You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
RBI પૉલિસી જાહેરાત : મોંઘવારી આટલી કેમ વધી રહી છે અને ક્યારે ઘટશે?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
શુક્રવારે દેશની મધ્યસ્થ બૅન્ક આરબીઆઈ દ્વારા દ્વિ-માસિક નાણાં નીતિની સમીક્ષા બાદ જાહેરાત કરાઈ હતી કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન દેશમાં મોંઘવારીનો દર 5.7 ટકા રહેશે, જે અગાઉના અનુમાન (4.5 ટકા) કરતાં 21 ટકા જેટલો વધારે છે.
યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહીને કારણે ક્રૂડઑઈલના ભાવોમાં થયેલી વૃદ્ધિ, આયાત થતાં કોલસા અને ખાદ્યતેલોના ભાવોમાં વૃદ્ધિ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં ધાતુઓના ભાવોમાં થયેલા વધારાને તાજેતરની મોંઘવારી માટે કારણભૂત માનવામાં આવે છે.
રિઝર્વ બૅન્કે પણ પોતાની સમીક્ષામાં સ્વીકાર્યું છે કે વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ દેશના અર્થતંત્રને માટે પડકારજનક છે, સાથે જ ઉમેર્યું છે કે તેના પર નજર રાખવામાં આવી રહી છે તથા જરૂર પડ્યે યોગ્ય પગલાં લેવામાં આવશે.
દેશમાં જે દરે મોંઘવારી વધી રહી છે, તેની સરખામણીમાં સમાજના એક મોટા વર્ગની આવક ન વધતા તેમને ઘર ચલાવવા માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે.
કેટલાક અર્થશાસ્ત્રીઓનું અનુમાન છે કે સારા ચોમાસાને પગલે ગ્રામીણ ભારતમાં માગવૃદ્ધિ થશે, જેના કારણે અર્થતંત્રને વેગ મળશે, જ્યારે અન્ય એક વર્ગ માને છે કે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પરના કરદરમાં ઘટાડો કરવાની પહેલ કરવી જોઈએ, જેથી કરીને રાજ્ય સરકારો પણ એમ કરવા માટે પ્રેરાય.
મોંઘવારીનું વિષચક્ર
વર્લ્ડ બૅન્ક, એશિયન ડેવલપમૅન્ટ બૅન્ક તથા ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ (આઈએમએફ)એ ભારતના જીડીપી (કુલ ઘરેલુ ઉત્પાદન) વધારાના અનુમાનમાં ઘટાડો કર્યો છે.
ખુદ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ તેનું અનુમાન 7.8 ટકાથી ઘટાડીને 7.2 ટકા કરી નાખ્યું છે. આને માટે ઘટતી જતી માગને કારણભૂત માનવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વરિષ્ઠ અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહના કહેવા પ્રમાણે, "દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે એટલે પરિવહનનો ખર્ચ વધે, જેના કારણે ચીજોના ભાવ વધી રહ્યા છે."
"આપણે સામાન્ય રીતે વસ્તુઓના ભાવોને ધ્યાનમાં લઈએ છીએ, પરંતુ સેવાઓના ભાવોનો દર પણ વધી રહ્યો છે. દેશના જીડીપીમાં સેવાક્ષેત્રનો હિસ્સો 65 ટકા છે અને આ બધું એકસાથે થઈ રહ્યું છે."
શાહ સેવાક્ષેત્ર પર થતી અસરને સમજાવવા માટે પ્લમ્બરનું ઉદાહરણ આપે છે. તેઓ કહે છે કે અગાઉ કોઈ એક કામ કરવા માટે જો તે રૂ. 50 લેતા હોય, તો તાજેતરની પરિસ્થિતિમાં તેનો પરિવહન ખર્ચ વધી જાય, વળી મોંઘવારીની અસરને કારણે તે પોતાના દર પણ વધારી દેશે, જેના કારણે તે રૂ. 50ને બદલે રૂ. 70 ચાર્જ કરે તેવું બને.
શાહ કહે છે, "ભાવવધારાનો સૌથી વધુ માર લૉઅર-મિડલ ક્લાસ પર પડ્યો છે અને તે ગરીબીની રેખા તરફ ધકેલાઈ રહ્યો છે, કારણ કે ભાવવધારાની સરખામણીમાં તેની આવક વધી નથી."
"દેશનો 50 ટકા કરતાં વધુનો શ્રમિકવર્ગ એવો છે કે તેમને મોંઘવારી ભથ્થું નથી મળતું અને ભાવવધારાની સાથે તેમની આવક વધતી નથી. આથી, તેમની વાસ્તવિક આવક ઘટે છે અને બજારમાં તેમની ખરીદશક્તિ પણ ઘટે છે."
શાહ માગને વધારવા માટે તથા નીચલાવર્ગને રાહત આપવા માટે પેટ્રોલ-ડીઝલ ઉપરાંત સીએનજી પરનું કેન્દ્રીય કરભારણ ઘટાડવાની હિમાયત કરે છે, જેથી કરીને રાજ્ય સરકાર પણ તેનું અનુસરણ કરે. સરવાળે ચીજવસ્તુઓના ભાવ ઘટે, લોકોના હાથમાં પૈસા આવે અને તેમની ખરીદશક્તિ વધે.
ગત વર્ષે નવેમ્બર મહિનામાં કેન્દ્ર સરકાર અને ભાજપશાસિત રાજ્ય સરકારોએ પેટ્રોલ-ડીઝલ પરનું કરભારણ ઘટાડ્યું હતું, પરંતુ વિપક્ષ તથા કૉંગ્રેસશાસિત રાજ્યોએ તેનું અનુસરણ કર્યું ન હતું, તેવો ભાજપનો આરોપ છે.
રિઝર્વ બૅન્કનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઑઈલની કિંમત 100 ડૉલર આસપાસ રહેશે, જેથી મોંઘવારી 4.5 ટકાથી વધીને 5.7 ટકા પર પહોંચી જશે.
સ્થિતિ ક્યારે કાબૂમાં આવશે?
આર્થિક બાબતોના નિષ્ણાત ઋષિ બાગરીના કહેવા પ્રમાણે, "આપણે એ સમજવું જોઈએ કે માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં મોંઘવારીની સમસ્યા જોવા મળી રહી છે. જર્મની અને યુએસ જેવાં વિકસિત અર્થતંત્રોમાં પણ મોંઘવારી રેકૉર્ડ ઊંચાઈ પર છે. ભારતમાં પણ તે છેલ્લાં લગભગ બે વર્ષની ઊંચાઈએ છે, છતાં તે છ ટકા કરતાં નીચે રહેવા પામી છે."
"ભારત પામ તથા સૂરજમુખીના તેલની આયાત પર નિર્ભર છે, સરકાર પુરવઠો વધારવા માટે પ્રયાસરત છે, તેમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ જરૂરિયાત મુજબનું ઉત્પાદન મેળવતા સમય લાગશે. એક સમયે ભારત દાળ-કઠોળની આયાત પર નિર્ભર હતું, જેના કારણે ભાવોમાં ભારે વધઘટ થતી, આજે આપણ જરૂર મુજબનું ઉત્પાદન કરીએ છીએ, જેના કારણે ભાવો મહદંશે સ્થિર રહે છે."
બાગરી માને છે કે આગામી ત્રણ-છ મહિનામાં સ્થિતિ થાળે પડી જશે અને ભાવો નીચા આવી જશે.
બાગરી સ્વઘોષિત ભાજપ સમર્થક છે તથા તેઓ સોશિયલ મીડિયા તેમજ મીડિયામાં ભાજપની આર્થિક નીતિઓનું સમર્થન કરતા રહે છે. તેઓ કહે છે કે આજના યુગમાં લોકો આંતરરાષ્ટ્રીય સમાચાર અને માહિતીથી વાકેફ છે એટલે પેટ્રોલ-ડીઝલના ભાવો શા માટે વધી રહ્યા છે તે સમજે છે.
ભારતમાં મોંઘવારીને વરસાદ સાથે જોડીને પણ જોવામાં આવે છે. સામાન્ય રીતે ઉનાળાના દિવસો દરમિયાન શાકભાજી તથા ખાદ્યાન્ન પદાર્થોના ભાવ વધતા હોય છે અને જો ચોમાસું સારું રહે તો તેમાં ઘટાડો જોવા મળે છે.
આ સિવાય સારા પાકને કારણે ગ્રામીણ વિસ્તારોમાં વાહનો, એફએમસીજી તથા વ્હાઇટ ગુડ્સની માગ પણ જોવા મળતી હોય છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો