You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડાયાબિટીસ એક નહીં, પાંચ અલગઅલગ બીમારી છે!
- લેેખક, જેમ્સ ગેલાઘર
- પદ, સ્વાસ્થ્ય અને વિજ્ઞાન સંવાદદાતા, બીબીસી ન્યૂઝ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ ખરેખર પાંચ અલગ અલગ બીમારીઓ છે અને આ દરેક બીમારીનો ઇલાજ પણ અલગ અલગ થવો જોઈએ.
ડાયાબિટીસ શરીરમાં સુગરની માત્રા વધી જવા પર થાય છે અને આ બીમારીને સામાન્યતઃ બે પ્રકારમાં વહેંચવામાં આવી છે, ટાઇપ-1 અને ટાઇપ-2.
પરંતુ સ્વીડન અને ફિનલૅન્ડના સંશોધકોનું માનવું છે કે તેમણે આ બીમારી સાથે જોડાયેલી વધારે જટિલ તસવીર લોકોની સામે લાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે અને તેનાથી ડાયાબિટીસ ના ઇલાજની રીત બદલાઈ શકે છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે આ સંશોધનથી ડાયાબિટીસ વિશે ઘણી નવી જાણકારીઓ મળે છે. પરંતુ હાલ તો આ સંશોધનના આધારે ડાયાબિટીસના ઇલાજમાં ફેરફાર કરી શકાતા નથી.
પાંચ પ્રકારની બીમારી ડાયાબિટીસ
સમગ્ર વિશ્વ દર 11માંથી એક વયસ્ક ડાયાબિટીસથી પીડિત છે. ડાયાબિટીસના કારણે હૃદયરોગનો હુમલો, સ્ટ્રોક, અંધાપો અને કિડની ફેઇલ થવાનો ખતરો રહે છે.
ટાઇપ-1 પ્રકારના ડાયાબિટીસની અસર મનુષ્યની પ્રતિરક્ષા પ્રણાલી (ઇમ્યૂન સિસ્ટમ) પર પડે છે. તે શરીરની ઇન્સ્યુલિન ફેક્ટરી (બેટા-સેલ) પર હુમલો કરે છે જેના કારણે આપણા શરીરમાં સુગરની માત્રા નિયંત્રિત કરવા માટે હૉર્મોન પર્યાપ્ત માત્રામાં બનતા નથી.
ટાઇપ-2 પ્રકારના ડાયાબિટીસનું કારણ સામાન્યપણે ખોટી જીવનશૈલી હોય છે જેના કારણે શરીરમાં ચરબી વધવા લાગે છે અને તે ઇન્સ્યુલિન પર અસર બતાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્વીડનની લ્યુંડ યુનિવર્સિટી ડાયાબિટીસ સેન્ટર અને ફિનલૅન્ડના ઇન્સ્ટિટ્યૂટ ફૉર મૉલિક્યૂલર મેડિસિને 14,775 ડાયાબિટીસના દર્દીઓના લોહીની તપાસ કરી પરિણામ બતાવ્યાં છે.
આ પરિણામ લેંસેટ ડાયાબિટીસ ઍન્ડ એંડોક્રિનોલોજીમાં પ્રકાશિત થયાં છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ડાયાબિટીસના દર્દીઓને પાંચ અલગ અલગ ક્લસ્ટરમાં વહેંચી શકાય છે.
ક્લસ્ટર 1- ગંભીર પ્રકારનો ઑટો ઇમ્યૂન મધુપ્રમેહ મોટાભાગે ટાઇપ-1 ડાયાબિટીસ જેવો છે. તેની અસર યુવાનીમાં જોવા મળે છે. જ્યારે યુવાનો સ્વસ્થ હોય છે અને પછી તે તેમના શરીરમાં ઇન્સ્યુલિન બનાવવાની માત્રા ઓછી કરવા લાગે છે.
ક્લસ્ટર 2- ગંભીર પ્રકારના ઇન્સ્યુલિનની ખામીવાળા મધુપ્રમેહને પ્રારંભિક તબક્કામાં ગ્રૂપ-1ની જેમ જ જોવામાં આવે છે. તેના પીડિત યુવાનો હોય છે. તેમનું વજન પણ ઠીક રહે છે પરંતુ ઇન્સ્યુલિન બનાવવાની ક્ષમતા ઓછી થવા લાગે છે અને તેમની ઇમ્યુન સિસ્ટમ પણ કામ કરતી નથી.
ક્લસ્ટર 3- ગંભીર રૂપે ઇન્સ્યુલિન પ્રતિરોધી મધુપ્રમેહના શિકાર દર્દીનું વજન વધેલું હોય છે. તેમના શરીરમાં ઇન્સ્યુલિન બની તો રહ્યું હોય છે પરંતુ શરીર પર તેની અસર જોવા મળતી નથી.
ક્લસ્ટર 4- થોડી મેદસ્વિતા સાથે જોડાયેલા ડાયાબિટીસથી પીડિત લોકો સામાન્યપણે વધારે વજન ધરાવે છે. તેમની પાચન ક્ષમતા ક્લસ્ટર 3 વાળા લોકો જેવી હોય છે.
ક્લસ્ટર 5- ઉંમર સાથે જોડાયેલા ડાયાબિટીસના દર્દીઓ સામાન્યપણે પોતાની જ ઉંમરના બાકી લોકોથી વધારે ઉંમર ધરાવતા દેખાય છે.
કયા પ્રકારના ડાયાબિટીસનો ઇલાજ સૌથી વધારે જલદી થવો જરૂરી?
સંશોધનમાં સામેલ એક પ્રોફેસર લીફ ગ્રુફે બીબીસીને જણાવ્યું, "આ સંશોધન ખૂબ મહત્ત્વપૂર્ણ છે કેમ કે તેના માધ્યમથી આપણે ડાયાબિટીસની સટીક દવાઓ તરફ આગળ વધી શકીએ છીએ. આદર્શ સ્થિતિમાં તો આ ઇલાજને મધુપ્રમેહની ઓળખ થયા બાદ તુરંત શરૂ કરી દેવો જોઈએ."
પ્રોફેસર લીફ કહે છે કે છેલ્લા બે પ્રકારના ડાયાબીટીસની સરખામણીએ પહેલા ત્રણ પ્રકારના ડાયાબિટીસનો ઇલાજ જલદી શરૂ થવો જોઈએ.
ક્લસ્ટર 2ના દર્દીઓને હાલ ટાઇપ-2 પ્રકારના ડાયાબિટીસની શ્રેણીમાં રાખવામાં આવે છે. કેમ કે તે લોકો ઑટોઇમ્યૂનથી પીડિત હોતા નથી.
જોકે, સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે જે દર્દીઓને આ શોધમાં સામેલ કરવામાં આવ્યા તેમાંથી મોટાભાગના દર્દીઓ ટાઇપ-1 ડાયાબિટીસથી પીડિત હતા.
ક્લસ્ટર 2ના દર્દીઓમાં અંધાપાનો ખતરો વધારે રહે છે જ્યારે ક્લસ્ટર 3માં કિડની ફેઇલ થવાનો ખતરો વધારે રહે છે.
લંડનની ઇમ્પિરીયલ કૉલેજમાં સલાહકાર અને ક્લીનિકલ સાયન્ટીસ્ટ ડૉક્ટર વિક્ટોરિયા સલેમ કહે છે કે મોટાભાગના વિશેષજ્ઞો શરૂઆતથી જ માનતા હતા કે ટાઇપ 1 અને ટાઇપ 2માં ડાયાબિટીસને માત્ર બે શ્રેણીઓમાં વહેંચવું અયોગ્ય હતું.
આ સંશોધન આમ તો માત્ર નોર્વે, સ્વીડન, ડેનમાર્ક, ફિનલૅન્ડ અને આઇસલૅન્ડના લોકો પર જ કરવામાં આવ્યું છે અને દુનિયાભરમાં તેનાં પરિણામ બદલાઈ શકે છે.
ડૉક્ટર સલેમ કહે છે, "સમગ્ર દુનિયામાં ડાયાબિટીસથી પીડિત લોકોની ઘણી શ્રેણીઓ બનાવી શકાય છે. વિશ્વભરમાં આનુવંશિક અને સ્થાનિક પર્યાવરણના આધારે આશરે 500 ઉપસમૂહ બનાવી શકાય છે. આ સ્ટડીમાં તો માત્ર પાંચ ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે પરંતુ વધારે પણ હોઈ શકે છે."
વૉરવિક મેડિકલ સ્કૂલમાં મેડિસિનના પ્રોફેસર સુદેશ કુમાર કહે છે, "આપણે એ જાણવાની જરૂર છે કે શું આ તમામ ક્લસ્ટરનો અલગ અલગ ઇલાજ કરવાથી શું પરિણામમાં કંઈ ફેરફાર આવશે?"
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો