You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અસિત વોરા : હેડ ક્લાર્ક પેપર લીક મામલે જેમના રાજીનામાની માગ થઈ રહી છે, એ કોણ છે?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
હેડ ક્લાર્ક ભરતી પરીક્ષામાં મંગળવારે અપેક્ષા મુજબનો જ વળાંક આવ્યો. રાજ્ય સરકારે પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી અને સાથે જ આગામી માર્ચ મહિનામાં ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરી છે.
પોલીસ દ્વારા આ કેસમાં પેપર લીક કરનાર, પ્રિન્ટિંગ પ્રેસના માલિક તથા પેપર ખરીદનારાઓને આરોપી બનાવ્યા છે. જેમની સામે ફાસ્ટ-ટ્રૅક કોર્ટમાં ખટલો ચલાવવામાં આવશે.
બીજી બાજુ, કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષ દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળ (જીએસએસએસબી)ના ચૅરમૅન અસિત વોરાના રાજીનામાની માગ કરવામાં આવી છે અને રાજ્ય સરકાર દ્વારા તેમને છાવરવામાં આવતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ટ્વિટર સહિતનાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર પણ અસિત વોરાના રાજીનામાની માગ થઈ રહી છે.
મંગળવારે સાંજે ગુજરાત ગૌણ સેવા પસંદગીની મંડળ તથા ગુજરાત રાજ્ય જાહેરસેવા આયોગની વેબસાઇટ 'ડાઉન' થઈ ગઈ હતી. અલગ-અલગ શહેરોમાંથી અલગ-અલગ વાઈફાઈ તથા મોબાઇલ ડેટા દ્વારા તેને ઍક્સેસ કરવાના પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા.
અગાઉની પરીક્ષાઓમાં પણ પેપર લીક સમયે અસિત વોરા સામે આંગળી ચીંધવામાં આવી હતી.
આમ છતાં એવા અહેવાલો વહેતા થયા હતા કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની કથિત નિકટતાને કારણે તેમની સામે કાર્યવાહી કરતા સ્થાનિક નેતાઓ ખચકાય છે.
12મી ડિસેમ્બરે 180 કરતાં વધુ જગ્યાઓ માટે રાજ્યભરમાં 180 કરતાં વધુ પરીક્ષાકેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરીક્ષાનું પેપર લીક થયું હોવાની ચર્ચા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી ચાલી રહી હતી, પરંતુ રાજ્ય સરકારે તેનો ઔપચારિક સ્વીકાર મોડેથી કર્યો હતો.
અસિત વોરા પરના આરોપો
અસિત વોરાની રાજકીય કારકિર્દીને નજીકથી જોનારા ભાજપના એક પદાધિકારીના કહેવા પ્રમાણે, "તેઓ મણિનગરમાંથી કૉર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને અહીંથી જ શરૂ થઈ હતી તેમની રાજકીય કારકિર્દી."
"લગભગ 15 વર્ષ સુધી તેમની રાજકીય કારકિર્દીમાં કોઈ નોંધપાત્ર પરિવર્તન આવ્યું ન હતું. તેઓ એક ખાનગી કંપનીમાં જનસંપર્ક અધિકારી હોવાની સાથે રાજકીય પ્રવૃત્તિઓ કરતા હતા."
"તેઓ સંગીતમાં ઋચિ ધરાવે છે અને પાર્ટી તથા મિત્રવર્તુળમાં મુકેશનાં ગીતોની તેમની સમક્ષ ફરમાઇશ કરવામાં આવે છે."
"ડિસેમ્બર-2002ની વિધાનસભા ચૂંટણી વખતે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટ-2ની ભાજપના ગઢસમાન બેઠક છોડીને મણિનગરની બેઠક પસંદ કરી, ત્યારથી તેમની રાજકીય કારકિર્દીનો ગ્રાફ સડસડાટ ઉપર ગયો છે."
"નરેન્દ્ર મોદી પ્રચાર કરવા આવે અથવા તો તેમના મતવિસ્તારમાં જાહેર સેવાનાં કામોનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત હોય ત્યારે અસિત વોરા તેમની આસપાસ કે સાથે જ હોય."
"એ પછી તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અને પછી અઢી વર્ષ (2013 સુધી) મેયર પણ બન્યા."
તેઓ કહે છે, "આગામી વિધાનસભા ચૂંટણીના અનુસંધાને જૂન-જુલાઈ 2020માં ગુજરાત ભાજપમાં નેતૃત્વપરિવર્તનની ચર્ચા ચાલતી હતી, ત્યારે અસિતભાઈનું નામ પણ ચર્ચાતું હતું, પરંતુ કદાચ તેમની કાર્યશૈલી તેમની વિપરીત ગઈ હતી."
"આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન ધારાસભ્ય તરીકેની ટિકિટ માટે તેમને પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. હજુ પણ મણિનગરની બેઠક તેમના માટે સલામત હોઈ શકે છે, પરંતુ કેટલાક પેપર લીક કેસોને કારણે રાજ્યસ્તર પર તેમની ઉમેદવારીના પડઘા પડી શકે છે."
2014માં નરેન્દ્ર મોદી વડોદરા તથા વારાણસીથી લોકસભાની ચૂંટણી લડ્યા, એ પછી પણ વોરાનો દબદબો ઓછો ન થયો અને તેઓ જીએસએસએસબીના ચૅરમૅન બન્યા.
એટલું જ નહીં, અગાઉના કાર્યકાળ દરમિયાન પેપર લીક થયાં હોવા છતાં બીજી વખત તેમને આ પદ સોંપવામાં આવ્યું હતું.
હવે 'નૈતિકતા'ના આધારે તેઓ રાજીનામું આપી દેશે, તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવે છે.
સરકાર, વિપક્ષ અને વોરા
આમ આદમી પાર્ટીની યુવાપાંખના ઉપાધ્યક્ષ યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સાથે વાત કરતાં આરોપ મૂક્યો હતો કે શંકાની સોઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચૅરમૅન તરફ છે.
જોકે, તેમણે પરીક્ષા રદ કરવાની તથા પોલીસની કાર્યવાહીની પ્રશંસા કરી હતી.
આ પહેલાં પાર્ટીએ ગુજરાત ભાજપના કાર્યાલય 'શ્રીકમલમ્' ખાતે ઘેરાવોનો કાર્યક્રમ આપ્યો હતો.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ જગદીશ ઠાકોર તથા ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ પાર્ટીના પ્રતિનિધિમંડળ સાથે મંગળવારે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરી હતી અને આવેદનપત્ર આપ્યું હતું.
જેમાં માગ કરી હતી કે:
'હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા તપાસ કરાવવામાં આવે. આ સિવાય મંડળના ચૅરમૅન અસિત વોરાએ જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું જોઈએ અને જો તેઓ એમ ન કરે તો સરકારે તેમની હકાલપટ્ટી કરવી જોઈએ.'
'આ સિવાય આગામી પરીક્ષા ન લેવાય, ત્યાં સુધી દરેક ઉમેદવારને માસિક પાંચ હજારનું ભથ્થું આપવાની માગ પણ કરી છે.'
મંગળવારે સવારે પત્રકારપરિષદમાં ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર રદ થવાની તથા માર્ચ મહિનામાં ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી.
આ સાથે જ 'કોઈ પણ જવાબદાર'ને નહીં છોડવાની, તથા ફાસ્ટ ટ્રૅક કેસ ચલાવવાની વાત પણ તેમણે કરી હતી.
ગાંધીનગરમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, ગ્રામપંચાયતની ચૂંટણી પહેલાં પેપર લીકની જાહેરાત એ સરકાર દ્વારા 'ઔપચારિક સ્વીકાર' ન બની જાય, તે માટે લગભગ એક અઠવાડિયા કરતાં વધુ સમયથી ખુલાસો થઈ ગયો હોવા છતાં કેસને લટકાવી રાખવામાં આવ્યો હતો.
આન્સર કીએ આપ્યા સંકેત?
ગુજરાતી અખબાર 'સંદેશ'એ તેના અહેવાલમાં (અમદાવાદ આવૃત્તિ, પૃષ્ઠક્રમાંક-2, તા. 20 ડિસેમ્બરમાં) નોંધ્યું છે કે છે કે સામાન્ય રીતે અન્ય રાજ્યમાં પરીક્ષાના પેપરના અલગ-અલગ સેટ છપાવવામાં આવે છે અને છેક આગલા દિવસે કયું પેપર મૂકવું તે નિર્ણય લેવામાં આવે છે.
પેપરનો કયો સેટ મૂકવો તે નિર્ણય ચૅરમૅન લેતા હોવાનું અખબાર લખે છે.
અગાઉ એક વખત યુનિવર્સિટી સ્તરની પરીક્ષાના પેપર લીક કરવાનો આરોપ હોવા છતાં અમદાવાદસ્થિત પ્રિન્ટિંગ પ્રેસને હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર છાપવાનો કૉન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
પ્રિન્ટિંગ પ્રેસના માલિકની વોરા તથા ભાજપના જ અન્ય એક ધારાસભ્ય સાથે નિકટતા હોવાનો દાવો પણ અખબારે કર્યો છે.
અગાઉ જીએસએસએસબીની કામગીરી સાથે સંકળાયેલા એક અધિકારીના કહેવા પ્રમાણે, "બોર્ડ દ્વારા થતી ભરતીમાંથી ભ્રષ્ટાચારને દૂર કરી શકાય તે માટે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તૃતીય વર્ગની ભરતીઓમાંથી મૌખિક ઇન્ટરવ્યૂની જોગવાઈને દૂર કરવામાં આવી હતી.
"આ સિવાય કેન્દ્રના સ્ટાફ સિલેક્શન કમિશનની તર્જ ઉપર ઑપ્ટિકલ માર્ક રેક્ગ્નાઇઝેશન ટેકનૉલૉજીથી ઉત્તરવાહીને ચકાસવાની વ્યવસ્થા દાખલ કરવામાં આવી હતી, જેથી કરીને પરીક્ષાના પરિણામો સાથે ચેડાં થતાં અટકાવી શકાય."
"આ સિવાય અરજી પ્રક્રિયાને સુગમ બનાવવા ઑનલાઇન જૉબ ઍપ્લિકેશન સિસ્ટમ (ઓજસ) વિકસાવવામાં આવી હતી."
તેઓ ઉમેરે છે કે "સામાન્ય રીતે પરીક્ષા લેવાય તેના એક-બે દિવસમાં આન્સર કી સાર્વજનિક કરી દેવામાં આવે છે, પરંતુ હેડ ક્લાર્કની પરીક્ષાની પરિણામ ચાવી એક અઠવાડિયા કરતાં વધુ સમય બાદ પણ જાહેર કરવામાં આવી ન હતી, એટલે લીક થયેલું પેપર અને પરીક્ષામાં પુછાયેલું પેપર એક છે કે કેમ તે નક્કરપણે કહી ન શકાય, પરંતુ તેની શક્યતાને નકારી પણ ન શકાય."
જીએસએસએસબી અને ભૂમિકા
ગુજરાત સ્ટેટ સબઑર્ડિનેટ સિલેક્શન બોર્ડની સ્થાપના ગુજરાત રાજ્ય સરકારમાં તૃતીય કક્ષાની ભરતીપ્રક્રિયા માટે કરવામાં આવી હતી. 1980ના દાયકાના અંતભાગમાં (1988 આસપાસની વાત છે) તેને પંચસ્વરૂપ આપવાનો પ્રયાસ થયો હતો.
'ગુજરાત લોકસેવા આયોગ' સ્વરૂપે અગાઉથી જ એક પંચ અસ્તિત્વમાં હતું, એટલે પંચ સ્વરૂપે વધુ એક આયોગ અસ્તિત્વમાં આવી શકે તેમ ન હોવાથી તેને મંડળ સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને ઠરાવ આધારે તે અસ્તિત્વમાં આવ્યું હતું.
જેની મુખ્ય કામગીરીઓમાં બિનસચિવાલય સંવર્ગ-3ની સીધી ભરતીથી ભરાતી જગ્યાઓ, રાજ્ય સરકાર હેઠળના વિભાગો/ખાતાઓના વડાઓની કચેરીઓની વર્ગ-3ની બિનતાંત્રિક તથા તાંત્રિક સંવર્ગોમાં જગ્યાઓ ભરવાની છે.
પરીક્ષાઓ આયોજિત કરવા ઉપરાંત ફરજ દરમિયાન મૃત્યુ પામનારા ગુજરાત સરકારના કર્મચારીઓના નિકટના પરિવારજનોને રહેમરાહે નિમણૂક આપવા જેવી કામગીરી પણ કરે છે.
જે સંવર્ગ પરીક્ષાના નિયમો જાહેર ન થયા હોય, તેમાં જગ્યાના પ્રમાણમાં મળેલાં અરજીપત્રકોના આધારે પ્રાથમિક લેખિત પરીક્ષા (ક્વૉલિફાઇંગ ટેસ્ટ) લેવી કે સીધી મૌખિક પરીક્ષા લેવી તેનો નિર્ણય લેવામાં આવે છે.
જો અરજીઓ મોટી સંખ્યામાં આવે તો 100 માર્ક્સની લેખિત તથા તેના માટે જરૂરી માર્કસના આધારે બીજા તબક્કામાં 100 માર્ક્સની મૌખિક કસોટી લેવામાં આવે છે. ક્વૉલિફાઇંગ પરીક્ષા (100 માર્ક્સની ઓએમઆર) પ્રકારની હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો