You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઋષિ સુનક બ્રિટનના વડા પ્રધાન તરીકે ચૂંટાતાં પાકિસ્તાનના PM શહબાઝ શરીફ શું બોલ્યા?
ભારતીય મૂળના બ્રિટનના સાંસદ ઋષિ સુનકે સોમવારે બ્રિટનના વડા પ્રધાનપદની રેસમાં જીત મેળવી લીધી છે. દુનિયાભરનાં અખબારોએ આ ઘટનાને 'ઐતિહાસિક' ગણાવી છે.
42 વર્ષીય સુનક બ્રિટનના પહેલા એશિયન વડા પ્રધાન હશે. આ સમાચાર પણ દુનિયાભરના નેતાઓની પ્રતિક્રિયા પણ આવી રહી છે.
ઋષિ સુનકને જાણો
- ઋષિ સુનક ઇન્ફોસિસના સંસ્થાપક એન.આર. નારાયણ મૂર્તિના જમાઈ છે
- તેમનાં પત્ની અક્ષતા મૂર્તિ બ્રિટનનાં સૌથી ધનિક મહિલાઓની સૂચિમાં સામેલ છે
- સુનક બોરિસ જૉન્સન કૅબિનેટમાં નાણામંત્રી હતા
- 2015માં સુનક યૉર્કશરના રિચમંડથી કન્ઝર્વેટિવ સાંસદ તરીકે ચૂંટાયા હતા
- સુનકના પિતા ડૉક્ટર હતા અને માતા ફાર્માસિસ્ટ
- ભારતીય મૂળનો તેમનો પરિવાર પૂર્વ આફ્રિકાથી બ્રિટનમાં આવ્યો હતો
- સુનક ઉચ્ચ શિક્ષણ માટે ઑક્સફોર્ડ ગયા હતા
- બાદમાં સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાં એમબીએ પણ કર્યું
- સુનક અને તેમના પરિવારની આર્થિક સ્થિતિ બ્રિટનમાં ચર્ચાનો વિષય રહી છે
ભારતીય વડા પ્રધાન શું બોલ્યા?
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઋષિ સુનકને અભિનંદન આપતાં ટ્વીટ કર્યાં છે.
આ ટ્વીટમાં પીએમ મોદીએ લખ્યું છે, "બ્રિટનના વડા પ્રધાન બનવા પર હું તમારી સાથે વૈશ્વિક મુદ્દાઓ પર કામ કરવાની સાથે રોડમૅપ 2030ને અમલમાં લાવવા માગીશ."
બ્રિટન અને ભારતે વેપારથી લઈને રોકાણ અને તકનીકી ભાગદારી સાથે જોડાયેલા મુદ્દાઓ પર "રોડમૅપ 2030" નામથી એક કરાર કર્યો છે.
ભારતના વડા પ્રધાને કહ્યું, "હવે જ્યારે આપણે ઐતિહાસિક સંબંધોને આધુનિક ભાગીદારીમાં બદલી રહ્યા છીએ ત્યારે આ તકે બ્રિટિશ ભારતીયોને દિવાળીની વિશેષ શુભકામનાઓ."
બ્રિટિશ રાજનીતિમાં થયેલા ફેરફાર પર ભારતીય ન્યૂઝ ચેનલોમાં ખાસ કવરેજ જોવા મળ્યું. એક ચેનલે એટલે સુધી કહ્યું કે "બ્રિટિશ સામ્રાજ્ય પર આખરે એક ભારતીય પુત્રે જીત મેળવી, બ્રિટનમાં ઇતિહાસે પોતાનું ચક્ર પૂરું કર્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય મીડિયામાં સુનકની આ ઉપલબ્ધી પર ચર્ચા થવી સ્વાભાવિક છે, કેમ કે સુનકનો પરિવાર બ્રિટિશ ઇન્ડિયા વખતેના પંજાબનો રહેવાસી હતો.
ઋષિનાં સસરા નારાયણ મૂર્તિ ઇન્ફોસિસનાં સંસ્થાપક અને ભારતના સૌથી મોટી ઉદ્યોગપતિઓમાંના એક છે.
સુનક પોતે એક હિન્દુ છે અને બ્રિટિશ સાંસદ બનતા તેમણે ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા.
ભારત અને બ્રિટન વચ્ચે ઘણા સમયથી મુક્ત વેપાર સંબંધિત કરાર પર વાતચીત ચાલી રહી છે, પરંતુ કેટલાક અહેવાલો અનુસાર, સુનકની પાર્ટીને આશંકા છે કે આ કરારથી ભારતીયોનું બ્રિટનમાં આવવાનું વધી શકે છે. આ આશંકાઓને બંને વચ્ચેની વાતચીત વચ્ચેનું રોડું માનવામાં આવે છે.
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન શું બોલ્યા?
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને સુનકની જીતને એક ઐતિહાસિક ઘટના ગણાવી છે.
જોકે બાઇડને સત્તાવાર સુનકને અભિનંદન આપ્યાં નથી. તેઓ પોતાનો અભિનંદન સંદેશ સુનકની બ્રિટનના કિંગ ચાર્લ્સ સાથેની મુલાકાત બાદ જારી કરશે.
અમેરિકન મીડિયામાં પણ આ સમાચાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
અમેરિકન અખબાર ન્યૂયૉર્ક ટાઇમ્સે કન્ઝર્વેટિવ પાર્ટી અને તાજેતરમાં વરસોમાં અલગઅલગ વર્ગોને પ્રતિનિધિત્વ આપવા સંબંધિત પ્રયાસોનાં વખાણ કર્યાં છે.
અખબારે લખ્યું કે સુનકની જીત ગોરા લોકોથી અલગ રંગવાળા લોકો અને મહિલાઓના ઊંચા સ્થાને પહોંચવાના ઇતિહાસમાં એક મહત્ત્વનો પડાવ છે.
વૉશિંગ્ટન પોસ્ટે પણ લખ્યું છે કે આ ઇતિહાસમાં પહેલી વાર છે કે બ્રિટિશ વડા પ્રધાન કાર્યાલય ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેતા લોકો બર્કિંઘમ પૅલેસથી વધુ સમૃદ્ધ છે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ શું કહ્યું?
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ યુક્રેની સંસદના ઉપાધ્યક્ષ ઍલેકેન્ઝાર કોર્નિએકોએ કહ્યું કે તેઓ સુનકનું એક સહકર્મીના રૂપમાં સ્વાગત કરે છે.
તેમણે કહ્યું, "કેટલાક સમયથી રાજકીય અસ્થિરતાનો સામનો કર્યા બાદ ફરી સ્થિરતા તરફ વધવા પર બ્રિટિશ લોકોને અભિનંદન."
યુક્રેનિયન ન્યૂઝ વેબસાઇટ ગ્લેવકૉમે લખ્યું કે 'બોરિસ જૉન્સન અને ઋષિ સુનક બંને યુક્રેન માટે સારા સમાચાર હોત. અને સુનકે અત્યાર સુધીમાં યુક્રેન મામલે જે કંઈ કહ્યું છે, એ ભરોસાપાત્ર છે.'
પાકિસ્તાનના વડા પ્રધાન શું બોલ્યા?
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ટ્વીટ કરીને આ સફળતા માટે ઋષિ સુનકને અભિનંદન આપ્યાં છે.
તેમણે લખ્યું, "ઋષિ સુનકને બ્રિટનના આગામી વડા પ્રધાન અને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટાવા પર અભિનંદન. હું તેમની સાથે મળીને સંયુક્ત હિતો અને પાકિસ્તાન-બ્રિટનના સંબંધોને મજબૂતી આપવાની દિશામાં કામ કરવાનું ઇચ્છીશ."
ઇઝરાયલના નાણામંત્રીની પ્રતિક્રિયા
ઇઝરાયલના નાણામંત્રી ઍવિગડોર લિવરમૅને પણ ટ્વીટ કરીને સુનકને અભિનંદન આપ્યાં છે.
તેમણે લખ્યું, "હું બ્રિટનના વડા પ્રધાન બનવા પર ઋષિ સુનકને અભિનંદન આપવા માગું છું. આ વરસની શરૂઆતમાં લંડનમાં મારી તેમની સાથે મુલાકાત થઈ હતી. તેઓ ઇઝરાયલના સાચા સાથી છે. હું જાણું છું કે તેઓ બંને દેશનાં સંયુક્ત હિતોને આગળ વધારવા માટે સાથે કામ કરતા રહેશે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો