You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હર-હર શંભુ... વાઇરલ ગીત ગાનારાં ફરમાની નાઝે કહ્યું - 'ભજન ગાઈ દેવાથી હિંદુ નથી બની ગઈ'
- લેેખક, બુશરા શેખ
- પદ, બીબીસી સંવાદદાતા
- હર-હર શંભુ ભજન ગાનારાં મુસ્લિમ ગાયિકા ફરમાની નાઝ અંગે તાજેતરમાં તેઓ હિંદુ ધર્મ અપનાવવાનાં છે તેવી અફવા ફેલાવાઈ હતી
- ફરમાની નાઝે આ મામલે કહ્યું હતું કે જો તેઓ ભજન ગાય છે તેનો મતલબ એ નથી કે તેઓ હિંદુ બની ગયાં
- આ વાત અંગે સ્પષ્ટતા કરવાની સાથે ફરમાની નાઝે પોતાના જીવનની કેટલીક ઓછી જાણીતી વાતો બીબીસી સાથે શૅર કરી હતી, વાંચો સમગ્ર સ્ટોરી
"અમે 'નાત' (સ્તુતિ) કે 'ભજન' જે પણ ગાઈએ છીએ તો એવું નથી કે જો 'નાત' કોઈ હિંદુ સાંભળી લે તો તે મુસમાન થઈ જાય અને "ભજન" કોઈ મુસ્લિમ સાંભળી લે તો તે હિંદુ થઈ જાય."
"એવું નથી કે મેં ભજન ગાયું તેના કારણે હું હિંદુ થઈ ગઈ." આ કહેવું છે ફરમાની નાઝનું, જેઓ એક ગાયિકા છે અને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાનાં રહેવાસી છે.
હાલમાં જ તેઓ "હર-હર શંભુ" ભજન ગાવાને લઈને ચર્ચામાં છે.
એવા સમાચાર છે કે તેમના વિરુદ્ધ ફતવો પણ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, તેઓ ફતવાની વાતને ફગાવે છે.
"ફતવો બિલકુલ નથી અને ન કોઈ મૌલવી કે ઉલેમાએ એવું કંઈ કહ્યું છે કે આના પર ફતવો જાહેર કરો. જે ગામમાં હું રહું છું તે સમગ્ર ગામ મુસ્લિમોનું છે અને જો કોઈ ફરમાની નાઝ વિશે પૂછે છે તો ગર્વભેર કહે છે કે તેઓ અમારા ગામનાં છે. જોકે તેઓ જાણે છે કે હું ગીતની સાથોસાથ ભજન પણ ગાઉં છું."
ફરમાની નાઝ વિશે સોશિયલ મીડિયા પર એક ઍકાઉન્ટે દાવો કર્યો હતો કે તેઓ હિંદુ ધર્મ અપનાવવાનાં છે.
આ વિશે તેઓ કહે છે કે, "મેં જોયું છે કે અમુક વ્યક્તિએ મારા નામની ફેક આઈડી બનાવીને એવું ટ્વીટ કર્યું છે કે હું હિંદુ ધર્મ અપનાવવાની છું ને મારા પૂર્વજ પણ હિંદુ હતા, એવું કંઈ જ નથી."
"આવા લોકો વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ અને કાયદામાં આવા લોકો માટે કડક સજા હોવી જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ આગળ કહે છે કે, "હું મારો ધર્મ કેમ બદલું, તમામ ધર્મ સારા છે. હું એક કલાકાર છું, તમામને પોતાનાં ભજન અને ગીત સંભળાવું છું તેથી તે સાંભળવાવાળા પણ તમામ ધર્મના છે, એવું નથી કે તેઓ મને એટલા માટે સાંભળે છે કે હું મુસ્લિમ છું અને ભજન ગાઉં છું."
"તેમને મારો અવાજ સારો લાગે છે. અમે ગરીબ લોકો છીએ, ગામમાંથી અહીં સુધી આવ્યા છીએ."
લગ્ન અને આર્થિક તંગી
તેઓ જણાવે છે કે તેમનાં લગ્ન 2018માં થયાં પરંતુ લગ્નના બે-ત્રણ માસ બાદ જ પતિનો અન્ય કોઈ મહિલા સાથે સંબંધ બંધાયો. એ લગ્નથી તેમનો દીકરો થયો જે હાલ ત્રણ વર્ષનો છે.
ફરમાની રડમસ અવાજમાં જણાવે છે કે, "જ્યારે તે પેદા થયો તો તેના નાક અને મોઢાનો રસ્તો એક જ હતો, તે જે ખાતો તે નાકની નળીમાં પાછું આવતું. જ્યારે દીકરો પેદા થયો તો મને ટોણાં મારવામાં આવ્યાં કે આ કેવું બાળક પેદા કર્યું છે, જે આટલું બીમાર છે."
"તે બાદ તેઓ મને બાળકના ઇલાજ માટે માર ઘરેથી પૈસા લાવવાનું કહેવા લાગ્યા. પૈસાના કારણે તેઓ મને વધુ ને વધુ પરેશાન કરતા રહ્યા જેના કારણે હું ડિપ્રેશનમાં જતી રહી."
"જૂન 2019માં હું ત્યાંથી પોતાના ઘરે પાછી ફરી, મેં રાહ જોઈ કે કદાચ તેઓ આવે પરંતુ તેઓ ન આવ્યા."
ફરમાનીનો આરોપ છે કે તેમના શૌહરે તલાક વગર બીજાં લગ્ન કરી લીધાં છે.
તેઓ કહે છે કે, "મારું પિયર પણ ગરીબ હતું, મારાં માતાપિતાની હાલત એવી નહોતી કે તેઓ મારો અને મારા બાળકનો ખર્ચ ઉઠાવી શકે. આવી પરિસ્થિતિમાં એક મા શું કરે."
ફરમાની નાઝના પરિવારમાં તેમના ભાઈ ફરમાન પણ ગાયક છે.
ફરમાની સાથે તેમના ભાઈ પણ વીડિયોમાં ગીત ગાય છે. ફરમાની જણાવે છે કે ગાવાની શરૂઆત તેમના ભાઈ સાથે જ થઈ.
કેવી રીતે બન્યાં ગાયિકા?
ફરમાની નાઝ જણાવે છે કે તેમણે ગાયકીની શરૂઆત 2019માં કરી હતી. તે જ સમયથી ભજન, ફિલ્મી ગીતો, નાત ગાય છે.
તેઓ કહે છે કે, "મારો અવાજ બાળપણથી જ સારો હતો. સ્કૂલમાં માસ્તર પણ મારાંથી અને મારા ભાઈથી દેશભક્તિનાં ગીતો અને નઝમ સાંભળતાં હતાં."
"અમારો અવાજ એટલો સારો હતો કે તેમણે અમારાં માતાપિતાને કહ્યું કે તેમનો અવાજ સારો છે તેમના પર ધ્યાન આપો. પરંતુ ગામમાં આવું નથી થતું, બસ આઠમું ભણી લીધું અને પૂરું."
"પિયર આવ્યા બાદથી જ હું મારા દીકરાના ઇલાજને લઈને ચિંતાતુર રહેતી. એક દિવસ રાહુલકુમાર નામના યૂટ્યૂબરે મને ગાતાં સાંભળી અને મારો વીડિયો બનાવીને તેમના વીડિયો ચેનલ પર નાખી દીધો."
"તે વીડિયો વાઇરલ થઈ ગયો. તે ગીત હીર રાંઝા ફિલ્મનું હતું, મિલો ના તુમ તો દિલ ઘબરાએ..."
ફરમાની જણાવે છે કે આ વીડિયો કુમાર સાનૂએ પણ જોયો અને તેમણે ભેટ સ્વરૂપે રિયાજ માટે હારમોનિયમ મોકલ્યું.
પછી ગાયનનો સિલસિલો શરૂ થઈ ગયો. અને તેમની ટીમે મળીને સ્ટુડીયો બનાવ્યો, અને તેઓ નજમ અને ગીતો ગાવાં લાગ્યાં.
ફરમાનીએ સંગીતની કોઈ પણ ઔપચારિક શિક્ષા નથી લીધી, પરંતુ તેઓ "ઇન્ડિયન-આઇડલ સિઝન-12"માં પ્રતિસ્પર્ધી રહી ચૂક્યાં છે.
તેઓ જણાવે છે કે, "ઇન્ડિયન-આઇડલ"માં હું ઘણા રાઉન્ડ સુધી પહોંચી. મને ગોલ્ડન ટિકિટ પણ મળી. પરંતુ તે સમયે જ મારા બાળકની તબિયત ખરાબ થઈ અને મારે પાછું ફરવું પડ્યું."
યુટ્યૂબ ચેનલ પર છવાયાં ફરમાની
ફરમાની નાઝની આજે ઘણી યૂટ્યૂબ ચેનલ છે.
તેઓ કહે છે કે, "હવે હું યૂટ્યૂબ થકી કમાણી કરું છું. મારા પરિવારમાં માતા-પિતા સહિત કુલ પાંચ સભ્યો છે. તેમની બધાની જવાબદારી મારા પર છે."
"હવે પહેલાં કરતાં જીવન સારું છે, સારું ભોજન મળે છે, સારાં કપડાં પણ છે."
ફરમાની કહે છે કે કલાને ધર્મ સાથે જોડીને ન જોવી જોઈએ.
તેમણે કહ્યું, "કલાને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. એવું નથી કે મેં ભજન ગાયું તે કારણે હું હિંદુ થઈ ગઈ. મારો અવાજ પસંદ કરનારા તમામ ધર્મના છે. ઘર પર હોઉં છું ત્યારે ત્યાં નમાજ, કુરાન પણ પઢું છું, રોજા પણ રાખું છું."
"હું માત્ર એવું જ કહી આવી વાતો ન થાય. અમે બધા ભારતીયો છીએ. તમામે એક સાથે મળીને રહેવું જોઈએ. એકતા જાળવી રાખવાની છે. આવી રીતે નજમ કે ભજન ગાવા મામલે વિવાદ ઊભો કરવો એ યોગ્ય નથી."
ફરમાની અંતે કહે છે કે તેઓ આગળ પણ ફિલ્મનાં ગીતો સાથે ભજન અને નજમ ગાતાં રહેશે.
તેઓ કહે છે કે, "મુહર્રમ અને જન્માષ્ટમી માટે અમે કવ્વાલી અને ભજન બંને બનાવી રહ્યાં છે. મને આશા છે કે લોકોને આ પસંદ પડશે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો