સ્કૂલોમાં ધાર્મિક શિક્ષણ આપવાની હિલચાલ?

કેંદ્રીય પ્રધાન મેનકા ગાંધીએ શાળાના અભ્યાસક્રમમાં તમામ ધર્મના પુસ્તકોનો સમાવેશ કરવા અને નૈતિક મૂલ્યોના પાઠ ભણાવવા માટે માનવ સંસાધન મંત્રાલયને સૂચન કર્યું છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર 'સેન્ટ્રલ અડ્વાઇઝરિ બોર્ડ ઑફ એજ્યુકેશન'ની 65મી બેઠકમાં આ સૂચન કર્યું હતું. આ બેઠક જાન્યુઆરી 15 અને 16 ના રોજ યોજાઈ હતી.

આ સૂચન કરવા પાછળ તેમનો તર્ક એવો હતો કે આમ કરવાથી વિદ્યાર્થીઓમાં ધાર્મિક સહિષ્ણુતા વધશે.

જેમાં ઓડિશાના શિક્ષણ મંત્રી બદ્રી નારાયણે પણ ધાર્મિક સહિષ્ણુતા અને દેશભક્તિને પ્રોત્સાહિત કરવા માટે અભ્યાસક્રમ બદલવા બેઠકમાં સલાહ આપી હતી.

શિક્ષણના ક્ષેત્ર અંગેની બાબતોમાં નિર્ણય લેવાની સત્તા ધરાવતી આ સર્વોચ્ચ સંસ્થા છે.

બેઠકમાં એક અન્ય સૂચન એવું પણ કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં હાજરી પુરાવતી વખતે 'યસ સર કે યસ મેડમ'ની જગ્યાએ 'જય હિંદ' બોલવામાં આવવું જોઈએ.

શું ખરેખર ધાર્મિક સહિષ્ણુતા વધશે?

દરમિયાન મહત્ત્વપૂર્ણ સવાલ એ છે કે શાળામાં આ પ્રકારના નિયમો લાગુ કરવાથી ખરેખર બાળકોમાં ધાર્મિક સહિષ્ણુતા વધી શકશે?

વળી આ સમગ્ર નીતિ કઈ રીતે લાગુ કરવામાં આવશે? અને કયા પુસ્તકો સામેલ કરવામાં આવશે?

અગત્યનો સવાલ એ પણ છે કે ખરેખર આવું કરવાની જરૂર શું છે?

આ મામલે બીબીસીએ રાજકીય વિશ્લેષક મનીષી જાની સાથે વાતચીત કરી.

તમને આ પણ વાંચવું ગમશે

મનીષી જાનીએ કહ્યું, "ખરેખર શિક્ષણનો આશય છે કે બાળક પ્રશ્ન કરતું થાય અને તેના મગજનો વિકાસ થાય."

'તર્ક ક્ષમતા ઘટાડવાનો પ્રયાસ'

"આથી નવા વિજ્ઞાનની જગ્યાએ બાળકોને આ પ્રકારની બાબતોમાં પરોવાયેલાં રાખવાં ન જોઈએ."

"જ્યાં સુધી મોરલ સાયન્સની વાત છે તો એ નૈતિકતા થોપવાની વાત છે."

"જય હિંદ કહો કે કંઈ પણ કહો વાત માત્ર હાજરી પુરાવવાની છે. તેને થોપવાની શી જરૂર છે?"

વાલીનો અભિપ્રાય

દરમિયાન જ્યારે વાત શાળામાં ભણતા વિદ્યાર્થીઓ વિશે છે, તેથી વાલી મંડળ સાથે પણ બીબીસીએ વાતચીત કરી આ સૂચન વિશે તેમનો અભિપ્રાય માંગ્યો.

વડોદરાના વાલી સ્વરાજ મંચના કન્વીનર અમિત પંચાલનું આ મુદ્દે કહેવું છે કે આ અર્થહીન પગલું રહેશે.

ઉપરાંત તેમનું કહેવું છે કે ધર્મ બાબતે પરિવારમાંથી શિક્ષણ આપવામાં આવતું હોય છે.

તેમણે કહ્યું, "ઉપરાંત હાજરી પુરાવતી વખતે જય હિંદ બોલવાથી દેશપ્રેમ વધે એ તર્ક યોગ્ય નથી."

"વ્યક્તિગત વાત કરું તો આ સૂચનો અયોગ્ય છે."

'જય હિંદ બોલવું સારી વાત છે'

વધુમાં અમદાવાદના વાલી એકતા મંચના પૂજા પ્રજાપતિએ બીબીસીને આ મામલે જણાવ્યું, "જ્યાં સુધી અભ્યાસની વાત છે તો મને નથી લાગતું કે તેમાં કોઈ હકારાત્મક અસર થશે."

"તથા જય હિંદ બાબતે મારા અભિપ્રાય મુજબ આ એક સારો વિચાર છે."

તદુપરાંત આ મુદ્દે એક વિદ્યાર્થીનો મત પણ લેવામાં આવ્યો. જેમાં નીશા પ્રજાપતિ નામની વિદ્યાર્થીનીએ કહ્યું, "આ એક સારો વિચાર છે. આનાથી અમને અન્ય ધર્મો વિશે વધુ જાણવા મળશે."

"ખરેખર અભ્યાસક્રમમાં ધાર્મિક પુસ્તકોના સમાવેશથી જાતિનો ભેદભાવ વિદ્યાર્થીઓમાંથી દૂર થશે."

"હાજરી પૂરાવતી વખતે જય હિંદ બોલવું સારી વાત છે. મને બોલવાનું ગમશે. પણ તેને થોપવામાં ન આવવું જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો