You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપના નેતા દિલ્હીની મુલાકાતે : જો ગુજરાતના શિક્ષણ સાથે સરખામણી કરવામાં આવે તો?
- ગુજરાત ભાજપના નેતાઓનું પ્રતિનિધિમંડળ દિલ્હી મૉડલની હકીકત ચકાસવા રાજ્યની મુલાકાતે
- થોડા સમય પહેલાં દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદીયાની ગુજરાત મુલાકાત અને શિક્ષણવ્યવસ્થાની ચકાસણીના જવાબમાં આ મુલાકાત યોજાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે
- આ મુલાકાતના પગલે ગુજરાત અને દિલ્હીની શિક્ષણવ્યવસ્થાની સરખામણી અંગે ફરી ચર્ચા થવા લાગી છે
- ગુજરાત અને દિલ્હીના નેતાઓના એકબીજા પરના આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ થયો
આજકાલ ગુજરાત ભાજપનું એક પ્રતિનિધિમંડળ દિલ્હીમાં આવ્યું છે. સોશિયલ મીડિયા અને સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ભાજપનું આ પ્રતિનિધિમંડળ દિલ્હી મૉડલની પોલ ખૂલી પાડવા માટે રાજ્યની મુલાકાતે હોવાનું કહેવાઈ રહ્યું છે.
અહેવાલો પ્રમાણે ગુજરાત ભાજપના નેતાઓ દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદીયાની અચાનક મુલાકાતના કારણે રોષે ભરાયા હતા.
નોંધનીય છે કે આ મુલાકાતમાં તેમણે રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીની વિધાનસભા બેઠકમાં આવેલી સરકારી શાળાની કફોડી સ્થિતિ જાહેર કરી રાજ્ય સરકાર બાળકોના શિક્ષણ પ્રત્યે દુર્લક્ષ સેવતી હોવાના આરોપ કર્યા હતા.
ગુજરાત ભાજપના નેતા દિલ્હીની મુલાકાતે આવેલ હોવાની વાત અંગે પોતાની પ્રતિક્રિયા જણાવતાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું.
જેમાં તેમણે લખ્યું હતું કે, "ગુજરાત ભાજપના ઘણા વરિષ્ઠ નેતા દિલ્હીનાં મહોલ્લા ક્લિનિક અને સ્કૂલ જોવા માટે આવ્યા છે. આશા કરું છું કે દિલ્હીની શાનદાર શિક્ષણ અને સ્વાસ્થ્યવ્યવસ્થામાંથી શીખ લઈને તેઓ ગુજરાતમાં પણ સુધારો કરશે. અમે બધા એકબીજાથી શીખીશું ત્યારે જ તો ભારત આગળ વધશે."
હવે ભાજપના પ્રતિનિધિમંડળની દિલ્હી મુલાકાતને પરિણામે ફરી એક વાર બંને રાજ્યોના શિક્ષણની સરખામણી અંગે ચર્ચા વ્યાપક બની છે.
ગુજરાતમાં સ્કૂલોના હાલ
ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ગુજરાતની શાળાઓમાં 19 હજાર વર્ગોની ઘટ હતી.
ગુજરાતના 33 જિલ્લા પૈકી સૌથી વધુ ઘટ આદિવાસી બહુમતીવાળા જિલ્લા દાહોદમાં જોવા મળી હતી. દાહોદમાં 1,688 વર્ગોની ઘટ હતી. જે બાદ બનાસકાંઠા, ભાવનગર, મહેસાણા અને સાબરકાંઠા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખુદ ગુજરાત સરકારે ચાલુ વર્ષે વિધાનસભાના સત્ર દરમિયાન આ વાત અંગે ખુલાસો કર્યો હતો.
જો ગુજરાતની સ્કૂલો વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં 2020થી અત્યાર સુધી 90 સરકારી શાળા બંધ કરાઈ છે, જ્યારે 500 શાળા એકબીજા સાથે ભેળવી દેવાઈ છે.
આ અંગે સ્પષ્ટતા કરતાં ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ કહ્યું હતું કે જે સ્કૂલો બંધ કરાઈ છે તેમાં ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓના પ્રવેશ થયા હતા. જેના કારણે આ સ્કૂલો બંધ કરીને વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલોમાં શિફ્ટ કરાયા છે. તેમાં કશું ખોટું ન હોવાનું તેમણે દાવો કર્યો હતો.
ઇન્ડિયા ટુડેના એક અહેવાલ અનુસાર ગુજરાતમાં 13 હજાર પ્રાથમિક શાળાઓમાં કૉમ્પ્યૂટર લૅબ નહોતી.
આ માહિતી પણ રાજ્ય સરકારે વિધાનસભાના સત્ર દરમિયાન આપી હતી.
આ સિવાય ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં 700 પ્રાથમિક શાળામાં માત્ર એક જ શિક્ષક છે.
અમદાવાદ મિરરના એક અહેવાલ અનુસાર ગુજરાતમાં 28 હજાર સરકારી શાળાના શિક્ષકોની જગ્યા ખાલી હતી.
જોકે, આ ઘટને પહોંચી વળવા અને રોજગારીના નિર્માણના દાવા સાથે ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ દસ હજાર પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવાની જાહેરાત કરી હતી. જે એક કામચલાઉ વ્યવસ્થા હોવાનું કહીને વિપક્ષે તેની ઘણી ટીકા કરી અને નિયમિત શિક્ષકોની ભરતી કરવાની માગ કરી હતી.
દિલ્હીમાં સ્કૂલ સંચાલન સામે આરોપો
તેની સામે દિલ્હી ભાજપના પ્રમુખ આદેશ ગુપ્તાએ દિલ્હીની સરકારી સ્કૂલોનું મીડિયા અને અન્યો સામે રજૂ કરાતું ચિત્ર એ છળ હોવાની વાત કરી હતી.
તેમણે દિલ્હીની સ્કૂલોમાં સમસ્યાઓ હોવાની વાત જણાવી હતી.
હિંદુસ્તાન ટાઇમ્સ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર આદેશ ગુપ્તાએ આ અંગે આરોપ કરતાં કહ્યું હતું કે, "જ્યારે પણ વિદેશમાંથી લોકો દિલ્હીની શાળાઓ જોવા આવે છે ત્યારે તેઓ માત્ર એક કાં તો બે શાળાઓ બતાવી અને પોતે દિલ્હીના શિક્ષણમાં ક્રાંતિ લાવી હોવાનો દાવો કરે છે."
"દિલ્હીમાં હાલ 23,000 શિક્ષકોની ઘટ છે. કુલ સ્કૂલો પૈકી 80 ટકા સ્કૂલોમાં પ્રિન્સિપલ અને વાઇસ પ્રિન્સિપલ નથી. તેમજ 70 ટકા સ્કૂલોમાં વિજ્ઞાન વિષય જ નથી. ધોરણ દસ અને 12નું પરિણામ વધુ આવે તે હેતુસર ધોરણ નવ અને 11માં વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવે છે."
ધ હિંદુના એક અહેવાલ અનુસાર દિલ્હી વિધાનસભાના વિપક્ષના નેતા રામવીરસિંઘ બિધુરીએ પણ દિલ્હીની શાળાઓના સંચાલન બાબતે આરોપ લગાવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, "દિલ્હીમાં કુલ 1,027 સરકારી શાળાઓ છે. જેમાંથી 203માં પ્રિન્સિપલ નથી. શિક્ષકોની ખાલી જગ્યાઓ પર 22 હજાર કામચલાઉ શિક્ષકોની ભરતી કરાઈ છે."
"આઠ વર્ષમાં દિલ્હીમાં સરકાર એક પણ નવી સ્કૂલ ખોલી શકી નથી. પરંતુ 16 સ્કૂલો બંધ કરી દેવાઈ છે."
"જો દિલ્હીની સરકારી શાળાઓની સાચી સ્થિતિ બતાવવી હોય તો મુસ્તફાબાદની સ્થિતિ બતાવવી જોઈએ જ્યાં છ હજાર બાળકો કામચલાઉ છત્ર નીચે બેસી ભણવા મજબૂર છે. તેમજ તેમાં પણ દરેક ક્લાસમાં 100 કરતાં વધુ બાળકો છે. જ્યારે નક્કી થયેલ પ્રમાણે પ્રતિ ક્લાસ 40 વિદ્યાર્થીઓનો છે."
હવે આ સમગ્ર મામલે દિલ્હી આપનાં નેતા આતિશીએ કહ્યું હતું કે દિલ્હી ખાતે ગુજરાત ભાજપના નેતાઓની મુલાકાત બાદ એક અઠવાડિયા બાદ દિલ્હી આપનું ડેલિગેશન પણ આતિશીના વડપણમાં ગુજરાતના વિકાસના હાલ ચકાસવા માટે ગુજરાતની મુલાકાત લેશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો