સૈન્યના વડા જનરલ બાજવાના કાર્યકાળમાં પાકિસ્તાનમાં શું-શું બદલાયું?

    • લેેખક, શુમાઈલા જાફરી
    • પદ, બીબીસી ન્યૂઝ

પાકિસ્તાની સૈન્યના વડા તરીકે છ વર્ષ સુધી સેવા આપ્યા બાદ જનરલ કમર જાવેદ બાજવા 29 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે.

તેઓ નવેમ્બર-2019માં પદ છોડવાના હતા, પરંતુ સલામતીની પ્રાદેશિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને ત્રણ વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.

રાજકારણમાં સૈન્યની ભૂમિકાના સંદર્ભમાં પાકિસ્તાનનો ઇતિહાસ ઊથલપાથલભર્યો રહ્યો છે. હાલ પાકિસ્તાનમાં ચૂંટાયેલી સરકાર શાસન કરી રહી છે, પરંતુ દેશમાં સૈન્યના વડાને વ્યવસ્થામાંના સૌથી શક્તિશાળી વ્યક્તિ ગણવામાં આવે છે.

ઘણા માને છે તેમ તેઓ રિયલ બૉસ હોય છે અને પડદા પાછળ રહીને ધાર્યું નિશાન તાકતા હોય છે. દેશના સૈન્યના નિવૃત્ત થઈ રહેલા વડા જનરલ કમર જાવેદ બાજવાએ આ પદ તથા તેની સાથે મળતી સંપૂર્ણ સત્તાનો છ વર્ષ સુધી ભરપૂર આનંદ માણ્યો હતો.

નવેમ્બર, 2016માં વૈશ્વિક રાજકીય પરિદૃશ્યમાં વ્યાપક ફેરફાર થતા હતા ત્યારે જનરલ બાજવાએ પદભાર સંભાળ્યો હતો.

મહત્ત્વની અન્ય ઘટનાઓ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી જીત્યા હતા, બ્રિટને યુરોપિયન યુનિયન છોડવાનો નિર્ણય કર્યો હતો, ઉરીમાંના ભારતીય સૈન્યની છાવણી પરના હુમલા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધ વધુ વણસ્યા હતા અને એ પછી ભારતે પાકિસ્તાનની સીમામાં વળતી સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી.

દેશની અંદર રાજકીય ઘર્ષણ પણ વધી રહ્યું હતું. તે જ વર્ષે એપ્રિલમાં તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફ અને તેમના પરિવારનું નામ ઑફશોર કંપનીઓમાં સંડોવણી સંબંધે, લીક થયેલા પનામા પેપર્સમાં બહાર આવ્યું હતું.

સત્તા પર ટકી રહેવા માટે આકરી કાનૂની લડાઈ લડી રહેલા નવાઝ શરીફ સામે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે ન્યાયિક પંચની રચનાની સંમતિ સુપ્રીમ કોર્ટે આપી હતી.

પાકિસ્તાન-અફઘાન બૉર્ડર પરના આતંકવાદીઓ સામે પાકિસ્તાન કાર્યવાહી કરી રહ્યું હતું.

રાજકીય વારસો

2016માં જનરલ બાજવાની નિમણૂકથી ઘણાને આશ્ચર્ય થયું હતું. વરિષ્ઠતાના ક્રમમાં તેઓ ચોથા સ્થાને હતા અને તેઓ હોટ ફેવરિટ પણ ગણાતા ન હતા.

તેમ છતાં તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફે તેમની પસંદગી કરી હતી. વિશ્લેષક ઇમ્તિયાઝ ગુલે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં લશ્કરી વડાની નિમણૂક હંમેશાં રાજકીય કવાયત હોય છે. તેમની નિમણૂક પ્રોફેશનલ લાયકાત અનુસાર ક્યારેય થતી નથી. રાજકીય ગણતરીને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે છે. જનરલ બાજવાની નિમણૂક પણ એ રીતે જ થઈ હતી.

ઇમ્તિયાઝ ગુલે કહ્યું હતું કે “વડા પ્રધાન પોતાના માટે હાનિકારક ન હોય તેવી વ્યક્તિને જ સૈન્યના વડા તરીકે પસંદ કરે છે, પરંતુ રાજકારણીઓ એ વાત ભૂલી જાય છે કે તેઓ જેની પસંદગી કરે છે તે વ્યક્તિ સૈન્યના વડા બન્યા પછી પોતાની સંસ્થાની સત્તાની અને સૈન્ય, જેને પોતાની રીતે પરિભાષિત કરે છે એવા રાષ્ટ્રહિતની પરવા જ કરતી હોય છે.”

જનરલ બાજવાએ પદભાર સંભાળ્યો ત્યારે સૈન્યનો નવાઝ શરીફ સાથેનો સંબંધ પહેલેથી જ ખરાબ હતો. શરીફ પરિવારે આક્ષેપ કર્યો હતો કે તેમની સામેની કાયદાકીય કાર્યવાહીમાં સૈન્યનો હાથ છે.

આ આક્ષેપને સૈન્યે સખત રીતે નકારી કાઢ્યો હતો. તેના એક વર્ષથી ઓછા સમયમાં શરીફ પદભ્રષ્ટ થયા હતા અને સુપ્રીમ કોર્ટે તેમને હોદ્દા પર રહેવા માટે અયોગ્ય ઠરાવ્યા પછી તેમણે વડા પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું હતું.

સુપ્રીમ કોર્ટે 2018માં નવાઝ શરીફ પર રાજકારણમાં આજીવન પ્રતિબંધ લાદ્યો હતો. એકાઉન્ટેબિલિટી કોર્ટે તેમને ભ્રષ્ટાચારના આરોપસર દોષી ઠરાવ્યા હતા અને દસ વર્ષના કારાવાસની સજા ફટકારી હતી.

2018માં પાકિસ્તાનમાં સંસદીય ચૂંટણી યોજાઈ હતી. રાજકારણમાં પોતાની કોઈ દખલગીરી ન હોવાનો દાવો કરતા સૈન્યે પોતાને ગમતી વ્યક્તિ પસંદ કરી લીધી હતી અને તે હતા ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાન.

ચૂંટણીમાં ગોલમાલના આક્ષેપો ક્યારેય પુરવાર થયા નહીં, પરંતુ ઇમરાન ખાનના વિરોધીઓ દાવો કરે છે કે ભૂતપૂર્વ ક્રિકેટર સૈન્યના ટેકા અને રાજકીય હાથચાલાકી વગર સત્તા પર આવી શક્યા ન હોત.

જનરલ બાજવાની નીતિ સમજાવતાં પાકિસ્તાનના વિખ્યાત રાજકીય વિશ્લેષક સુહૈલ વારિયાચે જણાવ્યું હતું કે જનરલ બાજવા લોકશાહી પ્રત્યે સજ્જડ પ્રતિબદ્ધતા ધરાવતા હતા, પરંતુ રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો વાંસળી વગાડતો હતો એ રીતે લોકો પોતાને યાદ રાખે એવું ઇચ્છતા ન હતા.

બાજવાના કાર્યકાળનાં પ્રારંભિક વર્ષોમાં સૈન્યનો દેશની સરકાર સાથેનો સંબંધ ઉષ્માભર્યો અને સૌહાર્દપૂર્ણ હતો. બન્ને સંસ્થા વચ્ચે સંપૂર્ણ સંકલન હતું, જે પાકિસ્તાનના સંદર્ભમાં દુર્લભ બાબત ગણાય.

બન્ને વચ્ચે એટલો મનમેળ હતો કે તત્કાલીન વડા પ્રધાન ઇમરાન ખાને અનેક વખત ગૌરવભેર જાહેર કર્યું હતું કે નીતિવિષયક તમામ નિર્ણયોની બાબતમાં તેમની સરકાર તથા સૈન્ય વચ્ચે કોઈ મતભેદ નથી.

સલામતી સંબંધી પ્રાદેશિક પડકારોનું કારણ દર્શાવીને ઇમરાન ખાન સરકારે જનરલ બાજવાને 2019માં ત્રણ વર્ષનું એક્સટેન્શન આપ્યું હતું. આગળ જતાં સૈન્યે ઇમરાન ખાનને તેમના રાજકીય પ્રતિસ્પર્ધીઓ દ્વારા સત્તા પરથી ઊથલાવવાના અનેક પ્રયાસ નિષ્ફળ બનાવ્યા હતા.

અલબત્ત, સ્નેહભર્યો આ સંબંધ લાંબો સમય ટક્યો ન હતો. ગયા વર્ષના અંતે ઇન્ટર સર્વિસિસ ઈન્ટેલિજન્સ(આઈએસઆઈ)ના ડિરેક્ટર જનરલની નિમણૂક સંબંધી મતભેદને લીધે ઇમરાન ખાન અને સૈન્યની નેતાગીરી વચ્ચે તિરાડ પડી હતી અને તેને લીધે બન્ને અલગ થયા હોવાનું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.

આ વર્ષે એપ્રિલમાં ઇમરાન ખાનને અવિશ્વાસની દરખાસ્ત વડે સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. ઇમરાન ખાને આક્ષેપ કર્યો હતો કે મારી ચૂંટાયેલી સરકાર વિરુદ્ધ પાકિસ્તાની સૈન્યે અમેરિકાના ઈશારે ષડયંત્ર રચ્યું છે.

જનરલ બાજવા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં જોરદાર કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું. ઇમરાન ખાને તેમને મીર જાફર તથા મીર સાદિક ગણાવ્યા હતા, જે ભારતીય ઉપખંડમાં દેશદ્રોહીઓનો ઐતિહાસિક સંદર્ભ છે.

વિશ્લેષક ઇમ્તિયાઝ ગુલના મતાનુસાર, ભૂતપૂર્વ વડા પ્રધાને સૈન્યના વર્તમાન વડાને આ રીતે જાહેર સભાઓમાં ખુલ્લેઆમ પડકાર્યા હોય તેવી પાકિસ્તાનના ઇતિહાસમાંની આ પહેલી ઘટના હતી. જનરલ બાજવાએ પોતાના કાર્યકાળના વિસ્તરણ માટે, લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર પર જોખમ સર્જ્યું હોવાની છાપ ઊભી કરવામાં ઇમરાન ખાન સફળ થયા હોવાનું પણ ઇમ્તિયાઝ માને છે.

પોતાને બીજા એક્સટેન્શનમાં રસ નથી અને પોતે યોજના મુજબ 29 નવેમ્બરે જ નિવૃત્ત થઈ જશે, એવી સ્પષ્ટતા જનરલ બાજવાએ એકથી વધુ વખત કરી હોવા છતાં આ સંબંધી અફવાઓને કારણે જનરલની પ્રતિષ્ઠાનું વ્યાપક ધોવાણ થયું હોવાનો ઇમ્તિયાઝ ગુલનો મત છે.

તેમણે કહ્યું હતું કે “તેમના કાર્યકાળના છેલ્લા છ મહિનામાં જે કંઈ થયું છે તેનાથી લોકોને આઘાત લાગ્યો છે.”

રાજકારણમાં દખલ નહીં કરવાની અને તટસ્થતા જાળવી રાખવાની સૈન્યની નીતિનો જનરલ બાજવાએ અનેક વખત પુનરોચ્ચાર કર્યો હોવા છતાં ઇમરાન ખાનના ટેકેદારોમાં થતા વધારા સામે તેમના આ સંદેશાની કોઈ નોંધ લેવાઈ નથી.

આર્થિક મુત્સદ્દીગીરી

પાકિસ્તાનને આર્થિક કટોકટીમાંથી ઉગારવામાં જનરલ બાજવાએ ઘણી વખત સક્રિય ભૂમિકા ભજવી હતી.

ઇમરાન ખાન વડા પ્રધાન બન્યા ત્યારે તેઓ ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ પાસે જવા તૈયાર ન હતા.

ઇમરાન ખાને અનેક જાહેર સભામાં કહ્યું હતું કે “આઈએમએફ પાસે જવાને બદલે હું આપઘાત કરવાનું પસંદ કરીશ.” તેમણે વિકલ્પ શોધવામાં બે મહિના ગાળ્યા હતા, પરંતુ તેમને વિકલ્પ મળ્યો ન હતો.

એ દરમિયાન પાકિસ્તાની અર્થતંત્ર તૂટી પડવાની અણી પર આવી ગયું હતું. એ વખતે જનરલ બાજવા આગળ આવ્યા હતા.

દેશના કંગાળ અર્થતંત્ર માટે નાણાંની વ્યવસ્થા કરવા જનરલ બાજવાએ સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમિરાત અને ચીનની શાસકો સાથે મંત્રણા કરી હતી.

રૉયલ યુનાઈટેડ સર્વિસિસ ઇન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ રિસર્ચ ફેલો કમાલ આલમના દાવા મુજબ, જનરલ બાજવાએ આરબ રાષ્ટ્રો સાથેના પાકિસ્તાનના સંબંધને નવો ઓપ આપવામાં પડદા પાછળ રહીને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાન માટે નાણાકીય મદદની વ્યવસ્થા કરવા જનરલ બાજવાએ આ વર્ષે ઑગસ્ટમાં ફરી સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમિરાત ભણી હાથ લંબાવ્યો હતો.

ચાઈના-પાકિસ્તાન ઇકૉનૉમિક કોરિડોર (સીપીઈસી)માં પણ તેમણે ઊંડો રસ લીધો હતો. પાકિસ્તાનમાંનાં ચીની હિતો તથા લોકો પરના હુમલામાં તાજેતરમાં થયેલા વધારા છતાં સીઈપીસીના માળખાકીય તથા વીજપ્રકલ્પોની પ્રગતિ જનરલ બાજવાના કાર્યકાળમાં વેગીલી બની છે.

ફાઈનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સના ગ્રે લિસ્ટમાંથી પાકિસ્તાનનું નામ હટાવવાનું કામ પણ બહુ મોટું હતું અને તેમાં પણ જનરલ બાજવાએ મોટું યોગદાન આપ્યું હતું.

ફાઈનાન્સિઅલ ઍક્શન ટાસ્ક ફોર્સે આપેલા ઍક્શન પૉઇન્ટ મુજબના કામને ઝડપભેર આગળ વધારવા માટે તેમણે પાકિસ્તાની સૈન્યના વડામથકમાં મહત્ત્વના એક વિભાગની રચના કરી હતી.

પાકિસ્તાન માટે ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ દ્વારા ભંડોળની ફાળવણી ઝડપી બનાવવા ઑગસ્ટ 2022માં વૉશિંગ્ટનમાંના અમેરિકાના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરીને તેમણે પોતાના પ્રભાવનો વધુ એક વખત ઉપયોગ કર્યો હતો.

સલામતી વિષયક અભિગમ

જનરલ બાજવાના કાર્યકાળ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધે કેટલીક વાર યુદ્ધની દિશામાં વળાંક લીધો હતો.

પાકિસ્તાનનું કોઈ પણ કિંમતે રક્ષણ કરવાની પ્રતિજ્ઞા છતાં જનરલ બાજવાએ મુખ્યત્વે, ભારત સાથે મંત્રણા કરતા રહેવાની નીતિને સમર્થન આપ્યું હતું.

ઇસ્લામાબાદ ખાતે ઇન્ટરનેશનલ સિક્યૉરિટી કૉન્ફરન્સને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે “પાકિસ્તાન કાશ્મીર સહિતના તમામ વણઉકલ્યા મુદ્દાઓના નિરાકરણ માટે મંત્રણા તથા કૂટનીતિના ઉપયોગમાં માને છે. વિશ્વનો એક-તૃતીયાંશ હિસ્સો કોઈને કોઈ રીતે સંઘર્ષમાં ઘેરાયેલો છે ત્યારે આપણે આગની જ્વાળાઓ આ પ્રદેશથી દૂર રાખીએ એ જરૂરી છે.”

વિશ્લેષક સોહૈલ વારિયાચે બાજવાની નીતિની સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે એમની નીતિ પાડોશીને અસ્થિર કરવાના પ્રયાસમાં રત રહેવા ઘૃણાસ્પદ પાડોશીની નહીં, પરંતુ પાકિસ્તાનને શાંતિપ્રેમી દેશ તરીકે સ્થાપિત કરવાની હતી.

આ અભિગમનું પ્રતિબિંબ કરતારપુર કોરિડોર પ્રોજેક્ટમાં જોવા મળે છે અને વિશ્લેષકો માને છે કે બન્ને દેશના લોકોને સાથે લાવવાના પ્રયાસમાં જનરલ બાજવાનું આ સૌથી મોટું યોગદાન બની રહેશે. આ કોરિડોરનું નિર્માણ ઝડપભેર થાય એ માટે તેમણે અંગત રસ લીધો હતો.

અફઘાનિસ્તાનના સંદર્ભમાં જનરલ બાજવાની નેતાગીરી હેઠળ પાકિસ્તાને દોહા મંત્રણાની વ્યવસ્થા કરાવી આપી અને તેના પરિણામે યુદ્ધગ્રસ્ત દેશમાંથી વિદેશી દળો પાછાં બોલાવી લેવાયાં હતાં.

જોરદાર પ્રતિકાર છતાં બાજવાના અંકુશ હેઠળના પાકિસ્તાની સૈન્યે અફઘાનિસ્તાન સાથેની 2,600 કિલોમીટર લાંબી છીંડાવાળી આખી સરહદવાડ બાંધવાનું કામ પૂર્ણ કર્યું હતું.

વિશ્લેષક સુહૈલ વારિયાચના જણાવ્યા મુજબ, બાજવાની નીતિ હેઠળ પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે ગાઢ વ્યૂહાત્મક ગોઠવણના વિચારને ત્યાગવાનું નક્કી કર્યું હતું અને ઈરાન સાથેના સંબંધ સુધારવાની દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું હતું.

પાકિસ્તાન-અમેરિકા વચ્ચેનો સંબંધ મુખ્યત્વે સૈન્ય અને સલામતી સહકાર પર આધારિત છે. અલબત્ત, પાકિસ્તાન છેલ્લાં કેટલાંક વર્ષથી બીજિંગ તરફ વધારે ઢળ્યું છે ત્યારે પાકિસ્તાન-અમેરિકાના સંબંધ ઠંડાગાર જરૂર બની ગયા છે. જનરલ બાજવાની ઑક્ટોબરમાંની અમેરિકાની છ દિવસની વિદાય મુલાકાતને બન્ને દેશ વચ્ચેના સંબંધને ફરી પાટે ચડાવવાનો પ્રયાસ ગણવામાં આવે છે.

જનરલ બાજવાની મુલાકાતના થોડા સપ્તાહ પહેલાં જ એફ-16 જેટ વિમાનો સંદર્ભે પાકિસ્તાનને 45 કરોડ ડૉલરના વિદેશી લશ્કરી વેચાણને મંજૂરી આપવા બાઇડન વહીવટીતંત્રે અમેરિકન કૉંગ્રેસને જણાવ્યું હતું.

વિશ્લેષકો માને છે કે પાકિસ્તાન અમેરિકા સાથે હવે સુદ્દઢ આર્થિક સહકાર પર આધારિત સંબંધ વિકસાવવાના પ્રયાસ કરી રહ્યું છે.

જનરલ બાજવાની અમેરિકા મુલાકાતને અંતે પાકિસ્તાની સૈન્યની મીડિયા પાંખ આઈએસપીઆર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદને તેની પુષ્ટિ કરી હતી. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જનરલ બાજવાએ અમેરિકા સાથે સલામતી તથા ગુપ્ત માહિતીની આપ-લેના સંબંધ સિવાયની બાબતોમાં પણ ગાઢ સહકારની ચર્ચા કરી હતી અને સુધારિત આર્થિક સંબંધની દિશામાં કામ કરવા અમેરિકાના અધિકારીઓ સહમત થયા હતા.

જનરલ બાજવાના વડપણ હેઠળના સૈન્યે દેશની સરહદોની અંદર આતંકવાદ સામે લડવા મોટા પાયે લશ્કરી કાર્યવાહી હાથ ધરવાનો અભિગમ ત્યજી દીધો છે અને ગુપ્તચર માહિતી આધારિત લક્ષ્યાંકિત કાર્યવાહીની નીતિ અપનાવી છે.

આતંકવાદીઓ સામે આશરે ત્રણ લાખ ગુપ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે પાકિસ્તાની તાલિબાન સાથેની મંત્રણાની પ્રક્રિયા શરૂ થઈ છે, પરંતુ હજુ સુધી તેમાં સફળતા મળી નથી.

જનરલ બાજવા બલુચિસ્તાનમાં વિદ્રોહને ડામવામાં નિષ્ફળ રહ્યા છે અને તેમના કાર્યકાળમાં સૈન્યના જવાનો તથા સરકારી સ્થાનો પર સતત હુમલા થતા રહ્યા હતા. પાકિસ્તાની સૈન્ય તેમના નેતૃત્વમાં કોરોના સામેના દેશના સફળ પ્રતિસાદમાં મોખરે રહ્યું હતું.

જનરલ બાજવાના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાન રાજકીય, આર્થિક અને સલામતી સંબંધી અનેક ઊથલપાથલમાં સલામત રહ્યું હતું.

તેઓ વધુ સલામત પાકિસ્તાન અને વધુ મજબૂત સૈન્યને છોડીને વિદાય લઈ રહ્યા છે કે કેમ તે નક્કી કરવું હજુ મુશ્કેલ છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે એક રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનમાં ચોક્કસપણે વધુ ધ્રુવીકરણ થયું છે.

રાજકારણમાં સૈન્યની પ્રગટ તથા અપ્રગટ ભૂમિકા સામેનો જનમત અગાઉ ક્યારેય આટલો પ્રબળ ન હતો અને ઘણા લોકો માને છે કે આ બાબત જનરલ બાજવાના વારસાનો સૌથી યાદગાર હિસ્સો બની રહેશે.