હિન્દુ રાષ્ટ્ર : હિંદુત્વના સૈનિકોને કઈ રીતે તૈયાર કરવામાં આવે છે?

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

થોડાંક વર્ષો પહેલાં જ્યારે ધર્મનિરપેક્ષ ભારતને હિન્દુ રાષ્ટ્રની દિશામાં લઈ જવાની કોઈ વાત કરતું હતું તો બંધારણીય રીતે આવી વાતો માત્ર કાલ્પનિક લાગતી હતી.

ભારતની સ્વતંત્રતાની પોણી સદી બાદ હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના અંગે સંતાઈને નહીં, મોકળા મને મીડિયામાં વાતો થઈ રહી છે, ભાષણ અપાઈ રહ્યાં છે અને વીડિયો બનાવાઈ રહ્યા છે.

તાજેતરમાં જ ભાજપના હરિયાણાના ધારાસભ્યએ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો. બિહાર ભાજપમાંથી હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માગ ઊઠી છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું છે કે ભારત હિન્દુ રાષ્ટ્ર છે અને એ બાબતે ચર્ચા થઈ શકે નહીં.

ગોવામાં ભરાયેલા અખિલ ભારતીય હિન્દુ રાષ્ટ્ર અધિવેશનના આયોજક હિન્દુત્વવાદી સંગઠન જનજાગૃતિ સમિતિએ કહ્યું કે વર્ષ 2025 સુધીમાં હિન્દુ રાષ્ટ્રની સ્થાપના થઈ જશે.

હિન્દુ રાષ્ટ્ર બનાવવાની કાયદેસર, સામાજિક જટિલતા તો એક તરફ છે જ, સાથે, આ માગને આગળ વધારવા માટે હિન્દુત્વવાદી સંગઠનો, નેતાઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પણ રહી છે. આ સંગઠનોની સંખ્યા છેલ્લાં થોડાંક વર્ષોમાં વધી છે. કેટલી, તે વિશેના આંકડા ઉપલબ્ધ નથી.

આ જૂથોની કોશિશ એવી રહે છે કે તેઓ પોતાની નિયમિત પ્રવૃત્તિઓ, વિવાદિત અને સાંપ્રદાયિક ભાષણોથી આમ-હિન્દુઓમાં પોતાને પ્રાસંગિક બનાવી રાખે. એમને ખબર છે કે વધારેમાં વધારે લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે સોશિયલ મીડિયા ચૅનલોનો ઉપયોગ કઈ રીતે કરવો અને મીડિયામાં પ્રાઇમ ટાઇમ પર પકડ કઈ રીતે જમાવી શકાય.

ઘણાં વર્તુળોમાં આને ફ્રિંજ જૂથ અને જેને શૅડો આર્મી કહેવામાં આવે છે, જેની અસર સીમિત છે પરંતુ બીજો એક દૃષ્ટિકોણ એ છે કે આ જૂથ ફ્રિંજ એટલે કે હાંસિયા પર નહીં બલકે મુખ્ય ધારામાં છે, એ સમાજમાં ધર્મના નામે કટ્ટરતાને આગળ ધપાવી રહ્યા છે અને હિન્દુ સમાજના વિચારને મોટા પાયે પ્રભાવિત કરી રહ્યા છે. દરેક ધર્મનાં આવાં કટ્ટર જૂથોની ભૂમિકા અને કામ કરવાની રીત આ પ્રકારની હોય છે.

આખરે આ જૂથો ફૂલીફાલી રહ્યાં છે તેનો રાજકીય લાભ કોને મળી રહ્યો છે? આ 'ફ્રિંજ' સંગઠનોની સ્વીકૃતિ સામાન્ય જનજીવનમાં કઈ રીતે વધતી ગઈ?

પત્રકાર અને લેખક ધીરેન્દ્ર ઝા ઘણા સમયથી હિન્દુત્વવાદી વિચારધારાની વધતી જતી પકડ પર કામ કરી રહ્યા છે. પોતાના પુસ્તક 'શૅડો આર્મીઝ ફ્રિંજ ઑર્ગનાઇઝેશન ઍન્ડ ફૂટ સોલ્જર્સ ઑફ હિન્દુત્વ'માં તેમણે લખ્યું છે કે છેલ્લા ત્રણ દાયકામાં ભારતમાં હિન્દુત્વનું રાજકારણ આશ્ચર્યજનક રીતે મજબૂત થયું છે. હિન્દુત્વ બ્રાન્ડ પૉલિટિક્સના ઘણા સ્તર છે - એકમાત્ર ભારતીય જનતા પાર્ટી જ નહીં, બલકે એની છાયામાં કામ કરનારા પણ મહત્ત્વની ભૂમિકામાં આવી ગયા છે.

સંક્ષિપ્તમાં: હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પનાને કોણ હવા આપી રહ્યું છે?

  • આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું છે કે ભારત હિન્દુ રાષ્ટ્ર છે અને એ બાબતે ચર્ચા થઈ શકે નહીં
  • હિન્દુત્વવાદી સંગઠનો, નેતાઓની સંખ્યા છેલ્લાં થોડાંક વર્ષોમાં વધી છે
  • કેટલાકનું એવું માનવું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવું સંગઠન આ રીતના રાજકારણનું નેતૃત્વ કરે છે
  • થોડા મહિના પહેલાં બજરંગમુનિનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેઓ મુસલમાન વહુ-દીકરીઓ પર બળાત્કારની ધમકી આપતા દેખાયા
  • થોડાંક વર્ષો પહેલાં હિન્દુવાદી સંગઠનોએ તાજમહલમાં આરતીની માગણી કરી હતી
  • વર્ષોથી સનાતન સંસ્થા, હિન્દુ યુવા વાહિની, બજરંગદળ, શ્રીરામ સેને, હિન્દુ એક્યાવેદી, વગેરે સંગઠન અને એમના કાર્યકર્તાઓ સક્રિય રહ્યા છે
  • હવે મેદાનમાં રામ સેના, હિન્દુ સેના, સનાતન ધર્મ પ્રચાર સેવા સમિતિ, કરણી સેના, વિશ્વ હિન્દુ મહાકાલ સેના જેવાં ઘણાં હિન્દુત્વવાદી જૂથ છે
  • થોડાક સભ્યોવાળાં જૂથ મોટાં સંગઠનોની છત્રછાયામાં કામ કરે છે અને જ્યારે આગ લાગે છે ત્યારે મોટાં સંગઠન પોતાના હાથ ખંખેરી નાખે છે
  • સવાલ એ છે કે ભવિષ્યની રાજકીય નીતિઓ પર આ હિન્દુત્વવાદી સંગઠનોની કેટલી અસર પડશે, ભારતના રાજકારણ અને લોકશાહીની ચૂંટણી પર શો પ્રભાવ હશે?

તેમણે લખ્યું છે, "આ બધા એક જ ધ્યેય માટે કામ કરી રહ્યા છે કે એક ખાસ સમુદાય એટલે કે હિન્દુઓ પાસે વિશેષાધિકાર હોય અને તેઓ જ રાષ્ટ્રીય ઓળખને વ્યાખ્યાયિત કરે."

એમનું માનવું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવું સંગઠન આ રીતના રાજકારણનું નેતૃત્વ કરે છે.

આરોપો થતા રહ્યા છે કે હિન્દુ હિતોની વાત કરનારાં હિન્દુત્વવાદી જૂથોનો સીધો સંબંધ આરએસએસ સાથે ન હોય પરંતુ એમના વિચાર, એમના ઍજન્ડા આરએસએસથી પ્રભાવિત રહ્યા છે.

આરએસએસ વિચારક અને સાંસદ રાકેશ સિન્હા આ આરોપોને નકારે છે.

બીબીસી સાથેની વાતચીતમાં એમણે કહ્યું, "130 કરોડના દેશમાં વિવિધતાઓના કારણે આંતરિક વિરોધાભાસ છે. એના કારણે છૂટમૂટ સમસ્યાઓ આવી રહી છે. છૂટાંછવાયાં નિવેદનો બધી જગાએથી થઈ રહ્યાં છે. જે સંસ્થાઓનું નામ લઈ રહ્યા છો એ સંસ્થાઓને સાઇનબોર્ડ સિવાય, અમુક સભ્યો સિવાય કોણ જાણે છે? કોણ ઓળખે છે? કોણ એના સમર્થનમાં ઊભા થાય છે? જો ઇલેક્ટ્રોનિક મીડિયા ના હોત તો સંભવ છે કે તે સંસ્થાઓ દુનિયા સામે ન આવી હોત. આ તો મીડિયા વિમર્શના પોતાના દોષ છે. એના માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કઈ રીતે દોષિત છે?"

હિન્દુત્વના ધ્વજધારકો

ચાલો, એક નજર ફ્રિંજ એટલે કે હાંસિયા પર હોવાનું લાગતાં હિન્દુ સંગઠનો અને એની સાથે જોડાયેલા કેટલાક લોકો પર નાખીએ. એ જાણવું રસપ્રદ રહેશે કે તેઓ પોતાની વિચારધારાને કઈ રીતે સમજે છે, એને અમલમાં લાવવા માટે શું (કરવા) અને કેટલી હદ સુધી તૈયાર છે? એમાં કોઈ શંકા નથી કે તેઓ રાજકીય કૅન્વાસ પર ઓછામાં ઓછા દેખાતા હોય પરંતુ પોતાની વિચારધારાને વાસ્તવિક ધરાતલ પર લાવવા માટે કોઈ પણ યુક્તિઓનો ઉપયોગ કરવા અને એના માટે કોઈ પણ કિંમત ચૂકવવા માટે તૈયાર રહે છે.

આવા લોકોના લાંબા લિસ્ટમાં બજરંગમુનિ છે. સીતાપુરમાં રહેલા બજરંગમુનિ સાથે ઝૂમ પર વાતચીત થઈ.

બજરંગમુનિ ખૈરાબાદસ્થિત મહર્ષિ શ્રી લક્ષ્મણદાસ ઉદાસી આશ્રમના મહંત છે.

થોડા મહિના પહેલાં બજરંગમુનિનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેઓ મુસલમાન વહુ-દીકરીઓ પર બળાત્કારની ધમકી આપતા દેખાયા. વીડિયો વિશે ખાસ્સો હોબાળો થયા બાદ બજરંગમુનિએ માફી માગી લીધી. એપ્રિલ મહિનામાં એમને આ કેસમાં જામીન મળી ગયા છે.

બીબીસી સાથેની વાતચીતમાં બજરંગમુનિએ પોતાના મુસ્લિમ વહુ-દીકરીઓ પર બળત્કારવાળા નિવેદન વિશે કહેલું, "મેં એ જ કહ્યું કે જો તમે અમારી હિન્દુ વહુ-દીકરીઓની સાથે એવું કરશો તો એવું થશે. હું આજે પણ માનું છું કે એ ચાર શબ્દ મારા મોંએથી ખોટા નીકળ્યા પરંતુ તે પણ હું કન્ડિશનલ બોલ્યો હતો."

મુસલમાનો અને ખ્રિસ્તીઓની નાગરિકતા ખતમ કરવા અને વસ્તી નિયંત્રણ કાયદો બનાવવા જેવી માગ કરનારા બજરંગમુનિએ કહ્યું, "ધર્મના આધારે આપણા ભાગલા પડ્યા. (આપણે) હિન્દુ રાષ્ટ્ર પહેલાંથી છીએ. આમને ભગાડવાની જરૂર છે."

એમણે જણાવ્યું કે ફેબ્રુઆરી 2021એ કોઈએ એમની પીઠમાં ચાકુ મારી દીધું હતું, જેના કારણે તેઓ ચાલી પણ નથી શકતા અને એમને "ચોવીસે કલાક દુખાવો રહે છે".

એમણે જણાવ્યું, "મારી પર નવ હુમલા થઈ ગયા, ચાકુથી કાણાં કાણાં કરી દેવાયો મને. કોઈ મીડિયાએ દેખાડ્યું નહીં."

પ્રતાપગઢ જિલ્લાના અવ્વાર ગામના રહેવાસી બજરંગમુનિના પિતા મધ્યપ્રદેશ પોલીસમાં નોકરી કરતા હતા. ઇન્દોરથી બીબીએ કર્યા પછી ઈ.સ. 2007માં કોઈમ્બતૂરમાં જેટ એરવેઝમાં એમનું કૅમ્પસ સિલેક્શન થયું. ત્યાં જ એમની સંતો સાથે મુલાકાત થઈ. એ પછી તેઓ ધીરે ધીરે હિન્દુત્વ તરફ આકર્ષિત થયા.

શરૂઆતમાં તેઓ ગૌરક્ષા સાથે જોડાયેલા રહ્યા અને "ગૌ-તસ્કરી કરનારી જે કંઈ ગાડીઓ હતી એને પકડવાની કોશિશ કરતો હતો."

બજરંગમુનિ ઑસ્ટ્રલિયન નાગરિક ગ્રેહામ સ્ટેન્સ અને એમનાં બે બાળકોની હત્યાના કેસમાં દોષિત સાબિત થયેલા દારા સિંહને "દેવદૂત" માને છે, કેમ કે "એમણે નિઃસ્વાર્થ ભાવથી કામ કર્યું".

ઑસ્ટ્રેલિયન ખ્રિસ્તી મિશનરી ગ્રેહામ સ્ટેન્સ અને એમના બે છોકરાને ઈ.સ. 1999માં ઓડિશાના ગામમાં સળગાવીને મારી નાખવામાં આવ્યા હતા. તેઓ ત્યાં કુષ્ઠરોગના દરદીઓ માટે કામ કરતા હતા.

કટ્ટરવાદી હિન્દુ જૂથોનો આરોપ હતો કે તેઓ ગરીબ હિન્દુઓનો ધર્મ બળજબરીથી બદલાવતા હતા.

બજરંગમુનિ અનુસાર, "સેક્યુલર લોકો તો કહેશે કે એમણે ખોટું કર્યું… જે વ્યક્તિ 19 વર્ષોથી જેલમાં છે, અને એને કોઈ હિન્દુ સૂકી રોટલી પણ નથી આપતા, એ કેટલો ત્રાસ વેઠી રહી છે. જો કોઈ બીજી વ્યક્તિ હોત તો જુદી વાત કરત પરંતુ એ વ્યક્તિએ કહ્યું, હું જેલમાંથી બહાર આવીશ તો ધર્મરક્ષા જ કરીશ."

સીતાપુરથી થોડાક દૂર ઉત્તર પ્રદેશ રાજ્યના અન્ય એક શહેર આગ્રાના ગોવિંદ પરાશર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભારતના પ્રમુખ છે.

38 વર્ષના પરાશરનો દાવો છે કે વિશ્વપ્રસિદ્ધ તાજમહલ એક સમયે તેજો મહલ મંદિર હતું જેને તોડી નાખવામાં આવ્યું હતું. એમના દાવાના પક્ષમાં એક પણ પુરાતાત્ત્વિક સાબિતી નથી.

થોડાંક વર્ષો પહેલાં જ્યારે એમણે અને અન્ય હિન્દુવાદી સંગઠનોએ તાજમહલમાં આરતીની માગણી કરી ત્યારે તેઓ સમાચારોમાં ચમક્યા.

તાજમહલની અંદરની કબરો વિશે તેમનું કહેવું છે, "તે મજાર નથી, તેજો મહલનું શિવલિંગ છે જેના પર પાણી ટપકે છે."

ગોવિંદ પરાશર પહેલાં બજરંગદળ સાથે જોડાયેલા હતા, જેમાં એમનું કામ ગાયોને બચાવવી, 'લવ જેહાદ માટે લડાઈ લડવી' વગેરે હતું.

પછી આવ્યો એ સમય જ્યારે તાજમહલમાં આરતીના એલાન માટે એમની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવાયા.

ગોવિંદ પરાશરનો આરોપ છે કે એમના જેલ-જીવન દરમિયાન એમને બજરંગદળ તરફથી કશી મદદ ના મળી, જેના લીધે એમણે સંગઠન છોડી દીધું અને પોતાનું ખુદનું સંગઠન બનાવ્યું.

પરાશરનો દાવો છે કે આખા દેશમાં રાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભારતના લગભગ બે લાખ સભ્ય છે અને એમનાં કામોમાં "હિન્દુઓને આગળ વધારવા, હિન્દુઓને સમજાવવા કે પોતાનાં ભાઈઓ-બહેનોની કઈ રીતે મદદ કરવાની છે, ગૌમાતાની મદદ કઈ રીતે કરવાની છે" જેવાં કામ છે.

આગ્રાથી દૂર ભોપાલના હિન્દુવાદી જૂથ સંસ્કૃતિ બચાવો મંચ, જેનું ધ્યેયવાક્ય છે - આપણી સંસ્કૃતિ, આપણી ધરોહર.

મંચના ચંદ્રશેખર તિવારીનું માનવું છે કે વૅલેન્ટાઇન-ડે, રેન ડાન્સ પાર્ટી, આ બધું ભારતીય સંસ્કૃતિને બગાડવાનાં ષડ્‌યંત્રો છે.

મંચનાં કામોમાં હિન્દુ મુસલમાન વચ્ચે થતાં લગ્ન રોકવાનો પ્રયાસ કરવો, "હિન્દુ છોકરા-છોકરીઓને સમજાવવાં, સંસ્કારોની શિબિર યોજવી, લોકોને મંદિરે જવા પ્રેરિત કરવા, ઘરોમાં રામાયણ, હનુમાનચાલીસાના પાઠ માટે પ્રેરિત કરવા" સામેલ છે.

આ એવાં કેટલાંક નામ અને સંગઠન છે જેમનો ઉદય છેલ્લાં થોડાંક વર્ષોમાં થયો છે.

વર્ષોથી સનાતન સંસ્થા, હિન્દુ યુવા વાહિની, બજરંગદળ, શ્રીરામ સેને, હિન્દુ એક્યાવેદી, વગેરે સંગઠન અને એમના કાર્યકર્તાઓ સક્રિય રહ્યા છે.

હવે મેદાનમાં રામ સેના, હિન્દુ સેના, સનાતન ધર્મ પ્રચાર સેવા સમિતિ, કરણી સેના, વિશ્વ હિન્દુ મહાકાલ સેના જેવાં ઘણાં હિન્દુત્વવાદી જૂથ છે.

આ સંગઠનો કામ કઈ રીતે કરે છે?

પત્રકાર અને લેખક ધીરેન્દ્ર ઝા અનુસાર, છેલ્લાં થોડાં વર્ષોમાં ઊભાં થયેલાં નવાં હિન્દુત્વવાદી સંગઠનો, જૂથોની સંખ્યાનો અંદાજ આંકવો સંભવ નથી, કેમ કે ઘણાં બધાં જૂથોનું અસ્તિત્વ થોડાક સમય પૂરતું જ રહે છે. તેઓ એક ખાસ ધ્યેય, વિવાદ માટે અસ્તિત્વમાં આવે છે અને હેતુ પૂરો થઈ ગયા પછી તે ગાયબ થઈ જાય છે.

તેમણે કહ્યું, "છેલ્લાં થોડાંક વર્ષોમાં જે નવાં નામ ઊભર્યાં તે કોઈ ધ્યેયને પૂરું કરવા માટે છે. (આ જૂથોના) પાયાના કાર્યકરો નાનાં નાનાં પ્રલોભનોમાં ખેંચાઈ જાય છે પરંતુ જો તમે લીડર્સનો ટ્રૅક-રેકૉર્ડ જોશો તો કોઈ ને કોઈ સ્થાપિત હિન્દુત્વવાદી સંગઠન સાથે એમનું લાંબા સમયથી જોડાણ રહ્યું છે."

આગ્રાના એક વરિષ્ઠ પત્રકારે નામ ન જણાવવાની શરતે કહ્યું કે, છેલ્લાં ત્રણ-ચાર વર્ષોમાં પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં લગભગ 60 નાનાં જૂથોનો ઉદય થયો છે. એમાંનાં ઘણાંને તો ના કોઈ જાણે છે, ના એનું રજિસ્ટ્રેશન થયું છે અને નિયંત્રણ વિનાના લોકો પોતપોતાના ધોરણે એને ચલાવી રહ્યા છે.

આ પત્રકાર અનુસાર, થોડાક સભ્યોવાળાં આ જૂથ મોટાં સંગઠનોની છત્રછાયામાં કામ કરે છે અને જ્યારે આગ લાગે છે ત્યારે મોટાં સંગઠન પોતાના હાથ ખંખેરી નાખે છે.

તેમણે કહ્યું કે ઘણાં જૂથ કોઈ નાના મંદિરમાંથી પોતાની પ્રવૃત્તિઓ ચલાવે છે અને આમલોકો કે વેપારીઓ વગેરે પાસેથી દાન એકઠું કરીને પોતાની પ્રવૃત્તિઓને ફંડ કરે છે.

અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રવક્તા સંજય જાટે કહ્યું કે, "જ્યારથી યોગી સરકાર આવી છે, ભાજપ સરકાર આવી છે, ત્યારથી ક્યાંક ને ક્યાંક (હિન્દુવાદી સંગઠનોની સંખ્યાનો) ગ્રાફ વધ્યો છે. આ વાતની અમે પુષ્ટિ કરીએ છીએ."

એમના જણાવ્યા અનુસાર, "એક અલખ જાગી છે હિન્દુત્વની. ભગવાન રામ અને કેસરિયા ધ્વજ માટે પ્રેમ વધ્યો છે. જે મુગલો દ્વારા દબાયેલાં હતાં, તે દબાયેલાં કચડાયેલાં બેઠાં હતાં, છેલ્લા ઘણા દાયકાથી. જ્યારે ભાજપની સરકાર આવી તો નવાં નવાં સંગઠનોનો જન્મ થયો."

છેલ્લાં થોડાંક વર્ષોથી હિન્દુત્વ સંગઠનોની સંખ્યા કેમ વધી છે?

ગોવિંદ પરાશરે કહ્યું કે ભાજપના શાસનકાળમાં "કેટલાક તો પોતાનો જીવ બચાવવા માટે ભગવામાં આવ્યા છે, કેટલાક અપરાધી પણ આવ્યા છે જે સંગઠનમાં જોડાઈ ગયા. 100 રૂપિયાનો ખેસ નાખી લીધો અને ભગવાધારી થઈ ગયા. કોઈ સંગઠનમાં ઘૂસી ગયા. કોઈ સંઘ પરિવારમાં ઘૂસી ગયું."

તેમણે કહ્યું કે, "એવા પણ કેસ છે જ્યારે આ સંગઠનોના લોકો પોલીસના હાથમાં આવે છે તો તેઓ પોતાને હિન્દુવાદી સંગઠનના જણાવીને આશા રાખે છે કે પોલીસ એમની સાથે સૌમ્યતાથી વર્તશે અને પોલીસ પણ થોડી નરમ પડી જાય છે કેમ કે એમને લાગે છે કે (એક હિન્દુવાદી પાર્ટી) સત્તામાં છે, (અને આ લોકો) બબાલ કરશે."

પત્રકાર અને લેખક ધીરેન્દ્ર ઝાએ કહ્યું કે, "એમ કહેવું સાચું રહેશે કે છેલ્લાં 7-8 વર્ષોથી આવાં જૂથ ખૂબ સક્રિય થઈ ગયાં છે. કારણ એ છે કે એમને પ્રશાસનનું સંરક્ષણ મળી રહ્યું છે. તે એવાં રાજ્યોમાં વધારે સક્રિય છે જ્યાં ભાજપની સરકાર છે. ભાજપના રાજકારણનો પાયો છે પોલરાઇઝેશન. ભાજપ એક રાજકીય દળ છે જે બંધારણથી બંધાયેલું છે, તેથી તે એવાં કામ નથી કરી શકતો જે કામની જરૂર હોય છે - જેમ કે ધ્રુવીકરણ ઊભું કરવું. આ કામ આવાં સંગઠન કરે છે."

જોકે, ભાજપના નેતા ધ્રુવીકરણના રાજકારણનો ઇનકાર કરે છે અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના સૂત્રની વાત કરે છે.

આરએસએસના વિચારોમાં માનતા અને ભાજપના સાંસદ રાકેશ સિન્હાએ કહ્યું, "આ પ્રકારની જે વિવાદો ભરેલી વાતચીત થાય છે તે સમાજના કશા વિમર્શને સામેલ નથી કરતી. સમાજની વિચારધારા નથી જન્માવતી. એવી વાતોને ખૂબ વધારે પ્રાધાન્ય આપીને વાસ્તવમાં આપણે આપણા પૂર્વગ્રહનો પરિચય કરાવીએ છીએ. કોઈ સંસ્થા, કોઈ આંદોલન જેની ઐતિહાસિક ભૂમિકા છે આરએસએસની, હિન્દુવાદી આંદોલનની, એના પર આક્રમણ કરવા માટે, એને દોષિત ઠરાવવા માટે, હાંસિયાના લોકો દ્વારા કરાયેલાં નિવેદનો, કરાયેલાં કાર્યોને આગળ ધરીને સો વર્ષ જૂના આંદોલન અને સંસ્થા, એના નેતૃત્વ, એની વિચારધારાને પાંજરામાં ઊભાં કરવાં એ દુષ્પ્રચારની રીત છે. એમાંથી આપણે બહાર નીકળવું જોઈએ."

સ્વિટ્ઝર્લૅન્ડની જ્યુરિક યુનિવર્સિટીમાં વરિષ્ઠ રિસર્ચર અને સામાજિક માનવવિજ્ઞાની કે ઍન્થ્રોપૉલજિસ્ટ સતેન્દર કુમાર એવાં સંગઠનોની વધતી સંખ્યાનાં કારણ જણાવે છે.

સતેન્દર કુમાર અનુસાર, દેશમાં નોકરીઓની તક ઓછી થઈ છે. રાજકીય દુશ્મન ઊભા કરવામાં આવ્યા છે. સમાજના છેલ્લા પગથિયે ઊભેલા લોકોમાં હિન્દુ હોવાની અને દેખાડવાની હોંશ વધી છે. અંગ્રેજીને શ્રેષ્ઠતા સાથે જોડનારા હિન્દુસ્તાનના ભદ્ર વર્ગ સામે ભાષાને લગતો રોષ છે. ડિગ્રી મળ્યા પછી પણ યુવાનો નોકરી વગર ફરી રહ્યા છે. આઇડેન્ટિટી રાજકારણનું જોર વધ્યું છે. આમલોકોને લાગે છે કે સરકારી ઇન્સ્ટિટ્યૂશન્સ એમને માનસિક સ્તરે સુરક્ષા પૂરી નથી પાડતાં.

તેમણે કહ્યું, "નોકરી ન હોવાના કારણે આમ પણ કોઈ તમારી ઇજ્જત નથી કરતું. એ જોતાં જ્યારે તમે સંસ્થાના કાર્ડધારક બનો છો તો તમને લાગે છે કે કોઈ તમારું કંઈ નહીં કરી શકે."

પત્રકાર અને લેખક ધીરેન્દ્ર ઝાએ કહ્યું કે, "જ્યારે સમાજમાં બેરોજગારી એટલી વધારે છે, ત્યારે જે બેરોજગાર યુવકો છે એમને રોજગારી પૂરી પાડવાના બદલે સરકાર કશું નથી કરી રહી, બલકે વધારે રોજગાર ખતમ કરવામાં આવી રહ્યા છે. પરિણામ એ આવે છે કે છોકરાઓ ખૂબ આસાનીથી એ જાળમાં જતા રહે છે. એમને તાકાતની અનુભૂતિ થાય છે."

સતેન્દર કુમાર એ દિવસોને યાદ કરે છે જ્યારે ઉત્તર પ્રદેશના એક વિશ્વવિદ્યાલયમાં ભણાવતી વખતે એમણે જોયું કે મોટા ભાગના વિદ્યાર્થીઓ હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા છે.

તેમણે કહ્યું, "યુવાઓનો એક મોટો વર્ગ છે જેમના માટે કોઈ તક નથી. તકના નામે 8-10 હજાર રૂપિયાની નોકરી છે. આ યુવા 20 વર્ષ પછીયે આવી જ રીતે 8-10 હજારની નોકરી કરશે. ના એમની પાસે કશી બચત હશે, ના ઘર, ના મેડિકલ સુવિધા. તેઓ માતા-પિતાના ઘરમાં રહેતા હશે."

"સાથે જ એક સાંસ્કૃતિક જાળનું નિર્માણ થયું છે કે કઈ રીતે કોઈ તમારો દુશ્મન છે - તે, જે તમારી નોકરી ખાય છે. એમાં પ્રવાસી છે, બીજા ધર્મના લોકો છે. ધાર્મિકતા આઇડેન્ટિટીની છે. તે આચારનીતિ કે એથિક્સ કે નૈતિકતાની નથી. તે ઓળખ બતાવવાની છે, કે અમે હિન્દુ છીએ અને કોઈથી ઓછા નથી."

"જો અંગ્રેજી કે પંજાબી મીડિયમમાં ભણીને આવે છે, એમને અપમાનિત કરવામાં આવ્યા. એમને લાગે છે કે તેઓ પશ્ચિમના સાંસ્કૃતિક હુમલાની સામે લડી રહ્યા છે. ગર્વની સાથે હિન્દુ બન્યા છે, કેમ કે હિન્દુઓને કોઈ પૂછતું નથી. આ બધાં ફૅક્ટર એકસાથે આવી ગયાં."

સતેન્દર કુમાર અનુસાર, આ કથિત 'ફ્રિંજ' સંસ્થાઓને ખબર હતી કે પોતાના ભાષાકીય અને સાંસ્કૃતિક અપમાન બાબતે લોકોમાં ઉચાટ છે.

તેમણે કહ્યું, "વર્ષ 2014માં આ બધાં ફૅક્ટર એકસાથે આવી ગયાં. આ મામલો ઘણા દિવસોથી ચાલ્યો આવતો હતો. એમાં અગાઉની સરકારોની પણ નિષ્ફળતા છે. બહારથી લોકો આવ્યા અને આપણા પર રાજ કરીને ચાલ્યા ગયા - આ લાગણી લોકોમાં હતી. આ ભાવનાનો ઉપયોગ કરવામાં આવ્યો."

હિન્દુત્વ સંગઠનોમાં 'ઉચ્ચ જાતિ'નું પ્રભુત્વ?

'શૅડો આર્મીઝ ફ્રિંજ ઑર્ગનાઇઝેશન ઍન્ડ ફૂટ સોલ્જર્સ ઑફ હિન્દુત્વ' પુસ્તકમાં લેખક ધીરેન્દ્ર ઝાએ લખ્યું છે, 'હિન્દુત્વવાદી સંગઠનોમાં પાયાના સ્તરે કામ કરનારા મોટા ભાગે એવી જાતિના હોય છે જેમને સમાજમાં 'નીચલી જાતિ'ના નામથી ઓળખવામાં આવે છે અને તેઓ આ વાતને કદાચ જ જાણી શકે છે કે જે હિન્દુત્વ માટે એમણે પોતાની તમામ શક્તિનો ઉપયોગ કર્યો છે તે બીજું કંઈ નહીં, બ્રાહ્મણવાદ છે.'

તેમણે લખ્યું છે, "તેઓ હિન્દુ ધર્મમાં વધતી ધાર્મિકતામાં અને 'બીજા' પ્રત્યેની ઘૃણામાં એટલા અંધ બની ગયા છે કે તેઓ જોઈ નથી શકતા કે જે હિન્દુત્વ માટે તેઓ કામ કરી રહ્યા છે તે બ્રાહ્મણો અને ઉચ્ચ જાતિના ઐતિહાસિક આધિપત્યને કઈ રીત બીજી વાર જીવંત કરવા માગે છે."

પુસ્તકમાં ઉલ્લેખ છે કે શ્રીરામ સેનેના પ્રમોદ મુથાલિકની પછાત જાતિના સાથી ફરિયાદ કરે છે કે કથિત રીતે જાતિના આધારે એમની સાથે સંઘ પરિવારમાં ભેદભાવ થતો હતો.

એક સાથીએ કહ્યું, "સંઘમાં અંદરોઅંદર કોઈ નહીં કહે, પરંતુ ત્યાં બધું જ બ્રાહ્મણોને લાભ કરાવવા માટે થાય છે. નીચલી જાતિના લોકોને નીચલું કામ કરવું પડે છે - તમે એને ગંદું કામ કહી શકો છો - જેમ કે રસ્તા પર લડવું."

આરએસએસમાં બ્રાહ્મણો કે ઉચ્ચ જાતિના પ્રભાવ બાબતે એની લાંબા અરસાથી ટીકા થતી રહી છે.

જોકે, સંઘ આ ટીકાને નથી સ્વીકારતો. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું છે કે હિન્દુ સમાજમાં આભડછેટ, અસમાનતા મોટી સમસ્યા છે અને એમાંથી છૂટવામાં સમય લાગશે.

મોહન ભાગવતે બીજી એક જગ્યાએ કહ્યું કે એક દલિત પણ આરએસએસ પ્રમુખ બની શકે છે.

જાતિના આધારે થઈ રહેલા ભેદભાવ અંગે આકરા શબ્દોમાં મોહન ભાગવતે કહ્યું કે 'અમે જાતિગત ભેદભાવમાં માનતા નથી. અમે સંઘમાં લોકોની જાતિ નથી પૂછતા. તે અમારી સંસ્કૃતિનો ભાગ નથી.'

ભોપાલના ચંદ્રશેખર તિવારી પહેલાં બજરંગદળમાં હતા. એમણે 12 વર્ષની ઉંમરથી મંદિરમાં સેવાની શરૂઆત કરી અને "હિન્દુત્વ માટે" કામ કરતાં કરતાં ત્રણ દાયકા કરતાં વધારે થઈ ગયા છે.

કૉંગ્રેસના દિગ્વિજયસિંહના શાસનકાળમાં એમણે 18 વર્ષ પહેલાં સંસ્કૃતિ બચાવો મંચની સ્થાપના કરી. સંગઠનનું ધ્યેયવાક્ય છે, આપણી સંસ્કૃતિ, આપણી ધરોહર.

ચંદ્રશેખર તિવારી અનુસાર, હિન્દુત્વવાદી સંગઠનોમાં 'ઉચ્ચ જાતિ'નો દબદબો માત્ર એક ભ્રાંતિ છે જેથી હિન્દુ સમાજ સંગઠિત ના થાય.

તેમણે કહ્યું, "મારા જિલ્લા અધ્યક્ષ ધાનુક સમાજના છે. અમે છેલ્લાં 8 વર્ષોથી ચૂંદડી યાત્રા કાઢીએ છીએ અને વિધિ-વિધાન પૂર્વક અમે એ મંદિરમાં બંને મળીને પૂજા, આરતી કરીએ છીએ અને ત્યાંથી અમારી યાત્રાનો આરંભ થાય છે."

આરએસએસના પૂર્વ કાર્યકર્તા અને રામમંદિર માટે 1990માં પહેલી કારસેવામાં ભાગ લઈ ચૂકેલા દલિત ભંવર મેઘવંશી આ વાત સાથે સંમત નથી.

ભંવર અનુસાર, 1991માં એમને કહેવામાં આવ્યું કે હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા સાધુ-સંત એમના ત્યાં ભોજન નહીં કરે, અને તેઓ ભોજન પૅક કરી દે જેથી આગળ આવતા ગામમાં એમને એ જ ભોજન ખવડાવી દેવાય, એવું જણાવ્યા વિના કે ભોજન એક દલિતના ઘરે બન્યું હતું. પછીથી એમને ખબર પડી કે ભોજનનું પૅકેટ ફેંકી દેવામાં આવ્યું.

ભીલવાડાના સિરદિયાસ ગામના રહેવાસી અને હાલ જયપુરમાં રહેતા ભંવરે કહ્યું, "મેં વિચાર્યું, હું તમારા માટે, રામમંદિર માટે મરવા તૈયાર છું અને તમે મારા ઘરનું ભોજન ખાવા તૈયાર નથી."

ભંવર અનુસાર, એમણે સ્થાનિક અધિકારીઓ સમક્ષ પોતાની ફરિયાદ કરી પરંતુ પછીથી કોઈ જવાબ ન મળવાના લીધે આરએસએસ છોડી દીધો.

તેમણે કહ્યું કે, આટલાં વર્ષોમાં હિન્દુ સંગઠનો સાથે જોડાનારા ઓબીસી અને દલિતોની સંખ્યા વધી છે, સત્તા હજુ પણ 'ઉચ્ચ જાતિ'ના લોકોની પાસે જ છે.

ભવિષ્યનું ભારત

હિન્દુત્વવાદી સંગઠનો સતત હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાતો કરી રહ્યાં છે.

ઉત્તર પ્રદેશમાં હિન્દુ યુવા વાહિનીના સંસ્થાપક મંત્રી રામ લક્ષ્મણ અનુસાર, "અમે લોકો ઇચ્છીએ છીએ કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર બને અને હિન્દુત્વની તરફ આકર્ષિત થાય. નેપાળ આપણો એવો દેશ હતો જે સંપૂર્ણપણે હિન્દુ રાષ્ટ્ર હતો, પરંતુ તે પણ ખતમ થઈ ગયો. આપણી સામે ખતમ થઈ ગયો."

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વર્ષ 2002માં બનેલી હિન્દુ યુવા વાહિનીના મુખ્ય સંરક્ષક છે.

રામ લક્ષ્મણ અનુસાર, એમનું "બિનરાજકીય, સાંસ્કૃતિક સંગઠન" ત્યાં કામ કરે છે "જ્યાં હિન્દુ પર અત્યાચાર થશે, જ્યાં હિન્દુઓને નુકસાન થશે, જ્યાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ ખતરામાં આવશે."

એમના સંગઠન માટેના પોલીસ સત્તાના વલણ અંગે તેમણે કહ્યું, "જો અમે ખોટા છીએ તો અમને જેલમાં મોકલી દેવાય. જો હિન્દુત્વનું કામ કરવું ખોટું હોય તો અમે સો ભૂલો કરીશું… અમે બંધારણ અનુસાર કામ કરીએ છીએ."

પરંતુ ભલે યતિ નરસિંહાનંદ હોય કે હિન્દુત્વવાદી સંગઠનોના નેતા, વહીવટીતંત્ર પર એમની સામે નરમ વલણ અપનાવાતું હોવાના આરોપ થતા રહ્યા છે. પોલીસ આવા આરોપોને નકારી રહી છે પરંતુ આરોપો થવાનું ચાલુ છે.

પોલીસના યતિ નરસિંહાનંદ અને નૂપુર શર્મા સામેના વલણની સરખામણી મોહમ્મદ ઝુબેર જેવા કેસ સાથે થતી રહી છે અને હિન્દુત્વવાદી જૂથોને રાજકીય સંરક્ષણ મળતું હોવાના આરોપ કરાતા રહ્યા છે.

પત્રકાર અને લેખક ધીરેન્દ્ર ઝા ભાજપના નેતા જયંત સિન્હાના લિંચિંગ મામલામાં સામેલ આરોપીઓને માળા પહેરાવવાની ઘટના યાદ કરાવે છે.

આ બધું જોતાં સવાલ એ છે કે ભવિષ્યની રાજકીય નીતિઓ પર આ હિન્દુત્વવાદી સંગઠનોની કેટલી અસર પડશે, ભારતના રાજકારણ અને લોકશાહીની ચૂંટણી પર શો પ્રભાવ હશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો