You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી : કેજરીવાલે દિલ્હીમાં પોતાના ઘરે જેમને જમાડ્યા એ ગુજરાતી હર્ષ સોલંકી કોણ છે?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
- સોમવારે દિલ્હીના મુખ્ય મંત્રીના ઘરે જમવા માટે ગયા હતા હર્ષ સોલંકી
- ગાંધીનગરમાં પાંચ સભ્યોના પોતાના પરિવાર સાથે કાચા મકાનમાં રહે છે
- નવ ધોરણ પાસ હર્ષ ચારેક વર્ષથી સફાઈકામદાર તરીકે કામ કરે છે
- અમદાવાદમાં એક કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલે તેમને તેમના ઘરે જમવા આવવાનું આપ્યું હતું આમંત્રણ
થોડા દિવસ પહેલાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં એક રિક્ષાચાલકના ઘરે ગયા હતા અને તેમના પરિવાર સાથે ભોજન લીધું હતું. ત્યાર બાદ તેમણે એક દલિત યુવકને સહપરિવાર દિલ્હીસ્થિત પોતાના ઘરે ભોજન માટે નોતરું આપ્યું હતું.
આ યુવક છે ગાંધીનગરમાં રહેતા હર્ષ સોલંકી. તેઓ આજે સોમવારે પોતાનાં માતા અને બહેન સાથે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યાં હતાં અને સાથે જમ્યાં હતાં.
હર્ષના મામા રાકેશ વાઘેલાએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે 20 વર્ષીય હર્ષ ગાંધીનગરમાં છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી કરાર આધારિત સફાઈ કામદાર તરીકે કામ કરે છે.
તેમના કહેવા પ્રમાણે હર્ષે દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને તેઓ ગાંધીનગરસ્થિત મહાત્મા મંદિર પાછળ છાપરાવાળા કાચા મકાનમાં રહે છે.
રાકેશભાઈના જણાવ્યા પ્રમાણે, હર્ષના પરિવારમાં તેમના સિવાય એક ભાઈ અને બહેન તેમજ માતાપિતા છે. હર્ષનાં માતા પણ સફાઈ કામદાર તરીકે કામ કરે છે.
કેવી રીતે મળ્યું ભોજન માટે આમંત્રણ
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને 25 સપ્ટેમ્બરે અમદાવાદના શાહીબાગમાં સફાઈકામદારો સાથે સંવાદ કર્યો હતો.
જેમાં હાજર સફાઈકામદારોમાં હર્ષ સોલંકી પણ સામેલ હતા. તે સભામાં હર્ષે કેજરીવાલને કહ્યું હતું કે "અમને જોઈને ખુશી થાય છે કે તમે વાલ્મીકિ સમાજના લોકો વચ્ચે આવ્યા છો. તમને જોઈને આશા બંધાઈ છે કે અમારી પાછળ કોઇક તો ઊભું છે. જે રીતે તમે એક રિક્ષાવાળાના ઘરે જમવા ગયા હતા, શું એક વાલ્મીકિ સમાજની વ્યક્તિના ઘરે જમવા આવશો?"
કેજરીવાલે જવાબ આપ્યો, "હા, ચોક્કસ આવીશ. મેં જોયું છે કે ચૂંટણી પહેલાં રાજકીય નેતાઓ દલિતોનાં ઘરે જમવા જતા હોય છે અને દેખાડો કરે છે. આજ સુધી કોઈ નેતાએ એક દલિત વ્યક્તિને પોતાના ઘરે જમવા બોલાવ્યો નથી. શું તમે મારા ઘરે જમવા આવશો?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હર્ષે પ્રત્યુત્તર આપ્યો હતો કે "હા, સર ચોક્કસ આવીશ."
હકારાત્મક જવાબ મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે તેમના માટે ફ્લાઇટ ટિકિટ મોકલાવી અને દિલ્હીમાં મુખ્ય મંત્રીઆવાસમાં તેમના પરિવાર સાથે જમવાનું આમંત્રણ આપ્યું.
બાજુમાં બેસેલા ભગવંત માને કહ્યું, "સેવાની એક તક પંજાબને પણ મળવી જોઈએ. તમે પરિવાર સાથે દિલ્હી આવો ત્યારે તમારા રહેવાની વ્યવસ્થા દિલ્હીસ્થિત પંજાબભવનમાં કરવામાં આવશે."
'ખુલ્લી આંખે સપનું જોઈ રહ્યો હોઉં એમ લાગે છે'
સોમવારે સવારે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયા સાથે હર્ષ સોલંકી, તેમનાં બહેન સુહાની અને માતા લતાબહેન અમદાવાદ ઍરપોર્ટથી દિલ્હી પહોંચ્યાં હતાં.
ગોપાલ ઈટાલિયાએ અમદાવાદથી નીકળતી વખતે એક વીડિયો શૅર કર્યો હતો. જેમાં હર્ષ કહી રહ્યા હતા, "હું ખુલ્લી આંખે સપનું જોઈ રહ્યો હોઉં એમ લાગે છે."
ગોપાલ ઈટાલિયા પણ કહેતા નજરે પડ્યા હતા કે એક સફાઈકર્મચારીના પરિવારને કોઈ મુખ્ય મંત્રીને મળવાની અને તેમનાં ઘરે જમવાની તક મળે એ ખુબ ગર્વની વાત છે.
તેઓ જ્યારે દિલ્હી પહોંચ્યા તો ઍરપોર્ટ પર તેમને આવકારવા માટે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા આવ્યા હતા. તેમણે હર્ષ અને તેમના પરિવારનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું, "અત્યાર સુધી મત મેળવવા માટે નેતાઓ લોકોના ઘરે જતા હતા. આ વખતે એક નેતાએ લોકોને ઘરે બોલાવ્યા છે. હર્ષ અને અમારા માટે આ એક મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ ક્ષણ છે. જનતા અને જનપ્રતિનિધિ વચ્ચે જે અંતર પડી ગયું છે, તે દૂર કરવાનો આ પ્રસંગ છે. આ પ્રેમ અને મહોબતનો મામલો છે."
દિલ્હી ઍરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા હર્ષે કહ્યું, "હું એ આશા લઈને આવ્યો છું કે ગાંધીનગર-ગુજરાતમાં અમારો વાલ્મીકિ સમાજ જે પરેશાન થઈ રહ્યો છે તે ન થાય, સારી નોકરીઓ અને શાળાઓ મળે એવી આશા છે."
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ મંત્રી અને દલિત નેતા રાકેશ મહેરિયાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "વાલ્મીકિ સમુદાય ગટરમાં ઊતરવાનું અને માનવમળ ઊંચકવાનું કામ કરે છે. જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો સફાઈ માટે ઉપકરણો વસાવીને તેમને તાલીમ આપવામાં આવશે. જેથી તેમને ગટરમાં ન ઊતરવું પડે."
તેમણે વધુમાં કહ્યું, "ગટરમાં ઊતરવાથી વાલ્મીકિ સમાજના લોકોનાં જે અપમૃત્યુ થાય છે તેના માટે એક ચોક્કસ વીમો આપવામાં આવશે અને દલિતો માટે એક સુંદર કૉલોની અને શાળાઓ બનાવવામાં આવશે."
હર્ષની આંખો છલકાઈ ગઈ
દિલ્હીમાં હર્ષ સોલંકીના પરિવારે ગોપાલ ઈટાલિયા સાથે મહોલ્લા ક્લિનિકની અને સરકારી શાળાની મુલાકાત લીધી હતી.
હર્ષ સોલંકી અને ગોપાલ ઈટાલિયાએ મહોલ્લા ક્લિનિકમાં નૉર્મલ ચૅક-અપ પણ કરાવ્યું હતું.
બાદમાં બપોરે અરવિંદ કેજરીવાલના ઘરે તેમના પરિવાર સાથે ભોજન કરવા પહોંચ્યા હતા.
અરવિંદ કેજરીવાલે જ્યારે હર્ષને ફૂલો આપીને તેમના પરિવારને આવકાર્યો તો હર્ષની આંખોમાં આંસુ આવી ગયાં હતાં.
હર્ષે બાબાસાહેબ આંબેડકર અને ભગવાન બુદ્ધની તસવીર કેજરીવાલને ભેટ આપી હતી. બાદમાં કેજરીવાલ અને હર્ષ સોલંકીના પરિવારે સાથે મળીને ભોજન લીધું હતું. જેમાં ગોપાલ ઈટાલિયા અને રાઘવ ચઢ્ઢા પણ હાજર રહ્યા હતા.
ભોજન લીધા બાદ હર્ષે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે "75 વર્ષમાં પહેલી વખત એવા મુખ્ય મંત્રી મળ્યા છે જેમણે કોઈ દલિતને પહેલા પોતાના ઘરે જમવા બોલાવ્યો હોય અને બાદમાં તેના ઘરે જમવા આવવાનું કહ્યું હોય. અહીંની શાળાઓ અને હૉસ્પિટલો જોઈને ખુશી થઈ. ગુજરાતમાં આવું નથી."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો