રશિયા ખરેખર ડિફૉલ્ટર બની જશે? ભારત કેવી રીતે મદદ કરી રહ્યું છે?

  • બોલ્શેવિક ક્રાંતિ બાદ રશિયા પ્રથમ વખત વિદેશ ધિરાણ ચૂકવવામાં સક્ષમ ન હોવાને કારણે ડિફૉલ્ટર થવાના આરે છે
  • રશિયાએ 27 મેના 10 કરોડ ડૉલર ચૂકવવાના હતા પરંતુ રશિયાને મળેલો અતિરિક્ત સમય પણ રવિવારના ખતમ થઈ ગયો હતો.
  • રશિયાએ ડિફૉલ્ટ થવાની ઔપચારિક જાહેરાત બૉન્ડ હોલ્ડર તરફથી થશે
  • રશિયાનું કહેવું કે રકમ યૂરોક્લિયરને ટ્રાન્સફર કરવામાં આવી હતી, પૈસાને સ્ટેકહોલ્ડર પાસે પહોંચવાથી રોકવામાં આવ્યા એટલે ચૂકવણી નથી થઈ
  • રશિયાએ ડિફૉલ્ટ થવાની વાતને ફગાવી છે
  • રશિયાનું ચાલુ ખાતું સરપ્લસમાં છે. ઊર્જા નિકાસથી આવક વધી છે જેનું પરિણામ એ થયું કે રશિયાની કરન્સી રૂબલ છેલ્લાં સાત વર્ષમાં સૌથી વધારે મજબૂત થઈ છે

બોલ્શેવિક ક્રાંતિ બાદ રશિયા પ્રથમ વખત વિદેશ ધિરાણ ચૂકવવામાં સક્ષમ ન હોવાને કારણે ડિફૉલ્ટર થવાના આરે છે.

આવું યુક્રેન પર હુમલાના કારણે રશિયાના વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાથી અલગ થવા અને તેના પર લાદેલા કેટલાક પ્રતિબંધોને કારણે થયું છે.

રશિયાએ 27 મેના 10 કરોડ ડૉલર ચૂકવવાના હતા પરંતુ રશિયા આવું ન કરી શક્યું. ત્યાર બાદ 30 દિવસનો સમય વધુ આપવામાં આવ્યો પરંતુ રશિયા આ તારીખે પણ ચૂકવી શકે તેમ ન હતું. રશિયાને મળેલો અતિરિક્ત સમય પણ રવિવારના ખતમ થઈ ગયો હતો.

રશિયાએ ડિફૉલ્ટ થવાની ઔપચારિક જાહેરાત બૉન્ડ હોલ્ડર તરફથી થશે કારણ કે ધિરાણ લેનાર ડિફૉલ્ટ થવાની સામાન્ય રીતે રેટિંગ્સ એજન્સીઓ જાહેરાત કરે છે.

ક્રેડિટ ડેરિવેટિવ્સ ડિટરમિનેશન્સ કમિટી રોકાણકારોની પૅનલ છે જે અત્યાર સુધી કોઈ નિર્ણય નથી કરી શકી. સોમવારના રશિયાના નાણામંત્રાલયે કહ્યું હતું કે મે મહિનામાં ચૂકવણી કરવામાં આવી હતી.

રશિયાનું કહેવું કે રકમ યૂરોક્લિયરને ટ્રાન્સફર કરવામાં આવી હતી. રશિયાનું કહેવું છે કે પૈસાને સ્ટેકહોલ્ડર પાસે પહોંચવાથી રોકવામાં આવ્યા એટલે ચૂકવણી નથી થઈ. યૂરોક્લિયર બેલ્જિયમની એક નાણાકીય સર્વિસ કંપની છે.

રશિયાનો ઇન્કાર

રશિયાએ ડિફૉલ્ટ થવાની વાતને ફગાવી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીનના પ્રવક્તા દમિત્રી એસ પેસ્કોવે સોમવારના પત્રકારોને કહ્યું હતું કે ડિફૉલ્ટ થવાનું નિવેદન તદ્દન અયોગ્ય છે.

પેસ્કોવે કહ્યું કે સત્ય એ છે કે, "યૂરોક્લિયરે પૈસાને રોકી દીધા છે અને જેને મળવા જોઈએ તેની પાસે પહોંચ્યા નથી. બીજા શબ્દોમાં કહું તો અમને ડિફૉલ્ટર કહેવાનો કોઈ અર્થ નથી."

રશિયાના નાણામંત્રાલયે કહ્યું છે કે "વિદેશી નાણાકીય સંસ્થાનોના કામ પર તેમનું કોઈ નિયંત્રણ નથી."

રશિયાના નાણામંત્રાલયે કહ્યું કે રોકાણકારોએ તે નાણાકીય કંપની સાથે સંપર્ક કરવો જોઈએ. ન્યૂ યૉર્ક ટાઇમ્સ અનુસાર, યૂરોક્લિયરે આ બાબતમાં ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે.

ભારતના જાણીતા સ્ટ્રૅટિજિક બાબતોના નિષ્ણાત બ્રહ્મા ચેલાનીએ ટ્વીટ કરીને કહ્યું, "રશિયા નાણાકીય રૂપથી હજી પણ મજબૂત છે. હવે બાઇડને બૉન્ડહોલ્ડરને થનારી ચૂકવણીને બ્લૉક કરીને ડિફૉલ્ટ થવા પર મજબૂર કર્યા છે. બાઇડન હવે આને હથિયાર બનાવી રહ્યા છે બાઇડનને લાગી રહ્યું છે કે પ્રતિબંધોથી વધારે કારગત જબરદસ્તી ડિફૉલ્ટર બનાવવું રહેશે."

યુનિવર્સિટી ઑફ જ્યૉર્જિયાના ટેરી કૉલેજ ઑફ બિઝનેસમાં કાયદાના પ્રોફેસર અને સૉવરન ડેબ્ટ ઑફ જ્યૉર્જિયાના નિષ્ણાત સૅમ્પલ્સે ન્યૂ યૉર્ક ટાઇમ્સને કહ્યું, "અમે આશા કરી શકીએ છીએ કે રશિયા પોતાના વૈકલ્પિક નૅરેટિવ પર અડગ રહેશે. રશિયાએ અત્યારે આ મામલે વિદેશી કોર્ટમાં ફરિયાદ કરી નથી.''

રશિયાએ ફેબ્રુઆરીમાં જ્યારે યુક્રેન પર હુમલો કર્યો હતો અને પશ્ચિમી દેશોએ ચારે તરફ પ્રતિબંધ લાદ્યા હતા ત્યારે ડિફૉલ્ટ થવાનો ખતરો વધારે હતો. રશિયાને અમેરિકાની બૅન્કો સુધી પહોંચતું અટકાવવામાં આવ્યું હતું.

અમેરિકન સરકારના એક અધિકારીએ રશિયાને ડિફૉલ્ટ થવાની વાતને કડક પ્રતિબંધો સાથે જોડી છે.

જર્મનીમાં જી-7ની બેઠકથી અલગ રિપોર્ટરોને તે અધિકારીએ કહ્યું હતું કે રશિયાના અર્થતંત્ર પર નાટકીય અસર પડશે.

આ ડિફૉલ્ટને અસામાન્ય માનવામાં આવી રહ્યું છે કારણ કે આ આર્થિક પ્રતિબંધ અને ટ્રાન્સઝૅક્શનને બ્લૉક કરવાથી થયું છે, રશિયાની સરકાર પાસે પૈસા નથી તેના કારણે નહીં.

મહિનાઓથી યુદ્ધ પછી રશિયાની નાણાકીય સ્થિતિ બદતર નથી થઈ.

રશિયા પાસે 600 અબજ ડૉલર ફૉરેક્સ અને ગોલ્ડ રિઝર્વ છે. જોકે આમાંથી અડધાથી વધારે વિદેશોમાં રોકીને રાખેલા છે. રશિયા તેલ અને ગૅસ વેંચીને અત્યારે પણ રોકડા મેળવી રહ્યું છે.

આ ઉપરાંત ડિફૉલ્ટ થવું કોઈ પણ દેશની પ્રતિષ્ઠા પર ડાઘની જેમ જોવાય છે. આનાથી રોકાણકારો પર અસર પડે છે અને નવા કરજ પર પણ નકારાત્મક પ્રભાવ દેખાય છે.

એ દેશો જે ડિફૉલ્ટર થયા

હાલના સમયમાં ગ્રીસ અને આર્જેન્ટીના ડિફૉલ્ટર થયા છે પરંતુ રશિયાના આ ડિફૉલ્ટની આંતરરાષ્ટ્રીય બજાર પર કંઈ ખાસ અસર નહીં પડે. આનું કારણ એ પણ છે કે રશિયાની આંતરરાષ્ટ્રીય રોકાણકારો સુધીની પહોંચ પહેલાં જ મર્યાદિત થઈ ગઈ છે અને આ નાદાર થવાથી વધારે ખતરનાક છે.

રશિયાની કેન્દ્રીય બૅન્કના ગવર્નર એલવિરા નબિઉલિનાએ આ મહિને કહ્યું હતું કે, "ડિફૉલ્ડ થવાનો કોઈ તાત્કાલિક પ્રભાવ નહીં પડે કારણ કે રશિયા પર કેટલાંક સ્તરે અગાઉથી પ્રતિબંધ લાદેલા હતા." કેન્દ્રીય બૅન્કોને અત્યારે મોંઘવારીની ચિંતા વધારે છે. રશિયમાં અત્યારે મોંઘવારીનો દર 17 ટકા છે.

બુધવારના રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક આદેશ પર હસ્તાક્ષર કર્યા છે કે ભવિષ્યમાં ડૉલર અને યુરોમાં વિદેશ કરજની ચૂકવણી રશિયન નાણાકીય સંસ્થાઓ મારફતે થશે. હવે આ વાત પર પણ વિચાર કરવામાં આવશે કે શું આ કરજની ચૂકવણી રશિયન કરન્સી રૂબલમાં કરી શકાય છે. પરંતુ મોટા ભાગના બૉન્ડ કૉન્ટ્રૅક્ટ્સની ચૂકવણી રૂબલમાં શક્ય નહીં હોય.

રશિયા પર કેટલું કરજ અને ભારત કેવી રીતે મદદ કરી રહ્યું છે?

ન્યૂ યૉર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, ગત વર્ષના અંત સુધી રશિયાના 40 અબજ ડૉલરના વિદેશી કરજમાં વિદેશ રોકાણકારોનો લગભગ અડધો ભાગ હતો. એવામાં કહેવામાં આવી રહ્યું છે કે રશિયા પર ભવિષ્યમાં ડિફૉલ્ટ થવાનો ખતરો ઓછો નથી થયો.

આંતરરાષ્ટ્રીય માનકોના હિસાબથી જોઈએ તો રશિયા પર બહુ વધારે કરજ નથી. આઈએમએફ અનુસાર ગત વર્ષે રશિયાનો સરકારી કરજ તેના જીડીપીનો માત્ર 17 ટકા હતો. એવામાં અમુક દેશો એવા પણ છે જેમના પરનો કરજ તેમના જીડીપીનો 25 ટકા જેટલો છે.

અમેરિકા જેની સંપત્તિઓની માગ વિશ્વના રોકાણકારોમાં રહે છે અને ઓછી જોખમી માનવામાં આવે છે તેના પરનો કરજ તેની જીડીપીનો 125 ટકા છે.

યુક્રેન પર હુમલાને કારણે રશિયામાં જે આર્થિક તબાહીની આશંકા હતા એવું થતું દેખાઈ નથી રહ્યું.

રશિયાનું ચાલુ ખાતું સરપ્લસમાં છે. ઊર્જાનિકાસથી આવક વધી છે જેનું પરિણામ એ થયું કે રશિયાની કરન્સી રૂબલ છેલ્લાં સાત વર્ષમાં સૌથી વધારે મજબૂત થઈ છે.

રશિયા પ્રતિબંધોની અસરને પહોંચી વડવા સક્ષમ છે. ચીન અને ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યાં છે અને તેની આર્થિક મદદ પણ કરી રહ્યાં છે. રશિયા બંને દેશોને સસ્તું તેલ વેચી રહ્યું છે.

ચીન રાષ્ટ્રીય સુરક્ષાને જોતાં પોતાની તેલ આપૂર્તિનો વ્યાપ વધારી રહ્યું છે જ્યારે ભારત રશિયાના તેલને રિફાઇન કરીને વેચી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને ચીનને કારણે રશિયાને વિખૂટું પાડવાની રણનીતિ કારગત નથી સાબિત થઈ.

યુક્રેન પર હુમલાને ચાર મહિના થઈ ગયા છે અને રશિયન તેલના નિકાસ પર વધુ અસર પડી નથી.

મે મહિનામાં ભારત અને ચીને દરરોજ રશિયા પાસેથી 24 લાખ બૅરલ તેલ ખરીદ્યું છે. આ રશિયાના નિકાસનું 50 ટકા છે. ચીન અને ભારતને રશિયા આંતરરાષ્ટ્રીય બજારની કિંમતમાં 30 ટકાની છૂટ આપી રહ્યું છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો