You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 : આપ ભાજપની પ્રચારનીતિની નકલ કરી રહી છે?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી ગુજરાતી
"એક વૃદ્ધ માતા મારી પાસે આવી હતી. જે ગુજરાતના અંતરિયાળ ગામમાં રહે છે. તેણે મને કહ્યું કે બેટા, અયોધ્યા વિશે જાણે છે? ક્યારેય ગયા છો?"
મેં કહ્યું, "હા, રામચંદ્રજીનો જન્મ થયો હતો તે અયોધ્યા. હું ત્યાં ગયો છું. રામજન્મભૂમિ પર જઈને ખૂબ શાંતિ મળે છે. માજીએ મને કહ્યું કે મારી ઇચ્છા છે અયોધ્યા જવાની."
મેં કહ્યું, "માતાજી, તમને અયોધ્યા જરૂર મોકલશું અને એ પણ એસી ટ્રેનમાં. એસી હોટલમાં ઉતારો આપશું. ગુજરાતનાં એક એક વડીલ અને માતાને અયોધ્યા લઈ જઈને રામચંદ્રજીના દર્શન કરાવશું. મેં કહ્યું કે માતા એક પ્રાર્થના કરો કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને."
ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજકોટમાં 11મેના રોજ યોજાયેલી સભામાં દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આ ઉપર મુજબ વાત કહી હતી.
સભામાં તેમણે દિલ્હીમાં આપ સરકારની એક યોજના છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
કેજરીવાલે કહ્યું હતું કે, "એ યોજનામાં અમે દિલ્હીના વયોવૃદ્ધ લોકોને મફતમાં તીર્થયાત્રા કરાવીએ છીએ. હરિદ્વાર, ઋષિકેશ, શિરડી સાંઈબાબા, મથુરા, વૃંદાવન, રામેશ્વર, અયોધ્યા આવાં 12 તીર્થસ્થળોની યાત્રા કરાવીએ છીએ."
આ જાહેરાતમાં ક્યાંય અન્ય ધર્મનાં સ્થાનોનો કેજરીવાલે ઉલ્લેખ કર્યો નહોતો.
આવી જ એક શ્રવણ તીર્થદર્શન યોજના ગુજરાતમાં આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણી મુખ્ય મંત્રી હતાં ત્યારથી ભાજપ સરકાર ચલાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અંગે યાત્રાની 50 ટકા જેટલી રકમ સરકાર ચૂકવે છે.
આમ આદમી પાર્ટી અને ગુજરાતની ભાજપ સરકારની યોજનામાં સમાનતા એ પણ છે કે તેમાં હિંદુ સિવાયનાં ધર્મ સ્થાનો પર ભાર મૂકવામાં આવ્યો નથી.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી રાજકારણમાં ભાજપની કૉપી કરી રહી છે?
- ગુજરાતમાં ચૂંટણીપ્રચારની રીત હોય કે યોજનાઓ ભાજપ અને આપ વચ્ચે આ મામલે સામ્યતા જોવા મળે છે
- રાજકીય વિશ્લેષકો જણાવે છે કે માત્ર યોજનાઓમાં જ નહીં બંને પક્ષોની વિચારધારા પણ એક બીજાને મળતી આવે છે
- ઘણા લોકો આપ પર મત મેળવવા માટે સૉફ્ટ હિંદુત્વના રસ્તે ચાલવાનો આરોપ મૂકે છે
- આપના હોદ્દેદારો જોકે, આ આરોપોનું ખંડન કરી ચૂક્યા છે
- પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આપ પણ રાષ્ટ્રવાદ અને સાંપ્રદાયિકતાને આગળ કરીને રાજકારણમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માગે છે
ભાજપના ચીલે ચાલી રહી છે આપ?
આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં 2021માં તેમની સરકારનું જે બજેટ રજૂ કર્યું તેને દેશભક્તિ બજેટ નામ આપ્યું હતું.
કેજરીવાલ સરકાર દિલ્હીની શાળાઓમાં દેશભક્તિ પાઠ્યક્રમની વાત કરી ચૂકી છે.
ઉપરોક્ત હકીકતોને આધારે રાજકીય વિશ્લેષકો આપે સૉફ્ટ હિંદુત્વ તરફ આગળ વધી રહી હોય તેવું જણાવે છે.
જે પરંપરાગત રીતે ભાજપનો રાજકીય માર્ગ છે.
અરવિંદ કેજરીવાલ મુખ્ય મંત્રી ન હતા અને દશેક વર્ષ પહેલાં દિલ્હીમાં જ્યારે આંદોલન કરી રહ્યા હતા ત્યારે તેમના ભાષણની શરૂઆત 'ભારત માતા કી જય' અને 'ઇન્કિલાબ જિંદાબાદ'થી કરતા હતા.
હવે તેઓ દિલ્હીના મુખ્ય મંત્રી છે. તેમનાં ભાષણોની શરૂઆત તો તેઓ એવી જ રીતે કરે છે, બસ એમાં વંદે માતરમ્ જોડાઈ ગયું છે.
આઝાદીનાં 75 વર્ષની ઉજવણીરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા માટેની હાકલ કરી હતી તો અરવિંદ કેજરીવાલે પણ દિલ્હીમાં તિરંગા વિતરણ કર્યું હતું.
સુરતમાં ભાજપની તિરંગાયાત્રા યોજાઈ હતી તો આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં ચૂંટણી અગાઉ તિરંગાયાત્રા યોજી હતી.
રાજકીય નિરીક્ષકો કહે છે કે રાષ્ટ્રવાદનો મુદ્દો આગળ ધરવો અને યાત્રાઓ કાઢવી એ પરંપરાગત રીતે ભાજપની રાજકીય શૈલી છે. હવે આમ આદમી પાર્ટી એ આ બધું અપનાવી લીધું છે.
કેજરીવાલ ગુજરાતમાં હિન્દુ સિવાયનાં ક્યાં ધર્મ સ્થાનકોમાં ગયા?
ભાજપ વર્ષોની મહેનત પછી પણ ચૂંટણીના રાજકારણમાં બે બેઠકથી આગળ વધી શકતું નહોતું.
લાલકૃષ્ણ આડવાણીએ 1990માં ગુજરાતમાં સોમનાથ મંદિરથી રથયાત્રા કાઢી હતી.
એ પછી ભાજપે સરકાર રચવા સુધીની હરણફાળ ભરી હતી.
સોમનાથ મંદિરનું ધાર્મિક ઉપરાંત દેશમાં રાજકીય મહત્ત્વ ખૂબ છે.
અરવિંદ કેજરીવાલ આ બાબત સારી રીતે સમજે છે.
તેથી તેઓ વર્ષ 2016થી સોમનાથ મંદિરનાં દર્શન કરતા આવ્યા છે.
આ વખતની ચૂંટણી અગાઉ પણ તેઓ એક કરતાં વધુ વખત સોમનાથ ગયા છે.
કપાળે ત્રિપુંડ અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરીને મંદિરમાંથી બહાર આવ્યા હોય તેવા ફોટા છે.
એ સિવાય કેજરીવાલ દ્વારકા દર્શને ગયા છે.
તેમના સિવાય આપના અન્ય હોદ્દેદાર તરીકે દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદીયા અંબાજી, બહુચરાજીનાં દર્શને ગયા હતા. તેમણે ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ગાયની આરતી કરી હતી.
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે તેમણે અમદાવાદના એક હવેલી મંદિરમાં કેજરીવાલના હાથે ખેસ પહેર્યો હતો.
આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ગોપાલ ઈટાલિયા જ્યારે આપમાં નહોતા જોડાયા તે અગાઉ તેમના કેટલાક વીડિયો વાઇરલ થયા હતા. જેમાં તેઓ કથિતપણે ધર્મની આલોચના કરી હતી.
આપમાં જોડાયા પછી તેઓ પણ ગાયોના ગોવાળીયાની ધૂન પર કરતાલ વગાડતા જોવા મળે છે. આ સિવાય તેઓ મંદિરોમાં જઈને દેવદર્શન કરતાં અવારનવાર જોવા મળે છે.
વર્ષ 2020માં દિવાળી વખતે કેજરીવાલે દિલ્હીના અક્ષરધામમાં અયોધ્યામાં બની રહેલાં રામમંદિરની અનુકૃતિ બનાવી હતી. જેમાં તેમણે સપરિવાર લક્ષ્મીપૂજન કર્યું હતું.
આ પ્રસંગ ટાંકીને અખબાર ધ ડેક્કન હેરલ્ડમાં પત્રકાર ભરત ભૂષણે લખ્યું હતું કે, "જેમ જેમ ચૂંટણીઓ નજીક આવે છે તેમ તેમ કેજરીવાલની ધાર્મિકતા મજબૂત રંગ પકડવા માંડે છે."
કેજરીવાલ પોતાને હનુમાન અને રામના ભક્ત ગણાવી ચૂક્યા છે. ગુજરાતની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ કેજરીવાલની ધાર્મિકતા પણ વેગવંતી બની છે. કેજરીવાલ દ્વારકાધીશથી લઈને સોમનાથનાં દર્શન કરે છે. ગુજરાતમાં ગિરજાઘરો, મસ્જિદો સહિતનાં અન્ય ધર્મનાં સ્થાનકો પણ છે. ત્યાં કેજરીવાલ દેખાતા નથી, ભાજપની જેમ!
આપ ભાજપ માફક જ પ્રચાર કરે છે?
ભાજપ અને આપની પ્રચારશૈલીમાં પણ કેટલીક દેખીતી સામ્યતા હોવાનું નિષ્ણાતો જણાવે છે.
જેમકે, ભાજપ જે રીતે સોશિયલ મીડિયા પર જંગી પ્રચાર કરે છે એ રીતે જ આમ આદમી પાર્ટી પણ કરે છે. અરવિંદ કેજરીવાલ જે રીતે અમદાવાદમાં રિક્ષાવાળાને ત્યાં જમવા ગયા હતા કે ગાંધીનગરના દલિત પરિવારને દિલ્હીમાં ભોજન માટે બોલાવ્યો હતો એની પળેપળની વિગતો ટ્વિટર, ફેસબુક જેવાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર કેજરીવાલ સહિત પાર્ટીના કાર્યકરો મૂકતા હતા.
નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસમુક્ત ભારતની વાત કહી હતી તો કેજરીવાલે પણ ગુજરાતમાં એક સભામાં કહ્યું હતું કે, 'કૉંગ્રેસ અબ ખતમ હો ચૂકી હૈ.'
કેજરીવાલ અને મોદી શું એક જ નાવડીમાં સફર કરી રહ્યા છે?
શું તેથી જ કદાચ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ભાજપની બી ટીમ કહેવામાં આવે છે?
નોંધવા જેવી બાબત એ પણ છે કે કેજરીવાલ ભાજપની ટીકા કરે છે પરંતુ આરએસએસ(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ની ટીકા કરતા તેઓ જોવા મળ્યા નથી.
કેજરીવાલ પર લાગતા રહ્યા છે સૉફ્ટ હિંદુત્વ અપનાવવાના આરોપ
આ બાબતે વરિષ્ઠ પત્રકાર અને સંપાદક શ્રવણ ગર્ગ જણાવે છે કે, "આમ આદમી પાર્ટી એ ભાજપની નહીં પણ આરએસએસની બી ટીમ છે. ગુજરાતમાં ચૂંટણીપ્રચાર દરમ્યાન કેજરીવાલે કહ્યું કે કૉંગ્રેસ ખતમ થઈ જશે. તેઓ એવું નથી કહેતા કે ભાજપ ખતમ થશે કે કમજોર થશે. આપનો ઉદ્દેશ કૉંગ્રેસ ખતમ કરવાનો છે. જો તમે વિપક્ષમાં છો તો પછી વિપક્ષના કોઈ ઘટકને ખતમ કરવાનું શા માટે ઇચ્છો છો? તમારે તો એમ કહેવું જોઈએ કે વિપક્ષ મજબૂત થાય. તેથી આમ આદમી પાર્ટી એ આ ભાજપની નહીં, ખરેખર તો આરએસએસની બી ટીમ છે."
તેઓ આ વાતને આગળ વધારતાં કહે છે કે, "આપના અમુક ઉપયોગ છે, એક તો મોદીને નિયંત્રણમાં રાખવાના છે. બીજું, કૉંગ્રેસને મોદી ખતમ કરે એના કરતાં કોઈ ત્રીજી પાર્ટી એમાં નિમિત્ત બને તો એની અસરકારકતા વધુ રહેશે. ત્રીજું જો ભવિષ્યમાં કૉંગ્રેસ મુખ્ય વિપક્ષ ન હોય અને આમ આદમી પાર્ટી એ જગ્યા પર આવી જાય તો એ ભાજપનો પોતાનો વિપક્ષ હશે."
ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણી આપ આરએસએસ અને ભાજપની નીતિમાં સામ્યતા હોવાની વાત નકારે છે.
બીબીસી ગુજરાતીના સંવાદદાતા અર્જુન પરમાર સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, "આમ આદમી પાર્ટીનું કોઈ ધર્મને વરેલી નહીં પરંતુ માનવતાને વરેલી પાર્ટી છે. અમે માનવતાવાદી વિચારધારામાં માનીએ છીએ. તમામ ધર્મોમાં માનવતા સૌથી મોટો ધર્મ હોવાનું અમે માનીએ છીએ તેથી આપ આરએસએસની બી ટીમ હોવાની વાત સાવ નિરાધાર છે."
તેઓ આગળ કહે છે કે, "જો કેજરીવાલજી એવું કહે છે કે હું હિંદુ છું અને હિંદુ ધર્મમાં માનું છું તો તે સત્ય છે તેથી તેઓ કહી રહ્યા છે તેમાં લોકોને પોતાની તરફ આકર્ષવા માટે આવું કહેવાતું હોવાની વાત નથી."
જાદવાણી આગળ કહે છે કે, "હિંદુ-મુસ્લિમનો મુદ્દો ઉઠાવી લોકપ્રિયતા મેળવવાની વાત કરનાર આરએસએસ જેવું અમારું રાજકારણ નથી અમારું રાજકારણ લોકોના જીવનધોરણમાં સુધારા તરફ કેન્દ્રિત થયેલું છે."
આરએસએસ અને આપના રાજકારણ અંગે વાત કરતાં ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દીલિપ ગોહીલ કહે છે કે, "એ તો સ્પષ્ટ હતું કે અન્ના હઝારેનું જે આંદોલન હતું તે આરએસએસે ઊંચકી લીધું હતું. ગામડે ગામડે અન્ના આંદોલન માટેના કાર્યક્રમો થવા લાગ્યા હતા. આ કાર્યક્રમો સંઘપરિવાર સાથે સંકળાયેલા લોકો દ્વારા થતા હતા. આ આંદોલનનો મોટો ફાયદો ભાજપને થયો અને કૉંગ્રેસને અભૂતપૂર્વ નુકસાન થયું. એ આંદોલનમાંથી જ આમ આદમી પાર્ટી આવી એટલે આપ પર સંઘપરિવારની નિકટતાનો આક્ષેપ થાય એ સ્વાભાવિક છે."
2021માં ગોવાની ચૂંટણી અગાઉ કેજરીવાલે ત્યાંના હિંદુઓને મફતમાં અયોધ્યા, મુસ્લિમોને અજમેર શરીફ અને ખ્રિસ્તીઓને મફતમાં તામિલનાડુમાં આવેલા વેલંકન્ની ચર્ચ લઈ જવાની વાત કહી હતી.
ગોવામાં હિંદુ વસતિ 66 ટકા, ખ્રિસ્તીઓની વસતી 25 ટકા અને મુસ્લિમોની વસતિ 8.33 ટકા છે.
એક સમયના કેજરીવાલના સાથી રહેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે બીબીસીના પત્રકાર રાઘવેન્દ્ર રાવને અગાઉ જણાવ્યું હતું કે, "કેજરીવાલની ખાસ કોઈ વિચારધારા નથી. તેમને લાગે કે જે કંઈ કરવાથી વોટ મળી શકે એમ હોય તો તે કરવું જોઈએ. કેજરીવાલ સૉફ્ટ હિંદુત્વ તરફ પણ થોડા ઢળેલા છે."
જે કેજરીવાલ 2014માં એવું કહેતા હતા કે સાંપ્રદાયિકતા એ ભ્રષ્ટાચાર કરતાં વધારે ખતરનાક છે તે કેજરીવાલ ગુજરાતમાં વરિષ્ઠ નાગરિકોને હિંદુ તીર્થસ્થળોએ યાત્રા કરાવવાના વાયદા કરે છે અને ગોવામાં નોંધપાત્ર વસતિ ધરાવતાં ખ્રિસ્તીઓને પણ તામિલનાડુનાં ચર્ચ લઈ જવાનાં વચનો આપે છે.
પોતાના લેખમાં ભરત ભૂષણ આગળ લખે છે કે, "કેજરીવાલની ધર્મનિરપેક્ષતા(સેક્યુલરિઝમ)ની વ્યાખ્યા જાહેર જીવનમાં ધાર્મિકતાને પોષે છે અને તે પણ બહુમતી ધરાવતા સમુદાયોના વોટ પર નજર રાખીને રાજ્ય વ્યવસ્થાના ધોરણે."
વધુમાં તેઓ લખે છે કે, "કેજરીવાલનું રાજકારણ અને શાસન ધર્મનિરપેક્ષતાની બાબતમાં નિષ્ફળ રહ્યા છે. નાગરિકતા સંશોધન અધિનિયમ - સીએએ(ધ સિટિઝનશિપ ઍમેન્ડમૅન્ટ બિલ) વિરુદ્ધ દિલ્હીમાં જે પ્રદર્શનકારીઓ પ્રદર્શન કરી રહ્યા હતા તેમને મળવાનો કેજરીવાલે ઇનકાર કરી દીધો હતો.
એ મામલે તેમણે નિવેદન આપવાનું પણ ટાળ્યું હતું.
દિલ્હીમાં જામીયા મિલીયા ઇસ્લામિયા તેમજ જેએનયુ(જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય)માં વિદ્યાર્થીઓ સાથે જે મારઝૂડ થઈ તે મામલે પણ તેમણે કોઈ હસ્તક્ષેપ કર્યો ન હતો કે ન તો કોઈ નિવેદન આપ્યું હતું.
તેમણે એવું કહ્યું હતું કે, "દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા કેન્દ્ર સરકાર હસ્તક છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તે પ્રાથમિક જવાબદારી છે."
અરવિંદ કેજરીવાલને જ્યારે હળવા હિંદુ કહેવામાં આવ્યા એટલે કે સૉફ્ટ હિંદુત્વના આરોપ લાગ્યા ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, "શું તમે મંદિર નથી જતા? મંદિરોની મુલાકાત લેવામાં કશું ખોટું નથી. હું હિંદુ છું. હું રામ મંદિર, હનુમાન મંદિર જાઉં છું, એમાં કોઈને શા માટે સમસ્યા હોવી જોઈએ? શા માટે તેઓ મને કઠેડામાં મૂકે છે?"
7 નવેમ્બર 2021ના રોજ તેમણે આ વાત કહી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો