ઉદયપુર : પયગંબરનો હવાલો આપીને દરજીની હત્યા કરાઈ, વડા પ્રધાન મોદીને પણ ધમકી અપાઈ

    • લેેખક, મોહરસિંહ મીણા
    • પદ, જયપુરથી, બીબીસી માટે
  • મંગળવાર બપોરે ઉદયપુરના ધાનમંડી વિસ્તારમાં કનૈયાલાલ તેલી નામના દરજીની હત્યા કરવામાં આવી
  • કપડા સિવડાવવા આવેલા બે લોકોએ દુકાનની બહાર લાવીને તેમનું ગળું કાપી નાખ્યું.
  • હત્યારાઓએ હત્યાનો અને ત્યાર બાદ કબૂલાત કરતો વીડિયો બનાવ્યો
  • વીડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી
  • વીડિયો વાઇરલ થતા સમગ્ર રાજ્યમાં વિરોધ શરૂ કરાયો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

રાજસ્થાનના ઉદયપુરમાં બે લોકોએ એક દરજીની એની દુકાનમાં ઘૂસીને હત્યા કરી નાખી. બંનેએ હત્યાનો વીડિયો પણ બનાવ્યો હતો અને તેને ભાજપનાં બરતરફ કરાયેલાં પ્રવક્તા નૂપુર શર્માની પયગંબર મહમદ પર વિવાદિત ટિપ્પણીનો બદલો ગણાવ્યો.

પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. તેમની ઓળખ મોહમ્મદ રિયાઝ અનેગૌસ મોહમ્મદ તરીકે થઈ છે. એક વીડિયોમાં તેઓ કનૈયાલાલનું ધડ-માથું અલગ કરી દેવાની વાત સ્વીકારતા જોવા મળે છે. બન્નેએ આ વીડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ હત્યાની ધમકી આપી છે.

આ હત્યા બાદ ઉદયપુરમાં વિરોધપ્રદર્શન થઈ ગયાં છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની એક ટીમ મોકલી છે. આ મામલાની તપાસ આતંકવાદના ઍન્ગલથી પણ કરવામાં આવી રહી છે.

રાજસ્થાનના એડીજી હવાસિંહ ઘુમારિયાએ કહ્યું છે કે સ્થળ પર 600 પોલીસકર્મીઓ તહેનાત છે. રાજ્યભરમાં ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તમામ જિલ્લામાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે. ઉદયપુર જિલ્લાના સાત પોલીસ સ્ટેશનના હદવિસ્તારમાં કર્ફ્યુ લાગુ લાદી દેવામાં આવ્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈને રાજસમંદના પોલીસ અધિક્ષક સુધીર ચૌધરીએ જણાવ્યું છે કે બંને આરોપીઓ મોટરસાઇકલ લઈને ભાગી રહ્યા હતા. બન્નેએ મોઢું સંતાડવા હેલમેટ પહેરીને રાખ્યો હતો.

કોણ છે મૃતક?

મૃતકની ઓળખ કનૈયાલાલ તેલી તરીકે કરવામાં આવી છે. તેઓ ઉદયપુરના ધાનમંડી વિસ્તારમાં દરજીકામ કરતા હતા.

મંગળવારે બપોરે તેમની દુકાન પર કપડા સિવડાવવાના બહાને બે જણ પહોંચ્યા અને તેમને દુકાનની બહાર લાવીને તલવારથી તેમની ગરદન કાપી નાખી.

સ્થળ પર જ કનૈયાલાલનું મૃત્યુ થઈ ગયું. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

શાંતિ જાળવવા અપીલ

મુખ્ય મંત્રી અશોક ગેહલોતે સોશિયલ મીડિયામાં જાણકારી આપી, "ઉદયપુરમાં યુવકની હત્યાને મામલે બેઉ આરોપીઓની રાજસમંદથી ધરપકડ કરી લેવાઈ છે. આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓને અદાલતમાં કડકમાં કડક સજા અપાવવામાં આવશે. હું ફરીથી તમામને શાંતિ જાળવી રાખવા અપીલ કરું છું."

રાજસમંદ પોલીસ અધિક્ષક સુધીર ચૌધરીએ જણાવ્યું કે આરોપીઓ પકડાઇ ગયા છે. તેમને પકડવા માટે 10 ટીમ તહેનાત કરવામાં આવી હતી.

ઉદયપુરના કલેક્ટર તારાચંદ મીણા અને એસપી મનોજકુમાર સહિત ડઝનબંધ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે શાંતિ જાળવવા અપીલ કરી હતી.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે, હત્યા બાદ ઉદયપુરના કેટલાક વિસ્તારોમાં આગ ચાંપવાની ઘટના સામે આવી હતી અને વિરોધપ્રદર્શનો પણ થયાં હતાં.

વીડિયો વાઇરલ ન કરવા અપીલ

વીડિયોમાં બે લોકો પહેલાં તો કપડા સિવડાવવાના બહાને કનૈયાકુમારની દુકાનમાં આવ્યા હોવાનું દેખાય છે.

આ ઉપરાંત તેઓએ જાતે જ હત્યા કરી હોવાનું કબૂલતા નજરે પડે છે. આ સાથે તેમણે હત્યા કરવામાં વપરાયેલાં હથિયાર પણ બતાવ્યાં હતાં.

આ વીડિયોમાં તેઓ વડા પ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારતા પણ જોવા મળ્યા હતા.

રાજસ્થાનના પોલીસ મહાનિદેશક એમ. એલ. લાઠરે તમામ મીડિયા ચૅનલને આ બિભત્સ હત્યાકાંડનો વીડિયો ન બતાડવા અપીલ કરી છે.

અધિક પોલિસ મહાનિદેશક હવાસિંહ ઘુમરિયાએ પણ સામાન્ય લોકોને આ વીડિયો વાઇરલ ન કરવા અપીલ કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે વીડિયો વાઇરલ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રાજનૈતિક પ્રતિક્રિયાઓ

હત્યાની આ ઘટના બાદ વિપક્ષી દળો તરફથી પ્રતિક્રિયાઓ આવી રહી છે.

પૂર્વ મુખ્ય મંત્રી વસુંધરા રાજેએ ટ્વિટરના માધ્યમથી રજૂ કરેલા પોતાના નિવેદનમાં કહ્યું,"ઉદયપુરમાં એક નિર્દોષ યુવકની ધોળા દિવસે હત્યાથી સ્પષ્ટ થયું છે કે રાજ્ય સરકારની ચૂકના કારણે ગુનેગારો બેફામ છે અને રાજ્યમાં સાંપ્રદાયિક ઉન્માદ અને હિંસાની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ."

"ગુનેગારો એટલા બેફામ છે કે તેમણે વડા પ્રધાનજીને લઇને હિંસક નિવેદન આપી દીધું."

"ઘટનામાં સામેલ તમામ આરોપીઓની તાત્કાલિક ધોરણે ધરપકડ થાય અને કડક સજા મળે. આ ઘટના પાછળ જે લોકોનો હાથ હોય, તેમને પણ રાજ્ય સરકાર શોધે અને ધરપકડ કરે."

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉદયપુરમાં થયેલી હત્યા પર ટિપ્પણી કરતાં કહ્યું કે તેઓ આ વિશે જાણીને સ્તબ્ધ થઈ ગયા છે.

તેમણે પોતાના ટ્વિટર ઍકાઉન્ટ પર લખ્યું, "ઉદયપુરમાં થયેલી જઘન્ય હત્યાથી હું ઘણો સ્તબ્ધ છું. ધર્મના નામે બર્બરતા સહન ન કરી શકાય."

"આ હેવાનિયતથી આતંક ફેલવનારાઓને તાત્કાલિક સખત સજા મળવી જોઇએ. આપણે સાથે મળીને નફરતને હરાવવાની છે. મારી તમામ લોકોને અપીલ છે કે શાંતિ અને ભાઈચારો જાળવીને રાખો."

એઆઈમીમ પાર્ટીના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, "આ ક્રૂર હત્યાની ઘટના નિંદનીય છે. આવી હત્યાનો કોઈ બચાવ ન કરી શકે. અમારી પાર્ટીનું સ્ટેન્ડ એ જ છે કે કોઈને પણ કાયદો પોતાના હાથોમાં લેવાનો હક નથી. અમે હંમેશાં હિંસાનો વિરોધ કર્યો છે."

તેમણે વધુમાં કહ્યું, "અમારી સરકાર પાસે માગ છે કે તેઓ આરોપીઓ વિરુદ્ધ સખત પગલાં લે."

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ આ મામલે ટિપ્પણી કરી છે.

તેમણે લખ્યું છે કે આ સ્પષ્ટપણે એક હત્યા છે જેની સભ્ય સમાજમાં કોઈ જગ્યા નથી. પ્રશાસને આ મામલાની તપાસ કરીને જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.

આ સાથે જ પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે કહ્યું, "તમે જે પણ ધર્મને માનતા હોવ, એક નિર્દોષ વ્ચક્તિને નુકસાન પહોંચાડવું એ સમગ્ર માનવતાને નુકસાન પહોંચાડવા જેવું છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો