ઇમરાન ખાન પર હુમલો પાકિસ્તાન માટે કેવી રીતે ટર્નિંગ પૉઇન્ટ બની રહ્યો છે?

સારાંશ
  • ઇબ્તેસામ હસન નામના કાર્યકર્તાએ હુમલાખોરનો હાથ પકડી લીધો હતો અને તેને કન્ટેનર પર સીધુ નિશાન લેતા અટકાવ્યો હતો ઈમરાન ખાનની પહેલી પત્નીએ ઈબ્તેસામને કહ્યો- હીરો
  • ઇમરાન ખાનની હકીકી આઝાદી માર્ચ શુક્રવારે લાહોરથી નીકળી હતી, 4 નવેમ્બરે ઈસ્લામાબાદ પહોંચવાનું આયોજન છે, દેશમાં તત્કાલ ચૂંટણી યોજવા માટે માર્ચ કાઢવામાં આવી
  • વરિષ્ઠ પત્રકાર તેમજ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહી ચૂકેલા સંજય બારુ અંગ્રેજી અખબાર ધ ઈન્ડિયન એક્સપ્રેસ માટે લખે છે કે ઈમરાન ખાન પરનો હુમલો પાકિસ્તાન માટે નવેમ્બરમાં ટર્નિંગ પૉઇન્ટ સમાન છે

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન પર ગુરુવારે ફાયરિંગ થયું હતું, જેમાં તેમને પગમાં ગોળી વાગી હતી. વજીરાબાદ શહેરમાં ઈમરાન ખાન પર લોંગ માર્ચ દરમિયાન આ ફાયરિંગ થયું હતું.

આ હુમલામાં ઈમરાન ખાન સહેજ માટે બચી ગયા છે, પરંતુ અત્યાર સુધીમાં એક વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 14 લોકો ઘાયલ થયા છે. ઈમરાન ખાન પરના હુમલાની દુનિયાભરમાં ચર્ચા છે અને ઘણા નેતાઓ અને દેશોએ તેની નિંદા કરી છે.

વરિષ્ઠ પત્રકાર તેમજ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહી ચૂકેલા સંજય બારુ અંગ્રેજી અખબાર ધ ઈન્ડિયન એક્સપ્રેસ માટે લખે છે કે ઈમરાન ખાન પરનો હુમલો પાકિસ્તાન માટે નવેમ્બરમાં ટર્નિંગ પૉઇન્ટ સમાન છે.

પાકિસ્તાનના વિપક્ષના નેતા અને પાકિસ્તાન તહરીકે ઇન્સાફ પાર્ટીના વડા ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની સરકારની કાયદેસરતાને પડકારવા અને દેશમાં ચૂંટણી કરાવવા માટે લૉંગ માર્ચ કરી રહ્યા છે.

આજે ઇમરાન ખાને પોતાની પાર્ટીની બેઠક બોલાવી છે, જેમાં તેઓ પોતાની આગળની રણનીતિ જાહેર કરશે.

ઇમરાન ખાનની લૉંગ માર્ચ ઉપરાંત પાકિસ્તાનમાં નવેમ્બર મહિનો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે દેશના સેના પ્રમુખ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ પણ આ મહિનામાં પૂરો થવાનો છે.

ત્યારે સવાલ એ ઉભા થાય છે કે શું ઇમરાન ખાન ઈસ્લામાબાદને ઘેરી શકશે? શું બાજવા નિવૃત્ત થશે અને શું પાકિસ્તાનની રાજનીતિમાં સેનાનો દબદબો ફરી એકવાર જોવા મળશે?

સંજય બારુએ એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે પાકિસ્તાન પહેલેથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, તો શું આગામી થોડા અઠવાડિયામાં રાજકીય અસ્થિરતા અર્થતંત્રને પણ અસર કરશે?

દેશની મહત્ત્વની સંસ્થાઓ પડકારોનો સામનો કરી રહી છે ત્યારે આવી સ્થિતિમાં ન્યાયતંત્રની ભૂમિકા શું રહેશે.

ઇમરાન ખાનનો જીવ બચાવનાર હિરો

ગુરુવારે ગુજરાંવાલામાં એક બંદૂકધારીએ ખાનના કન્ટેનર પર ગોળીબાર કર્યો હતો.

ગોળીબાર કરી રહેલા હુમલાખોરને રોકવા માટે પાકિસ્તાન તહરીકે ઈન્સાફ પાર્ટીના ઘણા કાર્યકર્તાઓ આગળ આવ્યા હતા. જેમાંથી એક કાર્યકર્તાનું મૃત્યુ થયું હતું.

ઈબ્તેસામ હસન નામના પીટીઆઈ કાર્યકર્તાની હુમલાખોર સાથે અથડામણ થઈ હતી. ઇબ્તેસામે હુમલાખોરનું કાંડુ મજબૂતીથી પકડી રાખ્યું હતું, ત્યારબાદ હુમલાખોર ગોળીબાર કરી શક્યો ન હતો.

ઘટના બાદ મીડિયા સાથે વાત કરતા ઈબ્તેસામે કહ્યું કે તે ઇમરાન ખાનના કન્ટેનરથી માત્ર દસ ફૂટ દૂર હતો.

તેણે કહ્યું, "હુમલાખોર આવ્યો અને તેણે મેગેઝિન લોડ કર્યું અને ગોળીબાર શરૂ કર્યો. હું ઝડપથી તેની તરફ દોડ્યો અને તેનો સામનો કર્યો. તે પછી તેની ગોળીઓ નીચે જમીન પર વાગી. પિસ્તોલ છીનવવાના પ્રયાસમાં પિસ્તોલ નીચે પડી ગઈ. પછી તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, મેં તેને ફરીથી પકડવાનો પ્રયાસ કર્યો. તે પછી પોલીસ આવી અને તેને લઈ ગઈ."

ઈબ્તેસામે પાકિસ્તાની ટીવી ચેનલને આ ઘટના વિશે વિગતવાર માહિતી આપી હતી.

તેણે બોલ ન્યૂઝને કહ્યું, "મારો હેતુ એક જ હતો કે ખાન સાહેબ ઉપર નિશાન ન લાગે. મારી નજર તેના પર પડી એ સાથે જ મને તે શંકાસ્પદ જણાયો. તેણે સલવારમાંથી પિસ્તોલ કાઢી એ સાથે જ હું તેમની તરફ દોડ્યો."

"તે ખાન સાહેબ પર સીધું નિશાન લઈ ન શક્યો. આ દરમિયાન તેમણે જે હાથમાં પિસ્તોલ પકડી હતી તે હાથનું કાંડુ મેં પકડી લીધુ. મારો ઉદ્દેશ્ય એક જ હતો કે ભલે હું મરી જઉ પણ ખાન સાહેબનો જીવ બચી જવો જોઈએ."

પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર ઈબ્તેસામની હિંમતની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

ઈમરાન ખાનનાં પ્રથમ પત્ની જેમિમા ગોલ્ડસ્મિથે ઈબ્તેસમની તસવીર ટ્વિટર પર શેર કરી અને લખ્યું- હીરો.

તહરીકે ઈન્સાફની સરકારમાં મંત્રી રહેલા જરતાજ ગુલ વઝીરે કહ્યું- આ યુવક નેશનલ હીરો છે. એણે ખાન સાહેબને નિશાન બનાવવા ન દીધા.

પાકિસ્તાનના એક બિઝનેસમૅન મીર મોહમ્મદ અલી ખાને કહ્યું કે શૂટર તરફ ઝૂકીને તેની પિસ્તોલ પકડનાર ઈબ્તેસામ હીરો છે.

ઇમરાન ખાનનું ઑપરેશન થયું, તબિયત સુધારા પર

ઇમરાન ખાનની પાર્ટી તહરીકે ઈન્સાફના એક સેનેટરે કહ્યું છે કે ઓપરેશન બાદ તેમની તબિયત હવે સારી છે. 

તેમના એક વરિષ્ઠ સહાયકે એએફપી ન્યૂઝ એજન્સીને કહ્યું: "આ હુમલો તેમને મારી નાખવાનો પ્રયાસ છે." જોકે પોલીસે આ દાવાને સમર્થન આપ્યું નથી. 

આ ઘટનામાં ઈમરાન સહિત પાંચ લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ ઈમરાન સહિત 14 લોકોને ઈજાના અહેવાલ આપ્યા છે. 

ઈમરાન ખાનને સારવાર માટે લાહોરની શૌકત ખાનમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન તહરીકે ઈન્સાફ પાર્ટીના ઉપાધ્યક્ષ શાહ મહેમૂદ કુરેશીએ ટ્વીટ કર્યું કે ઈમરાન ખાન હવે ખતરાની બહાર છે. 

પોલીસે ઘટનાસ્થળેથી એક વ્યક્તિની અટકાયત કરી છે હુમલાના આરોપીએ હજુ સુધી પ્રારંભિક નિવેદનમાં કંઈ જણાવ્યું નથી.

હુમલા બાદ ઇમરાન ખાન તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં ત્રણ લોકોને હુમલા માટે જવાબદાર ઠેરવ્યા છે. પાકિસ્તાન તહરીકે ઈન્સાફના નેતા અસદ ઉમરે કહ્યું છે કે વજીરાબાદમાં લૉંગ માર્ચ દરમિયાન થયેલા ફાયરિંગ માટે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ, ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ અને મેજર જનરલ ફૈસલ જવાબદાર છે.

ઇમરાન શૌકત ખાનમ હૉસ્પિટલમાં દાખલ

પાકિસ્તાન તહરીકે ઇન્સાફના સૂત્રોએ જણાવ્યું કે ઇમરાનને લાહોરની શૌકત ખાનમ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇમરાને આ હૉસ્પિટલ તેમની માતા શૌકત ખાનમની યાદમાં બનાવી છે.

આ ફાયરિંગની ઘટનામાં પીટીઆઈ નેતા ફૈઝલ જાવેદ પણ ઘાયલ થયા છે.

પાકિસ્તાન તહરીકે ઇન્સાફ પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી સાંસદ ફૈઝલ જાવેદનો એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે, જેમાં ફૈઝલ જાવેદ પોતે આ ઘટના વિશે જણાવી રહ્યા છે.

તેઓ કહી રહ્યા છે, "અમારા કેટલાક સાથીઓ ઘાયલ થયા છે. એક સાથી શહીદ થઈ ગયા છે. બધા માટે પ્રાર્થના કરો."

પાકિસ્તાનમાં ઇમરાન ખાનની હકીકી આઝાદી માર્ચનો આજે સાતમો દિવસ છે.