એક એવો કિંમતી પર્વત જેને 'ખાઈ શકાય' અને લાલ માટીની ચટણી બને

    • લેેખક, મિસબાહ મંસૂરી
    • પદ, બીબીસી ટ્રાવેલ

સોનેરી નહેરો, લાલ દરિયાકિનારો અને મીઠાની મોહક ખાણો સાથે ઈરાનનો દ્વીપ હોર્મુઝ જન્નતનો નજારો રજૂ કરે છે. આને 'ભૂસ્તરશાસ્ત્રીઓનો ડિઝ્નીલૅન્ડ' પણ કહેવામાં આવે છે.

અમે દક્ષિણ ઈરાનમાં હોર્મુઝ દ્વીપના તટ પર એક લાલ પર્વતની તળેટીમાં ઊભા હતા, ત્યારે મારા ટૂર ગાઇડ ફરઝાદે કહ્યું, "તમારે આ માટીનો સ્વાદ ચાખવો જોઈએ."

આ ઊંચા પર્વતનો લાલ છાંયડો સાહિલ અને પાણીની લહેરોને પોતાની ચપેટમાં લઈ રહ્યો હતો.

મેં ગભરાટમાં આ સલાહને અનુસરવાનું વિચાર્યું પરંતુ હજુ પણ રહસ્યમય અને ખનીજથી ભરપૂર દૃશ્ય સમજી શક્યો ન હતો.

ફારસની પર્સિયન ગલ્ફ

ઈરાનના તટથી આઠ કિલોમીટર દૂર પર્સિયન ગલ્ફના વાદળી પાણીની વચ્ચે હોર્મુઝ દ્વીપ આકાશમાંથી આંસુ જેવો દેખાય છે.

પર્વતો મીઠાના ડુંગર છે, જેમાં વિવિધ પથ્થર, માટી અને લોખંડથી ભરપૂર જ્વાળામુખીના ખડકો છે. જે લાલ, પીળા અને નારંગી રંગોમાં ચમકે છે.

અહીંયાં 70થી વધુ પ્રકારના ખનીજ મળી આવે છે. 42 વર્ગ કિલોમીટરના આ દ્વીપનો પ્રત્યેક ઇંચ તેની સંરચનાની કહાણી કહે છે.

ડૉક્ટર કૅથરિન ગોડાઈનોવે ભૂતકાળમાં ઈરાનમાં કામ કર્યું છે અને હવે તેઓ બ્રિટિશ જિયોલૉજિકલ સર્વેનાં મુખ્ય ભૂસ્તરશાસ્ત્રી છે.

તેમના અનુસાર લાખો વર્ષ પહેલાં પર્સિયન ગલ્ફમાં છીછરાં સમુદ્રોએ મીઠાના જાડા પડનું નિર્માણ કર્યું હતું.

મીઠાની ખાણો

આ પડો ખનીજથી ભરેલા જ્વાળામુખીની શિલાઓ સાથે ટકરાયાં અને તેમના સંયોજનથી એક રંગીન ભૂપ્રદેશનું નિર્માણ થયું.

ડૉક્ટર ગોડાઇનોવ કહે છે, "છેલ્લાં 50 કરોડ વર્ષ દરમિયાન મીઠાની સપાટી જ્વાળામુખીનાં પડોમાં દબાઈ ગઈ."

મીઠું પાણીની સપાટી પર તરી શકે છે એટલે સમયની સાથે આ મીઠું ખડકોની તિરાડમાંથી બહાર નીકળતું રહ્યું અને તેને સપાટી પર પહોંચી મીઠાના ડુંગર બનાવી દીધા.

તેમનું કહેવું છે કે પર્સિયન ગલ્ફના મોટા ભાગના વિસ્તારમાં જમીનની નીચે મીઠાનાં જાડાં પડ છે.

આ ભૌગોલિક પ્રક્રિયાએ સોનેરી પ્રવાહો, લાલ દરિયાકિનારા અને મીઠાની મોહક ખાણો બનાવી છે.

રેઇનબો આઇલૅન્ડ

હોર્મુઝને વાસ્તવમાં રેઇનબો આઇલૅન્ડ કહેવામાં આવે છે અને એ જ કારણ છે કે તે અસામાન્ય રંગોનું એક સુંદર સંયોજન છે.

અને તમે એ પણ જાણી લો કે આ દુનિયાનો એકમાત્ર પર્વત છે જેને ખાઈ શકાય છે અને એટલે ટૂર ગાઇડે મને સ્વાદ ચાખવાની સલાહ આપી હતી.

આ પહાડની લાલ માટી જેને ગેલિક કહેવાય છે, તે હેમેટાઇટના કારણે આવી દેખાય છે.

એવું માનવામાં આવે છે કે આ દ્વીપની જ્વાળામુખીની શિલાઓમાં મળતા આયર્ન ઑક્સાઇડને કારણે છે.

આ ફક્ત ઔદ્યોગિક હેતુઓ માટે જ કિંમતી ખનીજ નથી પરંતુ તે સ્થાનિક વાનગીઓમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

તેનો ઉપયોગ રસોઈમાં મસાલા તરીકે કરવામાં આવે છે. આ કરીમાં માટી જેવું લાગે છે અને સ્થાનિક ડબલ બ્રેડ તોમશી સાથે ખૂબ સ્વાદિષ્ટ હોય છે.

તોમશીનો અર્થ છે, 'કોઈ વસ્તુ ખૂબ વધારે પડતી હોવી'. ફરઝાદનાં પત્ની મરિયમ કહે છે કે, "લાલ માટીનો ઉપયોગ ચટણી તરીકે થાય છે."

આ ચટણીને સુરખ કહે છે અને ડબલ રોટી બનાવતી વખતે તેના પર લગાવવામાં આવે છે.

રસોઈમાં ઉપયોગ કરવા ઉપરાંત સ્થાનિક કલાકારો આ લાલ માટીનો પેઇન્ટિંગમાં પણ ઉપયોગ કરે છે.

લોકો આનાથી તેમનાં કપડાં રંગે છે તેમજ સિરામિક્સ અને સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરે છે.

'મીઠાની હકારાત્મક અસર'

આ લાલ પહાડો ઉપરાંત હોર્મુઝ દ્વીપમાં જોવાલાયક ઘણી વસ્તુઓ છે. દ્વીપના પશ્ચિમમાં મીઠાનો એક ભવ્ય પર્વત છે, જેને 'મીઠાની દેવી' કહેવામાં આવે છે.

એક કિલોમીટરમાં ફેલાયેલા પર્વતની દીવાલો અને ગુફાઓ મીઠાના ચમકતા ક્રિસ્ટલથી ભરેલી છે, જે આરસપહાણના મહેલના મોટા સ્તંભો જેવી લાગે છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે આ મીઠામાં નકારાત્મક પ્રવૃત્તિઓ અને વિચારોને શોષી લેવાની અને ખતમ કરવાની શક્તિ છે.

મારા ટૂર ગાઇડે અહીંયાં ચાલવા માટે મને પગરખાં ઉતારવાની સલાહ આપી, જેથી મારા પગમાં મીઠાનો સ્પર્શ થાય.

તેમણે મને કહ્યું કે, "અહીંયાંના મીઠાની હકારાત્મક અસર થાય છે."

શક્તિની ખીણ

આ ખીણમાં સમય વિતાવ્યા બાદ તમે ખૂબ ઉત્સાહિત અનુભવો છો અને એટલે જ આ ખીણને શક્તિની ખીણ પણ કહેવામાં આવે છે.

એ જ રીતે, દ્વીપના દક્ષિણ-પશ્ચિમમાં 'ઇન્દ્રધનુષ દ્વીપ' છે, જ્યાં બહુરંગી માટી છે અને ત્યાં લાલ, પીળા અને વાદળી પર્વતો છે.

ચાલતાં-ચાલતાં મેં જોયું કે અહીંયાં વિવિધ ભૌમિતિક આકૃતિઓના પથ્થર સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતા ચમકે છે.

પાસેની 'મૂર્તિઓની ખીણ'માં શિલાઓનો આકાર હજારો વર્ષોથી પવનોના કારણે શ્રેષ્ઠ સ્વરૂપમાં ફેરવાઈ ગયો છે.

હું પક્ષીઓ, ડ્રેગન અને પૌરાણિક કથાઓના જીવોને જોઈ શકતો હતો. એવું લાગે છે કે જાણે આ પૃથ્વીની પોતાની આર્ટ ગૅલરીની પ્રશંસા કરવા જેવું હોય.

દ્વીપના અસાધારણ અને અકલ્પનીય રંગો હોવા છતાં ઘણા પ્રવાસીઓ આનાથી અજાણ છે.

ઈરાનના પૉર્ટ્સ ઍન્ડ મૅરિટાઇમ ઑર્ગેનાઇઝેશન અનુસાર 2019માં અહીંયાં ફક્ત 18,000 પ્રવાસીઓ આવ્યા હતા.

સ્થાનિક રહેવાસી ઇરશાહ શાને મને કહ્યું કે, "ઐતિહાસિક અને પ્રાકૃતિક રીતે પર્યટનમાં રુચિનાં તમામ પાસાં હોવા છતાં આ પ્રાકૃતિક પરિદૃશ્યને એક સંપૂર્ણ પર્યટનસ્થળ તરીકે વિકસાવી શકાયું નથી."

તેમણે કહ્યું કે, "જો હોર્મુઝના પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર વધારે ધ્યાન આપવામાં આવે તો સ્થળ પર્યટનનું વિશેષ કેન્દ્ર બની શકે છે."

દુનિયાનું ધ્યાન

અહીંયાં ફરવા આવતા પ્રવાસીઓને સ્થાનિક લોકો તેમના ઘરનું બનેલું ભોજન અને જોવાલાયક સ્થળની યાત્રા માટે પોતાની મોટરસાઇકલ અને રિક્ષા ઉપલબ્ધ કરાવે છે.

શાન કહે છે કે, "અમને લાગે છે કે હોર્મુઝ માટે આવું કરવું અમારી જવાબદારી છે."

તેઓ કહે છે કે, "આ એક ખૂબ દુર્લભ વાત છે અને અમારી ઓળખનો ભાગ છે. અમે આ પર્યાવરણીય વારસા તરફ દુનિયાને આકર્ષિત કરવા માટે પોતાની ભૂમિકા ભજવવા માગીએ છીએ."

જ્યારે મેં અહીંયાંની માછલી, લાલ ડુંગળી, લીંબુ અને માલ્ટ ખાધું, તો સુગંધિત અને મસાલેદાર કરીએ મને એ વિચારવા મજબૂર કરી દીધો કે હોર્મુઝ બેશક 'ભૂસ્તરશાસ્ત્રીઓનું ડિઝ્નીલૅન્ડ' છે અને આ ખાવાયોગ્ય માટી છે જે અહીંયાં રહેનારા લોકોની નસમાં છે અને તેમને ખૂબ ખાસ બનાવી દે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો