You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દેવ પગલી ગાયક કઈ રીતે બન્યા? 'માટલા પર માટલું' ગીતની કહાણી શું છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
'દેવ પગલી' આ નામથી કદાચ ગુજરાતના મોટા ભાગના સંગીતપ્રેમીઓ વાકેફ હશે. તેમણે પોતાની ગાયક તરીકેની સફર અંગે બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે ખાસ વાતચીત કરી છે.
જેમાં તેમણે પોતાના જીવનની કેટલીક જાણી-અજાણી રસપ્રદ વાતો જણાવી છે.
આ વાતચીતમાં તેમણે જણાવ્યું કે તેમનું ક્રિકેટર બનવાનું અને ભારત માટે રમવાનું સપનું હતું.
તો પછી ક્રિકેટર તરીકે કારકિર્દી બનાવવા માગતા આ યુવાન સંજોગો નાલીધે ગાયક કઈ રીતે બની ગયા, જાણો તેમની કહાણી તેમના જ શબ્દોમાં.
જ્યારે દેવ પગલી ઘરેથી નાસી છૂટ્યા...
ગાયક દેવ પગલી જણાવે છે કે હું ઘરેથી નાસી છૂટ્યો હતો અને ત્યારે કલાકાર અથવા ક્રિકેટર બનવાનું સપનું લઈને નીકળ્યો હતો.
ક્રિકેટર બનવા માટેના પ્રયત્નો અંગે કહ્યું કે, "સપનું પૂરું કરવા માટે હું યુસૂફ અને ઇરફાન પઠાણના પિતાને વડોદરા જઈને મળી આવ્યો હતો."
"મેં નયન મોંગિયાને પણ મળવાની કોશિશ કરી, પરંતુ તેઓ તે સમયે મને ઘરે નહોતા મળ્યા."
"હું ઘરેથી તો આ બે સપનાં લઈને ભાગ્યો હતો; પરંતુ પછી મને જાણવા મળ્યું કે ક્રિકેટર બનવા માટે ઘણી મહેનત કરવી પડશે અને તે ખૂબ કપરું પણ હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કલાકાર બનવા પાછળની પ્રેરણા અંગે જણાવતાં કહે છે, "ડિસામાં જ્યારે હું ક્રિકેટની પ્રૅક્ટિસ કરતો, ત્યારે મને લખવાનો પણ શોખ હતો."
"તે વાંચીને મારા કેટલાક મિત્રોએ મને કલાકાર તરીકે કારકિર્દી ઘડવા માટે પ્રેર્યો; અને એ સપનું લઈને જ હું આગળ વધ્યો અને કલાકારોને મળવાનું શરૂ કર્યું."
'વિનોદ રાઠોડે ભવિષ્ય ભાખ્યું'
ગાયક બનવા માટે પાતે કરેલા સંઘર્ષ વિશે વાત કરતાં દેવ પગલી જણાવે છે કે, "વર્ષ 2007માં આરાસુરના ધામમાં, એવા નામે પ્રથમ ગીત ગાયું; પરંતુ તે બનાવવા માટે મારા ગામના લોકોએ અને મિત્રોએ ફાળો ઉઘરાવીને પાંચ હજાર રૂપિયા કરી આપ્યા."
"આમ છતાં નાણાંના અભાવમાં તે આલ્બમ રિલીઝ ન થયો. ત્યાર બાદ સંઘર્ષ કરતાં-કરતાં મુંબઈ પહોંચ્યો, જ્યાં બોલીવુડ ગાયક વિનોદ રાઠોડ મળ્યા જેમણે મારી સાથે કામ કરતી વખતે ભવિષ્ય ભાખ્યું કે 'બચ્ચા, એક દિન તું ગાયક બનેગા!'"
દેવ પગલી કહે છે કે, "મને ક્યારેય મારાં ગીતો ચાલે તો કોઈ અભિનંદન માટે ફોન કરતું નથી. પરંતુ હું તમામને ફોન કરીને અભિનંદન પાઠવું છું."
તેઓ કહે છે કે તેમણે પણ અમેરિકાની જેમ બધું ઊંધુ કરવાનું મન બનાવી લીધું છે.
આ વાત અંગે સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે કે, "મેં મારા હિટ ગીત લાખ રૂપિયાનો ઘાઘરોમાં ઘાઘરો બતાવ્યો જ નથી, તેવી જ રીતે માટલા પર માટલું ગીતમાં પણ માટલું નથી બતાવ્યું. મેં એવાં જ ગીતો બનાવ્યાં, જે સાંભળીને લોકો ઝૂમી ઊઠે. લોકો નાચવા જોઈએ બસ!"
પોતાનાં ગીતોને મજેદાર બનાવવા પાછળ થતાં ખર્ચ અંગે વાત કરતાં દેવ પગલી જણાવે છે કે, "એક આલ્બમ બનાવવા પાછળ બેથી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થઈ જતો હોય છે. પરંતુ ગીત મજેદાર બને તે માટે હું કોઈ બાંધછોડ નથી કરતો."
"જો જરૂર પડે તો હું મારા ખિસ્સાના પૈસા રોકીને પણ સારું ગીત બનાવું છું. જે લોકોને જોવાનું ગમે."
"આમ છતાં ઘણી વખત એવું બને છે કે કોઈ ટાઇટલને ધારી સફળતા ન મળે. મેં હિટ કરતાં ફ્લોપ ટાઇટલ વધુ આપ્યાં છે."
કોરોના મહામારી શરૂ થઈ એ અગાઉ અમુક હિટ ગીતો આવવાના કારણે દેવ પગલી પાસેથી નિર્માતા કંપનીની અપેક્ષા વધી ગઈ હતી.
પરંતુ કોરોના દરમિયાન તેમનાં ગીતો ન ચાલી રહ્યાં હોવાથી તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
તેઓ પોતાના જીવનના એ સમય અંગે વાત કરતાં જણાવે છે કે, "લાખ રૂપિયાનો ઘાઘરો ગીત પછી અપેક્ષાઓ વધી ગઈ હતી. પરંતુ કોરોનાના કારણે લગભગ પાયમાલી આવી ગઈ હતી."
"તે દરમિયાન પણ મેં હિંમત ન હારી અને ફ્લોપ ગયેલાં ગીતોની ભૂલો પરથી શીખ્યો અને ફરીથી બમ્પર હિટ ગીતો સાથે પાછો ફર્યો છું."
તેઓ ગીતોને લયબદ્ધ કરવાની પોતાની ખાસિયત વિશે વાત કરતાં કહે છે કે, "ઈશ્વરની દયાથી હું સારી લય ક્ષણોમાં બનાવી શકું છું. લય બનાવી તેના પર ગુજરાતી શબ્દો પરોવું છું. અને જે બહાર આવે છે એ લોકોને ગમી જાય છે."
'શરૂઆતનાં ગીતોમાં કૂતરાંની ચેઇન પહેરી'
મોટા ભાગનાં ગીતોમાં દેવ પગલીનાં કપડાં ખૂબ જ રંગબેરંગી હોય છે.
આ પાછળનું કારણ જણાવતાં દેવ પગલી કહે છે કે, "આ દુનિયા કલરની છે. જ્યાં જરૂર હોય ત્યાં હું કલર કરું છું. પરંતુ કૅમેરા બંધ થતાં હું એક સાદો માણસ બની જાઉં છું."
"જો કલર ન હોય અને તમે એકદમ સાદા-સિમ્પલ રહેશો તો તમારી ગણતરી નહીં કરવામાં આવે. તેથી જ્યાં જરૂર હોય ત્યાં હું કલર કરું છું."
તેમના ગળામાં રહેલી ચેઇન પહેરવા પાછળનું કારણ જણાવતાં દેવ પગલી કહે છે કે, "રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ ગાયકોને જોઈને મને પણ લાગ્યું કે મારે પણ મારાં ગીતોમાં ચેઇન પહેરવી જોઈએ. પરંતુ એ કલાકારો જેવી મોટી ચેઇન ખરીદવાના મારી પાસે પૈસા નહોતા. તેથી મેં કૂતરાની ચેઇન પહેરી અને હિટ ગીતો આપ્યાં."
તેમણે કહ્યું કે, "જે-તે કંપી ગીત ગાવા માટે પૈસા આપે એ જ અમારી આવક. બાકી ગીત કેટલું ચાલ્યું, કેટલું જોવાયું તેના આધારે આવક જે-તે કંપનીને થાય છે. એમાં અમારે કોઈ લેવાદેવા હોતા નથી."
દેવ પગલી ગીતોને લયબદ્ધ કરતી વખતે પોતાના દર્શકોને ધ્યાનમાં રાખતાં હોવાનું જણાવે છે.
તેઓ કહે છે કે, "ઘણાં બધાં નાનાં બાળકો મારાં ગીતોને પસંદ કરે છે. તેમને મનોરંજન પૂરું પાડવા માટે હું ગીત બનાવું છું. હું જે કરું છું તે તેમને ધ્યાને રાખીને જ કરું છું. ના કે યૂટ્યૂબના દર્શક વર્ગને."
ગાયક દેવ પગલીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ ભવિષ્યમાં ક્યારેય રાજકારણમાં જોડાવવાની ઇચ્છા ધરાવ છે કે કેમ?
તો તે અંગે જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે, "રાજકારણમાં આગળ જઈને તમારી સાથે ક્યારે રાજકારણ રમાઈ જે એ ખબર ન પડે. તેથી હાલ એવો કોઈ વિચાર નથી."
કેમ રાખ્યું 'દેવ પગલી' નામ?
તેઓ પોતાના નામની પાછળ 'પગલી' લગાવે છે. તે અંગે સ્પષ્ટતા કરતાં તેઓ ભાવુક થઈ જાય છે.અને કહે છે કે, "હું જ્યારે કલાકાર બનવા માટે ઘરેથી નીકળ્યો, ત્યારે મારા પિતા દોઢ વર્ષ સુધી માનસિક રીતે અસ્થિર હતા અને પછી તેમનું મૃત્યુ થયું હતું."
"જેનો દોષ ગામલોકોએ મને આપ્યો. મને કહેવાયું કે તારી કલાકાર બનવાની ઘેલછાના કારણે તારા પિતાની તું સેવા ન કરી શક્યો અને તેઓ ગુજરી ગયા."
"એ દિવસથી મેં ગામ છોડ્યું અને મારી માતાને કહ્યું કે હું ત્યારે જ અહીં પાછો ફરીશ, જ્યારે આ ગામનું નામ રોશન કરીશ. મારા જીવનની આ હકીકતને અભિવ્યક્ત કરવા માટે મેં મારા નામ પાછળ પગલી લગાવ્યું છે."
તમારી પાસે પણ તક છે તમારી સફળતા વિશે દુનિયાને કહેવાની અને પ્રેરણા આપવાની!
તમે પણ કંઈક હાંસલ કર્યું હોય અથવા તમે એવી કોઈ વ્યક્તિને જાણતા હોવ તો, નીચેની માહિતી સાથે અમારો સંપર્ક કરો [email protected]
- પૂરું નામ:
- ઉંમર:
- તમે કોને નૉમિનેટ કરવા માગો છો? : પોતાની જાતને/ કોઈ બીજાને
- જો કોઈ અન્ય વ્યક્તિને નૉમિનેટ કરતા હો તો એમની સાથેનો તમારો સંબંધ :
- તમારી પ્રેરણાત્મક કહાણી વિશે જણાવો:
- સંપર્ક નંબર:
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો