ગુજરાત વિધાનસભા ચૂંટણી: ગુજરાતની ચૂંટણીમાં જેમની પર 'આપ' દાવ રમી રહી છે તે રાઘવ ચઢ્ઢા કોણ છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી કોઈ પ્રકારની કચાશ છોડવા નથી માગતી, અને એટલે જ અણીના સમયે રાઘવ ચઢ્ઢાને સહ-પ્રભારી બનાવ્યા છે. તેઓ સંદીપ પાઠક સાથે મળીને રાજ્યમાં પાર્ટીને મજબૂત કરવા માટે પ્રયાસ કરશે.

આ જોડીને પંજાબ વિધાનસભામાં પાર્ટીને મળેલી ભવ્ય જીતના સહભાગી માનવામાં આવે છે. જો સંદીપ પાઠક પાર્ટીના 'ચાણક્ય' છે અને 'પડદા પાછળ'ની ભૂમિકા ભજવે છે તો ચઢ્ઢા પાર્ટીનો 'ચહેરો' છે.

આ જોડીએ પાર્ટીને પંજાબમાં 117માંથી 92 બેઠક અપાવી હતી.

ચઢ્ઢાની કામગીરીને નજીકથી જોનારાના કહેવા પ્રમાણે, કેજરીવાલ સાથેની તેમની નિકટતા તેમની સડસડાટ પ્રગતિનું રહસ્ય છે. તેમની ઉપર પંજાબના મુખ્ય મંત્રીની ઉપર 'સુપરસીએમ' આરોપ લાગતા રહ્યા છે.

એક સમયે 'સ્વિટ બૉય નૅક્સટ ડૉર'ની છાપ ધરાવતા ચઢ્ઢાને એક સમયે મીડિયામાં ઇન્ટરવ્યૂ કે ચર્ચા માટે બોલાવવામાં આવતા ન હતા અને આજે તેઓ સ્પષ્ટ અને તર્કબદ્ધ દલીલ દ્વારા ભાજપ અને કૉંગ્રેસ સહિત વિપક્ષના પ્રવક્તાને જવાબ આપે છે.

આપ, રાઘવ અને સંઘર્ષ

2012માં જ્યારે રાઘવ ચઢ્ઢાએ સીએનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પોતાની પ્રૅક્ટિસ શરૂ કરી રહ્યા હતા, ત્યારે દિલ્હીમાં અણ્ણા હઝારેના જનલોકપાલ આંદોલને વેગ પકડ્યો હતો. અનેક યુવાનોની જેમ ચઢ્ઢા પણ તેમના પ્રત્યે આકર્ષિત થયા.

એ પછી જ્યારે અરવિંદ કેજરીવાલ રાજકારણમાં આવ્યા અને 'આમ આદમી પાર્ટી'ની સ્થાપના કરી, ત્યારે તેઓ આપ સાથે જોડાઈ ગયા. શરૂઆતમાં અઠવાડિયાના ચાર કલાક કામ કરવાની સાથે શરૂઆત કરી, જે આગળ જતાં ફુલ ટાઇમ પ્રોફેશન બની ગયું.

2013માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો હતો, પરંતુ તેણે સરકાર રચવાનો દાવો ન કર્યો. અંતે આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસે મળીને સરકાર રચી, જે 49 દિવસ ચાલી.

આ દરમિયાન તેઓ આતિશી મારલેના, પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ અને પ્રો. અનંતકુમાર વગેરેના હાથ નીચે તૈયાર થયા.

2014માં લોકસભાની ચૂંટણી સમયે આપે મહત્ત્વાકાંક્ષી ચૂંટણીઅભિયાન હાથ ધર્યું, જેમાં પંજાબને બાદ કરતાં ક્યાંય સફળતા ન મળી. ખુદ દિલ્હીની તમામ સાતેય બેઠક ગુમાવી.

જોકે આશ્વાસનની બાબત એ હતી કે તમામ બેઠક પર આપના ઉમેદવાર કૉંગ્રેસને પછાડીને બીજા ક્રમે રહ્યા હતા. આપના કાર્યકરોને માટે 2015નું વર્ષ આશાનું કિરણ લઈને આવ્યું.

સફળતાની શરૂઆત

2015માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાઈ, ત્યારે 70 વિધાનસભા બેઠક માટે 70 ચૂંટણીઢંઢેરો તૈયાર કરવામાં આવ્યો.

વરિષ્ઠ પત્રકાર સબા નક્વી તેમના પુસ્તક 'કૅપિટ કૉન્ક્વેસ્ટ'માં ચઢ્ઢાને ટાંકતા જણાવે છે કે, સવારે નવથી બાર તેઓ પાર્ટીની કૉમ્યુનિકેશન સ્ટ્રૅટજી ઘડતા, બપોરે બેથી ત્રણ ચૂંટણીઢંઢેરાનું કામ કરતા, ત્યાર બાદ ત્રણથી છ ઉમેદવારોની પસંદગી અંગે સૂચન કરતા અને રાત્રે ચર્ચાઓમાં ભાગ લેતા. આમ દરેક વ્યક્તિ બધાં કામ કરી રહી હતી.

જોકે, આ દરમિયાન તેમને કેટલાક કડવા અનુભવો પણ થયા. નકવી લખે છે કે કેટલીક ચેનલો દ્વારા રાઘવ ચઢ્ઢા સહિત આપના પ્રવક્તાને બોલાવવામાં આવતા ન હતા. અને જો કદાચ ઇન્ટરવ્યૂ કે ચર્ચામાં ભાગ લેવા માટે સ્લૉટ નક્કી કરી દેવામાં આવ્યો હોય, તો પણ છેલ્લી ઘડીએ રદ થઈ જાય તેવા બનાવ બન્યા હતા.

ભાજપ અને કૉંગ્રેસ દ્વારા આખા પન્નાની અખબારોમાં જાહેરાતો આપવામાં આવતી હત. તેમણે દિવસભરના એફએમના સ્લૉટ બૂક કરી લીધા હતા. ચઢ્ઢાના કહેવા પ્રમાણે, આપે કોઈ ઍડ્ એજન્સી રાખી ન હતી કે પ્રોફેશનલ્સ રોક્યા ન હતા. તેમણે વસ્તીગીચતા હોય ત્યાં જ બેનર-હૉર્ડિંગ્સ લગાવ્યાં, જ્યારે પ્રાઇમ-ટાઇમના જ એફએમ સ્લૉટક બૂક કર્યા.

પાર્ટીના કાર્યકરોએ જ કેમ્પેન ડિઝાઇન કર્યું હતું. આપના કાર્યકરોએ અવિરત મહેનત ચાલુ રાખી, જેનું ફળ પાર્ટીને ચૂંટણી પરિણામોમાં જોવા મળ્યું.

આપને દિલ્હીની 70માંથી 67 બેઠક મળી. ભાજપને માત્ર ત્રણ બેઠક મળી અને તે સત્તાવાર રીતે મુખ્ય વિપક્ષ પણ ન રહ્યો. બીજી બાજુ થોડા સમય પહેલાં સુધી કૉંગ્રેસ પાર્ટી દિલ્હીમાં સત્તા પર હતી, તે શૂન્ય પર આવી ગઈ.

ચઢ્ઢાના ઉતાર-ચઢાવ

માત્ર 26 વર્ષની ઉંમરે ચઢ્ઢાને આપના ખજાનચી નિયુક્ત કરવામાં આવ્યા. જોકે, 2017માં જ્યારે તેમને હટાવવામાં આવ્યા, ત્યારે પાર્ટીના અસંતુષ્ટ નેતા કપિલ મિશ્રાએ દાવો કર્યો કે હવાલાના વ્યવહારોને કારણે તેમને હટાવવામાં આવ્યા હતા.

પાર્ટીએ આ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે કેજરીવાલ સામે થયેલા કેસોની વ્યૂહરચના અને સંકલનને માટેની કામગીરી ચઢ્ઢા કરી રહ્યા હોઈ, તેમણે જ પદમુક્ત કરવાની માગ કરી હતી. આગળ જતાં મિશ્રા ભાજપમાં જોડાઈ ગયા.

2019ની લોકસભા ચૂંટણી વખતે પાર્ટીએ તેમને પોશ ગણાતી દક્ષિણ દિલ્હીની બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા, પરંતુ ભાજપના ઉમેદવાર સામે તેઓ હારી ગયા.

જોકે, બાદમાં 2020માં તેઓ રાજિન્દરનગર બેઠક પરથી ધારાસભ્ય બન્યા અને દિલ્હી જળનિગમના ઉપાધ્યક્ષ પણ બન્યા.

આ દરમિયાન પાર્ટીએ પંજાબની ચૂંટણી માટે કમ કસી, પાર્ટીએ 2014 અને 2019ની લોકસભા ચૂંટણી તથા 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.

ચઢ્ઢા પંજાબની ઓચિંતી મુલાકાતે પહોંચી જતા અને રાજકીય મુદ્દા ઉઠાવવા લાગ્યા. તેમની આ આક્રમક 'છાપામાર વ્યૂહરચના' સામે કૉંગ્રેસ ટકી ન શકી અને 2022માં વિધાનસભામાં પાર્ટીને પૂર્ણ બહુમતી મળી અને ભગવંત માનના નેતૃત્વમાં સરકાર બની.

વિવાદોના વમળમાં રાઘવ ચઢ્ઢા

આપે ચઢ્ઢાને પંજાબમાંથી રાજ્યસભામાં મોકલ્યા છે. આ સિવાય તેમને પંજાબ સરકારની ઍડ્વાઇઝરી કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જે દિલ્હી તથા પંજાબ સરકાર વચ્ચેના સંકલનને સુદૃઢ બનાવીને દિલ્હીના 'કેજરીવાલ મૉડલ'ને પંજાબમાં લાગુ કરવા માટે પ્રયાસરત્ છે. જોકે, આને કારણે વિવાદ પણ થયા છે.

બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ જયદીપ વસંત સાથે વાત કરતા બીબીસી પંજાબીના વરિષ્ઠ પત્રકાર ખુશાલસિંહ લાલીએ જણાવ્યું, "વિધાનસભાની ચૂંટણી સમયે મીડિયામાં રાઘવ ચઢ્ઢા પર ટિકિટ વેચવાના આરોપ લાગ્યા હતા. આમ છતાં તેઓ કેજરીવાલના પ્રીતિપાત્ર બની રહ્યા છે.

"ચઢ્ઢા રાજ્યસભાના સંસદસભ્ય છે એટલે તેઓ પંજાબ સરકારમાંથી વેતન નથી લેતા. છતાં તેઓ અનેક સવલતો ભોગવી રહ્યા છે. તેમને કૅબિનેટમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે અને અગાઉ પંજાબના નાણામંત્રીને જે બંગલો આપવામાં આવતો તે ચઢ્ઢાને આપવામાં આવ્યો છે. આ સિવાય તેમને ઝેડ કૅટેગરીની સુરક્ષા મળેલી છે."

"કોઈ સ્થાનિક નેતાના બદલે દિલ્હીના નેતાને (ચઢ્ઢા અને પાઠક) પંજાબમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા, ત્યારે પણ સવાલ ઊઠ્યા હતા. એવા સવાલ ઊઠ્યા હતા કે શું તેમને કોઈ સ્થાનિક નેતા ન મળ્યો કે દિલ્હીના નેતાને પંજાબમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે?"

"પંજાબી મીડિયામાં ચર્ચા થતી રહે છે કે ચઢ્ઢા મુખ્ય મંત્રી ભગવંત માનની ઉપર 'સુપર સીએમ'ની જેમ વર્તે છે, જેના કારણે પાર્ટી તથા અધિકારીઓનો એક વર્ગ નારાજ છે."

માર્ચ-2020માં પંજાબમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરતી વખતે ઍફિડેવિટમાં આપેલી વિગત પ્રમાણે, તેમની સામે ત્રણ કેસ ચાલી રહ્યા છે.

રાઘવ ચઢ્ઢાનો જન્મ 11 નવેમ્બર 1988ના રોજ થયો છે, જ્યાં તેમણે સ્થાનિક શાળામાં અભ્યાસ કર્યો અને દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.કૉમનો અભ્યાસ (2009) કર્યા પછી તેમણે 2011માં પોતાની મહત્તમ શૈક્ષણિક લાયકાત ચાર્ટર્ટ એકાઉન્ટન્ટ જણાવી છે.

મીડિયામાં ચર્ચા પ્રમાણે, તેમણે લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાંથી પણ અભ્યાસ છે, જોકે તેનો ઉલ્લેખ ઍફિડેવિટમાં નથી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો