અફઘાનિસ્તાન : તાલિબાનને ક્યાંથી મળે છે દેશ ચલાવવાના પૈસા?

    • લેેખક, અતહુલ્પા અમેરિસે
    • પદ, બીબીસી વર્લ્ડ સંવાદદાતા

અફઘાનિસ્તાનના અર્થતંત્રની સ્થિતિ પણ ચિંતાજનક છે. આ દેશ બે દાયકા સુધી અમેરિકન સૈનિકોની દેખરેખ હેઠળ ચાલ્યો. તે બાદ જ્યારે અમેરિકન સૈનિકોએ પરત ફરવાની શરૂઆત કરી, ત્યારે જુલાઈ 2021માં તાલિબાને અહીંની સત્તા પર કબજો કરી લીધો.

ત્યારથી અફઘાનિસ્તાનની અગાઉથી ડામાડોળ અર્થવ્યવસ્થા વધુ ગગડવા લાગી.

વિશ્વ બૅંકના એક આંકડા અનુસાર 368 ડૉલર પ્રતિ વ્યક્તિની વાર્ષિક આવક સાથે અફઘાનિસ્તાન વિશ્વના સૌથી ગરીબ દેશોમાં સામેલ છે.દોઢ વર્ષ પહેલાં તાલિબાને જ્યારે અફઘાનિસ્તાનની સત્તા પર કબજો કર્યો હતો, ત્યારથી લઈને માનવાધિકાર હનનના મામલા સતત વધી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ સાથે જોડાયેલા મામલા. પરંતુ અફઘાનિસ્તાનમાં ચિંતાની વાત માત્ર એટલા પૂરતી જ સીમિત નથી.

અફઘાનિસ્તાનની કુલ ચાર કરોડ 20 લાખ વસતીમાંથી અડધા કરતાં વધુ લોકોને યોગ્ય પોષણ નથી મળી શકતું. તે પૈકી 86 ટકા લોકો ભૂખ્યા છે. આ આંકડા સમગ્ર વિશ્વમાં સૌથી વધુ છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના વિશ્વ ખાદ્ય કાર્યક્રમના સૂચકાંકોમાં અફઘાનિસ્તાન ગત વર્ષની સરખામણીએ 11 ક્રમ નીચે સરક્યું છે.

અફઘાનિસ્તાનમાં આ સંકટ વધ્યું તેની પાછળ ઘણાં કારણો જવાબદાર છે. જેમ કે બાહ્ય મદદમાં ઘટાડો, ભૂકંપથી માંડીને પૂર અને ભયંકર ઠંડી જેવી પ્રાકૃતિક આપત્તિઓ અને સમગ્ર વિશ્વમાં વધી રહેલ મોંઘવારીની અસર.

પરંતુ આનું સૌથી મોટું કારણ છે - આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ.

આના કારણે વિદેશમાં અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બૅંકની 9.5 બિલિયન અમેરિકન ડૉલરની રકમ ફ્રીઝ કરાઈ ચૂકી છે.

આ પરિસ્થિતિમાં દેશનું અર્થતંત્ર ટકાવી રાખવા માટે તાલિબાન સરકાર કમાણીના નવા અને જૂના સ્રોતોનો આશરો લઈ રહી છે.

વિશ્વના સૌથી ગરીબ દેશો પૈકી એક અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા તાલિબાનના શાસનમાં કેવી રીતે ચાલી રહી છે?

  • જુલાઈ 2021માં રોજ તાલિબાને અમેરિકન સેનાના પરત ફર્યા બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાને ફરી એક વાર સત્તા પર કબજો કરી લીધો હતો
  • ત્યારથી માંડીને અત્યાર સુધી અવારનવાર દેશમાં અનેક મુદ્દાને લઈને આંતરરાષ્ટ્રીય મીડિયા અને સંસ્થાઓમાંથી ચિંતાજનક અહેવાલ આવી રહ્યા છે
  • માનવધિકારના મુદ્દાઓમાં પણ ખાસ ચિંતાજનક બાબત તરીકે દેશમાં મહિલાઓના અધિકારોની બગડતી જતી સ્થિતિ હોવાનું કહેવાઈ રહ્યું છે
  • પરંતુ અફઘાનિસ્તાનમાં માત્ર આ જ વિષય ચિંતા જન્માવે એવું નથી
  • ત્યાંના અર્થતંત્રની સ્થિતિ અંગે પણ ચર્ચા થઈ રહી છે, અને સવાલો ઊઠી રહ્યા છે કે આખરે તાલિબાન દેશ કેવી રીતે ચલાવી રહ્યું છે? જાણો આ અહેવાલમાં.

કર વસૂલાતનો હપતો

અફઘાનિસ્તાનની સત્તા પડાવી લીધા બાદથી જ તાલિબાને કર વસૂલાત વધારી દીધી છે.

કૅનેડિયન રિસર્ચર ગ્રેમી સ્મિથે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "કર વસૂલાતમાં વધારાનું મોટું કારણ છે આખા અફઘાનિસ્તાન પર તાલિબાનનું સૈન્ય નિયંત્રણ. આવું નિયંત્રણ પાછલા અમુક દાયકાઓમાં કોઈ પણ ગ્રૂપનું નથી રહ્યું."

વર્લ્ડ બૅંકના આંકડા અનુસાર ડિસેમ્બર 2021થી ઑક્ટોબર 2-22 સુધી તાલિબાન સરકારે 1.5 બિલિયન ડૉલર કર વસૂલ્યો હતો. આ રકમ આ સમયગાળામાં પાછલાં બે વર્ષોની સરખામણીએ વધુ હતી.

આ વસૂલીમાં મોટું યોગદાન સરહદના સંપૂર્ણ નિયંત્રણનો છે. 2022માં સરહદથી આવવા-જવા અને આયાત-નિકાસ બદલે વસૂલાતા કરનો ભાગ સંપૂર્ણ ટૅક્સ કલેક્શનમાં 59 ટકા હતો. આ પહેલાંનાં વર્ષોમાં આ વસૂલી આના કરતાં અડધી પણ નહોતી.

સ્મિથ જણાવે છે કે, "સીમા શુલ્ક તાલિબાન સરકારની આવકનું મોટું સાધન બની ચૂક્યું છે."

બીબીસી માટે કામ કરતા અફઘાની પત્રકાર અલી હોસૈની પણ જણાવે છે કે, "તાલિબાને જે રીતે સંપૂર્ણ સીમા આવાગમન અને સરકારી ઑફિસો પર નિયંત્રણ સ્થાપિત કર્યું છે, તેના કારણે કર, ખાસ કરીને આયાત કર વસૂલવામાં સરળતા ઊભી થઈ છે."

અલી હોસૈની પ્રમાણે કર વસૂલાતના મામલે તાલિબાન બીજી સરકારો હિસાબે વધુ કડક છે. તેઓ કહે છે કે, "પહેલાં આ જ રકમ ઑફિસરો, કર્મચારીઓનાં ખિસ્સાંમાં જતી હતી પરંતુ વધુ કડક વલણને કારણે ભ્રષ્ટાચાર ઘણું ઓછો થઈ ગયો છે. તેથી ટૅક્સની રકમ વધુ પ્રમાણમાં સરકારના હાથમાં આવી રહી છે."

કર વસૂલાતને પ્રોત્સાહન આપવા માટે તાલિબાન સરકાર રાષ્ટ્રીય સ્તરે 'ટૅક્સ કલેક્શન વીક' આયોજિત કરવાનું એલાન કરી ચૂકી છે.

અશર અને જકાત

પરંપરાગત કરો સાથે તાલિબાન સરકાર ધાર્મિક કર પણ વસૂલે છે. આને તેઓ અશર અને જકાત કહે છે.

આ બંને ધાર્મિક કરો ગત વર્ષે સત્તામાં આવ્યા પહેલાં પણ તાલિબાન પોતાના કબજાવાળા વિસ્તારોમાં વસલતું હતું.

તાલિબાનની ધાર્મિક કરવ્યવસ્થા પર વિસ્તારપૂર્વક વાત કરતાં પત્રકાર અલી હોસૈની કહે છે કે, "આ કરવ્યવસ્થામાં દરેક વ્યક્તિએ દર વર્ષે પોતાની સંપૂર્ણ સંપત્તિ અને બધા વ્યવહારોનો હિસાબ રાખવાનો હોય છે, જેમાંથી પાંચમો ભાગ સરકારને આપવો જરૂરી છે."

હોસૈની કહે છે કે, "ધાર્મિક કરો તરીકે કેટલી રકમ વસૂલાય છે, તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે, કારણ કે અફઘાનિસ્તાનની 99 ટકા વસતી મુસ્લિમ છે. તેથી ઇસ્લામિક કાયદા અંતર્ગત અપાયેલ આદેશનું પાલન તમામે કરવો પડે છે."

કૅનેડિયન રિસર્ચર સ્મિથ પણ માને છે કે ધાર્મિક કરોની ઉઘરાણીથી સરકારના ખજાનમાં જમા થનારી રકમ વિશે અંદાજ કાઢવો ખૂબ મુશ્કેલ છે. તેઓ કહે છે કે, "તાલિબાન નાણાકીય લેવડદેવડના હિસાબો મામલે ક્યારેય પારદર્શી નથી રહ્યું, તેથી અમે કંઈ ન જણાવી શકીએ."

ખનીજ અને ખાણકામ

પ્રાકૃતિક સંસાધનો હિસાબે જોઈએ તો અફઘાનિસ્તાન એક સંપન્ન દેશ છે. અહીં કોલસો, કાચું તેલ, પ્રાકૃતિક ગૅસ, સોનું, તાંબું અને કીમતી પથ્થર જેવાં ખનીજ ભરપૂર પ્રમાણમાં છે.

અમેરિકન સંરક્ષણ મંત્રાલયના વિશેષજ્ઞો અને અમુક ભૂગર્ભસાસ્ત્રીઓ પ્રમાણે અફઘાનિસ્તાનના ખનીજભંડારની કીમત એક ટ્રિલિયન ડૉલર (એક લાખ કરોડ ડૉલર)ની આસપાસ છે.

તેના વ્યાપક ખનન માટે મશીનરી, ટ્રાન્સપૉર્ટ અને લૉજિસ્ટિક્સમાં ભારે રોકાણની જરૂરિયાત છે. પરંતુ દેશમાં રાજકીય અસ્થિરતાના કારણે હજુ સુધી આવું નથી થઈ શક્યું.

સ્મિથ જણાવે છે કે, "અહીંની મોટા ભાગની ખનીજ સંપત્તિ નજીકના ભવિષ્યમાં પણ ભૂગર્ભમાં જ રહી જશે."

આજની તારીખમાં એક કોલસો જ છે, જેની સૌથી વિધુ નિકાસ કરાય છે. અને એ પણ મુખ્યત્વે પાકિસ્તાનને.

તાલિબાન સત્તા આવ્યું એના એક વર્ષમાં પાકિસ્તાનની કોલસાની નિકાસમાં લગભગ 20 ટકા વધારો થયો છે. સરકારના આંકડા પ્રમાણે દરરોજ દસ હજાર ટન કોલસાની નિકાસ હજુ પણ કરાય છે.

વર્લ્ડ બૅંકના હાલના રિપોર્ટ પ્રમાણે અફઘાનિસ્તાની કુલ 1.7 બિલિયન ડૉલરની નિકાસમાં કોલસાનો ભાગ 2022માં 90 ટકા હતી.

અહીંનાં ખનીજ, ટેક્સટાઇલ્સ અને કૃષિ ઉત્પાદનનો 65 ટકા ભાગ પાકિસ્તાનને જાય છે. જ્યારે 20 ટકા ભાગ ભારતને પણ નિકાસ કરાય છે.

2021ના પહેલાંના બે દાયકામાં અફઘાનિસ્તાનમાં 126 ખાણો શરૂ કરાઈ હતી. તાલિબાનના ઑઇલ અને ખનીજ મંત્રાલય પ્રમાણે પાછલા વર્ષે જ 60 ખાણ શરૂ કરાઈ. આ સિવાય કેટલાક વધુ કરારો પર પણ સહી કરાશે.

પત્રકાર અલી હોસૈની જણાવે છે કે ખાણો, ખાસ કરીને તાંબાના ખનનનાં કૉન્ટ્રેક્ટ હાંસલ કરવા માટે ઘણી ચીની કંપનીઓ તાબિલાન સરકાર સાથે વાતચીત કરી રહી છે.

આ સિવાય તાલિબાન સરકારે હાલમાં જ કાચા તેલના ખનનમાં પણ ચીન સાથે એક મોટો કરાર કરવાનું એલાન કર્યું છે. સરકારે કહ્યું કે ચીનની કંપની સીએપીઈઆઈસી સાથે કાચાલ તેલના ખનન માટે અત્યાર સુધી સૌથી મોટો કૉન્ટ્રેક્ટ સાઇન કરવાની છે.

ડ્રગ્સની હેરફેર

સત્તામાં આવ્યા પહેલાં તાલિબાનની આવકનો મુખ્ય સ્રોત અપહરણ અને પરાણે કરાતી વસૂલી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે અફીણની ખેતી પણ હતી.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના એક આંકડા અનુસાર સમગ્ર વિશ્વમાં અફીણની 80 ટકા કરતાં વધુ ગેરકાયદેસર ખેતી અફઘાનિસ્તાનમાં થાય છે.

પાછલા વર્ષે એપ્રિલમાં તાલિબાને અફીણ પોસ્તા (ઓપિયમ પૉપી)ની ખેતી પર પ્રતિબંધ લાદી દીધો હતો.

અફીણ પોસ્તાનો ઉપયોગ હીરોઇન અને બીજા નશાકારક પ્રદાર્થો ના ઉત્પાદનમાં કરાય છે. અફઘાનિસ્તાનમાં તે બે દાયકાથી ભ્રષ્ટ શાસકો, અધિકારીઓ, જંગી કબીલા, સ્થાનિક આકાઓ અને સામાન્ય ખેડૂતોની પણ આવકનો મુખ્ય રસ્તો રહ્યો છે.

તાલિબાન પોતે પણ સત્તામાં આવ્યા એ પહેલાં પોતાની આવક વધારવા માટે અફીણના વેચાણનો આશરો લેતું. સવાલ એ છે કે શું તેમણે આ બધું ખરેખર બંધ કરી દીધું છે?

આને લઈને અમેરિકન સરકારે ગત વર્ષે જુલાઈમાં એક રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો હતો. તેના અનુસાર 'અફીણના ખેડૂતો અને તેની હેરફેર સાથે સંકળાયેલા બીજા લોકોનું સમર્થન ગુમાવવાનું જોખમ હોવા છતાં તાલિબાન સરકાર ડ્રગ્સ પર પ્રતિબંધ લાદવાના પોતાના નિર્ણયને લઈને પ્રતિબદ્ધ દેખાઈ રહી છે.'

પત્રકાર હોસૈની માને છે કે તાલિબાનનું નેતૃત્વ નાના પાયે ડ્રગની હેરફેર કરનારા પાસેથી પૈસા વસૂલે છે.

તેઓ કહે છે કે, "આનું સૌથી મોટું કારણ એ છે કે તાલિબાન સરકારે ભલે અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી અને ડ્રગ્સના વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે, પરંતુ હજુ સુધી તેની ખેતી થાય છે અને ડ્રગ્સનું વેચાણ પણ ચાલુ છે."

ખરેખર નશાકારક દ્રવ્યોની ખેતી પર પ્રતિબંધના એલાનના આઠ માસ બાદ જ અફઘાનિસ્તાનમાં 23,33,000 હેક્ટરમાં અફીણની ખેતી થતી હોવાની વાત ખબર પડી હતી. આ આંકડાનો ઉલ્લેખ સંયુક્ત રાષ્ટ્ર સંઘના ડ્રગ્સ અને અપરાધ શાખના એક રિપોરર્ટમાં છે.

હુસૈની પ્રમાણે આનાથી જે રકમ મળે છે, એ સીધી તાલિબાનના ખજાનામાં જાય છે. પહેલાંની સરકારોમાં આ રકમ ભ્રષ્ટ મંત્રીઓ અને અધિકારીઓનાં ખિસ્સાંમાં જતી હતી.

આ નાણાકીય વર્ષમાં ભારત પણ અફઘાનિસ્તાનને 200 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરશે. બુધવારે રજૂ કરાયેલ સામાન્ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે વિદેશમંત્રાલયને 18 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જેમાં 200 કરોડ રૂપિયા અફઘાનિસ્તાનને અનુદાન અને દેવા સ્વરૂપે અપાશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો