You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
PM મોદી બેઠા એ સ્કૂલ "સાચી હતી કે તાત્કાલિક ઊભી કરેલી?" સોશિયલ મીડિયામાં શું થઈ ચર્ચા?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે સ્કૂલ શિક્ષણના મૉડલ પર દાવાઓ અને વચનો પર દંગલ ચાલી રહ્યું છે.
બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મિશન સ્કૂલ ઑફ એક્સલેન્સની શરૂઆત કરી.
ભાજપ અને ગુજરાત સરકાર તેને રાજ્યની સ્કૂલોમાં નવીનતમ તકનીકો અને સુવિધાઓને મારફતે સ્કૂલી શિક્ષણને આધુનિક બનાવવાની શરૂઆત માને છે.
પણ તેને લઈને વિવિધ રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે.
ગુજરાત સરકારનો દાવો છે કે તે આ મિશન અંતર્ગત રાજ્યમાં દોઢ લાખથી વધુ સ્માર્ટ ક્લાસરૂમ બનાવશે. જોકે આમ આદમી પાર્ટી કહે છે કે ગુજરાતમાં સ્કૂલ શિક્ષણની હાલત બદતર છે.
વડા પ્રધાન જે સ્કૂલમાં બેઠા એની ચર્ચા
જેવી પીએમ મોદીએ મિશન સ્કૂલ ઑફ એક્સલેન્સની શરૂઆત કરી કે દિલ્હીના મુખ્ય મંત્રી અને આપના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલે પહેલા ટ્વીટ કરીને કહ્યું કે તેમને ખુશી છે કે તમામ પાર્ટીઓ અને નેતાઓએ સ્કૂલ અને શિક્ષણની વાત કરવી પડી રહી છે. આ અમારી સૌથી મોટી ઉપલબ્ધી છે. હું આશા રાખું છું કે માત્ર ચૂંટણી દરમિયાન જ શિક્ષણ યાદ ન આવે. તમામ સરકારો મળીને પાંચ વર્ષમાં તમામ સરકારી સ્કૂલોને શાનદાર બનાવી શકે છે.
બીજા ટ્વીટમાં અરવિંદ કેજરીવાલે લખ્યું કે પીએમ સર, અમે દિલ્હીમાં શિક્ષણમાં સારું કામ કર્યું છે. 5 વર્ષમાં દિલ્હીની તમામ સરકારી સ્કૂલોને શાનદાર બનાવી દીધી. આખા દેશમાં સ્કૂલ 5 વર્ષમાં ઠીક થઈ શકે છે. અમને અનુભવ છે. તમે અમારો પૂર્ણ ઉપયોગ કરો પ્લીઝ. દેશ માટે આપણે સાથે મળીને કરીએ.
જોકે સાથે કોઈ પણ જાતના લખાણ વગર અરવિંદ કેજરીવાલે આ ફોટો પણ શેયર કર્યો. જેમાં પીએમ મોદીને અને દિલ્હીના નાયબ મુખ્ય મંત્રીને ક્લાસરૂમમાં બેઠેલા જોઈ શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે કેજરીવાલના ટ્વીટના જવાબમાં ભાજપ નેતા અમિત માલવીયે ટ્વીટ કરીને લખ્યું કે મોદીજી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારથી સરકારી શિક્ષણને સુધારવાનું કાર્ય કરી રહ્યા છે. જમીન પર બદલાવ થાય તે જ તેમનો લક્ષ્યાંક રહ્યો છે. તમારી માફક માત્ર જાહેરાતો આપવાની રાજનીતિ નથી કરતા.
સાથે તેમણે લખ્યું કે દિલ્હીની ખરાબ શિક્ષણ વ્યવસ્થા દેશ માટે મૉડલ ન હોઈ શકે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું કે અડાલજ, ગુજરાતમાં મોદીજીએ મિશન સ્કૂલ ઑફ એક્સલેન્સનો શુભારંભ કર્યો. સ્માર્ટ ક્લાસરૂમ, લૅબ તથા સ્કૂલોના નવીનીકરણ સાથે આ 5-જીના યુગમાં વર્ચ્યુઅલ રિયાલિટીથી સ્કૂલોમાં ડિજિટલ ક્રાંતિ આવશે. તેનાથી શિક્ષણ વ્યવસ્થાને આસાન બનાવીને બાળકોની બૌદ્ધિકશક્તિને અને ઇનોવેશનને આગળ વધારવાનું કામ કરશે.
આપના મૉડલ પર પલટવાર?
હવે મિશન સ્કૂલ્સ ઑફ એક્સલેન્સને આપ મૉડલ સામે પલટવાર તરીકે જોવાય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની સરકારી સ્કૂલની સ્થિતિને લઈને આપ વારંવાર તેના પ્રચારમાં હુમલાઓ કરી રહી છે.
આપ દિલ્હીના સ્કૂલના મૉડલનો હવાલો આપીને ગુજરાતની ચૂંટણીમાં શિક્ષણને તેનો મુદ્દો બનાવી રહી છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન સ્કૂલ્સ ઑફ એક્સલેન્સની શરૂઆત કરીને એ સંદેશ આપવાની કોશિશ કરી છે કે શિક્ષણ ભાજપના એજેન્ડામાં પણ છે.
તેઓ જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ અને કન્યા કેળવણી યાત્રાનું આયોજન કર્યું હતું, જેના ભાગરૂપે તેઓ ગુજરાતની અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં પણ ગયા હતા.
પણ હવે જ્યારે 2022ની ચૂંટણીમાં તેમના ગૃહરાજ્ય ગુજરાતમાં આપે જ્યારે શિક્ષણને મુદ્દો બનાવ્યો છે ત્યારે તેઓ આ કાર્યક્રમ દ્વારા રાજ્યના મતદારોને એ સંદેશો આપવા માગતા હતા કે શિક્ષણને લઈને ભાજપ સરકારે પણ કામ કર્યું છે.
આમ જાણકારો કહે છે કે પીએમ મોદીએ મિશન સ્કૂલ્સ ઑફ એક્સલેન્સને લૉંચ કરીને ચૂંટણી પહેલા આપના સ્કોરને સેટલ કરવાનું કામ કર્યું છે.
જોકે પીએમ મોદી જે મૉડલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે ક્લાસરૂમમાં બેઠા હતા તેને લઈને આપ નેતા અને રાજ્યસભા સાંસદ સંજયસિંહે ટ્વીટ કર્યું કે ગુજરાતની જનતા સાથે આ છેતરપિંડી છે. માત્ર ફોટો પડાવવા માટે વડા પ્રધાનજીએ તંબુની સ્કૂલ બનાવી દીધી. અને પછી સ્કૂલ ઉખાડીને લઈ ગયા.
કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ આ મામલે ઝંપલાવતા ટ્વીટ કર્યું કે આ છે ભાજપનું જૂઠું વિકાસ મૉડલ. જે મિશન સ્કૂલ ઑફ એક્સલેન્સ બની જ નહીં તેનું ઉદ્ઘાટન પણ કરી દેવાયું. જનતાની આંખમાં ધૂળ ફેંકવા ડૉમ બાંધીને સ્કૂલ બનાવવાનું નાટક કરવામાં આવ્યું. જૂઠા વિકાસના નાટકથી ગુજરાતની જનતા હવે પરેશાન છે.
વિજય પટેલ નામની વ્યક્તિએ ટ્વીટ કરતા કહ્યું કે નરેન્દ્ર મોદી ત્યારથી સ્કૂલો માટે પ્રયત્નશીલ છે જ્યારે કેજરીવાલ અને સિસોદિયા એનજીઓ માટે કામ કરતા હતા.
તો જમાવટનાં પત્રકાર દેવાંશી જોષીએ ટ્વીટ કરતા લખ્યું કે પીએમ જ્યાં ગયા હતા એ ડેમો સ્કૂલ જ હતી. મારા ધ્યાનમાં નથી કે કોઈએ એવો દાવો કર્યો હોય કે વડા પ્રધાને સ્કૂલનું લોકાર્પણ કર્યું. એવું કહેવાનો પ્રયાસ હતો કે સ્કૂલ આવી બનશે. સાંજ પડી એટલે મંડપ સંકેલાયો એમ ડૉમ પણ વિખેરાઈ ગયો.
અગાઉ પણ દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ ચૂંટણીપ્રચાર દરમિયાન જનતાને વચન આપ્યું હતું કે જો તેમની પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવશે તો રાજ્યનાં આઠ મોટાં શહેરોમાં દર ચાર કિલોમીટરના અંતરે સ્કૂલ બનાવશે.
તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ગુજરાતની 48 હજાર સ્કૂલો પૈકી 32 હજાર સ્કૂલોની ખરાબ સ્થિતિ છે. 18 હજાર સ્કૂલોમાં યોગ્ય સંખ્યામાં ક્લાસરૂમ નથી. સરકારના બજેટમાં શિક્ષણને પ્રાથમિકતા આપવામાં નથી આવતી. શિક્ષકોની કમી છે. શિક્ષકપાત્રતા પરીક્ષા ટીઆઈટી આયોજિત થતી નથી.
સિસોદિયાએ એ પણ વચન આપ્યું હતું કે જો ગુજરાતમાં આપની સરકાર બનશે તો એક વર્ષની અંદર તમામ સ્કૂલોમાં જરૂરી ભરતી કરી દેવામાં આવશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો