You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાર્કર સોલર પ્રોબ : સૂર્યની નજીક જઈને આવેલું આ યાન ઐતિહાસિક કેમ?
- લેેખક, જોનાથન ઍમોસ
- પદ, વિજ્ઞાન સંવાદદાતા
યુએસ સ્પેસ એજન્સી (નાસા)એ ઐતિહાસિક ક્ષણ ગણાવી રહી છે કે પ્રથમ વખત કોઈ અવકાશયાને સૂર્યના બાહ્ય વાતાવરણમાં સફર કરી છે.
આ સિદ્ધિ અવકાશયાન - પાર્કર સોલર પ્રોબે હાંસલ કરી હતી. અવકાશયાને થોડા સમય માટે આપણા તારાની આસપાસના પ્રદેશમાં (જેને વૈજ્ઞાનિકો કોરોના કહે છે) ડૂબકી લગાવી હતી.
આ ઘટના એપ્રિલમાં ઘટી હતી, પરંતુ ડેટાના વિશ્લેષણ થકી છેક અત્યારે તેની પુષ્ટિ થઈ છે.
અવકાશયાને તીવ્ર ગરમી અને કિરણોત્સર્ગનો સામનો કરીને પણ સૂર્ય કેવી રીતે કાર્ય કરે છે તેના પર નવી વિગતો પૂરી પાડી હતી.
આ ઉપલબ્ધિને લઈને નાસાના હેલિયોફિઝિક્સ વિજ્ઞાન વિભાગના ડાયરેક્ટર નિકોલા ફોક્સે કહ્યું, "જેમ ચંદ્ર પર ઉતરાણથી વૈજ્ઞાનિકોને ચંદ્રની રચના કેવી રીતે થઈ તેની સમજ મળી હતી; તેમ સૂર્યને સ્પર્શ કરવો એ આપણા સૌથી નજીકના તારા અને સૂર્યમંડળ પર સૂર્યના પ્રભાવ વિશેની મહત્ત્વપૂર્ણ માહિતી ઉપરથી પડદો હઠાવવા માટેનું એક વિરાટ પગલું ગણાય."
પાર્કર સોલર પ્રોબ એ નાસાના અત્યાર સુધીના સૌથી સાહસિક મિશન પૈકીનું એક છે.
આ મિશન ત્રણ વર્ષ પહેલાં લૉન્ચ કરવામાં આવ્યુ હતું અને તેનું ધ્યેય સૂર્યની નજીકથી, વધુ ને વધુ નજીકથી, વારંવાર પસાર થવાનું છે.
અવકાશયાન 5,00,000 કિલોમીટર પ્રતિકલાક (3,20,00 માઇલ પ્રતિકલાક)ની પ્રચંડ ઝડપે આગળ વધે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વ્યૂહરચના એ છે કે સૂર્યના વાતાવરણમાં ઝડપથી પ્રવેશ કરવો અને ઝડપથી બહાર નીકળી જવું અને જાડા ઉષ્મારક્ષક કવચની પાછળ લગાડેલાં સાધનોની મદદથી સૌર વાતાવરણનું માપન કરવું.
પાર્કરની શોધખોળ
આ વર્ષે 28 એપ્રિલે પાર્કરે આલ્ફવેન નામે ઓળખાતી નિર્ણાયક સીમાને ઓળંગી હતી.
આ કોરોનાની બહારની સીમા છે. તે એ બિંદુ છે જ્યાં સૌર સામગ્રી ગુરુત્વાકર્ષણ અને ચુંબકીય દળો દ્વારા સૂર્ય સાથે બંધાયેલી હોય છે અને તે અવકાશમાં બહાર વહેવા માટે મુક્ત થાય છે.
પાર્કરે સૂર્યની દૃશ્યમાન સપાટી અથવા ફોટોસ્ફિયરથી લગભગ 1.3 કરોડ કિલોમીટર (80 લાખ માઇલ) અંતરે સીમામાં ડૂબકી લગાવી હતી.
યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, બર્કલેના સ્ટુઅર્ટ બેલના જણાવ્યા અનુસાર, પૃથ્થકરણ કરેલા ડેટા સૂચવે છે કે અવકાશયાન વાસ્તવમાં અલગઅલગ સમયે પાંચ કલાકમાં ત્રણ વખત સીમાની ઉપર અને નીચેથી પસાર થયું હતું.
તેમણે પત્રકારોને કહ્યું, "અમે પરિસ્થિતિઓને સંપૂર્ણપણે બદલાતી જોઈ છે."
"કોરોનાની અંદર, સૂર્યનું ચુંબકીય ક્ષેત્ર વધુ મજબૂત બન્યું છે અને તે ત્યાંના કણોની હિલચાલ પર પકડ ધરાવે છે. તેથી અવકાશયાન એવી સામગ્રીથી ઘેરાયેલું હતું જે વાસ્તવમાં સૂર્યના સંપર્કમાં હતું."
સંશોધકો કોરોનાથી આકર્ષાયા છે, કારણ કે અહીં કેટલીક મુખ્ય પ્રક્રિયાઓ થાય છે જે હાલમાં સમજાવી શકાતી નથી.
તેમાંની એક પ્રક્રિયા કાઉન્ટર-ઇન્ટયૂટિવ સુપરહીટિંગની છે. સૂર્યના ફોટોસ્ફિયરમાં તાપમાન આશરે 6,000 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે પરંતુ કોરોનાની અંદર તે આશ્ચર્યજનક રીતે વધીને 10 લાખ ડિગ્રી કે તેથી વધુ સુધી પહોંચી જાય છે.
આ પ્રદેશમાં ચાર્જ થયેલા કણો - ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ભારે આયનોનો બાહ્ય પ્રવાહ અચાનક સુપરસૉનિક પવનમાં ઝડપી બને છે. આ પણ એક કોયડો છે.
જૉન હૉપકિન્સ એપ્લાઇડ ફિઝિક્સ લૅબોરેટરીના નૂર રૌફીએ સમજાવ્યું, "સમસ્યા એ છે કે સૌરપવનને જન્મ આપતી ભૌતિક પ્રક્રિયાઓની છાપો સૌર કોરોનાથી પૃથ્વી અને તેનાથી આગળની મુસાફરી દ્વારા ભૂંસી નાખવામાં આવે છે."
"આની પાછળનું કારણ પાર્કર આ રહસ્યમય પ્રદેશમાંથી ઉડાન ભરીને આપણી પાસે લઈ આવે છે અને આપણને સમજાવે છે કે એ રહસ્યપ્રદેશમાં શું થઈ રહ્યું છે."
પાર્કરની વૈજ્ઞાનિકોની ટીમ વધુ ડેટા એકત્ર કરશે, કારણ કે ભવિષ્યમાં અવકાશયાન સૂર્યની હદમાં કોરોનાની વધુ ઊંડાણમાં ડૂબકી મારીને ડેટા લઈ આવશે, કેમ કે અવકાશયાન છેલ્લે 2025માં ફોટોસ્ફિયરના 70 લાખ કિલોમીટર (40 લાખ માઇલ) સુધી પહોંચી જશે.
પાર્કરની શોધખોળ અને જે અન્ય સૌર વેધશાળાઓમાંથી આવતી માહિતી પૃથ્વી પર રહેતી દરેક વ્યક્તિ સાથે સીધી નિસબત ધરાવે છે.
સૂર્ય તરફથી સૌથી મોટો વિસ્ફોટ આપણા ગ્રહના ચુંબકીય ક્ષેત્રને હલબલાવી શકે છે. પ્રક્રિયામાં સંચાર વિક્ષેપિત થઈ શકે છે, ઉપગ્રહો ઑફલાઇન થઈ શકે છે અને પાવર ગ્રીડ વિદ્યુત ઉછાળા માટે સંવેદનશીલ બની શકે છે.
વૈજ્ઞાનિકો આ "તોફાનો"ની આગાહી કરવાનો પ્રયાસ કરે છે અને પાર્કર તેમાં મદદ માટે નવી અને મૂલ્યવાન માહિતી પૂરી પાડી રહ્યું છે.
મિશનનાં નવીનતમ પરિણામો ન્યૂ ઓર્લિયન્સમાં અમેરિકન જિયોફિઝિકલ યુનિયન ફોલ મીટિંગમાં રજૂ કરવામાં આવી રહ્યાં છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો