અમેરિકાની એ 'ભૂલ' જેના લીધે ચીન હવે વૈશ્વિક મહાસત્તા બની ગયું

    • લેેખક, ફૈસલ ઇસ્લામ
    • પદ, ઇકોનોમિક એડિટર, બીબીસી ન્યૂઝ

વર્ષ 2001માં દુનિયાની ધરીને હલાવી દે તેવી બે ઘટનાઓ ઘટી હતી.

એક તરફ, દુનિયા 9/11ના હુમલાની પ્રતિક્રિયામાં ગૂંચવાયેલી હતી. બીજી તરફ, એના બરાબર ત્રણ મહિના પછી 11 ડિસેમ્બરે, વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યુટીઓ) એક એવી ઘટનાના કેન્દ્રમાં આવ્યું હતું જેની અસર 21મી સદીમાં સમગ્ર વિશ્વ પર પડવાની હતી.

આમ છતા એ ઘટના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

ડબલ્યુટીઓમાં ચીનના જોડાવાથી અમેરિકા, યુરોપ અને એશિયાના મોટા ભાગના દેશોનો ખેલ જ બદલાઈ ગયો. એટલું જ નહીં, ઑઇલ અને ધાતુઓ જેવાં કિંમતી સંસાધનો ધરાવતા દરેક દેશ માટે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ.

આ ઘટનાનું આર્થિક અને ભૂરાજકીય મહત્ત્વ વધારે હતું, પરંતુ સામાન્ય લોકોએ તેના પર ધ્યાન નહોતું આપ્યું.

એ સમયે આર્થિક મંદીએ વિશ્વનો ભરડો લીધો તેના મૂળમાં પણ આની સાથે જોડાયેલું અસંતુલન હતું.

ઉત્પાદનને લગતો રોજગાર ચીનમાં મોકલવાને લઈને જી-7 દેશોમાં પેદા થયેલા સ્થાનિક અસંતોષે રાજકીય નુકસાન પણ કર્યું હતું.

અમેરિકાની આશાઓ પર પાણી ફરી વળ્યું

અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન જેવા નેતાઓએ વચનો ઉચ્ચાર્યાં હતાં કે "લોકશાહીનાં સૌથી મૂર્ત મૂલ્યો પૈકીનાં એક આર્થિક સ્વતંત્રતા"ને ચીનમાં મોકલવાથી વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો આ દેશ રાજકીય સ્વતંત્રતાના માર્ગે પણ આગળ વધશે.

ક્લિન્ટને કહ્યું હતું કે, "જ્યારે લોકો પાસે માત્ર સપનાં જોવાની જ નહીં, પરંતુ તેમનાં સપનાંને સાકાર કરવાની પણ સ્વતંત્રતા આવશે ત્યારે તેમનો અવાજ પણ બુલંદ બનશે."

પરંતુ આ નીતિ નિષ્ફળ ગઈ. ચીન તેની વર્તમાન સ્થિતિ તરફ ઝડપથી આગળ વધ્યું.

ચીન હાલમાં વિશ્વની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને તે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બનવાનું છે એ પણ નિશ્ચિત જ છે.

ડબલ્યુટીઓમાં ચીનનો સમાવેશ કરવાના નિર્ણયમાં ભૂમિકા ભજવનાર યુએસના વ્યાપાર-પ્રતિનિધિ ચાર્લેન બાર્શેફસ્કીએ તાજેતરમાં 'વૉશિંગ્ટન ઇન્ટરનેશનલ ટ્રેડ ઍસોસિયશન'ની પૅનલને જણાવ્યું હતું કે ચીનના આર્થિક મોડલે પશ્ચિમના એ વિચારની અવજ્ઞા કરી છે, જે અનુસાર 'તમે રાજકીય નિયંત્રણ હેઠળ એક નવીન સમાજ ન બનાવી શકો.'

તેમણે કહ્યું, "કહેવાનો અર્થ એ નથી કે ચીનની સંશોધન-ક્ષમતા તેના આર્થિક મોડલથી મજબૂત બની છે. કહેવાનો અર્થ એ છે કે પશ્ચિમી દેશો જે સિસ્ટમને અસંગત માનતા હતા તે સિસ્ટમ વાસ્તવમાં અસંગત સિસ્ટમ નહોતી."

ચીનની સર્વાંગી પ્રગતિ

વર્ષ 2000 પહેલાં, ચીનની ઓળખ વિવિધ પ્લાસ્ટિકની વસ્તુઓ અને સસ્તા સામાનના મુખ્ય ઉત્પાદક તરીકેની હતી. આ વસ્તુઓ જરૂરી હતી પરંતુ તેનાથી ન તો દુનિયા બદલાઈ રહી હતી કે ન તો તમે તેનાથી દુનિયાને હરાવી શકો એમ હતા.

વિશ્વના કારોબારની યાદીમાં ચીનના ઉપર આવવાથી વૈશ્વિક સ્તરે મોટો બદલાવ આવ્યો છે. કામઢી ચીનની વસ્તી, સુપર હાઈ ટેક ફેકટરીઓ, ચીનની સરકાર અને પશ્ચિમી બહુરાષ્ટ્રીય કંપનીઓ વચ્ચેના વિશેષ સંબંધોએ મળીને એટલું શક્તિશાળી જોડાણ બનાવ્યું કે વિશ્વનો ચહેરો જ બદલાઈ ગયો.

ચીન ધીમેધીમે વિશ્વની સૌથી મોટી કંપનીઓની સપ્લાય ચેઇનનો એક ભાગ બની ગયું. ચીન પાસે સસ્તા કામદારોની સેના હતી અને તે પશ્ચિમના ઉચ્ચ જીવનધોરણ માટે જરૂરી દરેક વસ્તુનું ઉત્પાદન કરતી હતી. અર્થશાસ્ત્રીઓ આને 'સપ્લાય શૉક' કહે છે અને તેની અસર ચોક્કસ આઘાતજનક છે. તેની અસર આજે પણ આખી દુનિયામાં જોવા મળી રહી છે.

વિશ્વની અર્થવ્યવસ્થામાં ચીનનો સમાવેશ થતાં મોટી વસ્તીને ગરીબીમાંથી બહાર કાઢવા સહિતની ઘણી મોટી આર્થિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે.

ડબલ્યુટીઓમાં જોડાયા પહેલાં ચીનની પચાસ કરોડની વસ્તી ગરીબી રેખા નીચે જીવતી હતી. આજની વાત કરીએ તો ચીનમાં ગરીબી રેખા નીચે જીવતી વસ્તીનું પ્રમાણ શૂન્ય છે કારણ કે આ સમયગાળા દરમિયાન દેશની અર્થવ્યવસ્થા 12 ગણી વધી છે. ચીનનો વિદેશી મુદ્રાનો ભંડાર 16 ગણો વધીને 2.3 ટ્રિલિયન ડૉલર થઈ ગયો છે.

વર્ષ 2000માં ચીન ઉત્પાદનોની આયાતમાં વિશ્વમાં સાતમા ક્રમે હતું પરંતુ ટૂંક જ સમયમાં તે પહેલા નંબરે પહોંચી ગયું. ચીનમાં અત્યારે આર્થિક વૃદ્ધિનો દર વાર્ષિક 8 ટકા છે પરંતુ એક સમયે તે 14 ટકા સુધી પહોંચી ગયો હતો, ગત વર્ષે તે 15 ટકા પર સ્થિર થયો હતો.

કન્ટેનર જહાજો વૈશ્વિક વેપારની કરોડરજ્જુ છે. ડબલ્યુટીઓમાં જોડાવાથી ચીનમાં આવાગમન કરતાં કન્ટેનરની સંખ્યા 4 કરોડથી વધીને 8 કરોડ થઈ ગઈ હતી. જ્યારે, ડબલ્યુટીઓમાં જોડાયાના એક દાયકા પછી વર્ષ 2011માં ચીનમાંથી આવાગમન કરતાં કન્ટેનરની સંખ્યા ત્રણ ગણી વધીને 12 કરોડને વટાવી ગઈ હતી.

ગયા વર્ષે આ સંખ્યા 24.5 કરોડ હતી. એમાંય ચીનમાં જનારાં અડધાં કન્ટેનર ખાલી હતાં, જ્યારે ચીનમાંથી બહાર નિકળતાં તમામ કન્ટેનર માલથી ભરેલાં હતાં.

ચીનનું માળખું પણ બદલાયું

ચીનનું હાઈવે નેટવર્ક પણ ઝડપથી વિકસ્યું છે. 1997માં ચીનમાં 4700 કિલોમીટર હાઈવે હતા જે 2020માં વધીને 1,61,000 કિલોમીટર સુધીના થઈ ગયા છે. ચીન પાસે અત્યારે વિશ્વનું સૌથી લાંબુ હાઇવે નેટવર્ક છે. આજે ચીનમાં બે લાખથી વધુ વસ્તી ધરાવતાં 99 ટકા શહેરો હાઈવે દ્વારા જોડાયેલાં છે.

આ અદ્યતન માળખાની સાથે ચીનને ઉત્પાદન વધારવા માટે ધાતુઓ, ઈંધણ અને ખનિજોની પણ જરૂર પડે છે. ચીનના ઝડપથી વિકસતા ઑટોમોબાઇલ અને ઈલેક્ટ્રીકલ ઍપ્લાયન્સ-ઉદ્યોગ માટે સ્ટીલ આવશ્યક છે. 2005માં, ચીન સ્ટીલનો પહેલીવાર નિકાસકર્તા દેશ બન્યો હતો અને આજે ચીન વિશ્વનો સૌથી મોટો સ્ટીલનો નિકાસકર્તા દેશ છે.

1990ના દાયકામાં ચીન વાર્ષિક 10 કરોડ ટન સ્ટીલનું ઉત્પાદન કરતું હતું. ડબલ્યુટીઓનું સભ્ય બન્યા બાદ વર્ષ 2012માં ચીને 70 કરોડ ટન સ્ટીલનું ઉત્પાદન કર્યું હતું અને વર્ષ 2020માં ચીને 100 કરોડ ટનનો આંકડો પાર કર્યો હતો.

ચીન હાલમાં વિશ્વના કુલ સ્ટીલ ઉત્પાદનના 57 ટકા ઉત્પાદન કરે છે અને આજે એકલું ચીન એટલા સ્ટીલનું ઉત્પાદન કરી રહ્યું છે, જેટલું સમગ્ર વિશ્વ વર્ષ 2001માં ઉત્પાદન કરતું હતું. ચીને સિરામિક ટાઇલ્સ અને ઉદ્યોગમાં વપરાતી અન્ય ઘણી પ્રોડક્ટના કિસ્સામાં પણ આવી જ ઉપલબ્ધિઓ મેળવી છે.

ચીન ઇલેક્ટ્રૉનિક્સ, કપડાં, રમકડાં અને ફર્નિચરના મામલે નિકાસમાં સૌથી અગ્રણી છે અને તેણે વિશ્વભરના ઉત્પાદકોને કિંમતો ઘટાડવા મજબુર કર્યા છે.

ચીન ડબલ્યુટીઓમાં જોડાયા બાદ અર્થશાસ્ત્રીઓએ ઉત્પાદનોના ભાવમાં આશ્ચર્યજનક ઘટાડો નોંધ્યો હતો.

2000 અને 2005ની વચ્ચે ચીની બનાવટનાં કપડાંની નિકાસ બમણી થઈ ગઈ અને આ સમયગાળા દરમિયાન વૈશ્વિક વેપારમાં ચીનનો હિસ્સો પાંચમા ક્રમેથી ત્રીજા ક્રમે પહોંચ્યો.

2005 બાદ કાપડક્ષેત્રમાં ઉત્પાદન ક્વૉટા દૂર કરવામાં આવ્યો, એ સાથે જ ચીનનો હિસ્સો ઘણો વધી ગયો. જોકે, ચીનમાં મોંઘા ઉત્પાદનને કારણે બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા વિકાસશીલ દેશોમાં ઉત્પાદન વધવા લાગ્યું અને ગયા વર્ષે ચીનનો હિસ્સો 32 ટકા સુધી પહોંચી ગયો.

'ચીનને ડબલ્યુટીઓમાં સામેલ કરવું એ એમની ભૂલ ન હતી'

ચીનના ડબલ્યુટીઓમાં જોડાવા માટે જવાબદાર મંત્રી લોગં યોંગ્ટૂએ છેલ્લા બે દાયકાઓ પર નજર ફેરવતાં સ્વીકારર્યુ, "હું નથી માનતો કે ડબલ્યુટીઓમાં ચીનને સામેલ કર્યુ એ ઐતિહાસિક ભૂલ હતી (યુએસ અને પશ્ચિમી દેશોની), જોકે એના વધારે-ઓછા ફાયદાને લઈને હું સંમત છું. આખું ચિત્ર એવું છે કે જ્યારે ચીનનો પોતાનો વિકાસ થઈ રહ્યો હતો એ સાથે વિશ્વને એક મોટું નિકાસબજાર પણ મળી રહ્યું હતું.''

લોંગ યોંગ્ટૂએ કહ્યું, "જ્યારે સંપત્તિનું વિતરણ સમાન નથી હોતું ત્યારે સ્થાનિક નીતિઓ દ્વારા તે વિભાજનને સુધારવાની જવાબદારી સરકારોની બનતી હોય છે. જોકે એ કરવું સરળ નથી હોતું."

"બીજાને દોષ આપવાનું સહેલું છે, પરંતુ હું નથી માનતો કે અન્યને દોષ આપવાથી સમસ્યાનું સમાધાન થઈ જાય છે. જો ચીન ન હોત તો, અમેરિકાનો ઉત્પાદનઉદ્યોગ મૅક્સિકોમાં જતો રહેત," એમ તેમણે કહ્યું.

એ બાદ તેમણે એક ચાઇનીઝ કાચઉત્પાદકનું ઉદાહરણ ટાંક્યું, જેને અમેરિકામાં ફેકટરી ખોલવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમણે કહ્યું, "ત્યાં કર્મચારી મેળવવાનું ખૂબ જ મુશ્કેલ હતું. તેમણે મને કહ્યું કે અમેરિકન કામદારોનું પેટ મારા કરતાં પણ મોટું છે."

હવે ફરીને વાત ત્યાં આવીને અટકી છે. ચીને ડબલ્યુટીઓમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. અત્યારે બાઇડન સરકાર અગાઉની સરકારી નિયંત્રણવાળી નીતિઓને બદલવામાં કોઈ ઉતાવળમાં નથી.

ચીનને પશ્ચિમની વર્કશોપ તરીકે જોવામાં આવતું હતું, પરંતુ ચીને ડબલ્યુટીઓ સભ્યપદનો ઉપયોગ કરીને ઘણું બધું હાંસલ કર્યું છે.

ઉદાહરણ તરીકે ચીને એવો દાવ ખેલ્યો છે કે જે તેને ઝીરો જળવાયુ પરિવર્તન ઉત્પાદન કરવા માટે જરૂરી રૅર અર્થ મટીરિયલ (એવાં કુદરતી સંસાધનો જે સહેલાઈથી ઉપલબ્ધ નથી) ઉપલબ્ધ કરાવશે.

ચીને પોતાનો ઉદ્યોગ આખી દુનિયામાં ફેલાવ્યો છે અને તેની પાછળ ચીનની સરકાર ઊભી છે.

અમેરિકા ચીનને રાજદ્વારી અને આર્થિક રીતે રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આ માટે તે એશિયા અને યુરોપમાં ગઠબંધન કરી રહ્યું છે.

જેમ કે અમેરિકાના પૂર્વ વેપાર પ્રતિનિધિ, બાર્શેફ્સ્કી કહે છે, "ચીન કેટલાક સમયથી આ ખૂબ જ અલગ માર્ગને અનુસરી રહ્યું છે. તેનો અર્થ શું કરવો? એજ કે રાષ્ટ્ર-કેન્દ્રિત આર્થિક મોડલને મજબૂત બનાવવું."

આમાં નિર્દેશિત ઉદ્યોગોને ભારે સબસિડી આપવામાં આવે છે. ચીન એક મહાસત્તા તરીકે ઊભરી રહ્યું છે અને આ નવા યુગનું નેતા બની રહ્યું છે, જેને તે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ કહે છે. અહીં બહુ સંભાળવા જેવું છે. ડબલ્યુટીઓ એ બધું સંભાળી શકતું નથી."

હવે 20 વર્ષ બાદ જેના પર વધારે ધ્યાન આપવામાં આવ્યું નહોતું એવા નિર્ણયે દુનિયા બદલી નાખી છે. ચીન માટે આ એક મોટી સફળતા સાબિત થઈ છે. પશ્ચિમી દેશોની ભૌગોલિક રાજકીય વ્યૂહરચના નિષ્ફળ ગઈ છે.

આર્થિક દૃષ્ટિકોણથી કહી શકાય કે આ નિર્ણયને કારણે પશ્ચિમી દેશો ચીન જેવા બની રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો