અમદાવાદનું આ બેબી પેલિકન કેમ છે સ્પેશિયલ?

    • લેેખક, કલ્પિત ભચેચ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં રોઝી પેલિકનનું એક બચ્ચું ઝૂનાં કર્મચારીઓ માટે 'સ્પેશિયલ'બની ગયું છે, એટલે તેને 'ગોલ્ડન જ્યુબિલી પેલિકન' તરીકે ઓળખવામાં આવે છે.

આ બચ્ચું 'કૅપ્ટિવ બ્રીડિંગ'થી જન્મેલું 50મું રોઝી પેલિકન (પેણ) છે.

22 વર્ષ અગાઉ 22 રોઝી પેલિકન સાથે સંવર્ધનના હેતુથી 'કૅપ્ટિવ બ્રીડિંગ' શરૂ કરવામાં આવ્યું હતું.

સફેદ-ગુલાબી રંગ ધરાવતાં રોઝી પેલિકનનાં બચ્ચાંનું 'ભૂખરું સ્વરૂપ' જોઈને મુલાકાતીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે.

આજે 117 એકર વિસ્તારમાં ફેલાયેલા કાંકરિયા ઝૂમાં 1900 જેટલાં પશુપંખીઓની સંભાળ લેવામાં આવે છે.

ગોલ્ડન જ્યુબિલી પેલિકન

કાંકરિયા ઝૂઑલૉજિકલ ગાર્ડનના સુપ્રરિન્ટેન્ડન્ટ ડૉ. આર. કે. સાહુના કહેવા પ્રમાણે, "1996થી ઝૂમાં રોઝી પેલિકનનું 'કૅપ્ટિવ બ્રીડિંગ' શરૂ કરવામાં આવ્યું હતું.

"ઝૂમાં જન્મેલા રોઝી પેલિકને હવે 'પા પા પગલી' ભરવાનું શરૂ કરી દીધું છે, એટલે એ અમારા માટે 'સ્પેશિયલ' છે."

ઈંડું ફૂટી જવાથી, બચ્ચાંઓને જન્મ આપી શકે તેવી માદા રોઝી પેલિકનોની ઓછી સંખ્યા તથા ઓછા જન્મદરને કારણે તેમની વસ્તીવૃદ્ધિ સરેરાશ રહે છે.

તાજેતરમાં વધુ બે રોઝી પેલિકનનો જન્મ થયો છે, જેથી 'ગોલ્ડન જ્યુબિલી બેબી'ને 'પા પા પગલી'માં નવા સાથીઓ મળશે.

રોઝી પેલિકન કરે છે ખાસ તૈયારીઓ

ડૉ. સાહુના કહેવા પ્રમાણે, "અગાઉ ઝૂની સંભાળ રાખનારાઓ દ્વારા પેલિકનના પાંજરામાંથી તેમણે ખેરવી નાખેલાં પીછાંને દૂર કરી દેવામાં આવતા હતા.

"અમુક સમયના નિરીક્ષણ બાદ કર્મચારીઓને સૂચના આપવામાં આવી કે પેલિકનના પાંજરામાં પીછાં રહેવા દેવામાં આવે.

"અમે જોયું કે રોઝી પેલિકન પીછાં એકઠાં કરીને માળો તૈયાર કર્યો હતો."

22 વર્ષના ગાળા દરમિયાન 22 જેટલા રોઝી પેલિકન્સ રાજકોટ, સુરત, જયપુર કાનપુર સહિત અનેક પ્રાણી સંગ્રહાલયોને 'બર્ડ ઍક્સ્ચેન્જ પ્રોગ્રામ' હેઠળ મોકલવામાં આવ્યાં છે.

ડૉ. સાહુના કહેવા પ્રમાણે, "રોઝી પેલિકન્સ દ્વારા પહેલા મોટી ડાળીઓ ગોઠવવામાં આવે છે. તેની ઉપર નાની ડાળીઓ ગોઠવવામાં આવે છે.

"ઈંડું ફૂટી ન જાય તથા તાપમાન જળવાઈ રહે તે માટે રોઝી પેલિકન્સ દ્વારા નાની ડાળીઓ ગોઠવે છે.

ડૉ. સાહુ ઉમેરે છે, "બાદમાં તેની ઉપર, તેમણે જ ખેરવી નાખેલાં પીછાં ગોઠવીને પોતાના માટે ઈંડું સેવવાની આરામદાયક વ્યવસ્થા ઊભી કરે છે.

"ત્યારબાદ લગભગ 28 દિવસે રોઝી પેલિકનનું બચ્ચું ઈંડું તોડીને બહાર નીકળે છે."

કૅપ્ટિવ બ્રીડિંગ

જ્યારે ઝૂમાં જ એવું વાતાવરણ ઊભું કરવામાં આવે કે પશુપક્ષી સંવનન કરી શકે તેને 'કૅપ્ટિવ બ્રીડિંગ' કહેવામાં આવે છે.

પેલિકન્સ માટે કાંકરિયાના ઝૂમાં 30 ફીટ ઊંચા પાંજરાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી તેઓ ઊડી પણ શકે.

હાલ કાંકરિયા ઝૂમાં 29 રોઝી પેલિકન્સ છે.

એક પેલિકનનું સરેરાશ આયુષ્ય 20થી 25 વર્ષનું હોય છે. રોઝી પેલિકન ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ તથા શ્રીલંકામાં જોવા મળે છે.

મધર પેલિકન તેના મોંઢામાં માછલીને ચાવે છે અને નરમ થઈ જાય એટલે બેબી પેલિકન તેને માતાનાં મોઢામાંથી તે ખોરાકરૂપે લે છે.

ઝૂમાં જ્યારે કોઈ મધર પેલિકન દૂર જાય છે, ત્યારે અન્ય માદા પેલિકન્સ નવજાત બાળકોની સંભાળ લે છે.

આ બચ્ચાંઓ નાના હોય છે ત્યારે કાળા કે ભૂખરા રંગના હોય છે, પરંતુ સમય જતાં તેઓ ગુલાબી-સફેદ રંગ ધારણ કરે છે.

આ વાત જાણીને મુલાકાતીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે.

કાંકરિયા ઝૂ વિશે

- 1951માં રૂબિન ડેવિડે કમલા નહેરુ ઝૂઑલૉજિકલ ગાર્ડનની સ્થાપના કરી હતી.

- દેશભરમાં લગભગ 195 ઝૂને સેન્ટ્રલ ઝૂ ઑથૉરિટી તરફથી માન્યતા આપવામાં આવી છે.

તેમાંથી 14 ઝૂને 'લાર્જ ઝૂ' તરીકે માન્યતા આપી છે અને કાંકરિયા ઝૂ તેમાંનું એક છે.

- ઝૂ હેઠળ જ બટરફ્લાય પાર્ક, નિશાચર પ્રાણીઓનાં નિરીક્ષણ માટે વિશેષ નૉક્ટર્નલ પાર્ક અને રસાલા નેચરલ પાર્ક આવેલા છે.

- ઝૂ દ્વારા લુપ્તપ્રાય 'નિકોબાર પિજન'નું પણ સંવર્ધન કરવામાં આવે છે.

આંદામાન સહિત દેશભરના જે કોઈ ઝૂમાં 'નિકોબાર પિજન' છે, તે કાંકરિયા ઝૂ દ્વારા જ પૂરા પાડવામાં આવ્યા છે.

- ઝૂ દ્વારા શિડ્યુલ એક કે બે હેઠળ આવતાં (લુપ્તપ્રાય) 25 જેટલા પ્રાણીઓનું બ્રીડિંગ કરવામાં આવે છે.

- દર વર્ષે લગભગ ત્રીસ લાખ મુલાકાતીઓ કાંકરિયા ઝૂ નિહાળવા આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો