બાંગ્લાદેશ સામેની જીતના હીરો વિજય શંકર કોણ છે?

શિખર ધવન ગુરુવારે જ્યારે કોલંબોમાં બાંગ્લાદેશના બોલર્સને ધોઈ રહ્યા હતા ત્યારે સ્ટેડિયમમાં હાજર ભારતીય સમર્થકોમાં ઉત્સાહ સમાતો નહોતો.

આમ છતાં 43 બોલમાં 55 રન બનાવીને ટીમ માટે વિજય નિશ્ચિત કરનારા ધવનને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં ન આવ્યા.

એટલું જ નહીં, બાંગ્લાદેશની મેચમાં ભારતીય બોલર્સમાં સૌથી વધુ ત્રણ વિકેટ લેનારા જયદેવ ઉનડકટને પણ 'મેન ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં ન આવ્યા.

ભારત બાંગ્લાદેશ વચ્ચેની આ મેચમાં 'મેન ઓફ ધ મેચ' બન્યા વિજય શંકર. આ મેચ તેમની કારકિર્દીની માત્ર બીજી આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ હતી.

તમને આ વાંચવું પણ ગમશે:

ઑલરાઉન્ડર તરીકે ટીમમાં પસંદગી પામેલા વિજય શંકરે તેમની બોલિંગથી લોકોને પ્રભાવિત કર્યા.

તેમણે ચાર ઓવરમાં 32 રન આપીને બે વિકેટ લીધી. તેમાં બાંગ્લાદેશના કેપ્ટન મહમુદુલ્લાહની વિકેટ પણ હતી.

ભારતીય ટીમમાં સ્થાન પામવાની વાતને ખૂબ મોટી ઉપલબ્ધિ માનનારા વિજય શંકરે મેચ પછી કહ્યું, "દરેક ક્રિકેટર આ ટીમનો ભાગ બનવાનું સપનું જુએ છે. આ મારા માટે ગર્વની ક્ષણ છે."

શ્રીલંકા સામે મંગળવારે રમાયેલી ટી-20 મેચમાં વિજય શંકરે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે એ મેચમાં તેમને બોલિંગ કરવા માટે માત્ર બે ઓવર જ મળી હતી, જેમાં તેમણે 15 રન આપ્યા હતા અને કોઈ વિકેટ ઝડપી નહોતી.

ગુરુવારે બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી મેચમાં કેપ્ટન રોહિત શર્માએ તેમને સાતમી ઓવરમાં બોલિંગ આપી. આ ઓવરમાં સુરેશ રૈના અને વોશિંગ્ટન સુંદરને કારણે લિતન દાસને બે વાર જીવતદાન મળ્યું. એ સમયે એમ લાગ્યું કે, કિસ્મત વિજય શંકરનો સાથ નથી આપી રહી.

પરંતુ, આગામી બે ઓવરમાં તેમણે બે વિકેટ લીધી અને ટીમમાં પોતાની પસંદગીને યોગ્ય ઠેરવી.

ઑલરાઉન્ડર છે વિજય શંકર

તમિલનાડુ અને ઇંડિયા - એ ટીમનો ભાગ રહી ચૂકેલા 27 વર્ષીય વિજય શંકર ઑલરાઉન્ડર છે.

પ્રથમ કક્ષાના ક્રિકેટમાં તેમણે પાંચ સદી સહિત 1671 રન બનાવ્યા છે અને 27 વિકેટ્સ પણ લીધી છે.

ઑફ સ્પિનર તરીકે શરૂઆત કરનારા વિજય શંકરે તમિલનાડુની ટીમમાં ઘણા સ્પિનર હોવાને કારણે મીડિયમ પેસ બોલિંગ કરવા લાગ્યા.

તેમણે બાંગ્લાદેશ વિરુદ્ધની મેચ બાદ કહ્યું કે, તે પોતાની બોલિંગ પર ખાસ ધ્યાન આપે છે.

તેમણે કહ્યું, "છેલ્લાં કેટલાંક વર્ષોથી હું બોલિંગ પર મહેનત કરી રહ્યો છું. બોલિંગથી મને મારી રમતનો વ્યાપ વધારવામાં મદદ મળે છે."

હાર્દિક પંડ્યાને આરામ આપીને ટીમમાં લાવવામાં આવેલા વિજય શંકર આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ્સનો ભાગ રહ્યા છે.

જોકે, બોલિંગમાં પોતાની અસર ઊભી કરનારા વિજય શંકરને હજી સુધી ટીમ ઇંડિયા માટે બેટિંગ કરવાનો મોકો નથી મળ્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો