રશિયાની શાળામાં ગોળીબાર, કેટલાંય મૃત્યુ, મૃતકોમાં બાળકો સામેલ

રશિયાના ઇઝેવસ્ક શહેરની એક શાળામાં થયેલા ગોળીબારમાં 13 લોકોનાં મૃત્યુ થઈ ગયાં અને 21 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

શાળામાં એક બંદૂકધારી શખ્સે ગોળીબાર કર્યો હતો.

સમાચાર સંસ્થા આરઆઈએએ ગવર્નર ઍલેક્ઝાન્ડર બ્રેચાલોફને ટાંકીને જણાવ્યું છે કે બંદુકધારી શખ્સ શાળામાં ઘૂસ્યો અને સિક્યૉરિટી ગાર્ડની હત્યા કરી દીધી.

તેમણે એ પણ જણાવ્યું છે કે મૃતકો અને ઘાયલોમાં શાળાનાં બાળકો સામેલ છે.

ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે બંદૂકધારીએ પોતાને પણ ગોળી મારી લીધી હતી.

કેજરીવાલે ગુજરાતના એક સફાઈકર્મીને દિલ્હીમાં તેમના નિવાસ્થાને જમવા બોલાવ્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતો વધી રહી છે.

દરમિયાન અરવિંદ કેજરીવાલે એક સફાઈ કર્મચારી હર્ષ સોલંકીને દિલ્હીમાં તેમના નિવાસસ્થાને જમવાનું નિમંત્રણ આપ્યું છે.

હર્ષ સોલંકી અને એમના પરિવારે એ જમવાનું આમંત્રણ સ્વીકાર્યું છે અને તેઓ દિલ્હી પહોંચી ગયા છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા હર્ષ સોલંકી અને એમના પરિવારને અમદાવાદ ઍરપૉર્ટ સુધી સાથે મૂકવા ગયા હતા.

હર્ષ સોલંકી અને તેમનો પરિવાર અરવિંદ કેજરીવાલ સાથે એમના ઘરે બપોરે ભોજન લેશે.

મુકુલ રોહતગીએ ઍટર્ની જનરલ બનવાની ઑફર ઠુકરાવી

સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ મુકુલ રોહતગીએ ફરી એક વાર ઍટર્ની જનરલ બનવાનો કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે.

મુકુલ રોહતગીએ બીબીસી સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે.

તેમણે કહ્યું કે "મેં કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે. આ પદ માટે મારા નામ પર વિચાર કરવા બદલ હું કેન્દ્ર સરકારનો આભાર માનું છું. હું અત્યારે આ પદ પર બેસવા માગતો નથી. મેં આ પદ સંભાળવા મુદ્દે મારી લાચારી દર્શાવી છે."

અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે તેમને વર્તમાન ઍટર્ની જનરલ કેકે વેણુગોપાલના સ્થાને દેશના નવા ઍટર્ની જનરલ બનાવાય તેવી શક્યતા છે.

2017થી આ પદ પર રહેલા કેકે વેણુગોપાલનો કાર્યકાળ 30 સપ્ટેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે.

મુકુલ રોહતગીને અગાઉ 2014માં દેશના 14મા ઍટર્ની જનરલ બનાવાયા હતા. મોદી સરકારની રચના બાદ તેમને ત્રણ વર્ષ માટે જૂન 2014માં આ પદ પર બેસાડવામાં આવ્યા હતા.

1999માં વાજપેયી સરકાર દરમિયાન પણ તેમને દેશના ઍડિશનલ સૉલિસિટર જનરલ બનાવાયા હતા.

INDvsAUS: ભારતે ઑસ્ટ્રેલિયાને ત્રીજી ટી-20માં હરાવ્યું

હૈદરાબાદમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી-20 મૅચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું છે.

પ્રથમ બેટિંગ કરતા ઑસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 187 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

ભારતે છેલ્લી ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. વિરાટ કોહલીએ 63 અને સૂર્યકુમારે 69 રન બનાવ્યા હતા.

ઑસ્ટ્રેલિયા તરફથી પ્રથમ બેટિંગ કરતા ટીમ ડેવિડે 54 રન બનાવ્યા હતા.

ભારત તરફથી અક્ષર પટેલે ત્રણ વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ અને હર્ષલ પટેલે એક-એક વિકેટ લીધી હતી.

આ સિરીઝની પ્રથમ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને મોહાલીમાં હરાવ્યું હતું. જ્યારે વરસાદ બાદ મોડી શરૂ થયેલી બીજી મૅચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો