You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લિઝ ટ્રસના રાજીનામા બાદ ભારતને શો ફેર પડશે?
- લિઝ ટ્રસની જાહેરાત પછી લેબર પાર્ટીના નેતા સર કીર સ્ટર્મરે તાત્કાલિક જ સામાન્ય ચૂંટણીની માગ કરી છે
- બે દિવસથી એવી અટકળો ચાલી રહી હતી કે વડા પ્રધાન રાજીનામું આપશે
- કન્ઝર્વેટિવ પાર્ટી પાસે 650ના ગૃહમાં 357 સાંસદ છે
બ્રિટનનાં વડાં પ્રધાન લિઝ ટ્રસે ગુરુવારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
તેમણે વડા પ્રધાન કાર્યાલય 10 ડાઉનિંગ સ્ટ્રીટ સામે પત્રકારો સાથે વાત કરતી વખતે કહ્યું કે, જે મૅન્ડેટ હેઠળ તેમની નિમણૂક થઈ હતી, તેને તેઓ પૂર્ણ કરી નહીં શકે.
તેમણે કહ્યું કે જ્યારે તેમની નિમણૂક વડાં પ્રધાનપદ માટે થઈ એ સમયે "આર્થિક અને આંતરરાષ્ટ્રીય દૃષ્ટિએ અસ્થિરતાનો સમય હતો."
તેમણે કહ્યું કે, કિંગ ચાર્લ્સ તૃતીય સાથે આ અંગે વાત કરીને માહિતગાર કર્યા છે કે તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીનાં પ્રમુખપદેથી રાજીનામું આપી રહ્યાં છે.
લિઝ ટ્રસે એવું પણ કહ્યું કે તેમણે ગુરુવારે પોતાની પાર્ટીના સંસદીય દળના ચૅરમૅન સર ગ્રાહમ બ્રેડીની મુલાકાત લીધી હતી.
તેમણે કહ્યું કે, બંને વચ્ચે એ વાતની સહમતિ સધાઈ છે કે પાર્ટીના નેતાની નિમણૂક આવતા અઠવાડિયે થશે અને જ્યાં સુધી તેમના ઉત્તરાધિકારીની પસંદગી ન થાય, ત્યાં સુધી તેઓ કાર્યકારી વડાં પ્રધાન તરીકે પદભાર સંભાળશે.
લિઝ ટ્રસે 44 દિવસ પહેલાં બ્રિટનનાં વડાં પ્રધાન તરીકે સત્તા સંભાળી હતી. પદ પરથી હટ્યાં પછી તેઓ સૌથી ઓછા સમય માટે સત્તા સંભાળનાર બ્રિટનનાં વડાં પ્રધાન બનશે.
લિઝ ટ્રસની જાહેરાત પછી લૅબર પાર્ટીના નેતા સર કીર સ્ટર્મરે તાત્કાલિક જ સામાન્ય ચૂંટણીની માગ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લિઝ ટ્રસનું રાજીનામું ગૃહમંત્રી સુએલા બ્રેવરમૅનના પદ છોડવા અને કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદોના બળવા પછી પડ્યું છે.
આવતા આઠવાડિયે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા માટે ચૂંટણી થશે. ટ્રસે કહ્યું કે જ્યાં સુધી નવા નેતાની નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓ કાર્યકારી વડાં પ્રધાનપદે રહેશે.
રાજીનામા બાદ બ્રિટનમાં હવે શું થઈ રહ્યું છે અને નવા વડા પ્રધાનની નિમણૂકથી ભારત સાથેના સંબંધ પર શું અસર થશે? બીબીસીના 'દિનભર' કાર્યક્રમમાં બીબીસી હિન્દીના પૂર્વ સંપાદક અને રાજકીય વિશ્લેષક શિવકાંત શર્માએ આ વિશે સવિસ્તાર વાત કરી હતી. જાણો તેમણે શું કહ્યું:
બ્રિટનમાં શું ચાલી રહ્યું છે?
બે દિવસથી એવી અટકળો ચાલી રહી હતી કે વડાં પ્રધાન રાજીનામું આપશે, હવે અસમંજસનું વાતાવરણ ઊભું થયું છે, કારણ કે હવે પછીના નેતાની પસંદગી એક અઠવાડિયાની અંદર કરવામાં આવશે.
સવાલ એ છે કે જે પ્રક્રિયા આ પહેલાં પાંચ અઠવાડિયામાં પૂરી ન થઈ શકી, તે એક અઠવાડિયામાં કેવી રીતે પૂર્ણ થશે. આ અંગે કોઈ સાચો જવાબ આપી શકતું નથી.
નેતૃત્વ માટે એક જ ઉમેદવાર હશે કે બે, એ પણ એક જોવા જેવી બાબત હશે. જો એક ઉમેદવાર હોય તો ઋષિ સુનક નામ સામે આવવાની સંભાવના છે. બે ઉમેદવાર હોય તો પણ એમાંથી એક સુનક હોઈ શકે છે, એવું લોકો માને છે.
જોકે જેરેમી હન્ટનું નામ પણ સામે આવી રહ્યું હતું, પરંતુ તેમણે ના પાડી દીધી. ઉપરાંત પેની મોર્ડેટનું નામ પણ છે. એક મત એવો પણ છે કે જો સર્વસંમતિની વાત આવે, તો શક્ય છે કે બોરિસ જૉન્સન ફરી મેદાનમાં આવી જાય.
આ ઉપરાંત સોહેલા બ્રેવરમૅનના નામની પણ ચર્ચા થઈ રહી છે, પરંતુ મને લાગતું નથી કે તેમને પહેલાં જેવું સમર્થન મળતું હતું, એવું હવે મળશે.
એવું પણ શક્ય છે કે કન્ઝર્વેટિવ પાર્ટીના સામાન્ય સભ્ય આ પ્રક્રિયામાં ભાગ ન લે અને માત્ર સાંસદ જ નવા પ્રતિનિધિની પસંદગી કરે, ત્યારે આ પ્રકિયા એક અઠવાડિયામાં પૂરી થઈ શકશે, કારણ કે એક લાખ 60 હજાર લોકો સુધી પહોંચવામાં વધુ સમય લાગશે.
ક્યારે-ક્યારે શું થયું?
- લિઝ ટ્રસનો કાર્યકાળ: 08 સપ્ટેમ્બર 2022થી 20 ઑક્ટોબર 2022
- 5 સપ્ટેમ્બર 2022: ઋષિ સુનકને હરાવી લિઝ ટ્રસ કન્ઝર્વેટિવ પાર્ટીનાં નેતા બન્યાં. ટ્રસને 81,326 વોટ મળ્યા, જ્યારે સુનકને 60,399 વોટ મળ્યા
- 6 સપ્ટેમ્બર 2022: લિઝ ટ્રસે વડાં પ્રધાનપદના શપથ લીધા. બે દિવસ બાદ બ્રિટનનાં મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે નિધન થયું
- 23 સપ્ટેમ્બર 2022: ચાન્સેલર ક્વાઝી ક્વાર્ટેંગે 'મિની બજેટ'ની ઘોષણા કરી, જેમાં 45 અરબના ટૅક્સ કપાત અંગે કહેવામાં આવ્યું હતું. તેનાથી બજારમાં અસ્થિરતા ફેલાવા લાગી
- 26 સપ્ટેમ્બર 2022: 'મિની બજેટ' જાહેર થયા પછી પરિણામ એ આવ્યું કે ડૉલરની સરખામણીએ પાઉન્ડ સૌથી નીચલી સપાટીએ પહોંચી ગયો
- 3 ઑક્ટોબર 2022: ટ્રસ અને ક્વાર્ટેગે યૂ-ટર્ન લેતાં ઇન્કમ ટૅક્સના ઊંચા દરનો નિર્ણય બદલ્યો
- 14 ઑક્ટોબર 2022: ટ્રસે ક્વાર્ટેગને બરખાસ્ત કરી ટૅક્સમાં કપાતનું સમર્થન કરનારા જૅરેમી હન્ટને દેશના નાણામંત્રી બનાવ્યા
- 19 ઑક્ટોબર 2022: બ્રિટનનાં ગૃહમંત્રી સુએલા બ્રેવરમૅને રાજીનામું આપ્યું. તેમણે રાજીનામાનું કારણ નવી સરકારની કામકાજની રીતને જવાબદાર ગણાવી અને કહ્યું કે આ સરકાર જે દિશામાં જઈ રહી છે, તેને લઈને તેઓ ચિંતિત છે
- 20 ઑક્ટોબર 2022: ટ્રસે પાર્ટીનાં પ્રમુખપદ પરથી રાજીનામું આપ્યું. ત્યાર બાદ હવે ચાર વર્ષમાં ચોથી વાર કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાની નિમણૂક થશે
આગામી વડા પ્રધાન સામે કયા પડકારો હશે?
લિઝ ટ્રસ પોતાનાં વચન પર અડગ રહી શક્યાં નહીં, કહી શકાય કે તેમનાં વચનો ઘણાં પુસ્તકિયાં હતાં, જેમ કે અર્થવ્યવસ્થાનો વિકાસ કરો, ટૅક્સ ઓછો કરો. સૈદ્વાંતિક રીતે આ બરાબર છે, પરંતુ દરેક વસ્તુનો એક સમય હોય છે.
ઋષિ સુનક કહી રહ્યા હતા કે આ બધી જ વાતો અમે કરવા માગીએ છે, પરંતુ હાલ તેનો ખરો સમય નથી. હમણાં મોંઘવારી અને મંદીનો સમય ચાલી રહ્યો છે.
બ્રિટનના લોકો હેરાન છે, તેમને લાગી રહ્યું છે કે જો સિસ્ટમ અલગ હોત તો સામાન્ય ચૂંટણી થઈ જાત. પરંતુ સમસ્યા તેમની સામે પણ આવી જ હોત, આ આંતરરાષ્ટ્રીય સમસ્યા છે, હવે એક એવી વ્યક્તિની જરૂર છે જે સંયમથી કામ લે, મોટાં-મોટાં વચનો ન આપે, લોકોનો વિશ્વાસ જીતે અને ધીમે-ધીમે આગળ વધે.
લેબર પાર્ટીને લાગે છે કે આખી સરકાર બદલવાની જરૂર છે, પરંતુ અહીંની વ્યવસ્થા અને આંકડા પર નજર કરીએ તો કન્ઝર્વેટિવ પાર્ટી પાસે 650ના ગૃહમાં 357 સાંસદ છે. જ્યાં સુધી પાર્ટી એક રહે અને તેઓ ચૂંટણી ન ઇચ્છતા હોય તો ચૂંટણી યોજાઈ શકશે નહીં.
1992માં જ્યારે બ્રિટન ઈઆરએમ (યુરોપિયન એક્સચેન્જ રેટ મિકૅનિઝમ)માંથી નીકળવા મજબૂર થયું, ત્યારે આ રીતનું જ આર્થિક સંકટ હતું.
એ સમયે પણ બે વર્ષ સુધી કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર ચાલી હતી, પરંતુ જે વિશ્વાસ એ સમયે તેમણે ગુમાવ્યો, તેનું ભરણ થઈ શક્યું નહીં. આ વખતે પણ મને એવું જ થતું જોવા મળી રહ્યું છે.
ભારત માટે શું મહત્ત્વનું છે?
જ્યારે બોરિસ જૉનસન આવ્યા હતા ત્યારે કેટલાક વેપારીકરાર થયા હતા, તેને ઘણો સમય વીતી ચૂક્યો છે. ભારતને હેરાન થવાની જરૂર નથી, કારણ કે ભારત સાથે વધુ વેપાર માટે બ્રિટનને ભારતની જરૂર છે.
તો જે પણ નવી સરકાર આવશે, તે ભારત પ્રમાણે જ કામ કરશે. ભારત સરકાર પોતાનાં પત્તાં પોતાની પાસે રાખે અને ચતુરાઈથી રમે.
ભારતીય મૂળના કોઈ વડા પ્રધાન બની શકે છે, પરંતુ સામાન્ય રીતે જોવા મળ્યું છે કે નિષ્ઠાવાન બનવાના ચક્કરમાં કઠોર નીતિ અપનાવા લાગે છે, તેથી ભારતને કોઈ મોટો ફાયદો થાય નહીં. એવું લાગતું નથી કે ભારતને લઈને કોઈ મૂળભૂત ફેરફાર થાય.
અહીં જે થઈ રહ્યું છે એ હાસ્યસ્પદ છે પરંતુ એક મોટી વાત ભારતે શીખવી જોઈએ કે લોકતંત્ર ત્યારે હોય, જ્યારે પાર્ટીની અંદર પણ લોકતંત્ર હોય. એ જુઓ કે કન્ઝર્વેટિવ પાર્ટીમાં જો કોઈ નેતા સારા ન લાગે તો તેઓ બોલે છે, વિચારધારાને લઈને જો મતભેદ થાય તો તેઓ જાહેર કરે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો