસ્ત્રો વડે હુમલો કરી શકે તેમ છે.

એ દાવામાં કેટલી સચ્ચાઈ છે એ તો હજુ નક્કી થયું નથી, પણ ઉત્તર કોરિયા તેના પાડોશી દેશો પર હુમલો જરૂર કરી શકે તેમ છે.

અણુશસ્ત્રો ત્યજવાની તેની ઓફર જોરદાર આશ્ચર્યસર્જક છે.

ઉત્તર કોરિયાએ અત્યારે આવું કેમ કર્યું?

વર્ષોથી લાગેલા પ્રતિબંધોને કારણે ઉત્તર કોરિયાને મંત્રણાની ફરજ પડી હોય એ શક્ય છે.

ડોનલ્ડ ટ્રમ્પ સાથે ચાલાકી કરી શકાય એવું ઉત્તર કોરિયા માનતું હોય એ શક્ય છે.

અણુશક્તિ ધરાવતા ગંભીર દેશ તરીકે માન્યતા પ્રાપ્ત કરવાનું ઉત્તર કોરિયાએ નક્કી કર્યું હોય એ પણ શક્ય છે.

હવે શું થશે?

જટિલ કૂટનીતિ ઝડપભેર શરૂ થશે.

મંત્રણા થશે કે કેમ અને તેમાં બન્ને નેતાઓની સાથે કોણ સામેલ થશે એ હજુ સુધી જાણવા મળ્યું નથી.

ડોનલ્ડ ટ્રમ્પ સાથેની બેઠકના બદલામાં ઉત્તર કોરિયા શું ઇચ્છે છે એ પણ હજુ જાણવા મળ્યું નથી.

ઉત્તર કોરિયાએ હજુ સુધી કોઈ વચન આપ્યું નથી. એ તેનાં અણુશસ્ત્રો ત્યજવા તૈયાર થશે તો પણ એ પુરવાર કઈ રીતે થશે એ મુખ્ય મુદ્દો હશે.

ભૂતકાળમાં પણ વચન આપીને ઉત્તર કોરિયાએ ફેરવી તોળ્યું હતું. અમારા સંવાદદાતા જણાવે છે તેમ આ સદીનો 'સૌથી મોટો રાજકીય દાવ' છે.

શા માટે ઐતિહાસિક?

ઉત્તર કોરિયા તથા અમેરિકાના સર્વોચ્ચ નેતાઓ વચ્ચેની બેઠક અભૂતપૂર્વ હશે.

કેટલાક લોકોને આ મુલાકાત 'ચમત્કાર' કે 'ઐતિહાસિક' બાબત લાગે છે.

અગાઉ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિઓ અને ઉત્તર કોરિયાના નેતાઓ વચ્ચે મુલાકાતો થઈ છે પરંતુ, તે સમયે તેઓ પદ પર ન હતા.

SAIS જ્હોન્સ હોપકિન્સ ખાતે યુએસ-કોરિયા ઇન્સ્ટિટ્યુટ ખાતે વિશ્લેષક માઇકલ મેડનના કહેવા પ્રમાણે:

"આ મુલાકાત રાષ્ટ્રપતિ નિક્સન તથા ચીનના ચેરમેન માઓ વચ્ચેની મુલાકાત જેટલું જ મહત્ત્વપૂર્ણ છે."

બીજું કોઈ સંકળાયેલું છે?

મુખ્ય ખેલાડીઓ નીચે મુજબ છે.

• જાપાન - એ ઉત્તર કોરિયાનો પાડોશી દેશ છે. એ સાવધાનીપૂર્ણ આશાવાદી છે, પરંતુ બીજું કંઈ પણ બને તે પહેલાં ઉત્તર કોરિયા અણુશસ્ત્રો ત્યજી દે એવું જાપાન ઇચ્છે છે.

• ચીન - એ ઉત્તર કોરિયાનો મુખ્ય નાણાકીય ટેકેદાર દેશ છે. બધાને મંત્રણાનો આગ્રહ ચીન હંમેશા કરતું રહ્યું છે. ચીને જણાવ્યું છે કે "સાચી દિશામાં પ્રગતિ થઈ રહી છે."

• રશિયા - ઉત્તર કોરિયા સાથે રશિયાના સરહદ બહુ નાની છે. રશિયાએ પણ જણાવ્યું છે કે "આ સાચી દિશામાંનું પગલું છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો