You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભૂખે ટળવળતા એ દેશની કહાણી જ્યાં કિડની કરતાં અડધી કિંમતે દીકરી વેચી દેવાય છે
- લેેખક, યોગિતા લિમયે
- પદ, બીબીસી ન્યૂઝ, હેરાત
અફઘાનિસ્તાનના લોકો તેમનાં ભૂખ્યાં સંતાનોને શાંત કરવા માટે દવાઓ આપી રહ્યા છે, જ્યારે અન્ય કેટલાક જીવતા રહેવા માટે તેમની દીકરીઓ તથા પોતાનાં અંગો વેચી રહ્યા છે.
તાલિબાને દેશમાં શાસન સંભાળ્યું તેના અને વિદેશી ભંડોળ મળવાનું બંધ થયાના બીજા શિયાળામાં લાખો લોકો દુકાળથી હવે એક ડગલું જ દૂર છે.
અબ્દુલ વહાબે કહ્યું હતું કે, “અમારાં સંતાનો સતત રડતાં રહે છે અને ઊંઘતા નથી. તેમને ખવડાવવા માટે અમારી પાસે કશું નથી. તેથી અમે ફાર્મસીમાં જઈએ છીએ. ત્યાંથી દવા લાવીએ છીએ અને તે બાળકોને આપીએ છીએ, જેથી તેમને ઊંઘ આવી જાય.”
અબ્દુલ વહાબ દેશના ત્રીજા ક્રમના સૌથી મોટા શહેર હેરાતની બહાર આવેલી માટીના હજારો નાના મકાનોની વસાહતમાં રહે છે.
દાયકાઓથી વિકસતી રહેલી આ વસાહત યુદ્ધ તથા કુદરતી આફતનો ભોગ બનેલા વિસ્થાપિતો તથા પીડિતોથી ખીચોખીચ ભરેલી છે.
અબ્દુલ અમારી આસપાસ એકઠા થયેલા ડઝનેક પુરુષોના જૂથ પૈકીના એક છે. અમે તેમને પૂછ્યું કે, “તમારા પૈકીના કેટલા લોકો સંતાનોને ઘેનમાં રાખવા માટે દવાઓ આપે છે?”
જવાબ મળ્યો, “અમારા પૈકીના ઘણા. લગભગ બધા.”
ગુલામ હઝરતે તેમના કૂર્તાનું ખિસ્સું ફંફોસીને ગોળીઓની એક સ્ટ્રીપ કાઢી બતાવી. તે અલપ્રોઝોલામ હતી. આ ગોળી સામાન્ય રીતે ચિંતા સંબંધી બીમારીની સારવાર માટે ડૉક્ટરો લખી આપતા હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'પૂરતું પોષણ ન મળતું હોય તેવાં બાળકોને ગોળી આપવામાં આવે'
ગુલામ છ બાળકોના પિતા છે. તેમનું સૌથી નાનું સંતાન એક વર્ષનું છે. તેમણે કહ્યું હતું કે, “હું તેને પણ આ ગોળી આપું છું.”
અન્ય પુરુષોએ એસ્સિટાલોપ્રામ અને સેરાટ્રાલાઈન મેડિસિન કાઢીને બતાવી હતી અને જણાવ્યું હતું કે, “તેઓ તેમનાં સંતાનોને આ ગોળી આપી રહ્યા છે. આ ગોળી ડિપ્રેશન અને એન્ક્ઝાઈટીના દર્દીઓને આપવામાં આવતી હોય છે.”
ડૉક્ટર્સ કહે છે કે, “પૂરતું પોષણ ન મળતું હોય તેવાં બાળકોને આ ગોળી આપવામાં આવે ત્યારે તેનાથી લીવરને ભારે નુકસાન થાય છે. ઉપરાંત પારાવાર થાક, ઊંઘ અને વર્તન સંબંધી બીમારી પણ થઈ શકે છે.”
'હેરાતની બહાર રહેતા મોટા ભાગના પુરુષો દાડિયા મજૂર તરીકે કામ કરે છે'
સ્થાનિક ફાર્મસીમાં આ દવાની પાંચ ટીકડી 10 અફઘાની (લગભગ 10 અમેરિકન સેન્ટ્સ) અથવા બ્રેડના એક ટુકડાની કિંમતમાં ખરીદી શકાય છે.
અમે જેમને મળ્યા એ પૈકીના મોટા ભાગના પરિવારો બ્રેડના ટુકડાઓની આપલે કરતા હતા. એક મહિલાએ જણાવ્યું હતું કે, “તેઓ સવારે સૂકી બ્રેડ ખાઈ લે છે અને રાતે તેને પાણીમાં પલાળી રાખે છે.”
સંયુક્ત રાષ્ટ્રસંઘે જણાવ્યું હતું કે, “અફધાનિસ્તાનમાં હવે માનવીય ‘આફત’ આકાર પામી રહી છે.”
હેરાતની બહારના ભાગમાં રહેતા મોટા ભાગના પુરુષો દાડિયા મજૂર તરીકે કામ કરે છે. તેઓ વર્ષોથી મુશ્કેલીભર્યું જીવન જીવી રહ્યા છે.
કોઈ આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ નહીં ધરાવતા તાલિબાને ગયા ઑગસ્ટમાં સત્તા સંભાળી ત્યારથી અફઘાનિસ્તાનમાં વિદેશી ભંડોળ આવતું અટકી ગયું હતું. તેના પરિણામે અર્થતંત્ર કકડભૂસ થઈ ગયું છે અને લોકો પાસે અનેક દિવસો સુધી કોઈ કામ નથી હોતું.
તેમને ક્યારેક જ કામ મળે છે અને તેમાંથી તેમને અંદાજે 100 અફઘાની એટલે કે રૂ. 80ની કમાણી થાય છે.
અમે જેટલી જગ્યાની મુલાકાત લીધી એ બધી જગ્યાએ લોકો પોતાના પરિવારને ભૂખથી બચાવવા આત્યંતિક ઉપાય કરતા જોવા મળ્યા હતા.
અમ્મારે (અસલી નામ નથી) જણાવ્યું હતું કે, “તેણે ત્રણ મહિના પહેલાં ઑપરેશન કરાવીને કિડની કઢાવી નાખી હતી. તેણે અમને તેના પેટ પરનો નવ ઈંચનો ચીરો બતાવ્યો હતો, જેના પર લીધેલા ટાંકાનાં નિશાન હજુ પણ ગુલાબી હતાં.”
અમ્મારે કહ્યું હતું કે, “બીજો કોઈ રસ્તો જ નથી. મેં સાંભળ્યું હતું કે સ્થાનિક હૉસ્પિટલમાં જઈને કિડની વેચી શકાય છે. તેથી હું ત્યાં ગયો હતો અને કિડની વેચવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. થોડા સપ્તાહ પછી કોઈએ મને ફોન કર્યો હતો અને હૉસ્પિટલમાં પહોંચી જવા કહ્યું હતું.”
“હૉસ્પિટલમાં તેમણે થોડા ટેસ્ટ્સ કર્યા હતા. પછી મને ઇન્જેકશન આપ્યું હતું. તેથી હું બેભાન થઈ ગયો હતો. હું ડરી ગયો હતો, પરંતુ મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો.”
“મેં મારી પાંચ વર્ષની દીકરીને એક લાખ અફઘાનીના બદલામાં વેચી નાખી”
અમ્મારને આશરે 2,70,000 અફઘાની એટલે કે આશરે અઢી લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. એ પૈકીના તેના મોટા ભાગના પૈસા પરિવાર માટે ભોજન ખરીદવા ઉછીના લીધેલાં નાણાં ચૂકવવામાં વપરાઈ ગયા છે.
અમ્મારે કહ્યું હતું કે, “એક રાતે અમે જમીએ તો બીજી રાતે ભૂખ્યા રહેવાનું હોય. કિડની વેચ્યા પછી મારા શરીરનો અડધો હિસ્સો જ બાકી રહ્યો હોય એવું લાગે છે. નિઃસહાયતા અનુભવું છું. જિંદગી આવી જ રીતે ચાલતી રહેશે તો હું મરી જઈશ.”
પૈસા મેળવવા માટે શરીરનાં અંગો વેચવાની વાત અફઘાનિસ્તાનમાં નવી નથી. તાલિબાને દેશનો કબજે સંભાળ્યો એ પહેલાં પણ આવું થતું હતું, પરંતુ આટલો પીડાદાયક વિકલ્પ પસંદ કર્યા પછી પણ લોકોને લાગે છે કે તેઓ ટકી રહેવાનું સાધન શોધી શક્યા નથી.
અમે કડકડતી ઠંડીમાં એક યુવા માતાને મળ્યા હતા. તેમણે સાત મહિના પહેલાં તેમની કિડની વેચી નાખી હતી. તેમણે પણ દેવું ચૂકવવાનું હતું. તેમણે ઘેટાં ખરીદવા માટે પૈસા ઉધાર લીધા હતા. બધાં પ્રાણીઓ થોડા વર્ષ પહેલાં આવેલા પૂરમાં મરી ગયાં અને એ સાથે તેમણે ગુજરાન ચલાવવાનું સાધન પણ ગુમાવ્યું.
કિડની વેચવાથી એ મહિલાને 2,40,000 અફઘાની મળ્યા હતા, જે અપૂરતા હતા.
તેમણે કહ્યું હતું કે, “હવે અમને અમારી બે વર્ષની દીકરી વેચવાની ફરજ પડી છે. અમે જેમની પાસેથી પૈસા ઉધાર લીધા હતા એ લોકો અમને રોજ એવું કહીને સતાવતા હતા કે પૈસા ચૂકવી ન શકો એમ હો તો તમારી દીકરી અમને આપી દો.”
એ મહિલાના પતિએ કહ્યું હતું કે, “અમારી પરિસ્થિતિ શરમજનક છે. ક્યારેક એવું થાય છે કે આવી રીતે જીવતા રહેવા કરતાં મરી જવું જોઈએ.”
લોકો પોતાની દીકરીઓને વેચી રહ્યા હોવાની કથાઓ વારંવાર સાંભળવા મળતી રહી.
નિઝામુદ્દીને કહ્યું હતું કે, “મેં મારી પાંચ વર્ષની દીકરીને એક લાખ અફઘાનીના બદલામાં વેચી નાખી છે.” અમને જાણવા મળ્યા મુજબ, આ રકમ કિડની જે ભાવે વેચાય છે તેના અડધા કરતાં પણ ઓછી છે. નિઝામુદ્દીને તેનો હોઠ કરડ્યો અને તેની આંખોમાં આંસુ ધસી આવ્યાં.
લોકો અહીં જે ગૌરવ સાથે જીવન જીવતા હતા, તેને ભૂખમરાએ ભાંગી નાખ્યું છે.
એક સમુદાયના વડા અબ્દુલ ગફારે કહ્યું હતું કે, “આ ઇસ્લામી કાયદાથી વિરુદ્ધ છે અને અમે અમારાં સંતાનોનું જીવન જોખમમાં મૂકી રહ્યાં છીએ તે જાણીએ છીએ, પરંતુ અમારી પાસે બીજો વિકલ્પ નથી.”
અફધાનિસ્તાનમાં પાંચ વર્ષથી ઓછી વયનાં બાળકો લાંબા સમયથી ભૂખમરો વેઠે છે
એક ઘરમાં અમે ચાર વર્ષની નાઝિયાને મળ્યા હતા. આ ખુશખુશાલ છોકરી તેના 18 મહિનાના ભાઈ સાથે રમતી વખતે ચહેરા પર રમૂજી ભાવ પ્રગટ કરતી હતી.
તેના પિતા હઝરતુલ્લાએ કહ્યું હતું કે, “અમારી પાસે ભોજન ખરીદવાના પૈસા નથી. તેથી મેં સ્થાનિક મસ્જિદમાં જાહેરાત કરી હતી કે હું મારી દીકરીને વેચવા ઇચ્છું છું.”
નાઝિયાને કંધાર પ્રાંતના એક પરિવારના પુત્ર સાથે પરણાવી દેવામાં આવી છે. એ 14 વર્ષની થશે ત્યારે તેને સાસરે મોકલી આપવામાં આવશે. હઝરતુલ્લાને નાઝિયાના વેચાણની કુલ રકમમાંથી બે હપ્તા મળ્યા છે.
હઝરતુલ્લાએ કહ્યું હતું કે, “એ પૈકીના મોટા ભાગના પૈસા ભોજન ખરીદવામાં વપરાઈ ગયા છે. થોડા નાના દીકરા માટે દવા ખરીદવામાં ખર્ચાયા. તેના ભણી નજર કરો. એ કુપોષિત છે.”
તેમણે શમ્શુલ્લાનું શર્ટ ઊંચું કરીને તેનું ફૂલેલું પેટ બતાવ્યું હતું.
કુપોષણના દરમાં આશ્ચર્યજનક વધારો એ વાતનો પુરાવો છે કે, અફઘાનિસ્તાનમાં પાંચ વર્ષથી ઓછી વયનાં બાળકો લાંબા સમયથી ભૂખમરો વેઠી રહ્યાં છે.
દેશભરમાં કુપોષણની સારવાર કરતા મેડિસિન્સ સાન્સ ફ્રન્ટિયર્સ (એમએસએફ) સંસ્થાના એકમોમાં સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 47 ટકા વધારો થયો છે.
એમએસએફનું હેરાત ખાતેનું કુપોષણની સારવાર માટેનું સુસજ્જ ફીડિંગ સેન્ટર માત્ર હેરાતના દર્દીઓને જ નહીં, પરંતુ પાડોશના ઘોર તથા બાડઘીસ પ્રાંતના દર્દીઓને પણ સેવા આપે છે. આ બન્ને પ્રાંતમાં કુપોષણનો દર છેલ્લા એક વર્ષમાં 55 ટકા વધ્યો છે.
આ કુપોષણ સારવાર કેન્દ્રોમાં છેલ્લા એક વર્ષમાં બેડ્ઝની સંખ્યા વધારવામાં આવી છે, જેથી વધારે બાળકોને સારવાર આપી શકાય. તેમ છતાં આ કેન્દ્રમાં વધારે ને વધારે દર્દીઓ આવતા રહે છે. અહીં આવતા બાળ દર્દીઓની એકથી વધુ રોગ માટે સારવાર કરવી પડે છે.
'તાલિબાન સરકાર રોજગાર સર્જનના પ્રયાસ કરી રહી છે'
મિડ નામનો છોકરો કુપોષિત હોવા ઉપરાંત હર્નિયા તથા સેપ્સિસથી પણ પીડાઈ રહ્યો છે. 14 માસની વયના ઓમિડનું વજન માત્ર ચાર કિલો છે.
ડૉક્ટરોએ અમને જણાવ્યુ હતું કે, “આ વયના સામાન્ય બાળકનું વજન 6.6 કિલો હોય છે. ઓમિડ સતત ઊલટી કરવા લાગ્યો ત્યારે તેને હૉસ્પિટલ સુધી લાવવા માટે તેની માતાએ ઉછીના પૈસા લેવા પડ્યા હતા.”
અમે હેરાતમાંની તાલિબાનની પ્રાંતીય સરકારના પ્રવક્તાને સવાલ કર્યો હતો કે ભૂખમરાના નિરાકરણ માટે તેઓ કેવાં પગલાં લઈ રહ્યાં છે.
તેમણે કહ્યું હતું કે, “અફઘાનિસ્તાન પરના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને અફઘાન અસ્ક્યામતો થીજાવી દેવાને કારણે હાલની પરિસ્થિતિ સર્જાઈ છે. કેટલા લોકો જરૂરતમંદ છે તેનું આકલન અમારી સરકાર કરી રહી છે. ઘણા લોકો તેમની હાલત બાબતે ખોટું બોલી રહ્યા છે, જેથી તેઓ મદદ મેળવી શકે.”
પરિસ્થિતિ કેટલી ખરાબ છે તે અમે અમારી સગી આંખે નિહાળ્યું હોવાનું જણાવવા છતાં તેમણે આ વલણ જાળવી રાખ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે, “તાલિબાન સરકાર રોજગાર સર્જનના પ્રયાસ કરી રહી છે. અમે આયર્ન ઓરની ખાણો તથા ગૅસ પાઇપલાઇન પ્રોજેક્ટ શરૂ કરવા વિચારી રહ્યા છીએ.”
જોકે, આવું નજીકના ભવિષ્યમાં થવાનું નથી.
લોકોએ અમને જણાવ્યું હતું કે, “તાલિબાન સરકાર અને આંતરરાષ્ટ્રીય સમુદાયે અમને ત્યજી દીધા હોય એવી લાગણી થાય છે.”
ભૂખ ધીમું અને છાના પગલે આવતું મોત છે. તેની અસર હંમેશાં તત્કાળ દેખાતી નથી.
દુનિયાની નજરથી દૂર, અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી આ કટોકટીનું ખરું કદ ક્યારેય પ્રકાશમાં આવશે નહીં, કારણ કે કોઈ તેને ધ્યાનમાં જ લેતું નથી.
(પૂરક માહિતીઃ ઇમોજેન એન્ડરસન અને મલિક મુદ્દસિર)