You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મધમાખીઓ પગની ચામડીમાં ફરતી હોય એવું લાગે એ બીમારી કઈ છે?
મેરી છેલ્લાં કેટલાંક વર્ષોથી સારી રીતે ઊંઘવાનો પ્રયાસ કરે છે. કેમ કે તેમને લાગે છે કે જાણે તેમના પર કીડીઓએ હુમલો કરી દીધો છે.
પોતાના પીડાકારક અનુભવને વ્યક્ત કરતાં તેઓ કહી રહ્યાં છે, "આ કંઈક એવું છે જાણે લાગે છે કે મધમાખીઓ તમારા પગની ચામડીની અંદર ઘૂસી ગઈ છે."
80 વર્ષીય ઇતિહાસકાર RLS (રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ) નામની બીમારીથી પીડિત છે. આ બીમારીના લીધે તેઓ રાતભર પરેશાન રહે છે.
તેઓ કહે છે, "આ બીમારીના કારણે પગમાં ખંજવાળનો અનુભવ થાય છે અને ભર ઊંઘમાંથી ઊઠીને ચાલવા માટે લાચાર થવું પડે છે. સારી રીતે ઊંઘી શકાતું નથી કારણ કે પગમાં કીડીઓ કરડતી હોય તેવું લાગે છે."
તેના લક્ષણ એટલા ગંભીર હતાં કે તેમને રાત્રે ઊંઘવાનું પણ મન થતું નથી.
'ઊંઘ નથી આવતી'
મેરીને ખબર નથી કે આ સમસ્યાની શરૂઆત ક્યારે થઈ. પરંતુ તેમને ઘણાં વર્ષો સુધી આ બીમારી વિશે ખબર પડી ન હતી.
તેમણે જણાવ્યું, "લોકો કહેતા હતા કે તમારી માંસપેશીઓ ખેંચાઈ ગઈ છે. તેઓ અલગ અલગ પ્રકારની સલાહ પણ આપતા હતા અને મેં તે માની તેનો અમલ પણ કર્યો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ તેની કોઈ અસર ન થઈ. તેમણે પોતાના પગ પર તેલ પણ લગાવ્યું જેથી બળતરા ઓછી થઈ જાય. પરંતુ કોઈ ફેર પડ્યો નહીં.
ત્યારબાદ તેમને લંડનમાં ગાયઝ એન્ડ સેન્ટ થૉમસ હૉસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા જ્યાં ન્યૂરોલૉજિસ્ટ ડૉક્ટર ગાય લૈશજાઇનર તેમનો ઇલાજ કરી રહ્યા છે.
ડૉક્ટર લૈશજાઇનર જણાવે છે, "રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ એક સામાન્ય ન્યૂરોલૉજિકલ ડિસઑર્ડર છે જેના કારણે રાતમાં પગને હલાવવાની ઇચ્છા થાય છે. તેના કારણે પગમાં ઉત્તેજના થાય છે."
"આ બીમારી દર વીસમાંથી એક વયસ્કને થાય છે અને તેના કારણે ઊંઘ પણ ખૂબ ઓછી આવે છે."
મેરી રોઝની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તેઓ રાત્રે માત્ર થોડા જ કલાક ઊંઘી શકે છે અને ક્યારેક ક્યારેક તેનાથી પણ ઓછી ઊંઘ કરે છે.
તેમણે કહ્યું, "ઘણીવાર હું આખી રાત જાગીને પસાર કરું છું."
બેચેનીનો આ અનુભવ આનુવંશિક છે પરંતુ આયર્નની ખામી અને ગર્ભધારણ સહિત ઘણાં કારણોથી આ બીમારી થઈ શકે છે. તેનો ઇલાજ પણ સહેલો છે.
કેટલાક લોકો કૅફીન, આલ્કોહોલ લેવાનું બંધ કરે અને થોડી દવાઓ તેમજ કસરત કરે તો આ બીમારી દૂર થઈ શકે છે. પરંતુ કેટલાક લોકોને દવાઓ લેવાની જરૂર પડે છે.
મેરી રોઝની હાલત એટલી ગંભીર છે કે તેમની પાસે માત્ર દવાઓ લેવાનો વિકલ્પ છે.
જેથી ડૉક્ટર લૈશજાઇનર તેમની બીમારીને નિયંત્રિત કરવા માટે દવાઓના મિશ્રણનો ઉપયોગ કરી રહ્યા છે. તેનાંથી તેમને થોડો ફાયદો થઈ રહ્યો છે.
તેઓ ખુશીથી કહે છે, "મારા પગની બેચેનીમાં હવે મને થોડી રાહત મળી છે.
"ક્યારેક ક્યારેક મને ફરી આ સમસ્યા થાય છે જે ખૂબ ભયાનક હોય છે અને તેના કારણે મારે આખી રાત સુધી ચાલવું પડે છે."
"પરંતુ તેમાં મારી જ ભૂલ છે કેમ કે કેટલીક વખત હું દવાઓ લેવાનું ભૂલી જઉં છું."
ધ્યાન ભટકાવવાની રીત
મેરી રોઝનો ઇલાજ ચાલી રહ્યો છે તેમ છતાં તેઓ રાત્રે ઊંઘી નથી શકતાં.
તેઓ કહે છે, "મારા પગ પર પહેલાં કરતા વધારે નિયંત્રણ છે અને તેના કારણે મારી ઊંઘ વધારે બગડતી નથી. કદાચ વહેલી સવારે ત્રણ કલાકે એવો સમય હોય છે જ્યારે મારી આંખ ખુલી જાય છે."
ડૉક્ટર લૈશજાઇનર કહે છે કે આ અસામાન્ય નથી.
તેઓ જણાવે છે, "ઘણાં વર્ષોથી જે લોકોને ઊંઘ સંબંધી સમસ્યા હોય છે તેમની અંદર આ વાત સામાન્ય છે. તેમને આ પ્રકારની ઊંઘની ટેવ પડી જાય છે."
ઊંઘ ઉડી જવી અથવા તો ઓછી થઈ જવી અને રાત્રિનો ડર વર્ષો સુધી પરેશાન કરે છે.
આ સાથે જ મેરી રોઝે ઘણાં વર્ષો સુધી ઊંઘમાં મુશ્કેલીનો અનુભવ કર્યા બાદ ઇન્સોમ્નિઆના ઇલાજ માટે પોતાની અવનવી રીત પણ શોધી કાઢી છે.
તેઓ જણાવે છે, "ઑડિયો બુક અથવા તો સંગીત સાંભળવાથી મારું મગજ કામ કરવાનું બંધ કરી દે છે અને મને ઊંઘ આવવા લાગે છે. પરંતુ તેનો એ મતલબ નથી કે મને બે કલાક કરતા વધારે ઊંઘ આવે છે."
ડૉ. લૈશજાઇનરે જણાવ્યું, "તેનાંથી તમે તમારું ધ્યાન ભટકાવવા પ્રયાસ કરો છો."
"વાર્તા કે સંગીતનો વિચાર કરતા સમયે તમે ઊંઘ વિશે નથી વિચારતા. તમારું મગજ નિષ્ક્રિય થવા લાગે છે અને પછી ધીરે ધીરે ઊંઘ આવવા લાગે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો