યુવરાજસિંહ જાડેજા : બિનસચિવાલયની પરીક્ષા માટે આંદોલનથી ગાંધીનગરમાં ધરપકડ સુધી

એક વિદ્યાર્થી તરીકે સરકારી નોકરી કરવાના સપના સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા યુવરાજસિંહ જાડેજાએ હાલની ભાજપ સરકારને સરકારી પરીક્ષાઓના પેપર લીકના એકથી વધુ મામલામાં પડકારી છે જેની શરૂઆત બિનસચિવાલય પરીક્ષાના પેપર લીક સામે આંદોલનથી થઈ હતી.

હાલમાં ગાંધીનગરમાં એક પોલીસ કર્મચારીને જાનથી મારી નાખવાના પ્રયાસના આરોપ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ જાડેજા અને તેમના સાથી સામે આઈપીસીની ધારા 332 અને 307 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

યુવરાજસિંહ જાડેજા સામે હાલમાં પોલીસની કામગીરીમાં દખલ કરવા અને એક પોલીસ કર્મચારીને પોતાની કારથી મારી નાખવાના પ્રયાસના આરોપ હેઠળ ગાંધીનગર પોલીસે ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરી છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સમગ્ર રાજ્યમાં વિવિધ કલેક્ટર કચેરીઓમાં તેમના સમર્થનમાં આવેદનપત્રો આપ્યા છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સમયે જ્યારે દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા, ત્યારે યુવરાજસિંહ વિધિવત્ રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

જોકે ત્યાર બાદ તેમણે હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીકના મામલામાં સક્રિય રહીને આંદોલન કર્યું હતું. આ આંદોલનના પગલે ગૌણ સેવા પસંદગી મંડળના ચૅરમૅન આસિત વોરાને રાજીનામું આપી દેવું પડ્યું હતું.

ત્યાર બાદ યુવરાજસિંહ જાડેજા અને સરકાર વચ્ચેનો સંઘર્ષ સતત ચાલુ રહ્યો હતો. તેમની ધરપકડ થોડા દિવસો પહેલાંના તેમના એક ટ્વીટથી જાણવા મળે છે કે તેઓ જ્યાં રહેતા હતા, તે મકાન તેમને ખાલી કરી દેવું પડ્યું હતું. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, "#ગાંધીનગરમાં રહું છું તે #મકાન કૉર્પોરેટર દ્વારા દબાણ કરીને ખાલી કરાવ્યું. જેટલો તોડવાનો પ્રયાસ કરશો એટલો હું મજબૂત બનીશ મજબૂર નહીં."

યુવરાજસિંહ હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક સમયે તમામ પુરાવાઓ સાથે પ્રેસ કૉન્ફરન્સ કરીને સરકારમાં મુશ્કેલ સ્થિમાં મૂકી દીધી હતી.

યુવરાજસિંહનું રાજકીયસ્ટેન્ડ

યુવરાજસિંહ આમ આદમી પાર્ટીની યુવા શાખાના ઉપાધ્યક્ષ છે. જોકે બીબીસી સાથે અગાઉ થયેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, "જ્યારે તેઓ વિદ્યાર્થીઓ માટે લડી રહ્યા હોય છે ત્યારે તેઓ કોઈ પક્ષનું પ્રતિનિધિત્વ નથી કરતા પરંતુ એક વિદ્યાર્થીનેતા તરીકે જ કામ કરે છે."

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "મારી લડાઈ વિદ્યાર્થીઓના હિતમાં શરૂ થઈ હતી અને રહેશે, આ પૂર્ણવિરામ નથી અલ્પવિરામ છે. માત્ર આક્ષેપ કે આરોપ કરવા જ યોગ્ય નથી તેમને સાબિત કરવા પણ જરૂરી છે અને તે કરી બતાવ્યું છે. માત્ર વિરોધ એ મારો હેતુ ક્યારેય રહ્યો નથી અને રહેશે પણ નહીં. જે મુદ્દો લઈને ચાલુ છું એમાં ન્યાય કઈ રીતે અપાવી શકું એ જોઉં છું."

તેમની રાજકીય કારકિર્દી વિશે વાત કરતાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા કહે છે કે, "તેઓ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને હવે જ્યારે પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે ત્યારે આમ આદમી પાર્ટી તેમની સાથે ખભાથી-ખભો મેળવીને ઊભી છે. અમે તેમને તમામ સહાય પૂરી પાડીશું."

જ્યારે યુવરાજસિંહ જાડેજાની ધરપકડના સમાચાર આવ્યા ત્યારે સોશિયલ મીડિયામાં પણ યુવરાજસિંહની ધરપકડને લઈને મોટી સંખ્યામાં લોકોએ પ્રતિક્રિયાઓ આપી હતી.

ટ્વિટર પર #YuvrajSinhJadeja ##Yuvrajsinh_ko_riha_karo જેવા હૅશટૅગ હેઠળ મોટી સંખ્યામાં ટ્વીટ કરવામાં આવ્યાં હતાં.

શું છે યુવરાજસિંહનું બૅકગ્રાઉન્ડ?

રાજકોટ પાસેના ગોંડલમાં અભ્યાસ કર્યા બાદ યુવરાજસિંહે સ્ટૉક માર્કેટમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. જોકે તેમા તેમને ધારી સફળતા મળી ન હતી. તે બાદ તેમણે સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની તૈયારીઓ શરૂ કરી અને તેમના જણાવ્યા અનુસાર 2012 પછીની લગભગ તમામ સરકારી નોકરીઓના પ્રિલીમ રાઉન્ડમાં તેઓ પાસ થયા હતા.

જોકે લેખિતમાં પાસ થયા ઉપરાંત તેઓ હજી સુધી એક જીપીએસસીની પરીક્ષા સહિત ત્રણ પરીક્ષામાં ઇન્ટરવ્યૂ સુધી પણ પહોંચ્યા હતા. એલઆરડી તરીકેની પરીક્ષા પાસ કરીને અરવલ્લીમાં પોલીસ કૉન્સટેબલ તરીકેની પોસ્ટિંગ પણ મેળવી હતી, પરંતુ તેમણે તે નોકરી કરી ન હતી.

યુવરાજસિંહના જણાવ્યા અનુસાર તેમણે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટેની તેઓ તમામ તૈયારીઓ કરતા હતા અને એટલા માટે જ એલઆરડી પછી તેમણે આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સપેક્ટરની પરીક્ષામાં પણ સારું પરિણામ મેળવ્યું, પરંતુ તેમને પોલીસ સબ ઇન્સપેક્ટર બનવું હતું. એટલે તેમણે એ નોકરી પણ ન સ્વીકારી. પોલીસ સબ ઇન્સપેક્ટરની પરીક્ષા પણ તેમણે પાસ કરી પણ મેરિટમાં ત્રણ ગુણથી પાછળ રહી જવાથી તેમને તે નોકરી ન મળી.

યુવરાજસિંહ જાડેજાએ આટલી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ કેમ આપી?

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ પ્રશ્નનો જવાબ આપતાં યુવરાજસિંહે કહ્યું હતું કે, "જ્યારે સ્ટૉક માર્કેટમાં હું નિષ્ફળ થયો અને આર્થિક રીતે પડી ભાંગ્યો ત્યારે હું મારા વતન ગોંડલથી ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાતની મુલાકાતે આવ્યો હતો. મને હતું કે અહીં આવીને મને કોઈ નવા ધંધા-રોજગાર માટે આઇડિયા મળશે અથવા કોઈ નવી તક મળશે.”

જોકે વાઇબ્રન્ટ ગુજરાતમાં આવીને તેમને કોઈ નવા ધંધા-રોજગારનો આઇડિયા તો ન મળ્યો, પરંતુ યુવરાજસિંહની મુલાકાત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા યુવાનો સાથે થઈ.

આ યુવાનો પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત રહેતા હતા.

“તે લગભગ 2011નો સમય હતો, તેમણે મને કહ્યું કે એ તમામ લોકો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે દિવસ-રાત વાંચન કરી રહ્યા છે. તે સમય સુધી મારા મનમાં એવું જ હતું કે સરકારી નોકરી મેળવવા માટે, વ્યક્તિએ કોઈ સરકારી કર્મચારીનો પુત્ર હોવો જરૂરી છે. જોકે અહીં આવીને મને પહેલી વખત ખબર પડી હતી કે હું પણ સરકારી નોકરી મેળવી શકું છું.”

યુવરાજસિંહના પિતા ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના કર્મચારી હતા, અને તેઓ એક સંયુક્ત પરિવારમાં 17 પરિવારજનો સાથે રહેતા હતા. 2019માં તેમનાં લગ્ન થઈ ગયાં અને તેઓ આજકાલ ગાંધીનગરમાં જ રહે છે.

સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીથી એક આંદોલકારી સુધીની સફર

યુવરાજસિંહે ધોરણ 12ની પરીક્ષાના આધારે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાની તૈયારી કરી હતી, જોકે જ્યારે તેમણે બિનસચિવાલયની પરીક્ષા પાસ કરી તે બાદ રાજ્ય સરકારે પાછળથી નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી અને પરીક્ષા માટેની લાયકાત ધોરણ 12ને બદલે સ્નાતક કરી દીધી હતી.

તેમણે કહ્યું,“જોકે તે સમયે મેં આ નિયમનો વિરોધ કર્યો હતો,અને તે બાદ સરકારે આ નિયમને ફરીથી બદલાવાની ફરજ પડી હતી.”

“બાદમાં આ પરીક્ષાનું પેપર ફૂટી ગયું હતું અને અમે તેની સામે ઉગ્ર આંદોલન કર્યું હતું. અમે સરકારની સામે પડ્યા હતા.”

જોકે તે સમયે પણ યુવરાજસિંહે વિવિધ જિલ્લા કલેક્ટરોને ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા સામે પગલાં લેવાની માગ સાથે રજૂઆતો કરી હતી.

બિનસચિવાલયની પરીક્ષા સંદર્ભે તેમણે 2019માં મોટું આંદોલન કર્યું હતું અને તે બાદ રાજ્ય સરકારે એક વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ની રચના કરીને પોલીસ તપાસ કરાવી હતી.

યુવરાજસિંહે જણાવ્યું હતું કે બિનસચિવાલયની પરીક્ષા બાદ તેમણે LRDની મહિલા ભરતી માટે 33 ટકા અનામતને યોગ્ય રીતે લાગુ કરવાની માગ કરી રહેલાં મહિલાઓ સાથે આંદોલનમાં ભાગ લીધો હતો. તે આંદોલનનો પણ આંદોલનકારીઓ માટે એક સુખદ અંત આવ્યો હતો.

હેડ ક્લાર્ક પરીક્ષાના પેપર લીક કેસમાં પણ તેમણે વિસ્તારથી પુરાવા રજૂ કર્યા હતા. ત્યાર બાદ રાજ્ય સરકારે હેડ ક્લાર્ક પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી અને પોલીસ કેસ નોંધવામાં આવ્યો હતો. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ રાજીનામું પણ આપ્યું હતું.

યુવરાજસિંહ જાડેજા સામે શું આક્ષેપ છે?

યુવરાજસિંહ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાની પાંચ એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી, જે મામલે પોલીસે પત્રકારપરિષદ યોજીને એક વીડિયો બહાર પાડ્યો હતો.

પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં એક પોલીસકર્મી પર બળજબરીપૂર્વક ગાડી ચડાવવાનો પ્રયાસ થયો હોવાનું દેખાય છે. જોકે આ વીડિયો અંગે બીબીસી ગુજરાતીએ સ્વતંત્ર તપાસ કરી નથી.

ગુજરાત પોલીસના રેન્જ આઈજી અભય ચુડાસમાએ આ મામલે પત્રકરોને સંબોધ્યા હતા, તેમણે કહ્યું કે યુવરાજસિંહ જાડેજાએ વિદ્યાસહાયકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો અને પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.

અભય ચુડાસમાએ કહ્યું કે, "વિદ્યાર્થીનેતા હોય કે કોઈ પણ હોય, આ રીતે પોલીસ પર ગાડી ચડાવીને ભાગવાનો પ્રયત્ન કરે, તો તેને ચલાવી શકાય નહીં. એથી તેમની ધરપકડ કરવામાં આવી છે."

આ અંગે પોલીસ દ્વારા વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.

જેના વિશે ચુડાસમાએ કહ્યું, "યુવરાજસિંહ જાડેજાએ તેમની ગાડીમાં એક કૅમેરો લગાવી રાખ્યો છે, જેનાથી તેઓ બધાનું રેકર્ડિંગ કરે છે."

"એ જ કૅમેરામાં પોલીસ પર ગાડી ચડાવવાની ઘટના પણ રેકર્ડ થઈ ગઈ છે. એફએસએલની મદદથી આ રેકર્ડિંગની તપાસ પણ કરવામાં આવશે." આ બનાવ ત્યારે બન્યો જ્યારે પાંચ એપ્રિલે વિદ્યાસહાયક ઉમેદવારો રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. યુવરાજસિંહ જાડેજા તેમને ટેકો આપવા ગાંધીનગર પહોંચ્યા હતા. પરંતુ ત્યાર બાદ ત્યાં ગરમાગરમી થઈ ગઈ હતી.

સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર યુવરાજસિંહ જાડેજા અને તેમના સાથી સામે આઈપીસીની ધારા 332 અને 307 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમને સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે રિમાંડ ન માગતાં અદાલતે તેમને ન્યાયિક કસ્ટડી હેઠળ જેલ મોકલ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો