તુર્કીમાં વિચિત્ર અકસ્માત, સમુદ્રમાં પડતાં પડતાં રહી ગયું પ્લેન!

વિમાન અકસ્માતના તમે અનેક કિસ્સાઓ વિશે સાંભળ્યું હશે પરંતુ તુર્કીના એક એરપોર્ટ પર વિચિત્ર અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે.

અહીં એરપોર્ટ પર પ્લેન લૅન્ડિંગ વખતે રન વે પરથી નીચે ઉતરી દરિયા તરફ જતું રહ્યું.

આ ઘટના સમયે પ્લેનમાં બેઠેલા મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા. પ્લેનમાં બેઠેલા લોકો ધક્કામુક્કી અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

પૅગસુસ એરલાઇન્સનું બૉઇંગ 737-800 પ્લેને 168 મુસાફરો અને ક્રુ સાથે તુર્કીનાં અંકારા શહેરથી ઉડાન ભરી હતી.

પ્લેન તુર્કીના જ કાળા સમુદ્ર પાસે આવેલા ટ્રેબઝૉનમાં ઊતરી રહ્યું હતું ત્યારે આ દુર્ધટના ઘટી હતી.

રનવે સમુદ્રની સપાટીથી થોડોક ઉપર છે અને તેના કિનારા પર માટીનો ઢાળ છે જેની બાજુમાં સમુદ્ર છે.

સમુદ્ર તરફ ઢળ્યું પ્લેન

રનવે પર ઉતરાણ કરતી વખતે પ્લેન રન વેની બહાર નીકળી ગયું અને દરિયાની તરફ ઢળી પડ્યું હતું.

પ્લેન કિનારા પર આવીને લટકી પડ્યું અને રેતીમાં તેનાં પૈડાં ખૂંપી ગયાં હતાં.

વિમાનનો આગલો ભાગ સમુદ્ર તરફ હતો અને દરિયામાં પડતા-પડતા રહી ગયું હતું.

ગવર્નર યુસેલ યાવુઝે જણાવ્યું હતું કે વિમાનમાં હાજર તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

એનાદોલુ ન્યૂઝ એજન્સી અનુસાર પ્લેન નિયંત્રણ બહાર થતાં મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

ઘટનાસ્થળની તસવીરો દ્વારા એ સ્પષ્ટ થાય છે કે સમુદ્રના કાંઠેથી થોડા અંતરે વિમાન માટીમાં અટકી ગયું હતું.

પેસેન્જર ફાતમા ગૉર્ડુ, જે આ વિમાનમાં સવારી કરતાં હતાં તેમણે કહ્યું, "અમે એક બાજુ પર ઝુકેલા હતા. પ્લેનનો આગલો ભાગ નીચે તરફ હતો અને પાછળનો ભાગ ઉપર તરફ હતો. લોકો બૂમો પાડી રહ્યા હતા અને ભયનું વાતાવરણ હતું."

યૂસલ યાવુઝે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન એરપોર્ટ કેટલાક કલાકો સુધી બંધ કરવામાં આવ્યું હતું.

પૅગસુસ એરલાઈન દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું, ''જ્યારે વિમાન ટ્રેબઝૉનના રનવે પર ઉતરાણ કરી રહ્યું હતું ત્યારે રન વે બહાર નીકળી ગયું હોવાની ઘટના બની છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો