ગુજરાતી પિતાની અરજ, 'સરકાર મારા દીકરાને જીવાડી ન શકે તો શાંતિથી મૃત્યુ આપે'

    • લેેખક, શૈલી ભટ્ટ
    • પદ, બીબીસી ગુજરાતી

સુપ્રીમ કોર્ટે ગંભીર અસાધ્ય બીમારીથી પીડાતાં દર્દીઓને સ્વેચ્છાથી મૃત્યુ પામવાના અધિકાર (યૂથનેઝિઆ)ને કાયદેસરતા બક્ષી છે.

કૉમન કૉઝ નામની બિન સરકારી સંસ્થા દ્વારા કરવામાં આવેલી અરજીના જવાબમાં આ ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ માટેનાં દિશાસૂચન પણ કર્યા છે.

સુપ્રીમ કોર્ટનો આ સિમાચિહ્નરૂપ ચુકાદો અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રહેતા દિનેશ મૈસુરિયા માટે કેટલાક મુશ્કેલ અને અસહ્ય નિર્ણય લેવાનું શક્ય બનાવી શકશે?

પુત્રના ઇચ્છામૃત્યુ માટે વડાપ્રધાનને પત્ર

દિનેશ મૈસુરિયાએ ડિસેમ્બર 2017માં પોતાના દીકરા પાર્થને ઇચ્છામૃત્યુ માટે પરવાનગી માગતો પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો હતો.

બાર વર્ષનો પાર્થ સબએક્યુટ સ્ક્લેરોસિંગ પેનેસિફાલાઇટિસ (એસએસપીઈ)થી પીડાઈ રહ્યો છે.

જે એક મગજને લગતી અસાધ્ય બીમારી છે. તેમાં સતત આવતી આંચકીને કારણે દર્દી તેની હલનચલન પરનું નિયંત્રણ ગુમાવી દે છે.

તમને આ વાંચવું પણ ગમશે:

દિનેશ મૈસુરિયા કહે છે, "એક સમયે ધિંગામસ્તી કરતો પાર્થ ખૂબ સરસ ડાન્સ કરી શકતો.

"નાની ઉંમરમાં તેની કલ્પનાને શબ્દોથી સજાવીને કવિતા પણ લખતો."

પરિવારનું જીવન બદલાઈ ગયું

જ્યારથી તેને આ બીમારી લાગુ પડી છે, માત્ર તેનું જ નહીં સમગ્ર પરિવારનું જીવન બદલાઈ ગયું છે.

તેમણે કહ્યું, "અમારો પરિવાર ખુબ જ સુખી હતો. હું હીરા ઘસવાનું કામ કરતો હતો. આર્થિક રીતે પણ કોઈ મુશ્કેલી નહોતી.

"પાર્થ પણ સ્કૂલે જતો, સરસ ભણતો. તેને સંગીતમાં પણ રસ હતો.

"હવે પાર્થ સરખી રીતે જમી પણ નથી શકતો, કારણ કે બીમારીને કારણે તે તેની જીભ પણ હલાવી નથી શકતો."

દિનેશ મૈસુરિયા ઉમેરે છે, "અમારે તેને માત્ર પ્રવાહી ખોરાક જ આપવો પડે છે. અમે તેની સારવાર પાછળ લગભગ બાર લાખ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે.

"મારી બચત, મારી પત્નીનું સોનું બધું જ અમે વેચી નાખ્યું છે."

શરૂઆતમાં મળી હતી સારવાર

તેમણે કહ્યું, "અમે વડાપ્રધાનને પહેલી વખત પત્ર લખ્યો, ત્યારે તેમણે કરેલી વ્યવસ્થાથી બે વર્ષ પહેલાં પાર્થને માટે નવી દિલ્હીની ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઇમ્સ)માં વિના મૂલ્યે સારવાર મળી હતી.

"પરંતુ તેની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી."

પાર્થની સાર-સંભાળ લેવા માટે દિનેશે હીરા ઘસવાની તેમની નોકરી છોડી દીધી. તેમને એક દીકરી પણ છે.

દિનેશભાઈએ કહ્યું, "હું હાલમાં મજૂરવર્ગને ભોજન પૂરું પાડવાનું કામ કરીને દિવસના દોઢસોથી બસો રૂપિયા કમાઈ લઉં છું.”

“પાર્થની સારવાર કરવા માટે હવે મારી પાસે કંઈ જ નથી બચ્યું. અમે તેને પળે-પળે પીડાતો નથી જોઈ શકતા.”

વડાપ્રધાનને બીજો પત્ર

તેમણે વધુમાં કહ્યું, “એટલા માટે મેં વડાપ્રધાનને તેને ઇચ્છામૃત્યુ આપવાની પરવાનગી માગતો બીજો પત્ર લખ્યો હતો. જો સરકાર જીવાડી ન શકે તો શાંતિથી મૃત્યુ પામવાની તો મંજૂરી આપે."

દિનેશ મૈસુરિયાને જ્યારે બીબીસી ગુજરાતીએ સુપ્રીમ કોર્ટના ઇચ્છામૃત્યુ વિશેનાં ચુકાદાની જાણ કરી ત્યારે તેમણે કહ્યું,

"જો સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો છે, તો હું એમની પાસે પણ મારા દીકરા માટે ઇચ્છામૃત્યુની મંજૂરી માગતી અરજી કરીશ."

કોણ લેશે નિર્ણય?

જોકે, બાર વર્ષની ઉંમરે ઇચ્છામૃત્યુની માંગણી બાળક ન કરી શકે. તો શું તેના મૃત્યુ માટે માતાપિતા નિર્ણય લઈ શકે?

અરુણા શાનબાગ માટે ઇચ્છામૃત્યુની અરજી અને કાનૂની લડત આપનારાં પિંકી વિરાણી સાથે બીબીસી ગુજરાતીએ આ વિશે વાત કરી.

મુંબઈમાં બળાત્કારનો ભોગ બન્યા અરુણા શાનબાદ 42 વર્ષ સુધી અવચેતન અવસ્થામાં મુંબઈની હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતાં રહ્યાં હતાં.

તેમણે કહ્યું, "આ એક અસ્પષ્ટ બાબત છે. જોકે, ટેક્નિકલી સગીર વયના બાળકો માટેના તમામ નિર્ણયો માતાપિતા લેતાં હોય છે.

"એટલે આ મામલે પણ આમ થઈ શકે, પરંતુ વધુ સ્પષ્ટતા માટે સુપ્રીમ કોર્ટે કરેલા દિશાસૂચનનો અભ્યાસ કરવો પડે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો