You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
...તો અ'વાદથી બેંગકોક માત્ર અડધા કલાકમાં!
- લેેખક, એંડ્રિયાઝ ઈલમેર
- પદ, બીબીસી ન્યૂઝ, સિંગાપુર
અમદાવાદથી પ્લેન દ્વારા હવાઈ મુસાફરી કરીને બેંગકોક પહોંચતા હાલ પોણા પાંચ કલાક જેટલો સમય લાગે છે.
પરંતુ હવે તમને કોઈ કહે કે આ અમદાવાદથી તમને બેંગકોક માત્ર અડધા કલાકમાં જ પહોંચાડી દઈશું તો તમે માનો ખરા?
અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી બેંગકોકનું અંતર લગભગ 3100 કિલોમીટર જેટલું થાય છે.
જેથી હવાઈ મુસાફરીનો જ સમય અંદાજે સાત કલાકથી ઉપર જતો રહે છે. પરંતુ હા હવે એ શક્ય બનશે કે તમે અડધા કલાકમાં બેંગકોક પહોંચી જાવ.
ચીને એક હાઇપરસોનિક પ્લેનની ડિઝાઈન રજૂ કરી છે. ચીનના જણાવ્યા મુજબ, આ એક બહુ મોટું પગલું છે.
આ પ્લેનની સ્પીડ બાબતે કોઈ શંકા નથી અને બીજિંગથી નવી દિલ્હી સુધીનું અંતર ગણતરીની કલાકોમાં કાપી શકાશે.
દિલ્હીથી દહેરાદૂન વચ્ચેનું અંતર કાપતાં જેટલો સમય લાગે તેટલો જ સમય બીજિંગથી નવી દિલ્હી સુધીનું અંતર કાપતાં લાગશે.
ઝડપી, તેનાથી ઝડપી અને સૌથી ઝડપી
સુપરસોનિક વિમાનોની ગતિ માપવા માટે અવાજની ગતિ કે મેક વનને માપદંડ ગણવામાં આવે છે, જે કલાકના અંદાજે 1235 કિલોમીટરની હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અવાજની ગતિથી ઓછી ઝડપને સબસોનિક કહેવામાં આવે છે, જેમ કે પેસેન્જર પ્લેનની સ્પીડ.
મેક વનથી ઝડપી અને મેક ફાઇવ સુધી એટલે કે અવાજની ગતિથી પાંચગણી વધુ ઝડપને સુપરસોનિક કહેવામાં આવે છે.
અમેરિકા અને યુરોપ વચ્ચે કૉન્કોર્ડ વિમાન 1976થી 2003 દરમ્યાન આ ગતિથી ઉડતાં રહ્યાં હતાં.
મેક ફાઇવથી પણ વધુ ઝડપ હોય તેને હાઇપરસોનિક કહેવામાં આવે છે. કેટલીક કારમાં આ માટેના પ્રયોગો ચાલી રહ્યા છે.
ચીને હાલ હાઇપરસોનિક વિમાનો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ચાઇનીઝ એકેડમી ઓફ સાયન્સીસની એક ટીમ આ દિશામાં કામ કરી રહી છે.
આ રિસર્ચ ટીમ સામે બે પડકાર છે. તેમાં એરૉડાયનેમિક્સ એટલે કે વાયુ ગતિશાસ્ત્ર અને એન્જિનનો સમાવેશ થાય છે.
હાઇપરસોનિક ફ્લાઇટ
ડિઝાઇનની દૃષ્ટિએ હાઇપરસોનિક ફ્લાઇટમાં કેટલીક એવી ચીજોની જરૂર હોય છે, જેનાથી તેના માર્ગમાંના અવરોધો ઓછા કરી શકાય.
પ્લેનની ઝડપ જેટલી વધારે હોય એટલો મોટો મુદ્દો અવરોધનો હશે.
યુનિવર્સિટી ઓફ મેલબર્નના નિકોલસ હચિંસ કહે છે, "સ્પીડના પ્રમાણમાં અવરોધ વધતા હોય છે. સ્પીડ બમણી કરશો તો અવરોધ ચાર ગણા વધશે."
સવાલ એ છે કે ચીને જે ડિઝાઇન રજૂ કરી છે તેમાં નવું શું છે? વાસ્તવમાં ચીને તેની ડિઝાઇનમાં પાંખનું વધારાનું એક લેયર જોડ્યું છે.
તેનો હેતુ અવરોધ ઘટાડવાનો છે. જોવામાં એ બે પાંખવાળા વિમાન જેવું જ લાગે છે.
ચીને તેના મોડેલનો હાલ નાના પાયે પ્રયોગ કર્યો છે. તેનું પરીક્ષણ એક વિન્ડ ટનલમાં કરવામાં આવ્યું હતું. તેથી ચીનના આ સપનાને વાસ્તવિકતા બનવામાં સમય લાગશે.
જાણકારોના જણાવ્યા અનુસાર ચીન તેની ડિઝાઇનમાંના પડકારોમાંથી પાર ઊતરશે પછી પણ બીજા પડકારો યથાવત રહેશે.
અવાજની ગતિ
એ પડકારોમાં ગરમીથી બચવાનો પડકાર એક છે.
વધુ એક મુદ્દો તેમાં પેદા થનારા જોરદાર અવાજનો પણ છે. એ બાબતે હજુ કશું વિચારવામાં આવ્યું નથી.
કોઈ વિમાન અવાજની ગતિને પાર કરી લે ત્યારે શોકવેવ્ઝ પેદા થાય છે.
સરળ શબ્દોમાં સમજીએ તો હાઇપરસોનિક વિમાન જોરદાર અવાજ પેદા કરશે અને એ અવાજ એટલો જોરદાર હશે કે તેનાથી કાચ તૂટી શકે છે.
ભવિષ્યનાં હાઇપરસોનિક વિમાનો માટે એન્જિનનો મુદ્દો વધારે જટિલ છે.
પરંપરાગત જેટ એન્જિન
જે વિમાન મેક ફાઇવની ગતિ હાંસલ કરી લે તેને સ્ક્રેમજેટ એન્જિન વડે ચલાવી શકાય છે.
સ્ક્રેમજેટ એન્જિન એક એવું જેટ એન્જિન છે, જે પ્રવાસ દરમ્યાન હવા શોષતું હોય છે અને તેનો ઉપયોગ ઇંધણના દહનમાં કરતું હોય છે.
પણ તેમાં એક મોટો પડકાર છે. આવું એન્જિન માત્ર મેક ફાઇવથી વધુ સ્પીડે જ ચલાવી શકાય છે.
તેનો અર્થ એ થયો કે પ્લેનને મેક ફાઇવની ગતિ સુધી પહોંચાડી શકાય તેવા વધુ એક એન્જિનની જરૂર પડશે.
નિષ્ણાતો જણાવે છે કે એ અત્યંત શક્તિશાળી અને પરંપરાગત જેટ એન્જિન હોઈ શકે છે. તેમાં આખરે તો બન્ને એન્જિનોના કોમ્બિનેશનની જરૂર પડશે.
યુનિવર્સિટી ઓફ ક્વીન્સલેન્ડમાં હાઇપરસોનિક સ્ટડીઝના પ્રોફેસર માઇકલ સ્માર્ટ કહે છે, "આ પ્રકારનું એન્જિન તૈયાર કરવાની દિશામાં ચીનમાં કેટલાંક વર્ષોથી કામ ચાલી રહ્યું છે. તેઓ સફળ થશે તો મોટી સિદ્ધિ ગણાશે."
ફાયદાકારક છે કે નહીં?
ટેક્નિકલ કૌશલ્ય અને સંભવિત સફળતાને બાજુ પર રાખીને વિચારીએ તો સવાલ થાય કે બિઝનેસના દૃષ્ટિકોણથી હાઇપરસોનિક વિમાનો લાભકારક સાબિત થશે?
કૉન્કોર્ડ વિમાનની ડિઝાઇન ધ્યાનમાં લો તો તમારા મનમાં સવાલ ઊભા થશે.
કૉન્કોર્ડ વિમાને 1969માં પહેલી ઉડાન ભરી ત્યારે તેને વિમાન ઉદ્યોગનું ભવિષ્ય ગણાવવામાં આવ્યું હતું.
તેનું બહુ ઓછું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આખરે 2003માં કૉન્કોર્ડને હટાવી લેવાયાં હતાં. તેના ઉત્તરાધિકારી વિશે પણ કશું જણાવવામાં આવ્યું ન હતું.
કૉન્કોર્ડ સફળ ન થયાં તેનું કારણ એ હતું કે તેમાં પ્રવાસ કરવાનું પ્રવાસીઓ માટે બહુ મોંઘું હતું.
જોરદાર અવાજનો મુદ્દો પણ ભૂલવો ન જોઇએ. કૉન્કોર્ડને માત્ર સમુદ્ર પરથી પસાર થતી વખતે જ અવાજની ગતિથી વધુ ઝડપે ઉડવાની પરવાનગી આપવામાં આવી હતી.
એ નિયમ આખા એટલાન્ટિક વિસ્તાર માટે હતો. તેથી તેની વ્યાપારી સંભાવના પર માઠી અસર પડી હતી.
તાજેતરનાં વર્ષોમાં સુપરસોનિક વિમાનોના નિર્માણની દિશામાં કંપનીઓનો રસ વધ્યો છે, પણ અત્યારે એ બધાં પ્રાથમિક તબક્કામાં છે.
ફ્લાઇટ ગ્લોબલનાં એલિસ ટેલર કહે છે, "વ્યાપારી દૃષ્ટિએ આ સપનું હકીકત બનતાં હજુ પંદરથી વીસ વર્ષ લાગશે. હાલ તો તેના માટેનું કોઈ માર્કેટ પણ નથી."
"એર ટ્રાવેલના ભાડામાં ઐતિહાસિક ઘટાડો થયો છે અને હાઇપરસોનિક ફ્લાઇટ માટે પ્રવાસીઓ શોધવાનું કામ મુશ્કેલ હશે."
લશ્કરી સ્પર્ધા
ચીનના મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે હાઇપરસોનિક પ્લેન યોજના સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો સૈનિક યોજનાઓ સાથે પણ જોડાયેલા છે.
આ હાઇપરસોનિક મહત્વાકાંક્ષાના કેન્દ્રમાં ચીનના લશ્કરી હેતુ પણ સામેલ છે.
એર સર્વેલન્સના સંદર્ભમાં હાઇપરસોનિક વિમાનોને તરત જ તહેનાત કરી શકાશે અને તેમને ઇન્ટરસેપ્ટ કરવાનું બહુ મુશ્કેલ હશે.
હાઇપરસોનિક વિમાનોની દિશામાં કરવામાં આવી રહેલું સંશોધન હાઇપરસોનિક મિસાઈલ તરફ આગળ વધશે એવું માનવામાં આવે છે.
આ ક્ષેત્રમાં અમેરિકા, ચીન અને કેટલીક હદે રશિયા પણ એક ખેલાડી છે.
અહીં વધુ એક મુદ્દો એ છે કે લશ્કરી સંશોધનોને અત્યંત ગુપ્ત રાખવામાં આવતાં હોય છે. તેથી આ મોરચે કોણ આગળ છે એ જાણવાનું મુશ્કેલ બનશે.
પ્રોફેસર સ્માર્ટના જણાવ્યા અનુસાર, અમેરિકા ઐતિહાસિક રીતે હંમેશા આગળ રહ્યું છે અને ચીન પણ એ દિશામાં ગતિ પકડી રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો