મહિલાઓ પુરુષો કરતાં વધારે પ્રામાણિક હોય છે?

    • લેેખક, અર્ચના પુષ્પેંદ્ર
    • પદ, બીબીસી ગુજરાતી

"મારી ફેક્ટરીમાં 60થી 70 ટકા મહિલાઓનો સ્ટાફમાં કામ કરે છે. લૅબથી લઈ ઍકાઉન્ટ અને ફાઇનાન્સમાં બધા જ વિભાગોમાં મહિલા સ્ટાફ કાર્યરત છે."

રાજકોટના બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણી કહે છે, "મહિલાઓ પુરુષો કરતાં વધારે એકાગ્રતાથી કામ કરે છે."

પુરુષો સસલા અને સ્ત્રીઓ કાચબા સમાન હોય છે એવું કહેતા ચંદુભાઈ સમજાવે છે, "પુરુષોનું ડ્યુટીમાંથી ધ્યાન બહુ ભટકતું હોય છે. તેમની સરખામણીમાં સ્ત્રીઓ તેમની ડ્યુટી ભંગ ઓછી કરતી હોય છે."

તમને આ પણ વાંચવું ગમશે

તેમનું એમ પણ માનવું છે, "આર્થિક મામલાઓમાં મહિલાઓની ઇમાનદારીનું સ્તર પુરુષો કરતાં વધારે હોય છે. એટલે કરપ્શન આપોઆપ ઘટી જાય છે."

મહિલાઓ માટે નવી જવાબદારી

કદાચ આ જ કારણોસર તાજેતરમાં 'શતાબ્દી એક્સપ્રેસ'માં એક ટ્રાયલમાં રૂટ પરથી થતી આવક એક જ દિવસમાં 66 ટકા વધી ગઈ.

મુંબઇ-અમદાવાદ વચ્ચે ચાલતી શતાબ્દી એક્સપ્રેસમાં અત્યાર સુધી માત્ર પુરુષ ટીટીઈ (ટ્રાવેલ ટિકિટ ઍક્ઝામિનર) કામ કરતા હતા.

ટ્રાયલમાં મળેલી સફળતા બાદ શતાબ્દી એક્સપ્રેસમાં આઠ માર્ચથી પુરુષોની જગ્યાએ હવે મહિલા ટીટીઈની નિમણૂક કરવામાં આવી છે.

એટલે કે હવે મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસમાં તમારી ટિકિટ ચેક પુરુષ ટીટીઇ નહીં, પરંતુ મહિલા ટીટીઈ કરશે.

કમાણીમાં વધારો

વેસ્ટર્ન રેલવેના સિનિયર ડિવિઝનલ કમિશનર આરતી સિંહ પરિહાર કહે છે,

"મુંબઇ લોકલમાં અમારી પાસે 100 જેટલી મહિલા ટીટીઈ કાર્યરત છે. આ બધી જ મહિલાઓ ખૂબ જ ઇમાનદારીથી કામ કરે છે."

પ્રિમિયર ટ્રેનોમાં પહેલા તબક્કામાં ત્રીસ મહિલા ટિકિટ ચેકરોની નિમણૂક કરવામાં આવી છે.

આરતી પરિહારના જણાવ્યા મુજબ, ''પ્રિમિયર ટ્રેનો એટલે કે લાંબા રૂટની ટ્રેનોમાં પ્રથમ વખત આ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.''

રેલવેની કમાણીમાં ટ્રાયલ દરમિયાન થયેલા 66 ટકાના ધરખમ વધારા પર આરતી કહે છે, "એ મહિલાઓની નૈતિકતા અને પ્રમાણિકતાનું પરિણામ છે.''

પુરુષો ઠગી કરવામાં આગળ

તો શું મહિલાઓ નૈતિકતા અને પ્રમાણિકતાના ધોરણોમાં પુરુષોની સરખામણીમાં આગળ હોય છે?

જર્મનીની ગોટિંન્જન યુનિવર્સિટીમાં વર્ષ 20017માં 'રોલ ઑફ સોશિયલ વેલ્યુ ઓરિએન્ટેશન'ના વિષય પર કરવામાં આવેલાં રિસર્ચમાં આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે.

આ રિસર્ચમાં મહિલા અને પુરુષોના પ્રામાણિકતાના ધોરણોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

પરિણામમાં જોવા મળ્યું કે મહિલાઓ કરતા પુરુષો ઠગાઈ કરવામાં આગળ હોય છે.

પ્રમાણિકતા, સામાજીક મૂલ્યો અને નૈતિકતાના ધોરણો પણ મહિલાઓ કરતાં પુરુષોમાં ઓછા જોવા મળ્યા હતા.

પુરુષો સ્ત્રીઓના વર્તન અલગ-અલગ

વર્ષ 2014-15માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના સર્વેમાં વિવિધ પ્રકારની આર્થિક લેવડ-દેવડના સંબંધે મહિલાઓ અને પુરુષોની જાણકારી એકત્રિત કરવામાં આવી હતી.

આ સર્વેમાં પણ તારણ નિકળ્યું કે અસંસ્કારી વર્તન કરવામાં પુરુષો સ્ત્રીઓ કરતાં જુદી રીતે વર્તે છે.

જેમ કે, ખોટું બોલવું અને અનૈતિક વર્તનની આદત મહિલાઓ કરતાં પુરુષોમાં વધું જોવા મળે છે.

કદાચ એજ કારણોસર મોરબીની ઓર્પેટ કંપનીએ તેના કુલ સ્ટાફમાં 90 ટકા મહિલાઓનો સમાવેશ કર્યો છે.

દરેક વિભાગમાં મહિલાઓ

કંપનીના કાનૂની સલાહકાર વી. નિમાવત કહે છે, "મહિલાઓમાં એટલી બધી આવડત હોય છે કે તેને યોગ્ય વાતાવરણ આપવામાં આવે તો તેની કાર્યક્ષમતા અજોડ છે."

વી. નિમાવતના જણાવ્યા મુજબ, તેમની કંપનીમાં કુલ 1500 લોકો કામ કરે છે. જેમા 1250 મહિલા અને 250 જેટલા પુરુષ કર્મચારીઓ કંપની સાથે જોડાયેલા છે.

ઓર્પેટમાં રુરલ અને અર્બન બન્ને વિસ્તારોમાંથી મહિલાઓ કામ પર આવે છે.

વી નિમાવત કહે છે,"અમારા કસ્ટમર કેર, સેલ્સ, મેન્યુફેક્ચરિંગ યુનિટ, ઍકાઉન્ટ, ફાયનાન્સ દરેક વિભાગમાં મહિલાઓ કામ કરે છે."

મહિલાઓ પર મૂલ્યોનો બોઝ શા માટે?

જો કે મહિલાઓની આ ઇમાનદારી પર ઑલ ઇંડિયા પ્રોગ્રેસિવ વિમન્સ એસોસિયેશનના સેક્રેટરી કવિતા ક્રિષ્નન પૂછે છે, "મહિલાઓએ શા માટે વધારે પ્રમાણિક અને નૈતિક હોવું જોઇએ?"

''રિસર્ચ કરનારી સંસ્થાઓ મહિલાઓને એક સારા વિષય તરીકે જુએ છે. મહિલાઓને એવી રીતે દેખાડવામાં આવે છે કે એ વધારે સારી હોય છે.''

એક ઉદાહરણ આપતા કવિતા કહે છે, "એક અહેવાલમાં મેં વાંચ્યું હતું કે બૅન્કોએ મહિલાઓને વધારે લોન આપવી જોઇએ. કારણ કે મહિલાઓના લોન પરત કરવાના ચાન્સ વધારે હોય છે.''

"આની પાછળના કારણો એ હતા કે મહિલાઓ સરળતાથી સામાજીક ક્ષોભ અનુભવે છે. એ જલદી ભાગતી નથી. કારણ કે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતી નથી."

"લોન આપવાના આવા રિસર્ચ મહિલાઓની શોષિત પરિસ્થિતિને એમની મહાનતા દર્શાવીને અહેવાલ બનાવીને પીરસે છે."

"મહિલાઓ સત્યાવાદી હોય છે. ઓછું જૂઠુ બોલતી હોય છે. એ તદ્દન ખોટી માન્યતા છે. બધા જ માણસો છે. લિંગ આધારે કોઈ જનીન સ્થાપિત નથી થતા."

"મહિલાઓને ઘણી જગ્યાએ જૂઠું બોલવું પડે છે અને તે બોલે તો એમાં ખોટું નથી."

આમ છતાં ગયા વર્ષનાં વર્લ્ડ બૅન્કના આંકડા ચોંકાવનારા છે.

વર્ષ 2017ના વર્લ્ડ બૅન્કના અહેવાલ મુજબ, કામ કરતી મહિલાઓના સર્વેમાં 131 રાષ્ટ્રમાં ભારતનો ક્રમાંક 120માં નંબરે છે.

જે દર્શાવે છે કે કામકાજી મહિલાઓની ભાગીદારીમાં ભારત દેશ પછાત દેશોમાંનો એક છે.

અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ભારતમાં કામકાજી મહિલાઓને ઓફિસમાં ઇન્સેન્ટિવ, કામ કરવા માટે અનુકૂળ વાતાવરણ અને મહિલાઓની ભાગીદારી વધારવાના કે પ્રોત્સાહન આપવા માટે સમાન તકો નથી મળતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો