ઇમરાન ખાન પર હુમલામાં એકનું મૃત્યુ, ગોળીબાર કરનાર પોલીસ અટકાયતમાં

પાકિસ્તાનની વજીરાબાદ સિવિલ હૉસ્પિટલના અધિકારીઓનું કહેવું છે કે ઇમરાન ખાનના કાફલા પર હુમલા બાદ આઠ ઈજાગ્રસ્તો અને એક મૃત વ્યક્તિને હૉસ્પિટલ લવાઈ છે.

બીજી તરફ ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈનાં સૂત્રોનું કહેવું છે કે ઇમરાન ખાનને લાહોરની શૌકત ખાનમ હૉસ્પિટલ લઈ જવાયા છે.

પાકિસ્તાન તહરીક-એ ઇન્સાફના મહાસચિવ અસદ ઉમરે કહ્યું કે ગોળીબારની ઘટનામાં ઇમરાન ખાનના પગમાં ગોળી વાગી છે.

પાકિસ્તાનના ગુજરાંવાલાના અલ્લાહવાલા ચૌક પર પૂર્વ વડા પ્રધાન અને પીટીઆઈ અધ્યક્ષ ઇમરાન ખાનના કન્ટેઇનર પાસે ગોળીબાર થયો છે.

પીટીઆઈ નેતા હમ્માદ અઝહરનું કહેવું છે કે ઇમરાન ખાનના કાફલા પર થયેલ હુમલામાં પાર્ટી સભ્ય અહમદ ચઢ્ઢાને બે ગોળી વાગી છે.

હમ્માદ અઝહરે કહ્યું, "હું અહમદ ચઢ્ઢા સાથે ચું, તેઓ ખતરાથી બહાર છે. તેમને સાથળના ભાગે બે ગોળી વાગી છે. ઘા ઊંડા નથી. ગોળીઓ કાઢવા માટે ઑપરેશન કરી રહ્યું છે."

પીટીઆઈ નેતા ડૉ. યાસમીન રાશિદ અનુસાર આ હુમલમાં ઇમરાન ખાન પણ ઈજાગ્રસ્ત થયા છે.

બીબીસી ઉર્દૂ અનુસાન આ હુમલામાં સાંસદ ફૈસલ જાવેદ પણ ઈજાગ્રસ્ત થયા છે. બીબીસી ઉર્દૂની પાસે ઉપલબ્ધ તસવીરોમાં તેઓ ઈજાગ્રસ્ત અવસ્થામાં જોઈ શકાય છે.

બચાવ અધિકારીઓ અનુસાર આ ઘટનામાં ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે ઘટનાસ્થળથી એક વ્યક્તિની અટકાયત કરી છે.

જોકે પોલીસે આ વાતની પુષ્ટિ અત્યાર સુધી નથી કરી કે ગોળી એ વ્યક્તિએ જ ચલાવી હતી કે કેમ. સુરક્ષાકર્મીઓએ ઇમરાન ખાનને બચાવી લીધા છે. કંટેઇનરથી ગાડીમાં શિફ્ટ કરતી વખતે તેમના પગ પર પટ્ટી જોવા મળી હતી.

પાકિસ્તાનમાં ઇમરાન ખાનના કન્ટેઇનર પર થયેલા હુમલામાં સાંસદ ફૈસલ જાવેદ ઈજાગ્રસ્ત થયા છે.

પાકિસ્તાન તહરીકે ઇન્સાફ પાર્ટીના આધિકારિક ટ્વિટર હૅન્ડલથી એક સાંસદ ફૈસલ જાવેદનો એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે જેમાં પોતે ફૈસલ જાવેદ ઘટના વિશે જણાવી રહ્યા છે.

તેઓ કહે છે કે, "અમારા કેટલાક સાથીઓ ઈજાગ્રસ્ત થયા છે. એક સાથી શહીદ થયાનું જણાવાયું છે. બધા માટે દુઆ કરો."

ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ પોતાના આધિકારિક ટ્વિટર હૅન્ડલથી એક વીડિયો શૅર કર્યો છે.

આ વીડિયોમાં દેખાય છે કે કેવી રીતે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને ફાયરિંગની ઘટના બાદ કન્ટેઇનરથી ગાડીમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.

ગાડીમાં શિફ્ટ કરતી વખતે ઇમરાન ખાન પોતાના સમર્થકોને હાથ હલાવીને અભિવાદન કરે છે.

ગોળી ચલાવનાર વ્યક્તિની અટકાયત

પાકિસ્તાનના માહિતી ખાતાનાં મંત્રી મરિયમ ઔરંગઝેબે કહ્યું કે ઇમરાન ખાન પર ગોળી ચલાવનાર વ્યક્તિ હાલ પોલીસની અકટાયતમાં છે.

આ વ્યક્તિ પાકિસ્તાનના પંજાબ રાજ્યના ગુજરાત જિલ્લાની પોલીસની અટકાયતમાં છે.

પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરતા મરિયમ ઔરંગઝેબે કહ્યું કે અંતિમ રિપોર્ટ આવ્યા સુધી બેજવાબદારીપૂર્વક નિવેદનોથી બચવું જોઈએ.

તેમણે કહ્યું કે આ પ્રકારનાં નિવેદનનું પરિણામ લોકોએ ભોગવવું પડે છે.

તેમણે કહ્યું કે પાકિસ્તાનના રાજકારણમાં આવી ઘટનાઓની કોઈ જગ્યા નથી.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે આ ઘટનાની નિંદા કરી છે.

"પીટીઆઈ ચૅરમૅન ઇમરાન ખાન પર ગોળીબારની ઘટનાને હું કડક શબ્દોમાં વખોડું છું. મેં આંતરિક મામલાના મંત્રીને આ ઘટના અંગે ત્વરિત રિપોર્ટ આપવા કહ્યું છે."

"હું પીટીઆઈના ચૅરમૅન અને અન્ય ઈજાગ્રસ્ત લોકોના આરોગ્ય માટે પ્રાર્થના કરું છે."

"સંઘીય સરકાર પંજાબ સરકારને સુરક્ષા અને તપાસ માટે બધી જરૂરી મદદ આપશે. દેશના રાજકારણમાં હિંસાની કોઈ જગ્યા ન હોવી જોઈએ."

આ ઘટના બાદ પાકિસ્તાનનાં સૂચનામંત્રી મરિયમ ઔરંગઝેબનું નિવેદન સામે આવ્યું છે.

તેમણે કહ્યું છે કે ગોળીબારની આ ઘટનાને પગલે ચીનની મુલાકાત બાદ વડા પ્રધાન શહબાઝ શરીફ જે પત્રકારપરિષદને સંબોધવાના હતા, એને સ્થગિત કરી દીધી છે. શહબાઝ શરીફ બે દિવસની ચીનના મુલાકાત લઈને પરત ફર્યા છે.

આ દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ઇમરાન ખાનની રેલીમાં ગોળીબારની ઘટના વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, 'આ હાલમાં જ બનેલી ઘટના છે. અમે નજીકથી તેની પર નજર રાખી રહ્યા છીએ. હજી પરિસ્થિતિ બદલાઈ રહી છે એટલે આનાથી વધુ હાલ કંઈ કહેવા જેવું નથી.'

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો