મૃત્યુની અંતિમ પળોમાં માણસનું મગજ શું વિચારતું હોય છે?

મૃત્યુ સમયે માણસનું મગજ શું વિચારતું હોય છે? એટલે કે મોતની અંતિમ ક્ષણોમાં માણસના મગજમાં શું ચાલતું હોય છે?

તાજેતરમાં કેટલાક વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો છે, જેનાથી મોતના વિજ્ઞાન વિશે રસપ્રદ માહિતી મળી છે.

માણસ પાસે ખરેખર તો આ વિશે કોઈ જાણકારી છે જ નહી. જોકે વૈજ્ઞાનિકો પાસે કદાચ થોડી જાણકારી હશે. આમ છતાં આ સવાલ અંતે તો એક મોટું રહસ્ય જ છે.

આ અભ્યાસ બર્લિનની ચેરિટ યુનિવર્સિટી અને ઓહાયોની સિનસિનાટી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જેન્સ દ્રેયર નામના વિજ્ઞાનીની આગેવાનીમાં કર્યો હતો.

જેમાં વૈજ્ઞાનિકોએ કેટલાક દર્દીઓના મગજના કોષોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. આ માટે દર્દીઓ પાસેથી તેમણે પરવાનગી લેવામાં આવી હતી.

આ દર્દીઓ કાં તો ભયાનક રોડ ઍક્સિડન્ટનો ભોગ બન્યાં હતાં અથવા તો સ્ટ્રોક કે કાર્ડિએક અરેસ્ટનો ભોગ બન્યાં હતાં.

વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે પશુ અને મનુષ્યનું મગજ મૃત્યુ સમયે સમાન રીતે કામ કરતું હોય છે.

આ અભ્યાસનો હેતુ એ હતો કે મૃત્યુ સમયે જ મગજનું નિરીક્ષણ કરવું. સાથે જ એ પણ સમજવું કે જીવનની છેલ્લી પળોમાં કોઈ વ્યક્તિને મૃત્યુથી કેવી રીતે બચાવી શકાય.

જે આપણે પહેલાંથી જાણીએ છીએ...

આ વૈજ્ઞાનિકોના અભ્યાસ પહેલાં 'બ્રેઇન ડેથ' વિશે આપણે જેટલું જાણીએ છીએ, એમાંથી મોટાભાગની જાણકારી એમને પશુઓ પર કરેલા પ્રયોગો પરથી મળી છે.

આપણે જાણીએ છીએ કે મૃત્યુ સમયે:

  • શરીરમાં લોહી વહેતું રોકાઈ જાય છે. એટલે મગજમાં ઑક્સિજનની અછત ઊભી થઈ જાય છે.
  • સેરેબ્રલ ઇસ્કિમયા નામની આ સ્થિતિમાં જરૂરી રાસાયણિક અવયવ ઘટી જાય છે. જેના કારણે મગજમાં 'ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી' સમાપ્ત થઈ જાય છે.
  • એવું માનવામાં આવે છે કે મગજ શાંત થવાની આ પ્રક્રિયા એટલા માટે પણ અમલમાં આવે છે કારણ કે ભૂખ્યા ચેતાકોષો પોતાની ઉર્જાનું સંરક્ષણ કરે છે.

માણસોમાં....

પરંતુ વૈજ્ઞાનિકોની ટીમ માણસોના મગજને લઈને આ પ્રક્રિયાને ઊંડાઈથી સમજવા ઇચ્છતી હતી.

એટલે એમણે કેટલાક દર્દીઓના મગજમાં ન્યૂરોલોજિકલ પ્રવૃત્તિઓનું નિરિક્ષણ કર્યું હતું.

ડૉક્ટરો દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા હતા કે આ દર્દીઓને ઇલેક્ટ્રોડ સ્ટ્રિપ્સ વગેરે આપીને બેભાન અવસ્થામાંથી પાછા લાવવાના પ્રયાસ ન કરવામાં આવે.

વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે નવમાંથી આઠ દર્દીઓના મગજના કોષો મૃત્યુને ટાળવાની કોશિશ કરી રહ્યા હતા.

એમણે જાણ્યું કે હૃદય ધબકવાનું બંધ થયા પછી પણ મગજના કોષો અને ચેતાકોષો કામ કરતા રહે છે.

ચેતાકોષો પોતાની આસપાસના વાતાવરણની વચ્ચે વિદ્યુત અસંતુલન બનાવે છે.

એનાથી એ નાના ઝટકા (શૉક) પેદા કરવામાં સક્ષમ થઈ જાય છે. વૈજ્ઞાનિકોના મતે વિદ્યુત અસંતુલન બનાવી રાખવું સતત ચાલતો પ્રયાસ છે.

આ માટે કોષો વહેતા લોહીનો ઉપયોગ કરે છે અને એનાથી ઑક્સિજન અને રાસાયણિક ઉર્જા લે છે.

વૈજ્ઞાનિકોના મતે, જ્યારે શરીર મરી જાય છે અને મગજને લોહીનો પ્રવાહ મળતો બંધ થઈ જાય છે ત્યારે ઑક્સિજનથી વંચિત ચેતાકોષો છૂટા પડી ગયેલાં સંસાધનોને જમા કરવાના પ્રયત્ન કરે છે.

આમ મરતાં પહેલાં અનેકવાર મગજ જીવતા રહેવાની કોશિશ કરતું રહે છે.

હૃદય ધબકવાનું બંધ થયા પછી પણ મગજના આ પ્રયત્નો ચાલુ રહે છે. છેવટે ઓક્સિજનની અછતના કારણે માણસનું મૃત્યુ થાય છે.

અભ્યાસ કહે છે જે રીતે આ વિષય પર જેટલો અભ્યાસ થઈ રહ્યો છે એ જોતા લાગે છે કે મૃત્યુ જેટલું જટિલ આજે છે, ભવિષ્યમાં પણે એવું જ રહે એ જરૂરી નથી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો