You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા યુક્રેન સંઘર્ષ: પુતિન યુદ્ધ જીતી રહ્યા છે કે હારી રહ્યા છે?
રશિયાએ નવમી મેના દિવસે વિક્ટ્રી ડે ઉજવે છે. આ વર્ષે વિજય દિવસની પરેડના અવસરે પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનમાં પોતાની સફળતાની વાતો કરશે એવું ધારવામાં આવી રહ્યું હતું.
રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનમાં વિજયની જાહેરાત કરી શકે તેમ તો નહોતા પરંતુ તેમણે યુક્રેન પર રશિયાએ કરેલા હુમલાનો બચાવ જરૂર કર્યો.
રશિયાની રાજધાની મૉસ્કોમાં રેડ સ્ક્વેર ખાતે વિજયદિવસના ભાષણમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે યુક્રેનમાં વિશેષ સૈન્ય કાર્યવાહીની જરૂર હતી.
તેમણે કહ્યું કે રશિયાએ આ નિર્ણય યોગ્ય સમય પર કર્યો હતો. પુતિને આ નિર્ણયને એક સ્વતંત્ર, મજબૂત અને સંપ્રભુ રાષ્ટ્ર માટે યોગ્ય નિર્ણય ગણાવ્યો છે.
ત્યારે રશિયાએ યુક્રેનમાં હુમલો કરીને અત્યાર સુધીમાં શું મેળવ્યું? શું આ હુમલો રશિયાની ભૂલ છે કે ભવિષ્યમાં સફળતાની શું શક્યતાઓ છે ? વાંચો સંરક્ષણ વિશ્લેષક માઇકલ ક્લાર્કનું વિશ્લેષણ
2008 પછી દુનિયાભરમાં પુતિનને જ્યાં પણ સૈન્ય સફળતા મળી છે, તે તમામ વિશેષ સૈન્યદળની નાની ટુકડીઓ, સ્થાનિક વિદ્રોહીઓ, ભાડુતી લડવૈયાઓ અને રશિયાની વાયુસેનાની તાકાતના દમ પર મળી છે.
આ સફળતાના દમ પર રશિયાએ ઓછા ખર્ચમાં વધારે લીડ મેળવી લીધી.
રશિયાએ જ્યૉર્જિયા, નાગોર્નો-કારાબાખ, સીરિયા, લિબિયા, માલી અને યુક્રેનમાં બે વખત દખલગીરી કરી હોવાનું ઉદ્દાહરણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2014માં રશિયાએ સૌથી પહેલાં ગેરકાયદેસર રીતે ક્રિમિયાને પડાવી લીધું અને પછી તેના પૂર્વમાં આવેલા લુહાંસ્ક અને દોનોત્સકને સ્વઘોષિત રશિયા સમર્થિત રાજ્યો બનાવી દીધાં.
દરેક બાબતમાં રશિયાએ ખૂબ જ ઝડપથી અને આક્રમકતાથી કામ લીધું અને પશ્ચિમી દેશો પાસે પરેશાન થવા સિવાય કાંઈ ના કરી શક્યા. પછી તેમણે ધીમે-ધીમે રશિયા પર પ્રતિબંધો મૂક્યા પરંતુ વાસ્તવિકતામાં કોઈ પરિવર્તન આવ્યું નહીં.
પુતિન 'જમીન પર નવા તથ્યોનું નિર્માણ' કરવામાં વ્યસ્ત જોવા મળ્યા.
આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમણે ખૂબ જ મોટા પ્રમાણમાં યુક્રેનમાં આનું પુનરાવર્તન કરવાનો પ્રયત્ન કર્યો. તે સાડા ચાર કરોડની વસતીવાળા દેશ અને યુરોપના બીજા સૌથી મોટા ભૂભાગ પર 72 કલાકની અંદર કબજો કરવા માગતા હતા.
આ એક પરેશાન કરનારો અને બેજવાબદાર દાવો હતો જે તેના પહેલાં અઠવાડિયામાં જ નિષ્ફળ રહ્યો હતો.
પુતિન પાસે બહુ ઓછા વિકલ્પ છે
પુતિન પાસે હવે માત્ર આગળ વધવા સિવાય બહુ ઓછા વિકલ્પ છે અને તે માત્ર યુક્રેનમાં આગળ નહીં વધે પરંતુ તેની સરહદની બહાર પણ નીકળી શકે છે.
હાલની સ્થિતિમાં સંકટ વધારે વિકટ થઈ શકે છે અને યુરોપ હાલ ઇતિહાસના સૌથી ખતરનાક વળાંક પર ઊભું છે.
રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કી અથવા દુનિયા પ્રતિક્રિયા આપે તે પહેલાં જ યુક્રેનની સત્તા પર કબજો કરવાની પહેલી યોજના નિષ્ફળ જતાં રશિયાએ પ્લાન બી લાગુ કર્યો.
આ યોજના હેઠળ સૈન્યએ આગેકૂચ કરીને રાજધાની કિએવની ઘેરાબંધી કરી લીધી.
યુક્રેનનાં બીજાં શહેરો ચેર્નિહિવ, ખાર્કિએવ, સૂમી, દોનેત્સક, મારિયોપોલ અને માઇલોલેવમાં ઘૂસી ગયા. જેથી યુક્રેનના સૈન્યના વિરોધને ખતમ કરી શકાય અને રાજધાની કિએવ તૂટી પડે અને બર્બાદ થવાનો ખતરો મંડરાતો રહે પરંતુ રશિયાનો પ્લાન બી નિષ્ફળ ગયો.
ખેર્સોન યુક્રેનનું એકમાત્ર મોટું શહેર છે જે સંપૂર્ણ રીતે રશિયાના નિયંત્રણમાં છે અને અહીં પણ રશિયાના વહીવટીતંત્રનો વિરોધ થઈ રહ્યો છે.
સત્ય એ છે કે આટલા મોટા દેશ પર નિયંત્રણ કરવા માટે રશિયાના સૈન્યની સંખ્યા ઓછી હતી. અનેક કારણોથી રશિયાના સૈન્યનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું.
પહેલાં તો સૈન્યનું નેતૃત્વ ખરાબ રહ્યું અને બીજું સૈન્ય ચાર મોરચા પર વહેચાઈ ગયું.
કિએવથી લઈને માઇકોલેવ સુધી કોઈ એક કમાન્ડર ન હતો. તેમની લડાઈ પ્રશિક્ષિત અને પ્રતિબદ્ધ યુક્રેનના સૈન્ય સામે હતી, જેમણે જોરદાર તાકાતથી લડત આપી.
આ 'ડાયનૅમિક ડિફેન્સ'નું એક શાનદાર ઉદાહરણ છે.
યુક્રેનનું સૈન્ય એક મોરચો સંભાળી રહ્યું ન હતું પરંતુ જ્યાં દુશ્મનને વધારે નુકસાન થાય તેવી જગ્યા પર હુમલો કરી રહ્યું હતું.
નિરાશ અને મૂંઝવણમાં ફસાયેલું રશિયા હવે પ્લાન સી પર ચાલી રહ્યું છે, જે પછી કિએવ અને ઉત્તર યુક્રેનને તેણે છોડી દીધું છે.
રશિયાનો પ્લાન સી શું છે?
રશિયા સૈન્યની સંપૂર્ણ તાકાત દક્ષિણ યુક્રેન અને ડોનબાસ વિસ્તારમાં લગાવી રહ્યું છે. ત્યાં મોટી સૈન્ય કાર્યવાહી પર ધ્યાન આપી રહ્યું છે.
સંભવ છે કે આ હુમલો દક્ષિણ પૂર્વમાં ઓડેસા સુધી ચાલશે જેથી યુક્રેનને લૅન્ડલૉક કરી શકે એટલે કે તેનો દરિયાઈ રસ્તો બંધ કરી શકાય.
અમે રશિયન સૈન્યનું આવું જ અભિયાન હાલ પૂર્વમાં ઈઝિયમ, પોપાસેન, કુરુલ્કા અને બ્રાઝકિવ્કામાં જોઈ રહ્યા છીએ.
રશિયાનું સૈન્ય યુક્રેનના જૉઇન્ટ ફૉર્સ ઑપરેશન(જેએફઓ)ને ઘેરવામાં લાગ્યું છે. આ અભિયાનમાં યુક્રેનનું અંદાજે 40 ટકા સૈન્ય લાગ્યું છે જે યુક્રેનથી અલગ થયેલા લુહાન્સક અને દોનેત્સ્ક વિસ્તારમાં વર્ષ 2014થી લડી રહ્યું છે.
હાલના સમયમાં રશિયાનું મુખ્ય લક્ષ્ય સ્લોખ્યાંસ્ક અને તેનાથી થોડું આગળ ક્રામતોર્સ્ક સુધી કબજો કરવાનું છે.
સમગ્ર ડોનબાસ વિસ્તાર પર નિયંત્રણ માટે આ બંને શહેરો વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનાં છે.
યુદ્ધ હવે અલગ સૈન્ય તબક્કામાં આવી ગયું છે - સારા હવામાનમાં વધારે ખુલ્લા વિસ્તારમાં સંઘર્ષ, જેમાં ટૅન્ક, મેકેનાઇઝ્ડ ઇન્ફેન્ટ્રી અને આ બધાથી ઉપર હથિયારબંધ સેનાઓ સામસામે આવીને લડે એ પહેલાં દુશ્મનને તબાહ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલા તોપખાનો ઉપયોગ થશે.
પરંતુ આ પ્રક્રિયા કંઈ સરળ નથી.
રશિયાનું આક્રમણકારી સૈન્ય શરૂઆતમાં જ મૂંઝવણમાં મૂકાઈ ગયું અને યુક્રેનની જેએફઓએ રશિયાના સૈન્યને એ વિસ્તારોમાં પહોંચવાથી રોકી દીધું, જ્યાં હાલ પહોંચવાની કલ્પના રશિયાના કમાન્ડરોએ કરી હશે.
આના કારણે યુક્રેનને પોતાના માટે ઘણો સમય મળી ગયો. ભારે સૈન્ય સામાનની હેરફેર થઈ રહી છે, દરેક પક્ષ એમ ઇચ્છે છે કે મોરચા પર સામસામે આવે તે પહેલાં તે મોટા પ્રમાણમાં સૈન્ય હથિયારોને મેદાનમાં લઈ આવે. આપણે આ દિશામાં આગામી કેટલાક અઠવાડિયામાં ઘણું બધું થતું જોઈશું.
જોકે ડોનબાસમાં જે થશે તેનાથી પુતિનની પાસે માત્ર અલગ-અલગ પ્રકારની હારના જ વિકલ્પ હશે.
પુતિન પાસે હવે શું વિકલ્પ રહેશે?
જો યુદ્ધ ઠંડી સુધી ખેંચાશે અને ગતિરોધ ચાલુ રહેશે તો તેમની પાસે આટલા મોટા નુકસાન અને વિનાશના બદલામાં દેખાડવા માટે કંઈ નહીં હોય.
જો સૈન્ય પરિસ્થિતિ બદલાય છે અને પુતિનના સૈન્યને પીછેહઠ કરવી પડે છે, તો તેમની સામે વધારે મુશ્કેલ સ્થિતિ રહેશે.
જો રશિયાનું સૈન્ય આખા ડોનબાસ વિસ્તાર પર કબજો કરવામાં સફળ થઈ જશે તો આ કબજાને અનિશ્ચિતકાળ સુધી ટકાવી રાખવો સરળ નહીં હોય.
એ પણ જ્યારે દસ લાખથી પણ વધુ યુક્રેનવાસીઓ તેમની હાજરીને ઇચ્છતા નહીં હોય.
રશિયાની કોઈપણ મોટી સૈન્ય સફળતા ખુલ્લાં અને મોટા વિદ્રોહને જન્મ આપશે અને જેમ-જેમ રશિયા યુક્રેનનાં શહેરો પર કબજો કરતું જશે, આ વિદ્રોહ વધતો જશે.
પુતિને ફેબ્રુઆરીમાં પોતાના પ્લાનને સફળ બનાવવામાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી.
એ યોજના નિષ્ફળ જવાનો અર્થ એમ થાય છે કે રશિયાનો પ્લાન બી અથવા સી કે આગળ કોઈ બીજા પ્લાનમાં પણ રશિયાને સંપૂર્ણ તાકાત લગાડવી પડશે.
એક મોટા દેશનો કોઈ ભાગ અથવા આખા વિસ્તારને દબાવવા માટે જરૂરી પણ હશે.
પશ્ચિમના દેશો યુક્રેનને હથિયાર આપતા રહેશે અને રશિયા પર લગાવેલા આકરા પ્રતિબંધ જલદી નહીં હઠાવે.
એક વખત જ્યારે યુરોપની રશિયા પરની ઊર્જા નિર્ભરતા બહુ ઓછી થઈ જશે ત્યારે રશિયાની પાસે યુરોપ માટે ઘણું નહીં હોય અને અમેરિકા તથા યુરોપ રશિયાને વધુ નબળું કરતા પ્રતિબંધો ચાલુ રાખશે.
આની તેમની પોતાની અર્થવ્યવસ્થા પર સિમિત અસર પડશે.
રાષ્ટ્રપતિ પુતિન પાસે હવે પાછા હઠવાનો કોઈ રસ્તો નથી અને તેમને યુદ્ધ અપરાધના કેસનો સામનો પણ કરવો પડી શકે છે.
તેમની એકમાત્ર રાજકીય વ્યૂહરચના યુક્રેન યુદ્ધને અલગ રીતે રજૂ કરવાની હોઈ શકે છે - જેમ કે રશિયાને અપમાનિત કરવાની તક શોધતા કહેવાતા 'નાઝીઓ' અને 'પશ્ચિમી સામ્રાજ્યવાદીઓ' સામે રશિયાના અસ્તિત્વ માટેનું યુદ્ધ ગણાવી શકે છે.
એટલે જ રશિયા સમગ્ર યુરોપ સામે વિનાશક 'મહાન યુદ્ધ 2.0'ના ખતરાનો સામનો કરી રહ્યું છે તેવો ખતરનાક વિચાર રજૂ કરવો પુતિનના હિતમાં છે.
રાષ્ટ્રપતિ પુતિન દાવો કરી શકે છે કે તેઓ તેમના દેશને લાંબી અંધારી ગુફામાંથી પ્રકાશ તરફ લઈ જઈ રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો