લેસ્ટર : હિંદુ-મુસ્લિમો જ્યાં વર્ષોથી સંપીને રહેતા હતા એ શહેરમાં સાંપ્રદાયિક હિંસા કેમ થઈ?

    • લેેખક, કવિતા પુરી
    • પદ, બીબીસી ન્યુઝ
  • લેસ્ટરમાં સૌથી વધુ દક્ષિણ એશિયન સમુદાયના લોકો રહે છે
  • વર્ષોથી હળી મળીને રહે છે તમામ ધર્મના લોકો
  • અગાઉ પણ લેસ્ટરના રસ્તા પર થયાં છે પ્રદર્શનો
  • પહેલી વખત હિંદુ-મુસ્લિમો વચ્ચે થઈ હિંસક અથડામણ

ઘણા દાયકાથી લેસ્ટર 'વિવિધતામાં એકતા' માટે મૉડલ સ્વરૂપ હતું, પણ તાજેતરમાં હિંદુ-મુસ્લિમ તણાવ બાદ બહુસંસ્કૃતિવાદ પર ગર્વ કરનારા આ વિસ્તાર માટે ઘણા સવાલ ઊભા થયા છે.

યુકેમાં વર્ષ 1951માં હાથ ધરાયેલી વસતીગણતરી દરમિયાન લેસ્ટરમાં દક્ષિણ એશિયન મૂળના 624 લોકો નોંધાયા હતા. 70 વર્ષ બાદ હાલ લેસ્ટરમાં બ્રિટિશ દક્ષિણ એશિયન લોકોની સંખ્યા સૌથી વધારે છે.

ભારતીય ઉપમહાદ્વીપથી પૂર્વ મિડલૅન્ડ્સ આવનારા લોકોના આગમનની યાત્રાનો અંદાજ એ વસતીગણતરીનાં થોડાંક વર્ષો અગાઉની બે ઘટનાઓ પરથી જાણી શકાય છે.

પહેલી, 1947માં ભારત અને પાકિસ્તાનનું વિભાજન, જેમાં ભારે ધાર્મિક હિંસા ફેલાઈ હતી અને કરોડો લોકો વિસ્થાપિત થયા હતા.

બીજી, 1948માં લાગુ કરાયેલો બ્રિટિશ રાષ્ટ્રીયતા અધિનિયમ, જેમાં દરેક રાષ્ટ્રમંડળ નાગરિકને યુકે જવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

ભારત-પાકિસ્તાનના વિભાજનથી પ્રભાવિત થયેલા ઘણા લોકોએ નવું જીવન શરૂ કરવા માટે અને પૂર્વ શાસક બ્રિટનના પુનર્નિર્માણ માટે યુકે જવાનો નિર્ણય લીધો હતો.

1950થી 1970 દરમિયાન શું-શું થયું?

1950ના દાયકાથી ભારતીયો અને પાકિસ્તાનીઓ કથિકપણે ચેઇન માઇગ્રેશન એટલે કે અગાઉથી ત્યાં રહેતાં પરિવારજનો કે ગ્રામજનો થકી લેસ્ટરમાં સ્થાયી થયા હતા.

લેસ્ટર આકર્ષક અને સમૃદ્ધ શહેર હતું. ડનલૉપ, ઇમ્પિરિયલ ટાઇપરાઇટર્સ અને મોટી હૉઝિયરી મિલોમાં લોકોને સરળતાથી રોજગારી મળી રહેતી હતી.

લેસ્ટરમાં નવા આવેલા મોટા ભાગના લોકો પહેલા સ્પિની હિલ પાર્ક અને બેલગ્રેવ રોડ પાસે રાહતદરમાં મળતા આવાસમાં રહેતા હતા. આ જ વિસ્તારમાં તાજેતરમાં તણાવ સર્જાયો છે.

મોટા ભાગના લોકો પંજાબ (હાલના ઉત્તર પાકિસ્તાન અને ઉત્તર-પશ્ચિમ ભારત)માંથી આવ્યા હતા. તેમાં શીખો, હિંદુઓ અને મુસ્લિમો હતા. જે લેસ્ટરમાં આવ્યા બાદ સાથે મળીને કામ કરતા હતા અને શહેરના 'ઇન્ડિયન વર્કર્સ ઍસોસિયેશન' થકી જાતિવાદ અને સમાનતાના મુદ્દાને લઈને અભિયાન પણ ચલાવતા હતા.

1960ના દાયકામાં ભારતીય ઉપમહાદ્વીપમાંથી આવેલા પુરુષો સાથે તેમનાં પત્ની અને બાળકો આવ્યાં. તાંગાનિકા ઍન્ડ ઝાંઝીબાર (તાન્ઝાનિયા) અને કેન્યા આઝાદ થયા બાદ ત્યાં વસતા ગુજરાતીઓને પ્રતિબંધોનો સામનો કરવો પડતો હોવાથી આફ્રિકામાંથી ગુજરાતીઓ પણ લેસ્ટરમાં આવીને વસ્યા હતા.

ઘણા લોકો બેલગ્રેવ, રુશી મીડ અને લેસ્ટરના મેલ્ટન રોડ વિસ્તારોમાં વસી ગયા હતા.

જ્યારે યુગાન્ડાના શાસક ઇદી અમીને 1972માં એશિયન લોકોને કાઢી મૂક્યા, તો લેસ્ટરના સિટી કાઉન્સિલે મોટી સંખ્યામાં શરણાર્થીઓને આવકાર્યા હતા.

તેમણે યુગાન્ડાની પ્રેસમાં શરણાર્થીઓ માટે બ્રિટનમાં વસવાની અને લેસ્ટરને પોતાનું ગંતવ્યસ્થાન બનાવવા માટેની જાહેરાતો આપી હતી. લોકો આવ્યા પણ ખરા, પૂર્વ આફ્રિકાથી આવેલા ભારતીય મૂળના ઘણા લોકોએ ત્યાં પોતાનો સફળ વ્યવસાય શરૂ કર્યો હતો.

જમણેરી રાષ્ટ્રીય મોરચો અને જાતિવાદની સમસ્યા

વર્ષ 1971 સુધીમાં લેસ્ટરમાં 20,190 ભારતીય મૂળના લોકો રહેતા હતા.

બ્રિટનની પૂર્વ કૉલોનીઓમાંથી આવતા લોકોની સંખ્યામાં ઉછાળો થયા બાદ સ્થાનિક સ્તરે 'જમણેરી રાષ્ટ્રીય મોરચા'ની લોકપ્રિયતામાં વૃદ્ધિ થઈ હતી.

ગુરહરપાલસિંહે 1964માં પંજાબથી આવ્યા બાદ પોતાનું સમગ્ર જીવન લેસ્ટરમાં વિતાવ્યું છે. તેમના પિતા વૉકર્સ ક્રિસ્પ્સ ફેકટરીમાં મૅનેજર હતા.

સ્કૂલમાં, પાડોશીઓ તરફથી અને 'જમણેરી રાષ્ટ્રીય મોરચા'ના વિરોધ દ્વારા તેઓ નિયમિતપણે જાતિવાદનો ભોગ બન્યા હોવાનું યાદ કરે છે.

આ મોરચાનો ઉદય વર્ષ 1976ની સ્થાનિક ચૂંટણીમાં થયો, જ્યારે તેમણે સમગ્ર શહેરમાં કુલ 18 ટકા વોટ સાથે વિજય મેળવ્યો હતો. સમગ્ર દાયકા દરમિયાન જાતિવાદવિરોધી લડાઈ બ્રિટિશ મુસ્લિમો, શીખો અને હિંદુઓ એકસાથે લડ્યા અને તેમની તથા 'જમણેરી રાષ્ટ્રીય મોરચા'ના લોકો વચ્ચે ઘર્ષણ પણ થયું.

1976માં કાયદામાં કરાયેલા ફેરફાર બાદ સ્થાનિક તંત્ર જાતિવાદના મુદ્દા માટે જવાબદાર ઠેરવાયું અને વર્ષ 1980ના દાયકાથી સ્થાનિક તંત્રમાં બ્રિટિશ દક્ષિણ એશિયનોને પણ સ્થાન મળવાનું શરૂ થયું.

બાદમાં સ્થાનિક તંત્રે ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું હતું. આ દાયકા દરમિયાન હજારો લોકો લેસ્ટર અને બેલગ્રેવના 'ગોલ્ડન માઇલ'માં દિવાળી, ઈદ અને વૈશાખી ઊજવતા જોવા મળ્યા.

ભારતની ઘટનાઓ અને લેસ્ટરમાં પ્રતિક્રિયા

બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં 'સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ઍથનિસિટી ઍન્ડ સિટીઝનશિપ'ના સ્થાપક નિદેશક પ્રોફેસર તારિક મોદુદ કહે છે કે લેસ્ટર એક મૉડલ શહેર બની ગયું હતું પણ ઘણી વખત ભારતીય ઉપમહાદ્વીપની રાજનીતિ લેસ્ટરની શેરીઓમાં ફેલાઈ ગઈ હતી.

વર્ષ 1984માં અમૃતસરમાં આવેલા ગોલ્ડન ટેમ્પલમાં સેના પ્રવેશી ગયા બાદ લેસ્ટરમાં રહેતા શીખો પણ ગુસ્સે ભરાયા હતા અને તેમણે હુમલા પણ કર્યા હતા.

વર્ષ 2002માં પ્રોફેસરસિંહ ટીવી પર ગુજરાતમાં ઘટેલી ઘટના જોઈ રહ્યા હતા. ગોધરા ખાતે હિંદુ શ્રદ્ધાળુઓ લઈ જઈ રહેલી ટ્રેનમાં આગચંપીથી 50 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને તેના પડઘા સ્વરૂપે હુલ્લડો શરૂ થઈ ગયાં હતાં.

આ હુલ્લડોમાં એક હજારથી વધુ લોકોની હત્યા થઈ, જેમાં મોટા ભાગના મુસલમાનો હતા. આ ઘટના ભારતની આઝાદી બાદ હિંદુ-મુસ્લિમ વચ્ચે થયેલી સૌથી મોટી સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓમાંથી એક હતી.

પ્રોફેસર સિંહ કહે છે, "એ પહેલાં હુલ્લડો હતાં, જે આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા કવર કરવામાં આવ્યાં હતાં. લેસ્ટરમાં પણ આ હુલ્લડોને લઈને લોકો રસ્તા પર ઊતર્યા હતા, પણ કોઈ હિંસા થઈ નહોતી."

પ્રોફેસર સિંહ જણાવે છે કે ભારતીય ઉપમહાદ્વીપની રાજનીતિ લેસ્ટરમાં ફરી વખત ત્યારે જોવા મળી, જ્યારે વર્ષ 2014માં ભારતમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી.

તેઓ કહે છે, "ભાજપના ઉદયે એનઆરઆઈ લોકો વચ્ચે રાષ્ટ્રવાદની બ્રાન્ડમાં વધારો કર્યો છે. ભાજપ લેસ્ટરના ગુજરાતી હિંદુ સમુદાય વચ્ચે લોકપ્રિય છે, જે સમુદાયના દૃષ્ટિકોણ અને રાજનીતિમાં પ્રગટ થાય છે."

પ્રોફેસર સિંહ કહે છે કે તાજેતરમાં જ તેમણે શહેરની ડૅમોગ્રાફી બદલાતા જોઈ છે.

તેઓ જણાવે છે, "ભારત અને પાકિસ્તાન સિવાય દક્ષિણ આફ્રિકા અને માલાવીથી પણ દક્ષિણ એશિયન લોકો આવીને લેસ્ટરમાં વસ્યા છે. જોકે, ભારતમાંથી આવેલા ઘણા લોકો કટ્ટર હિંદુ રાષ્ટ્રવાદની રાજનીતિ સાથે મોટા થયા છે."

તેઓ અંતે જણાવે છે, "લેસ્ટરમાં નવા આવનારા દક્ષિણ એશિયન લોકો માટે સ્થાનિક પડકારો વધુ છે. જરૂરી વસ્તુઓની અછત અને બેરોજગારી સહિત શહેરી સમુદાયો વચ્ચે અલગતાનો અનુભવ આ પડકારોમાં સામેલ છે."

"લેસ્ટરમાં ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો હતો, પણ એ સ્પષ્ટ નથી કે હાલમાં જે ઘટના બની, તે કયા કારણસર થઈ. આશ્ચર્યજનક બાબત એ છે કે આ પહેલાં હિંસા ક્યારેય આટલી ભયાવહ હદ સુધી પહોંચી ન હતી."

હાલની હિંસામાં શું જોવા મળ્યું?

સોશિયલ મીડિયા પર હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો દ્વારા પોસ્ટ કરાયેલા હિંસાના વીડિયો પરથી પ્રતીત થાય છે કે ગુસ્સો બંને બાજુએ હતો.

વીડિયોમાં માસ્ક પહેરેલા લોકો હિંદુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં લોકોનાં ઘરોનાં દરવાજા અને બારીઓ ખખડાવતાં નજરે પડતા હતા. એક વીડિયોમાં એક વ્યક્તિ હિંદુ મંદિરની છત પર ચઢીને ધ્વજ ઉતારતી નજરે પડી તો બીજા એક વીડિયોમાં સળગતો ધ્વજ જોવા મળ્યો.

મુસ્લિમ બહુમતી વિસ્તારમાં ઉતારવામાં આવેલા વીડિયોમાં 'પાકિસ્તાન મુર્દાબાદ'નાં સૂત્રોચ્ચાર સાંભળવા મળ્યા. તો ભારત-પાકિસ્તાનની તાજેતરની મૅચ બાદ 'જય શ્રીરામ'ના નારા પણ સાંભળવા મળ્યા.

પ્રોફેસર મદુદ કહે છે, "જય શ્રીરામ ધાર્મિક મહત્ત્વ ધરાવતું સૂત્ર છે પણ હિંદુ ચરમપંથીઓ દ્વારા તેનો ઉપયોગ મુસ્લિમવિરોધ માટે કરાય છે."

આ દરમિયાન ફેક ન્યૂઝ અને જાણી જોઈને ગુમરાહ કરતી સૂચનાઓ સોશિયલ મીડિયા પર ફેલાવાઈ રહી છે અને લોકો તેને જોઈને સાચી પણ માની રહ્યા છે.

લેસ્ટરે શરણાર્થીઓની ઘણી લહેરો જોઈ છે, પણ દક્ષિણ એશિયન સમુદાય વચ્ચેની આ હિંસક અથડામણ ચિંતાજનક છે.

બ્રિટનમાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે આ પ્રકારનાં દૃશ્યો અત્યંત દુર્લભ છે, ખાસ કરીને લેસ્ટરમાં.

ઘણી પેઢીઓથી શહેરમાં રહેતા પરિવારો સહિત સ્થાનિક લોકો પોતાના રસ્તા પર જે જોઈ રહ્યા છે, તેનાથી વ્યાકુળ છે.

પ્રોફેસર મોદુદ કહે છે, "જે શહેરમાં બહુસંસ્કૃતિવાદનાં ઊંડા મૂળ હતાં એ શહેરમાં આવી ભયાવહ ઘટનાઓ ઘટે એ ભારે ચિંતાજનક બાબત છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો