'પહેરેલાં કપડે જ દેશ છોડી દો', 50 વર્ષ પહેલાં ગુજરાતીઓને યુગાન્ડામાંથી કેમ ભાગવું પડ્યું હતું?

યુગાન્ડાના સરમુખત્યાર ઇદી અમીન દ્વારા એશિયનોને તેમના દેશમાંથી ભાગવાની ફરજ પાડવાનાં પચાસ વર્ષે બ્રિટનમાં સ્થાયી થયેલા કેટલાક ગુજરાતીઓ એ ભયાવહ સમયને યાદ કરે છે.

ઑગસ્ટ 1972માં હજારો એશિયનોને ખિસ્સામાં માત્ર 50 પાઉન્ડ અને એક સૂટકેસ લઈ જવાની મંજૂરી સાથે દેશ છોડી દેવા માટે માત્ર 90 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. તેમાં ઘણા ગુજરાતીઓ હતા.

ફરમાન છૂટ્યું ત્યારે ભાવના પટણી માત્ર 13 વર્ષનાં હતાં.

તેમણે નદીઓમાં તરતા મૃતદેહો જોયા હતા અને પલાયન કરી ગયેલા તેમના પરિવારને શોધવા સશસ્ત્ર અધિકારીઓ પાછળ લાગ્યા હતા.

ભાવનાબહેન કહે છે, "હું કમ્પાલામાં શાળામાં હતી અને અમારા શિક્ષકોએ અમને જાહેરાત વિશે જણાવ્યું ત્યારે અમે પિકનિક પર હતાં. મારાં માટે એકદમ અવિશ્વસનીય સમાચાર હતા."

ભાવના પટણીનો પરિવાર કોવેન્ટ્રીમાં સ્થાયી થયો છે. તે પૂર્વ યુગાન્ડામાં આવેલા ટોરોરોમાં તેલ અને સાબુની ફેક્ટરી ચલાવતો હતો. ભાવનાબહેન કહે છે, "અમને કહેવામાં આવ્યું હતું કે પહેર્યાં કપડે જ દેશ છોડી દો."

સંક્ષિપ્તમાં : ગુજરાતીઓને જ્યારે યુગાન્ડામાંથી રાતોરાત હાકી કઢાયા

પાંચેક દાયકા પહેલાં એશિયનો યુગાન્ડામાં આબાદ થયા હતા અને દેશના અર્થતંત્રમાં એમનો ભારે દબદબો હતો.

આ એશિયનોમાં મોટા પ્રમાણમાં ભારતીયો હતા અને ભારતીયોમાં પણ ગુજરાતીઓ બહુમતીમાં હતા. જોકે, 972માં 50 હજારથી વધુ એશિયનોને 'યુગાન્ડાના પૈસાને દોહી' લેવાનો આરોપ લગાવતાં સૈન્યસરમુખત્યાર ઈદી અમીને હાકી કાઢ્યા હતા.

સરમુખત્યારના આદેશ બાદ હજારો ગુજરાતીઓએ રાતોરાત યુગાન્ડા છોડી દેવું પડ્યું હતું. એ વખતે એમની સાથે શું હતું હતું? વાંચો એમની કહાણી....

એક સૂટકેસમાં જરૂરી સામાન પૅક કરીને પરિવાર કેન્યા જવા નીકળ્યો હતો ત્યાં શહેરના રેલવેસ્ટેશન પર તેમને 'ત્રણ મશીનગનધારી જવાનોએ રોક્યા' અને તેમની જડતી લેવાઈ.

ભાવનાબહેને જણાવ્યું હતું કે, "અમે કોઈ પૈસા કે કિંમતી ચીજવસ્તુઓ તો સાથે નહોતા લઈ જઈ રહ્યાંને તેની ખાતરી કરવા તેમણે દરેક બૅગ તપાસી."

તેઓ ઉમેરે છે, "હવે તો તે એક સ્વપ્ન જેવું લાગે છે, કેમ કે તમે જીવન અને સપનાં સાથે આગળ વધો છો, પરંતુ એ સમયે ચોક્કસપણે આ બધું ભારે ડરામણું હતું."

90 દિવસની મુદત સાથે સરમુખત્યાર ઈદી અમીન દ્વારા એક એવી "ભયાનક" જાહેરાત પણ કરવામાં આવી હતી કે અપરિણીત એશિયન છોકરીઓ દેશ છોડી શકશે નહીં.

આ ફરમાનને પગલે ગુજરાતીઓમાં ભયની કંપારી છૂટી ગઈ હતી. જોકે ભાવના પટણી કહે છે કે જોકે એ આદેશનો અમલ થયો નહોતો.

પટણી પરિવાર આગળ જતાં બ્રિટન ગયો અને કોવેન્ટ્રીમાં સ્પ્રિંગડેલ યોગર્ટ ફેકટરી ખોલી.

ભાવનાબહેન કહે છે, "પૈસા અને સંપત્તિ ગઈ એનાથી તો કોઈ વિશેષ ફરક પડતો નથી. મને લાગે છે કે પરિવાર અને મિત્રોની એકતા અને પ્રેમ છે જેણે અમને એક તાંતણે બાંધી રાખ્યાં છે."

બ્રિટિશ ઑવરસિઝ પાસપૉર્ટ સાથે લગભગ 30,000 જેટલા યુગાન્ડાના એશિયનો યુકે પહોંચ્યા હતા અને લગભગ તમામ શરણાર્થીઓને આશ્રય આપવામાં આવ્યો.

શરણાર્થીઓમાં ન્યુનેટનમાં રહેતા ઝકયુ બદાણી પણ હતા.

ઝકયુ કહે છે, "ઈદી અમીનની જાહેરાતને શરૂઆતમાં મજાક તરીકે ગણવામાં આવી હતી. અમે તેના પર વિશ્વાસ કર્યો ન હતો. પરંતુ આખરે અમારા પરિવારે નવેમ્બર 1972માં મસાકા શહેર છોડવું પડ્યું હતું."

તેમના પિતાને સૈનિક વાહનને ઓવરટેક કરવા બદલ રસ્તામાં આંતરીને સૈનિકો દ્વારા માર મારવામાં આવ્યો હતો.

વૉરવિકશાયરમાં લીમિંગ્ટન સ્પા નજીક ગેડનમાં પુનર્વસન શિબિરમાં આવતાં તેમના પરિવારને સલાહ આપવામાં આવી હતી કે "ન્યુનીટન અથવા બેડવર્થ રહેવા માટે સારી જગ્યા રહેશે."

તેઓ ઉમેરે છે, "આમ અમે ન્યુનીટનમાં આવનારા પ્રથમ યુગાન્ડાના એશિયન બન્યા. અમે આજે ખૂબ ખુશ છીએ, અમે આ શહેરને અમારા ઘર તરીકે અપનાવી લીધું છે."

મસાકા શહેરના સુરેશ શાહ પણ કહે છે કે તેમનો પરિવાર યુગાન્ડા અને તેમના કરિયાણાનો વ્યવસાય છોડીને "ખૂબ દુઃખી" હતો.

77 વર્ષીય સુરેશ શાહ કહે છે, "અમારે અમારી કાર, અમારી દુકાન અને અમારો સુંદર દેશ છોડી દેવો પડ્યો."

ભાવના પટણીની જેમ સુરેશ શાહ અને તેમનો પરિવાર કૉવેન્ટ્રીમાં સ્થાયી થયો છે.

સુરેશભાઈ કહે છે કે પાંચ વર્ષની અંદર તેમના પરિવારે ભારતીય ચીજવસ્તુઓના વેપારની દુકાન ખરીદી લીધી હતી અને તેઓ આજે પણ તેને ચલાવવામાં મદદ કરે છે.

તેઓ કહે છે, "હું લગભગ ત્રણ વર્ષ પહેલાં મસાકા પાછો ગયો હતો. મારી પાસે સારી યાદો છે, પરંતુ તે ભાવુક હતી."

ઈદી અમીને એશિયોને કેમ હાકી કાઢ્યા હતા?

'યુગાન્ડાના પૈસાને દોહી' લેવાનો આરોપ લગાવતા સૈન્યસરમુખત્યાર ઈદી અમીને 1972માં 50 હજારથી વધુ એશિયનોને દેશમાંથી હાંકી કાઢ્યા હતા.

સત્તાનાં સૂત્રો સંભાળતાં ઈદી અમીને આદેશ આપી દીધા કે દેશમાં જેટલા પણ એશિયન સમુદાયના લોકો રહે છે તેમણે વસ્તીગણતરીમાં ફરજિયાત નામ નોંધાવવું પડશે.

એશિયોનોમાં સૌથી વધુ ભારતીયો અને ભારતીયોમાં પણ સૌથી વધુ ગુજરાતીઓનો સમાવેશ થતો હતો.

અમીને એવો આરોપ લગાવ્યો કે એશિયન સમુદાય લાંચ, ભ્રષ્ટાચાર, હવાલા કૌભાંડ, કરચોરી, દાણચોરી, દગાખોરીમાં લિપ્ત છે.

એવું મનાય છે કે તેમના શાસનમાં લગભગ ચાર લાખ લોકોની હત્યા કરવામાં આવી હતી.

વર્ષ 1979માં તાન્ઝાનિયાના સૈન્ય દ્વારા તેમને યુગાન્ડાથી ખદેડી મૂકવામાં આવ્યા. આ બાદ અમીને લિબિયા અને સાઉદી અરેબિયામાં આશરો લીધો.

16 ઑગસ્ટ 2003ના રોજ અમીનનું સાઉદી અરેબિયાના જેદાહ ખાતે નિધન થયું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો