You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઋષિ સુનકે બ્રિટનના નવા વડા પ્રધાન બન્યા બાદ કઈ પ્રતિજ્ઞાઓ લીધી?
ઋષિ સુનક બ્રિટનના 75મા વડા પ્રધાન બન્યા છે. કિંગ ચાર્લ્સ દ્વારા તેમને સરકાર રચવા માટે આમંત્રણ અપાયું છે.
તેઓ બ્રિટનને આ જ વર્ષે મળેલા ત્રીજા વડા પ્રધાન છે, જ્યારે બે સદી બાદ ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રવેશનારા સૌથી નાની ઉંમરના વડા પ્રધાન બન્યા છે.
અગાઉ યુનાઇટેડ કિંગડમનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન લિઝ ટ્રસ સામે હાર્યાનાં સાત અઠવાડિયાં બાદ આખરે ભારતીય મૂળના ઋષિ સુનકનું બ્રિટનના નવા વડા પ્રધાન બન્યા. તેમને કન્ઝર્વેટિવ પક્ષના નેતા ચૂંટી લેવામાં આવ્યા છે. તેઓ બ્રિટનના પ્રથમ એશિયન મૂળના વડા પ્રધાન બન્યા છે.
ઋષિ સુનક આધિકારિકપણે 25 ઑક્ટોબર મંગળવારે વડા પ્રધાનપદ સંભાળી શકે છે. દેશની સામે રહેલી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવાનો પડકાર તેમની સામે હશે.
બ્રિટન ગરીબ બઈ રહ્યું છે અને દેશની જનતા આ વાત અનુભવી રહી છે - કે પછી એક કૅબિનેટ મંત્રીના શબ્દોમાં કહીએ તો, "આપણી સામે જે સમસ્યાઓ છે જે પહેલાંથી હતી જ અને હવે આર્થિક સંકટ પણ છે."
અલ્પકાળ માટે વડાં પ્રધાન રેહલાં લિઝ ટ્રસના પ્રશાસને જે મુશ્કેલ પરિસ્થિતિ પેદા કરી છે તેના કારણે કન્ઝર્વેટિવ પાર્ટી સંકટમાં મુકાઈ ગઈ છે. તેમના નિર્ણય, અને પછી તેનાથી પીછેહઠ કરવાના કારણે બ્રિટનને નાણાબજાર મારફતે ક્રૂર વ્યવહાર વેઠવા મજબૂર બનાવી દીધું.
ભાષણની મુખ્ય વાતો
- આ વખતે આપણો દેશ મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. કોરોના બાદની મુશ્કેલીઓ હજુ પણ ઊભી જ છે.
- પરિવર્તન લાવવા માટે લિઝ ટ્રસની વ્યાકુળતાની પ્રશંસા કહી, કહ્યું, "એમનાથી કેટલીક ભૂલો થઈ છે. આ ભૂલો પાછળની મનસા ખરાબ નહોતી."
- સુનકે કહ્યું કે પૂર્વ વડા પ્રધાનોની કેટલીક ભૂલોને સુધારવા માટે કન્ઝર્વેટિવ પક્ષના નેતાઓએ તેમને વડા પ્રધાનના રૂપે ચૂંટ્યા છે. એ કામ હાલથી જ શરૂ થઈ રહ્યું છે.
- નાણામંત્રી તરીકે ફરસો જેવી યોજનાઓ થકી લોકો અને વેપારને બચાવવા માટે એ તમામ વસ્તુ કરી જે શક્ય હતી.
- આપણે હાલ જે પડકારોનો સામનો કરી રહ્યા છીએ એનો પણ એ રીતે જ ઉકેલ લાવીશ. હું મારા દેશને શબ્દોથી નહીં પણ મારા કામ થકી જોડવાનો પ્રયાસ કરીશ. હું આપના માટે દિવસરાત કામ કરીશ.
- સુનકે કહ્યું કે તેમની સરકારમાં દરેક તબક્કે પ્રામાણિકતા, પ્રોફેશનલિઝમ અને જવાબદાર હશે. વિશ્વાસ કમાવો પડે છે અને હું એ માટે કામ કરીશ.
નોંધનીય છે કે બ્રિટનના સત્તાધારી પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના લીડર બનવા માટે પ્રતિસ્પર્ધીએ ઓછામાં ઓછા 100 સાંસદોનું સમર્થન મેળવવાનું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુનક આ રેસમાં ઘણા આગળ હતા. જ્યારે તેમને ટક્કર આપી રહેલાં પેની મૉરડંટે પીછેહઠ કરી લેતાં ઋષિ સુનક કન્ઝર્વેટિવ પાર્ટીના લીડરની આ રેસમાં વિજય મળ્યો હતો.
અગાઉ બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સન પણ આ રેસમાં હોવાનું મનાઈ રહ્યું હતું, જોકે, બાદમાં તેમણે પીછેહઠ કરતાં ઋષિ સુનકની જીત નક્કી મનાઈ રહી હતી.
ઋષિ સુનકનાં પ્રતિસ્પર્ધી પેની મૉરડંટે પોતાની ઉમેદવારી અંગે જણાવ્યું હતું કે તેમણે પાર્ટીના તેમના સમર્થકો અને કેટલાક નેતાઓની વાત સાંભળી અને પીછેહઠ કરવાનું ઠરાવ્યું હતું. જેથી સ્થિરતા સુનિશ્ચિત કરી શકાય.
આમ, સપ્ટેમ્બર માસમાં લિઝ ટ્રસ સામે કન્ઝર્વેટિવ પાર્ટીની લીડરશિપ અને વડા પ્રધાનપદની ચૂંટણી હારી જનાર સુનક ઑક્ટોબર માસના વિજેતા તરીકે સામે આવ્યા હતા.
નોંધનીય છે કે 20 ઑક્ટોબરના રોજ બ્રિટનનાં નવનિયુક્ત વડાં પ્રધાન લિઝ ટ્રસે પોતાના પદ પરથી રાજીનામું આપતાં બ્રિટનમાં નેતૃત્વની કટોકટી ઊભી થઈ હતી. જે બાદ પ્રક્રિયા અનુસાર ઋષિ સુનકનું વડા પ્રધાન બનવું નક્કી થઈ ચૂક્યું હતું.
કોણ છે ઋષિ સુનક?
સુનકનો જન્મ બ્રિટનમાં થયો હતો, પરંતુ તેમનાં માતા મૂળ ભારતીય છે, તેઓ સુનક ઇન્ફોસિસના સ્થાપક એન. નારાયણમૂર્તિના જમાઈ થાય છે. તાજેતરમાં પત્નીની સંપત્તિના મુદ્દે તેઓ વિવાદમાં આવ્યા હતા.
બ્રિટનના આર્થિકસંકટ વિશે સુનક અને જોન્સન વચ્ચે મતભેદ પ્રવર્તમાન હતા, જે મંત્રીપદેથી રાજીનામા સુધી દોરી ગયા હતા.
ઋષિ સુનકનો જન્મ બ્રિટનના સાઉથૅમ્પ્ટન ખાતે થયો હતો. સુનકનાં માતા-પિતા મૂળે ભારતીય છે, જેઓ પૂર્વ આફ્રિકામાંથી ઇંગ્લૅન્ડ ખાતે હિજરત કરી ગયાં હતાં. સુનકના પિતા જનરલ પ્રૅક્ટિશનર હતા, જ્યારે માતા ફાર્મસી સ્ટોર ચલાવતાં. નાનપણમાં ઋષિ તેમનાં માતાને સ્ટોરમાં મદદ કરતા.
ઋષિએ વિનચેસ્ટર કૉલેજ ખાતે શિક્ષણ મેળવ્યા બાદ પોતાના ઉનાળા વેકેશન દરમિયાન તેમણે સાઉથેમ્પટનમાં એક રેસ્ટોરાંમાં વેઇટર તરીકે નોકરી કરી હતી.
જુલાઈ-2020માં જ્યારે બ્રિટનમાં લૉકડાઉન ખૂલી રહ્યું હતું અને લોકો જાહેરસ્થળોએ જતાં ખચકાઈ રહ્યા હતા ત્યારે લોકોના ખચકાટને દૂર કરવા એક રેસ્ટોરાંમાં તેમણે ભોજન પીરસ્યું હતું.
તેમણે બહુપ્રતિષ્ઠિત ઓક્સફૉર્ડ યુનિવર્સિટીમાંથી પોલિટિક્સ, ફિલોસૉફી તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને પ્રથમ વર્ગ સાથે ઉત્તીર્ણ થયા. એમબીએનો (માસ્ટર ઑફ બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન) ઉચ્ચ અભ્યાસ કરવા માટે તેઓ કૅલિફૉર્નિયાની સ્ટૅનફૉર્ડ યુનિવર્સિટી ગયા.
ઋષિના કહેવા પ્રમાણે, નાનપણમાં તેમને વંશીય ભેદભાવનો ખાસ સામનો કરવો નહોતો પડ્યો. છતાં એક વખત તેઓ પોતાના નાના ભાઈ તથા નાનાં બહેન સાથે રેસ્ટોરાંમાં ગયા હતા ત્યારે "પી" વર્ડ સાંભળવો પડ્યો હતો, જેનો ડંખ તેમને રહી ગયો હતો.
2001થી 2004 દરમિયાન તેમણે ગૉલ્ડમૅન સાશ ખાતે ઍનાલિસ્ટ તરીકે કામ કર્યું, એ પછી તેઓ હેજફંડમાં પાર્ટનર પણ રહ્યા.
2015માં તેઓ નૉર્થ યૉર્કશાયરમાં રિચમન્ડના પ્રતિનિધિ તરીકે સંસદમાં પ્રવેશ્યા. ઋષિએ 'બ્રૅક્ઝિટ'નું સમર્થન કર્યું હતું, તેમણે દાવો કર્યો હતો કે તેનાથી બ્રિટન "વધુ મુક્ત, વધુ ન્યાયી તથા વધુ સમૃદ્ધ બનશે."
થેરેસા મેની સરકારમાં તેઓ રાજ્યકક્ષાના મંત્રી હતા. મેના અનુગામી બોરિસ જોન્સને તેમને નાણા વિભાગના મુખ્યસચિવ બનાવ્યા. એ પછી ફેબ્રુઆરી-2020માં તેમની ચાન્સેલર તરીકે પદોન્નતિ થઈ હતી.
સંસદસભ્ય તથા ચાન્સેલર તરીકે તેમને એક લાખ 51 હજાર પાઉન્ડ જેટલો પગાર મળે છે. આ સિવાય હેજફંડના પાર્ટનર તરીકે તેમને થયેલી આવકને જોતાં તેમની ગણતરી બ્રિટનની સંસદના ધનવાન સાંસદોમાં થાય છે.
'ધ ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, "વીસીની મધ્યમાં" હતા ત્યારે મલ્ટી-મિલિયોનેર હતા, છતાં તેમણે ક્યારેય જાહેરમાં પોતાની સંપત્તિ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
ઋષિ સુનક પર આરોપ લાગ્યા છે કે તેમણે ટૅક્સ હેવનમાં નોંધાયેલી કંપનીઓનો લાભ લીધો છે. સુનકના પ્રવક્તાએ તેને "સમજી ન શકાય તેવા દાવા" ગણાવ્યા હતા.
ધનાઢ્ય રાજનેતાઓ પોતાની સંપત્તિમાંથી આવક થાય તથા હિતોનો ટકરાવ ઊભો ન થાય તે માટે "બ્લાઇન્ડ ટ્રસ્ટ"ની સ્થાપના કરે છે. આ ટ્રસ્ટમાંથી રાજનેતાઓને આવક તો થાય છે, પરંતુ તેનું રોકાણ ક્યાં કરવામાં આવી રહ્યું છે, તેના વિશે તેમને જાણ નથી હોતી.
સુનકે વર્ષ 2019માં આ પ્રકારનું ટ્રસ્ટ સ્થાપ્યું હતું. વિપક્ષની માગ છે કે તેઓ મંત્રી બન્યા ત્યારથી અત્યાર સુધી ટ્રસ્ટે કેટલી આવક રળી અને તેણે કેવી કામગીરી કરી તેની વિગતો સાર્વજનિક કરવામાં આવે.
ઋષિ દર અઠવાડિયે મંદિરે જાય છે અને તેમને રમતમાં ફૂટબૉલ પસંદ છે.
સુનક વિ. જોન્સન
સુનકનો કાર્યકાળ પડકારજનક રહ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન કોરોનાને કારણે સરકારનો ખર્ચ વધ્યો અને કરની આવક ઘટી હતી. આ સિવાય યુક્રેન યુદ્ધ તથા તેના કારણે વધેલા ઊર્જાભાવોએ પણ તેમની મુશ્કેલીઓ વધારી હતી.
કોરોના દરમિયાન ઉદ્યોગો કર્મચારીઓની છટણી ન કરે તે માટે તેઓ ફર્લો સ્કીમ લાવ્યા હતા. જેના કારણે અચાનક જ બેકારીમાં વધારો થયો ન હતો. તેમની આ યોજના બેકારી ન વધે તેના પ્રાથમિક હેતુમાં સફળ રહી હતી.
જોન્સન કૅમ્પને લાગતું હતું કે ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં વડા પ્રધાનને હટાવવા માટે જે પ્રયાસ થયા તેની પાછળ સુનક કૅમ્પનો હાથ હતો, બીજી બાજુ સુનક કૅમ્પને લાગતું હતું કે ઈરાદાપૂર્વક તેમના કરની, આવકની તથા અક્ષતાની આવક વિશેની વાતો મીડિયામાં લિક કરવામાં આવી હતી.
ઋષિના નિર્ગમન પછી જોન્સન માટે વેટમાં (વૅલ્યૂ ઍડેડ ટૅક્સ) ઘટાડો કરવો સરળ બનશે. સરકાર 'વધુ ખર્ચ કરે અને વધુ દેવું કરે'ની જોન્સનની યોજના ઉપર સરળતાથી અમલ કરી શકશે.
છતાં તેમના અનુગામી સામે પાઉન્ડની ઘટતી જતી કિંમત, વધતી જતી વેપારખાધ અને મંદીની આશંકા જેવા પડકાર હશે. આ સિવાય સરેરાશ પરિવારમાં ઊર્જાખર્ચ વધી રહ્યો છે, જેને પહોંચી વળવું મુશ્કેલ હશે.
સંક્ષિપ્તમાં: કોણ છે ભારતીય મૂળના ઋષિ સુનક?
- ઋષિ સુનક ઇન્ફોસિસના સ્થાપક એન. નારાયણમૂર્તિના જમાઈ છે
- સ્ટૅનફૉર્ડ યુનિવર્સિટીમાં એમબીએના અભ્યાસ દરમિયાન ઋષિની મુલાકાત અક્ષતા મૂર્તિ સાથે થઈ હતી.
- ઋષિ સુનકનો જન્મ બ્રિટનના સાઉથૅમ્પ્ટન ખાતે થયો હતો
- તેમણે ઑક્સફૉર્ડ યુનિવર્સિટીમાંથી પોલિટિક્સ, ફિલોસૉફી તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને પ્રથમવર્ગ સાથે ઉત્તીર્ણ થયા
- એમબીએનો અભ્યાસ કૅલિફૉર્નિયાની સ્ટૅનફૉર્ડ યુનિવર્સિટીમાંથી કર્યો
- 2001થી 2004 દરમિયાન તેમણે ગૉલ્ડમૅન સાશ ખાતે ઍનાલિસ્ટ તરીકે કામ કર્યું
- 2015માં તેઓ નૉર્થ યૉર્કશાયરમાં રિચમન્ડના પ્રતિનિધિ તરીકે સંસદમાં પ્રવેશ્યા
- ઋષિએ 'બ્રૅક્ઝિટ'નું સમર્થન કર્યું હતું
- થેરેસા મેની સરકારમાં તેઓ રાજ્યકક્ષાના મંત્રી હતા
- ઋષિ સુનક પર આરોપ લાગ્યા છે કે તેમણે ટૅક્સ હેવનમાં નોંધાયેલી કંપનીઓનો લાભ લીધો છે
- ઋષિ દર અઠવાડિયે મંદિરે જાય છે અને તેમને રમતમાં ફૂટબૉલ પસંદ છે
નારાયણમૂર્તિના જમાઈ
સ્ટૅનફૉર્ડ યુનિવર્સિટીમાં એમબીએના અભ્યાસ દરમિયાન ઋષિની મુલાકાત અક્ષતા મૂર્તિ સાથે થઈ. જેઓ ઇન્ફૉસિસના સ્થાપક એન. નારાયણમૂર્તિનાં પુત્રી છે.
1980માં અક્ષતાનો જન્મ થયો તેના અમુક વર્ષ પછી તેમને દાદા-દાદી પાસે મોકલી દેવામાં આવ્યાં હતાં, કારણ કે એ સમયે નારાયણમૂર્તિ તથા સુધા મૂર્તિ મુંબઈમાં તેમની વ્યાવસાયિક કારકિર્દીમાં આગળ વધી રહ્યાં હતાં.
યુએસમાં અક્ષતાએ અર્થશાસ્ત્ર અને ફ્રેન્ચનો અભ્યાસ કર્યો. એમબીએના અભ્યાસક્રમમાં જોડાયાં તે પહેલાં તેમણે ફૅશનમાં ડિપ્લોમા કર્યું તથા યુનિલિવર અને ડિલોઇટ્ટમાં કામ કર્યું.
ઋષિ અને અક્ષતાએ વર્ષ 2009માં લગ્ન કર્યું તથા દંપતીને બે પુત્રી છે. નારાયણમૂર્તિની સંપત્તિ સાડા ચાર અબજ ડૉલર હોવાનો અંદાજ મૂકવામાં આવે છે.
રશિયા અને યુક્રેનના યુદ્ધ પછી કંપનીની રશિયાની કાર્યવાહી ઉપર સવાલ ઊભા થયા હતા. કંપનીએ દાવો કર્યો હતો કે તે રશિયામાંથી કામગીરી આટોપી રહી છે.
ઇન્ફોસિસમાં અક્ષતા 0.9 ટકા હિસ્સો ધરાવે છે, જેની કિંમત 70 કરોડ પાઉન્ડ હોવાની અંદાજવામાં આવે છે. વર્ષ 2021માં તેમને ડિવિન્ડ પેટે એક કરોડ 60 લાખ પાઉન્ડની આવક થઈ હતી.
અક્ષતાએ બ્રિટનનાં બિનરહેવાસી હોવાનું સ્વીકાર્યું ત્યારે તેમાંથી આવક વિશે સવાલ ઊઠ્યા હતા. તેમણે હવે પછીથી યુકેમાં ટૅકસ ભરવાની વાત કહી છે.
અક્ષતા અનેક વેપારી હિત ધરાવે છે, જેમાં કાટારમાન વૅન્ચર્સ યુકે મુખ્ય છે. જે યુકેના સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરે છે. આ કંપનીની વર્ષ 2013માં સ્થાપના કરવામાં આવી હતી.
ઋષિ તેમાં ડાયરેક્ટર હતા, પરંતુ જાહેરજીવનમાં આવ્યા પછી તેમણે પદ છોડી દીધું હતું. વર્ષ 2016માં અક્ષતા તેમાં મુખ્ય શૅરધારક બન્યાં હતાં. વર્ષ 2020ની સ્થિતિ પ્રમાણે, કંપનીએ 35 લાખ પાઉન્ડનું રોકાણ કર્યું છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો