You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત ચૂંટણી : કૉંગ્રેસ અને AAPએ ભાજપ સામે કેટલો મોટો પડકાર ઊભો કર્યો છે?
- લેેખક, દીપક મંડલ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં ચૂંટણીનાં તોરણ બંધાઈ ગયાં છે. ચૂંટણીપંચ થોડા જ દિવસોમાં મતદાનની તારીખો જાહેર કરી શકે છે.
છેલ્લા એક મહિનાથી ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાનો ચૂંટણીપ્રચાર તેજ કરી દીધો છે.
વર્ષ 2017માં રાજ્યમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હતો. કૉંગ્રેસે જોરદાર ટક્કર આપી અને ભાજપને 99 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી નવા જોમ સાથે પ્રવેશી છે. જેના કારણે કૉંગ્રેસ અને ભાજપ બંને માટે સ્પર્ધા મુશ્કેલ બની છે. પરંતુ અહીં ભાજપ માટે દાવ વધુ મોટો છે.
વર્ષ 2012માં ભાજપે અહીં 115 બેઠકો જીતી હતી, પરંતુ 2017માં કૉંગ્રેસની હરીફાઈને કારણે તેની બેઠકો ઘટીને 99 થઈ ગઈ હતી.
જોકે એ અલગ વાત છે કે આજે કૉંગ્રેસના ઘણા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. વર્ષ 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા પછી 2017માં ભાજપનું સૌથી ખરાબ પ્રદર્શન હતું.
ભાજપ 2017ની ચૂંટણીમાં બેઠકો ગુમાવવાના દર્દમાંથી બહાર આવો શક્યો નથી. આથી ભાજપની ટોચની નેતાગીરીએ આ વખતે ગુજરાતમાં પૂરૂ જોર લગાવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ છેલ્લા એક મહિનામાં ત્રણ વખત ગુજરાત પ્રવાસ ખેડ્યો છે.
આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાતની મુલાકાતે છે.
સંક્ષિપ્તમાં: શું આ વખતે ગુજરાતની ચૂંટણી ભાજપ માટે ખરેખર મુશ્કેલ છે?
- આમ આદમી પાર્ટી નવા જોમ સાથે પ્રવેશી છે, જેના કારણે કૉંગ્રેસ અને ભાજપ બંને માટે સ્પર્ધા મુશ્કેલ બની છે
- 2012માં ભાજપે 115 બેઠકો જીતી હતી, પરંતુ 2017માં કૉંગ્રેસની હરીફાઈને કારણે તેની બેઠકો ઘટીને 99 થઈ ગઈ હતી
- 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા પછી 2017માં ભાજપનું સૌથી ખરાબ પ્રદર્શન હતું
- કેજરીવાલ ગુજરાતમાં ભાજપને પડકાર આપતા જોવા મળી રહ્યા છે
- 'આપ' દિલ્હી મૉડલ પર ચૂંટણી જીતવાની યોજના બનાવી રહી છે
- ભાજપ કૉંગ્રેસ કરતાં વધારે આમ આદમી પાર્ટીને પડકાર તરીકે જોઈ રહી છે કારણ કે એ તેની જ ભાષામાં વાત કરી રહી છે. અર્થાત કે આમ આદમી પાર્ટી પણ હિન્દુત્વની ભાષા બોલી રહી છે
'આપ'ની એન્ટ્રીથી સ્પર્ધા
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ આ વખતે ગુજરાતમાં ભારે જોર લગાવી રહ્યા છે. કેજરીવાલ ગુજરાતમાં ભાજપને પડકાર આપતા જોવા મળી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાહુલ ગાંધી ભલે 'ભારત જોડો યાત્રા'ને કારણે ગુજરાતનો વધુ પ્રવાસ ન કરી શકે, પરંતુ તેમની પાર્ટીએ પણ અહીં આયોજનબદ્ધ રીતે પ્રચાર શરૂ કર્યો છે.
આ જ કારણ છે કે ભાજપ અહીં પહેલાં કરતાં થોડો વધુ સાવધ દેખાઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ઑક્ટોબરે ભાજપના કાર્યકરોને કૉંગ્રેસના 'મૌન પ્રચાર'ને લઈને સચેત કર્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે, "પહેલાંની ચૂંટણીઓમાં કૉંગ્રેસ ખૂબ હોબાળો કરતી હતી અને ભાજપને ખતમ કરવાની શેખી મારતી હતી. પરંતુ આપણે 20 વર્ષમાં હાર્યા નથી, તેથી તેણે કંઈક નવું કર્યું છે. એટલા માટે આપણે સાવધ રહેવાની જરૂર છે."
વિશ્લેષકોનું કહેવું છે કે આ વખતે ભાજપની સામે કૉંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીનો પડકાર છે. કૉંગ્રેસ મતદારોને ભાજપ અને આમ આદમી પાર્ટીની હિંદુત્વની રાજનીતિથી વાકેફ કરવાનો પ્રયાસ કરી રહી છે.
સાથે જ 'આપ' દિલ્હી મૉડલ પર ચૂંટણી જીતવાની યોજના બનાવી રહી છે.
આમ આદમી પાર્ટી સરકારી કર્મચારીઓના પગારમાં વધારો કરવાથી લઈને મોહલ્લા ક્લિનિક્સ ખોલવા, ફ્રી સ્કૂલિંગ અને વધુને વધુ સરકારી શાળાઓ ખોલવાની વાત કરી રહી છે. સાથે તે ભાજપની જેમ હિન્દુ ઓળખની પણ વાત કરી રહી છે.
શું ભાજપ નર્વસ છે?
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "ભાજપ કૉંગ્રેસ કરતા વધારે આમ આદમી પાર્ટીને પડકાર તરીકે જોઈ રહ્યો છે કારણ કે એ તેની જ ભાષામાં વાત કરી રહી છે. અર્થાત કે આમ આદમી પાર્ટી પણ હિન્દુત્વની ભાષા બોલી રહી છે."
શાહ કહે છે, "આમ આદમી પાર્ટીના ગુજરાતના વડા ગોપાલ ઇટાલિયાએ ભાજપ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. તેઓ રાજ્યના પ્રભાવી પાટીદાર સમાજમાંથી આવે છે, તેથી તેમની પાસે જનાધાર પણ છે."
શાહના મતે, "આમ આદમી પાર્ટી ગુજરાતના ગરીબ-મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ વર્ગની સામે જે પ્રકારનું આર્થિક સંકટ ઊભું થયું છે અને તેઓ નોકરી અને શિક્ષણને લઈને જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, એના લીધે આમ આદમી પાર્ટીનાં વચનો તેમને આકર્ષી રહ્યાં છે. તેથી જ હવે ભાજપને આમ આદમી પાર્ટી તરફથી વધુ પડકાર મળી રહ્યો છે."
ભાજપનું આટલું આક્રમક વલણ કેમ?
કેટલાક અન્ય વિશ્લેષકોની નજરમાં પણ ભાજપને કૉંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી તરફથી મોટો પડકાર દેખાય છે. કેટલાક લોકોનું કહેવું છે કે ભાજપ આ વખતે નર્વસ જણાઈ રહ્યો છે તેથી તે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામે ઘણો આક્રમક દેખાય છે.
તાજેતરમાં, લોકો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી વિરુદ્ધ રાજ્ય સરકારની કાર્યવાહીને તેમના ગભરાટ સાથે જોડીને જોઈ રહ્યા છે.
પરંતુ વરિષ્ઠ પત્રકાર અને 'વાઇબ્સ ઑફ ઇન્ડિયા'નાં એડિટર દીપલ ત્રિવેદી એવું માનતાં નથી.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "ભાજપ નર્વસ નથી. ભાજપ એવું બતાવે છે પરંતુ તેવું નથી. 2007થી મેં ભાજપને મહાનગરપાલિકા, પંચાયત, વિધાનસભા કે લોકસભાની તમામ ચૂંટણીમાં ખૂબ જ આક્રમક રીતે ચૂંટણી લડતાં જોયો છે."
દીપલ કહે છે, "ભાજપ ખૂબ ધ્યાનથી ચૂંટણી લડે છે અને માઇક્રો મૅનેજમૅન્ટ પર સંપૂર્ણ ધ્યાન આપે છે. પહેલાં આ કામ મોદીજી કરતા હતા, હવે અમિત શાહ કરે છે, ભાજપનું વલણ તેનો ગભરાટ નહીં પરંતુ તેનું વધતું ફોક્સ દર્શાવે છે. આ વખતે ભાજપ પહેલાં કરતાં વધુ કાળજી સાથે ચૂંટણી લડી રહ્યો છે.
ત્રિવેદી એનું કારણ પણ સમજાવે છે.
તેઓ કહે છે, "ભલે કૉંગ્રેસનો પ્રભાવ શહેરી વિસ્તારોમાં દેખાતો નથી, પરંતુ કેટલાક ગ્રામીણ વિસ્તારોની મુલાકાત દરમિયાન મને જાણવા મળ્યું કે અહીં કૉંગ્રેસને નજરઅંદાજ કરવાનું મોંઘુ પડી શકે છે. આ વિસ્તારોમાં કૉંગ્રેસની તાકાત એ ભાજપ માટે મોટો પડકાર છે. જોકે, આમ આદમી પાર્ટીની ઍન્ટ્રીએ આ ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી છે."
મોદી માટે આ ચૂંટણીનું મહત્ત્વ કેટલું?
દીપલ ત્રિવેદી કહે છે, "લોકોમાં પહેલા એવો ખ્યાલ હતો કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. પરંતુ રાજ્યમાં 'આપ' નેતા ઈશુદાન ગઢવી સામે કાર્યવાહી બાદ તે ખૂબ જ આક્રમક બની ગઈ છે અને ગંભીરતા સાથે તેણે મેદાનમાં ઝુકાવ્યું છે. તે રસ્તા પર ઊતરીને ભાજપ સામે લડી રહી છે."
ત્રિવેદી કહે છે, "ગુજરાતની ચૂંટણી મોદી અને ભાજપ માટે ખૂબ જ મહત્ત્વની છે કારણ કે તેમના માટે આ ચૂંટણી 2024ની લોકસભા ચૂંટણીનું રિહર્સલ ગણવામાં આવી રહી છે."
ગુજરાતની લોકસભા બેઠકો પણ ભાજપ માટે પડકાર બની રહી છે. 2019માં ભાજપે ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠકો જીતી હતી. પરંતુ દીપલ ત્રિવેદી માને છે કે 2024માં આનું પુનરાવર્તન થવું મુશ્કેલ લાગે છે.
દીપલ કહે છે, "ગુજરાતમાં 1995ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 121 બેઠકો જીતી હતી. મોદીજીના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપ આ જાદુઈ આંકડાને સ્પર્શી શક્યું નથી. એટલા માટે મોદી ગુજરાતમાં ફરી એકવાર ભાજપને વધુમાં વધુ બેઠકો જીતી બતાવવા માંગે છે. દેશભરમાં બનેલી પીએમ મોદીની છબી માટે પણ એ જરૂરી છે. આ જ કારણ છે કે મોદીના નેતૃત્વમાં ભાજપ ગુજરાતમાં પૂરેપૂરૂ જોર લગાવતો જોવા મળી રહ્યો છે."
'ભાજપ દરેક ચૂંટણીમાં પુરી તાકાત અજમાવે છે'
ભાજપ યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત ઘણા મોટા નેતાઓને પ્રચારમાં ઉતારી રહ્યો છે.
વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદી કહે છે કે આ ભાજપની રણનીતિ છે. ભાજપ ચૂંટણીમાં પૂરી તાકાત અજમાવે છે. પછી તે કાઉન્સિલરની ચૂંટણી હોય કે લોકસભાની.
તેઓ કહે છે, "હૈદરાબાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાની તમામ તાકાત લગાવવાની ભાજપની રણનીતિની પણ ભારે ટીકા કરવામાં આવી હતી. પરંતુ ભાજપે મરણિયા થઈને આ ચૂંટણી લડી હતી. તો એ પ્રશ્ન અર્થહીન છે કે ગુજરાતમાં ભાજપ શા માટે આટલું જોર લગાવી રહ્યો છે."
"ગુજરાત અને હિમાચલની ચૂંટણીને હાલમાં કેન્દ્રમાં સત્તાની સેમીફાઇનલ તરીકે ગણવામાં આવી રહી છે. તે પછી 2024માં લોકસભાની ચૂંટણી પણ યોજાશે. તેથી મોદી એ સાબિત કરવા માગશે કે ચૂંટણી જીતવાની બાબતમાં ભાજપ હજુ પણ બધા પર હાવી છે."
વિજય ત્રિવેદી કહે છે કે, "ગુજરાતની ચૂંટણી ભાજપ માટે મહત્ત્વની છે પરંતુ એ પણ જરૂરી છે કે તે સંપૂર્ણ ઊર્જા સાથે મેદાનમાં ઊતરેલી કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીને હરાવીને એ સાબિત કરે કે મોદીની વ્યૂહરચના અને તેમની પાર્ટીને પડકારવાનું હજી તેમનું ગજું નથી. આ ચૂંટણીઓ 2024ની લોકસભા ચૂંટણીમાં મોટો સંદેશ આપશે."
ગુજરાત વિધાનસભાની વર્તમાન સ્થિતિ શું છે?
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા હતી.
એ ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો અને 49.05 ટકા મત મળ્યા હતા. કૉંગ્રેસે 77 બેઠકો જીતી હતી.
ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંથી 40 બેઠકો અનામત છે. 27 બેઠકો અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અને 13 બેઠકો અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત છે.
ગુજરાતમાં કૉંગ્રેસની હાર બાદ તેના ઘણા ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. હવે ગુજરાત વિધાનસભામાં ભાજપના 111 ધારાસભ્યો છે. કૉંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 62 થઈ ગઈ છે.
એનસીપી, ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાંથી એક-એક ધારાસભ્ય છે. એક અપક્ષ ધારાસભ્ય છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો