You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા-યુક્રેન સંઘર્ષ : રશિયાએ બૂચામાં નરસંહાર કર્યો હતો?
- લેેખક, જ્યોર્જ રાઇટ
- પદ, બીબીસી ન્યૂઝ
રાજધાની કિએવની નજીક બૂચામાં નાગરિકો માર્યા ગયા, તેના કારણે રશિયા પર યુદ્ધગુનાઓ આચરવાના આક્ષેપોનો મારો ચાલ્યો - કેટલાકે માત્ર હત્યાના આરોપોથી આગળ વધીને ગંભીર આક્ષેપો કર્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ બૂચાની મુલાકાત લઈને કહ્યું હતું કે "અહીં તમે આ જે જુઓ છે તે ખરેખર જિનોસાઇડ (નરસંહાર) છે."
પોલૅન્ડના વડા પ્રધાન મેટ્યુઝ મોરાવિએક્સીએ પણ સહમત થતાં જણાવ્યું કે બૂચામાં અને નજીકનાં અન્ય શહેરોમાં થયેલી હત્યાઓને "નરસંહાર ગણવો જોઈએ અને એ રીતે તેની સામે કાર્યવાહી થવી જોઈએ".
અને યુકેના વડા પ્રધાન બોરિસ જૉન્સને પણ કહ્યું કે બૂચાના નાગરિકો પરનું આક્રમણ "નરસંહારથી ઓછું હોય તેવું લાગતું નથી".
જોકે અમેરિકા અને નાટોએ યુક્રેનમાં થઈ રહેલા આક્રમણ માટે હજી જાતિનિકંદન કે નરસંહાર જેવો શબ્દો વાપરવાનું પસંદ કર્યું નથી.
જિનોસાઇટ અથવા નરસંહાર એટલે શું?
માનવતા સામે સૌથી ગંભીર પ્રકારના ગુનાને જિનોસાઇડ કહેવાય છે, ગુજરાતીમાં તેને જાતિનિકંદન કે નરસંહાર કહી શકાય.
અમુક ચોક્કસ જૂથના લોકોનો સામૂહિક સંહાર કરવામાં આવે ત્યારે તેને જાતિનિકંદન કહેવામાં આવે છે. દાખલા તરીકે બીજા વિશ્વયુદ્ધ વખતે 60 યહૂદીઓની હત્યા કરી દેવાઈ હતી, તેને હૉલોકોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘની વ્યાખ્યા અનુસાર નીચેના મુદ્દાઓ અનુસાર "કોઈ રાષ્ટ્રીય, વંશીય, જાતીય કે ધાર્મિક જૂથને સંપૂર્ણપણે કે આંશિક રીતે નાબુદ કરી દેવાનો" પ્રયાસ થાય તેને જિનોસાઇડ કહેવાય છે:
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
- કોઈ જૂથના સભ્યોની હત્યા કરવી.
- જૂથના સભ્યોને ગંભીર શારીરિક કે માનસિક હાનિ કરવી.
- સમગ્ર રીતે કે આંશિક રીતે નાશ પામી જાય, તેવી સ્થિતિમાં ઇરાદાપૂર્વક કોઈ જૂથના લોકોને મૂકી દેવા.
- કોઈ જૂથમાં નવા જન્મ થતા અટકી પડે તેમ કરવું.
- જૂથનાં બાળકોને બળજબરીથી અન્ય જૂથોમાં મૂકી દેવા.
શું રશિયાએ યુક્રેનમાં નરસંહાર કર્યો છે?
આ વિશે એકમતી નથી.
જ્હૉન હોપકિન્સ યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રોફેસર યુજીન ફિન્કેલ માને છે કે યુક્રેનમાં અત્યારે નરસંહાર ચાલી રહ્યો છે. તેઓ કહે છે કે બૂચા અને અન્યત્ર હત્યાઓ કરવામાં આવી છે, તેના પુરાવા દર્શાવે છે કે યુક્રેનિયન તરીકેની ઓળખ ધરાવતા લોકોનો નાશ કરવામાં આવી રહ્યો છે.
તેઓ કહે છે, "આ માત્ર લોકોની હત્યા નથી, પણ અમુક રાષ્ટ્રીય ઓળખ ધરાવતા જૂથને નિશાન બનાવવામાં આવી રહ્યું છે."
ફિન્કેલ કહે છે કે મોસ્કોમાંથી જે પ્રકારની વાતો થઈ રહી છે તે પણ જાતિનિકંદનનો ઇરાદો હોવાનું દર્શાવે છે.
સરકારી રિયા ન્યૂઝ એજન્સીના એક લેખ તરફ તેઓ ધ્યાન દોરે છે, જેનું શીર્ષક છે "યુક્રેનમાં રશિયાએ શું કરવું જોઈએ?"
આ લેખમાં લેખક ટીમોફેઈ સર્ગેયેત્સવે જણાવાયું છે કે યુક્રેન "એક રાષ્ટ્ર તરીકે સંભવી શકે નહીં" અને તેનું "નામ પણ યથાવત્ રાખી શકાય નહીં"; યુક્રેનના રાષ્ટ્રવાદી ભદ્ર વર્ગને "નવેસરથી શિક્ષિત કરવા શક્ય નથી, એટલે તેમને નકામા જ કરી દેવા પડે."
યુક્રેન એક નાઝી દેશ છે, એવી આધારવિહોણી થિયરીના આધારે તેઓ દલીલ કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે તેની મોટી વસતિ છદ્મ નાઝીઓ છે એટલે તેને પણ ગુનેગાર ગણવી જોઈએ.
રશિયાના વિજય પછી આ બધા લોકોને નવેસરથી સાચી વાત ભણાવવી પડશે, કમસે કમ એક નવી પેઢીને નવું શિક્ષણ આપવું પડશે અને તે માટે "અનિવાર્યપણે યુક્રેનપણાને નાબૂદ કરવું પડશે".
પ્રોફેસર ફિન્કેલ કહે છે કે, "હાલના અઠવાડિયાંમાં રશિયામાંથી, ખાસ કરીને ભદ્ર વર્ગમાંથી જે વાતો આવી રહી છે તેના પરથી મને લાગે છે કે ઇરાદા સ્પષ્ટ થઈ ગયા છે કે માત્ર રાષ્ટ્રનો નાશ કરવો એટલું નહીં, પણ સમગ્ર ઓળખને નાબૂદ કરી દેવી."
"ઇરાદો યુક્રેનપણાને ખતમ કરી દેવાનો છે. તે લોકો દેશને જીતવાની વાત નથી કરી રહ્યા, યુક્રેનિયન લોકો પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે."
જિનોસાઇટ વૉચના વડા ગ્રૅગરી સ્ટેન્ટન કહે છે કે એવો પુરાવો છે કે "રશિયાની સેના હકીકતમાં યુક્રેનના રાષ્ટ્રવાદી ગ્રૂપને અમુક અંશે નાબુદ કરી દેવા માગે છે".
"તેથી જ તેઓ નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. તેઓ માત્ર લડાયકો કે સેનાને ટાર્ગેટ નથી કરી રહ્યા."
તેમના કહેવા અનુસાર રાષ્ટ્રપતિ પુતિને હુમલા પહેલાં એવું કહ્યું હતું કે યુક્રેનના પૂર્વમાં આઠ વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું તે નિકંદન કાઢી નાખનારું હતું, તે કેટલાક વિદ્વાનો અનુસાર 'અરિસો બતાવી આપનારી' વાત છે.
"ઘણી વાર એવું થતું હોય છે કે જિનોસાઇટ કરનારા સામા પક્ષ પર જ જિનોસાઇડનો આરોપ મૂકતા હોય છે. આ કિસ્સામાં પણ એવું જ થઈ રહ્યું છે."
'પુરાવા એટલા નક્કર નથી'
જોકે અન્ય જાણકારો કહે છે કે રશિયાએ ફેલાવેલા ત્રાસને હજી સુધી જિનોસાઇડ કહેવો વહેલો ગણાશે.
કિંગ્ઝ કૉલેજ લંડનના ઇન્ટરનેશનલ નીતિના લેક્ચરર જોનાથન લીડર મેનાર્ડના જણાવ્યા અનુસાર જિનોસાઇડ કન્વેશન્સ પ્રમાણે ચૂસ્ત રીતે જોઈએ, તો હજી સુધી પૂરતા પુરાવા મળ્યા નથી.
જોકે તેનો અર્થ એ નથી કે જાતિનિકંદનના પ્રયાસો નથી ચાલી રહ્યા. તેઓ કહે છે કે એ સ્પષ્ટ છે કે અત્યાચાર થઈ રહ્યો છે, પણ હજી સુધી જિનોસાઇડ કહેવાની સ્થિતિ આવી નથી.
તેઓ કહે છે કે, "એવું બની શકે કે કેટલીક જગ્યાએ થયેલો અત્યાચાર જિનોસાઇડ હોય અથવા ભવિષ્યમાં તેમાં વધારો થાય અને જિનોસાઇડમાં ફેરવાઈ જાય, પણ અત્યાર સુધી હજી નક્કર પુરાવા મળ્યા નથી".
જોકે રશિયાના રાષ્ટ્રપતિ જે રીતે વાત કરી રહ્યા છે, તેના વિશે તેમણે ચિંતા વ્યક્ત કરી છે. તેઓ કહે છે કે આ "નરસંહાર પ્રકારની માનસિકતા દર્શાવે છે", કેમ કે પુતિન એવું માને છે કે યુક્રેનનું "અસ્તિત્વ વાસ્તવિક નથી, અને તેથી તેનું અસ્તિત્વ ટકાવી રાખવાનો તેને કોઈ અધિકાર નથી".
આવા પ્રકારની વાતોને કારણે જાતિનિકંદનની શક્યતા વધી રહી છે, એમ જણાવી તેઓ ઉમેરે છે, "પણ આવી વાતોને કારણે ખરેખર એ પ્રકારે આક્રમણ થશે જ એવું પણ આપણે કહી શકીએ નહીં".
ફિલિફ સેન્ડ્સ કહે છે કે યુદ્ધ ગુનાના પુરાવા છે, કેમ કે નાગરિકોને સીધા નિશાન બનાવાયા છે અને મારિયુપોલમાં જે રીતે ઘેરો ઘાલવામાં આવ્યો છે તે માનવતા સામેનો જ અપરાધ છે.
યુનિવર્સિટી કૉલેજ લંડનના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ કોર્ટ્સના ડિરેક્ટર તરીકે કામ કરતા પ્રોફેસર સેન્ડ્સ કહે છે કે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર જાતિનિકંદનને સાબિત કરવા માટે એક જૂથનો નાશ કરવાનો ઇરાદો હતો, તેવું સાબિત કરવું પડે. આવું સાબિત કરવા માટે બહુ અઘરી પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય કોર્ટમાં છે.
સીધા પુરાવા હોય તેના આધારે ઇરાદાને સાબિત કરી શકાય, પણ તેમાં ગુનો આચરનારા એવું કહેતા હોવા જોઈએ કે તેઓ એક જૂથના લોકોને ખતમ કરી રહ્યા છે. યુક્રેનના કેસમાં આવા પુરાવા મેળવવા મુશ્કેલ છે એમ પ્રોફેસર સેન્ડ્સને લાગે છે.
વર્તનના અમુક પ્રકારને આધારે પણ ઇરાદો હતો, તેવું કહી શકાય છે "પણ તે સાબિત કરવું બહુ મુશ્કેલ હોય છે" એમ તેઓ ઉમેરે છે. અત્યાચાર કરનારા રશિયનોનો ઇરાદો શું હતો તે હજી સુધી જાણી શકાયું નથી.
તેઓ કહે છે, "એક ગામમાં જવું અને અમુક રાષ્ટ્રીય કે ધાર્મિક જૂથના મોટી સંખ્યામાં પુરુષ સભ્યોને ખતમ કરી નાખવામાં આવે - જો બૂચામાં એવી રીતે થયું હોય - તો તેને જાતિનિકંદન માટેનો ઇરાદો ગણી શકાય."
"પરંતુ હાલના તબક્કે ખરેખર શું થયું હતું અને કેવી રીતે થયું હતું તે જાણવા માટે આપણી પાસે પૂરતા પુરાવા નથી. પૂર્વ યુક્રેનથી આક્રમણ આગળ વધે અને વધારે હિંસક બનતું જાય તે સાથે જાતિનિકંદનનો પ્રયાસ થશે તે બાબતના ચિહ્નો અંગે આપણે સાવધ થઈ જવું જોઈએ તે યોગ્ય જ છે."
રટગર્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સ્ટડી ઑફ જિનોસાઇડના ડિરેક્ટર એલેક્સ હિન્ટન કહે છે કે યુદ્ધના ગુના અને માનવતા વિરુદ્ધના ગુના ચોક્કસ યુક્રેનમાં થઈ રહ્યા છે, કેમ કે નાગરિકોને નિશાન બનાવીને બૉમ્બમારી થઈ રહી છે.
હિન્ટન કહે છે કે પ્રમુખ પુતિન પણ જિનોસાઇડની વાતો કરી રહ્યા છે, પરંતુ યુક્રેનમાં જે કંઈ થઈ રહ્યું છે, તેની સાથે તેને સીધી રીતે જોડવું જરૂરી છે.
તેઓ કહે છે, "ઝૅલેન્સ્કીએ કહ્યું છે તે પ્રમાણે હું આને જિનોસાઇડ નહીં કહું, પરંતુ હું કહીશ કે ચેતવણી આપનારાં ચિહ્નો દેખાયાં છે. આવું થવાનું જોખમ ખૂબ વધારે છે."
એલેક્સ હિન્ટન માને છે કે યુક્રેનમાં રશિયાના દળો જે અત્યાચાર ફેલાવી રહ્યા છે, તે જિનોસાઇડ હોય કે ના હોય તો પણ તેની અવગણના કરી શકાય તેમ નથી.
"આપણે જાણીએ છીએ કે અત્યાચાર થઈ રહ્યો છે અને તેની સામે કાર્યવાહી થવી જોઈએ. જિનોસાઇડ કે તેનાથી વધારે ખરાબ થાય તો જ કામગીરી કરવી જોઈએ એવી રીતે વિચારવું જોઈએ નહીં."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો