બેટી બચાવોઃ ગુજરાતને નંબર 1ની દોડ મંજૂર નથી

    • લેેખક, ગૌરાંગ જાની
    • પદ, બીબીસી ગુજરાતી માટે

એકવીસમી સદીનાં પ્રારંભે દેશ અને દુનિયા સાથે ગુજરાતના લોકોએ પણ નવી સદીના સપના જોયાં. 2000 વર્ષ પછીનું નવું ગુજરાત કેવું હશે તેના વિષે ચર્ચાઓ થઈ, લેખો લખાયા, સંશોધનો થયા.

આ આશાના વાતાવરણમાં એક નિરાશાના દર્શન પણ થયા. વર્ષ 2001ની વસ્તીગણતરીએ સમાજ જીવનની એક ઘેરી કટોકટી ગુજરાતના બારણે ટકોરા દેતી સામે આવી.

વર્ષ 2001માં 0-6 વયજૂથનાં બાળકોમાં 1000 છોકરાઓએ 883 છોકરીઓ હતી. તેમાં નજીવો વધારો (886) 2011ની વસ્તી ગણતરીમાં નોંધાયો.

તમને આ પણ વાંચવું ગમશે

આ નજીવો વધારો જોઈ ગુજરાત સરકાર રાજી થઈ હશે, પરંતુ દેશના અન્ય રાજ્યોની તુલના નહીં કરવી એવી માનસિકતાએ "બેટી બચાવો" નારાવાળા અભિયાનને તરતું મુકવામાં આવ્યું.

જોકે, મહિલાઓની અછત ધરાવતી જ્ઞાતિઓએ આ કટોકટીને ગંભીરતાથી લીધી અને પ્રયત્નો આરંભ્યા.

વર્ષ 2001 બાદ 17 વર્ષે ગુજરાત એકાએક સફાળુ જાગ્યું નીતિ આયોગના અહેવાલથી.

ફેબ્રુઆરી 2018 માં દેશની એનડીએ સરકારે સ્થાપેલ નીતિ આયોગે "Healthy States, Progressive India" નામે અહેવાલ પ્રગટ કર્યો.

અહેવાલમાં દેશની આરોગ્યવિષયક પરિસ્થિતિનાં લેખાજોખા કરવામાં આવ્યા. તેમાં જાતિ પ્રમાણનાં ક્ષેત્રે ગુજરાત કેટલું અને કેવું પછાત છે તે સ્પષ્ટ થઈ ગયું.

લેખના કોષ્ટકમાં દર્શાવેલ માહિતી ગુજરાત માટે અત્યંત ચિંતાજનક છે. 2011-13 અને 2014-16 નાં ટૂંકા ગાળામાં જન્મ સમયનાં જાતિ પ્રમાણમાં ૬૩ પોઈન્ટનો ઘટાડો થયો.

એટલે એ સ્પષ્ટ થયું કે બેટી બચાવવામાં પ્રગતિને સ્થાને આપણે અધોગતિ પામ્યાં.

શેર બજારમાં ઘટાડો વધારો થાય ત્યારે ચોંકી ઊઠતા ગુજરાતીઓ જાતિ પ્રમાણનાં ઘટાડાથી ચિંતિત નહીં થાય તો ભાવિ ગુજરાતણો અસલામત છે.

સેમ્પલ રજીસ્ટ્રેશન સર્વે 2016 ની આંકડાકીય માહિતી ગુજરાતમાં દીકરીઓ પ્રત્યેની નારાજગી અને ભેદભાવ વધતા જાય છે તેનો નિર્દેશ કરે છે.

અહીં એ પણ નોંધીએ કે છેલ્લા વર્ષોમાં દીકરીઓનાં જન્મમાં થયેલો ઘટાડો ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ છે.

પરંતુ ગુજરાત તેમાં મોખરે છે, ગુજરાતીઓની ભાષામાં નંબર 1 છે.

ગુજરાતમાં ઘટતી જતી બાળકીઓનાં કારણો શું છે એ વિષે સરકારે ઉચ્ચસ્તરિય કમિટી બનાવી તેની ગહન તપાસ કરવાનો સમય પાકી ગયો છે.

એક સંતાન અને તેમાં પણ પુત્ર પ્રાપ્તિ બાદ પરિવાર નિયોજન કરતાં પરિવારોનું પ્રમાણ વધ્યું છે.

પ્રથમ સંતાન પુત્ર જન્મે ત્યારબાદ દીકરી ના જન્મે એ માટે ભ્રૂણહત્યાનો માર્ગ ગુજરાતીઓએ સ્વીકાર્યો.

ગુજરાતમાં PCPNDT એક્ટ જાણે કાગળ પર કાનૂન બની ગયો છે.

દેશના અન્ય રાજ્યોમાં આ કાનૂનનો ભંગ કરનાર ગુનેગારો જેલના સળિયા પાછળ છે.

ગુજરાતમાં આવો એક પણ ગુનેગાર જેલની હવા ખાતો નથી.

ગુજરાતની એક કમનસીબી છે કે અસામાજીક સમસ્યાઓ અને કટોકટી નજર સમક્ષ છતાં તેનાં નિરાકરણમાં ઉદાસીનતા જોવામાં આવે છે.

પુરુષોની તુલનાએ સ્ત્રીઓની અછતનો પ્રશ્ન ગુજરાતમાં બે સદી પુરાણો છે, પરંતુ ગુજરાતીઓ આજે એ બે સદીનો બોધપાઠ લેવા તૈયાર નથી.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો