'નો ઇંગ્લિશ, ઑન્લી બારમું પાસ', અમેરિકા જવા IELTSનાં સર્ટિફિકેટ મેળવનાર ગુજરાતી કેવી રીતે પકડાયા?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમેરિકાની પોલીસે 'ફાંકડું અંગ્રેજી બોલતા આવડતું હોવાનાં સર્ટિફિકેટ' ધરાવતા ગુજરાતી યુવાનોને કોર્ટમાં જજ સમક્ષ રજૂ કર્યા. જજે આરોપી યુવાનોને પ્રશ્ન કરતાં તેઓ તરત બોલી પડ્યા, "નો ઇંગ્લિશ, ઑન્લી બારમું પાસ".

અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયેલા આ તમામ યુવાનો પાસે IELTSની પરીક્ષામાં આઠ બૅન્ડ મેળવ્યા હોવાનાં સર્ટિફિકેટ હતાં. પરંતુ તેમને અંગ્રેજી બોલતા કે સમજતા ન આવડતું હોવાની વાત જાણી જજ ચોંકી ગયા અને આ મામલાની વધુ તપાસના આદેશ આપી દીધા.

વિદેશમાં મોટી સંખ્યામાં વસી સ્વદેશ કાજે નાણાકીય સંસાધનો એકઠાં કરવા માટે ખ્યાત ગુજરાતી યુવાનો સિવાય ઘણા એવા પણ હોય છે, જેઓ ગમે તે ભોગે (ભ્રષ્ટાચાર અને ગુનો આચરીને) વિદેશમાં જઈ પોતાની કારકિર્દી ઘડવા માગે છે.

આ જ ચાર યુવાન કૅનેડા થઈ સેન્ટ રેજિસ નદી મારફતે અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે સમયે તેમની બોટ ડૂબવા લાગી અને અમેરિકન પોલીસે તેમને માંડમાંડ બચાવ્યા, પરંતુ પોલીસને અંગ્રેજી ન સમજાતી હોવાની જાણ થતાં તેમની પોલ ખૂલી ગઈ.

કથિતપણે આ યુવાનોએ અમેરિકામાં કારકિર્દી ઘડવાની લ્હાયમાં IELTSનાં સર્ટિફિકેટ મેળવી અને કૅનેડા થઈને અમેરિકા જવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા હોવાના આરોપ મુકાઈ રહ્યા છે.

અમેરિકામાં ઘૂસવા જતાં જીવ તાળવે ચોંટ્યો

આ ચારેય પાસે ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લૅંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ (IELTS)ની પરીક્ષામાં ડિસ્ટિન્ક્શન સાથેનાં સર્ટિફિકેટ હતાં, પણ બીજા કોઈ ડૉક્યુમૅન્ટ ન હતા, એટલે અમેરિકાની કોર્ટે એમને બીજા ડૉક્યુમૅન્ટ કયા છે એ વિશે સવાલ પૂછ્યા, પરંતુ અંગ્રેજી સમજવા અને બોલવામાં તેઓ અસક્ષમ હોવાનું જણાવ્યું.

અમેરિકન સરકારે ભારતના દૂતાવાસને આ ચાર છોકરાની જાણ કરી અને તેમની વધુ તપાસ કરવાનું જણાવવામાં આવ્યું. ભારતીય દૂતાવાસે મહેસાણા પોલીસને આ મામલાની તપાસના આદેશ આપ્યા.

આ કેસના તપાસાધિકારી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ના પીઆઈ ભાવેશ રાઠોડે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "જ્યારે આરોપી યુવાનોને અમેરિકાની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા, ત્યારે જજને શંકા ગઈ અને હિન્દી ટ્રાન્સલેટરની મદદથી એમની કોર્ટમાં જુબાની લેવાઈ તો એમણે કહ્યું કે એ લોકો 22 એપ્રિલે કૅનેડા આવ્યા અને 28 એપ્રિલે ગેરકાયદેસર એજન્ટની મદદથી બૉટમાં બેસીને અમેરિકામાં ઘૂસવાના પ્રયાસ દરમિયાન પોલીસ ડૂબતી બૉટમાંથી તેમને બચાવ્યા હતા."

"જજે આ સમગ્ર મામલે ક્રિમિનલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશનને તપાસનું કામ સોંપ્યું એટલે મુંબઈના અમેરિકન દૂતાવાસે અમને આ કેસની તપાસ કરવા કહ્યું."

પીઆઈ ભાવેશ રાઠોડ અત્યાર સુધી તપાસમાં સામે આવેલ વિગતો જણાવતાં કહે છે કે, "અમે તપાસ કરી તો આ મામલે સુવ્યવસ્થિત કાવતરું દેખાઈ આવ્યું છે. આરોપીઓએ નવસારીની હોટલમાં 25 સપ્ટેમ્બર 2021ના દિવસે IELTSની પરીક્ષા આપી હતી. અમે આ પરીક્ષાની ફેકલ્ટીનાં નિવેદનો લીધાં છે અને CCTV ફૂટેજ પણ એકઠા કર્યાં છે."

"આરોપીઓએ અમદાવાદની પ્લૅનેટ ઍજ્યુકેશન સંસ્થા મારફતે પરીક્ષા આપી હતી. ત્યાંના સંચાલકોનાં નિવેદન પણ લીધાં છે."

"આ પરીક્ષા માટે તૈયારી કરાવતી કેટલીક ફૅકલ્ટીએ અમને કહ્યું કે સેન્ટરની બહાર જ્યારે આવી પરીક્ષા ગોઠવાય ત્યારે આન્સર પેપરમાં પ્રારંભે જવાબ લખાય છે અને બાકીની પુરવણી ખાલી છોડી દેવાય છે, જેના કારણે ગેરરીતિની શક્યતા રહે છે. અમે એ દિશામાં પણ તપાસ કરી રહ્યા છીએ."

તેમણે આગળ કહ્યું કે, "આ કેસની તપાસના છેડા ગુરુગ્રામ સુધી પહોંચ્યા છે, એક ટીમ ગુરુગ્રામ પણ પહોંચી છે."

હાલ તપાસ ચાલુ હોવાથી તેના પર અસર પડે એમ હોવાથી વધુ વિગતો આપવાનો ઇનકાર કરતાં તેમણે કહ્યું કે, "અમે આરોપીઓને કૅનેડા મોકલનાર મહેસાણાના બે એજન્ટ સુધી પહોંચી ગયા છીએ."

તપાસાધિકારી વિદેશ મોકલનારી અમદાવાદની એજન્સીઓ સંડોવાયેલી હોવાની વાતથી ઇનકાર નથી કરતા.

આના જેવા જ એક મામલામાં અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવી જ રીતે ટ્રાવેલ ઍજ્યુકેશન નામની સંસ્થા ખોલી અમેરિકા અને કૅનેડા ભણવા માટે પરમિટ અપાવવાના નામે બે પિતરાઈ ભાઈઓ અનંત સુથાર અને રવિ સુથારની ધરપકડ કરી છે.

પોલીસ અધિકારીઓ અનુસાર આ બંને ભાઈએ વિદ્યાર્થીઓ પાસેથી વિદેશ મોકલવા દોઢ કરોડ પડાવ્યા હતા.

આ સિવાય નવરંગપુરા પોલીસસ્ટેશનમાં મહેસાણાના વડનગરના એજન્ટ મનોજ ચૌધરી વિરુદ્ધ અમેરિકા જવા માટે એક 32 વર્ષના યુવાનના 55 લાખ રૂપિયા ખંખેરી લીધાની અન્ય એક ફરિયાદ નોંધાઈ છે.

માતાપિતાને પુત્ર શું ભણવા વિદેશ ગયા એની ખબર નથી?

બીબીસી ગુજરાતીએ અમેરિકા ગયેલા મહેસાણાના માંકણજ ગામના યુવાન ધ્રુવ પટેલનાં માતાપિતાનો સંપર્ક કર્યો હતો.

ટેલિફોનિક વાતચીતમાં ધ્રુવના પિતા રસિકભાઈ પટેલે કહ્યું કે, "હું નાનો ખેડૂત છું. મારી પાસે પૈસા નથી, મારા દીકરાએ મારી પાસે ક્યારેય પૈસા માગ્યા નથી. હું ભણવા માટે જાઉં છું એમ કહીને ગયો પછી એનો કોઈ સંપર્ક થયો નથી કે કોઈ ફોન આવ્યો નથી."

બીજી તરફ ધ્રુવનાં માતા દક્ષાબહેન પટેલ કહે છે કે, "મારા દીકરાને ભણવાની બહુ હોંશ હતી પણ એ શું ભણે છે અને ક્યાં ભણે છે, એની અમને કંઈ ખબર નથી. એ પરદેશ કેવી રીતે ગયો અને કોની સાથે ગયો એની પણ અમને ખબર નથી. એ ભણવાની તૈયારી કરતો હતો પણ શું ભણતો હતો એની પણ અમને ખબર નથી."

એક શિક્ષકે પોતાનું નામ નહીં આપવાની શરતે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમારા ગામમાં છોકરાઓમાં ભણતરનું પ્રમાણ 93% જેવું છે. નીલ ગરીબ ખેડૂતનો દીકરો છે અને અહીંથી પ્રાથમિક શિક્ષણ લીધા પછી એ અમદાવાદ ભણવા ગયો હતો."

"એના મગજમાં પરદેશ જવાની ધૂન સવાર હતી. એ ઘણા એજન્ટને મળ્યો હતો. પોતાની ફાઇલ બનાવી હતી. મેં એને અંગ્રેજી નબળું હોવાથી નહીં જવાની સલાહ પણ આપી હતી, પરંતુ એ કેવી રીતે અને કોની સાથે ગયો એની અમને ખબર નથી."

"અમારા ઉત્તર ગુજરાતમાં છોકરાઓ એજન્ટ મારફતે પરદેશ જઈ પૈસા કમાય છે એ જોઈને એ ગેરકાયદે પરદેશ ગયો હતો, પણ ક્યારે અને કોની સાથે ગયો એની મને ખબર નથી."

મૂળ મહેસાણાના અને હાલ અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા અને પરદેશ મોકલવાનું જ કામ કરતાં એક એજન્ટે પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું કે, "અમદાવાદના નવા વાડજ, રાણીપ અને ઘાટલોડિયા વિસ્તારમાં મહેસાણાના એજન્ટો મારફતે 55થી 60 લાખ રૂપિયા લઈને ગેરકાયદે અમેરિકા મોકલવામાં આવે છે. અડધા પૈસા પહેલાં લેવાય છે અને બાકી પરદેશ પહોંચ્યા બાદ આપવાના હોય છે."

આ વ્યવસ્થા અંગે વિગતવાર જણાવતાં તેઓ કહે છે કે, "વિદેશ પહોંચ્યા પછી વીડિયો કૉલ પર બાળક સહીસલામત પહોંચી ગયા હોવાનું સાબિત કરાયા પછી બાકીના પૈસા ચૂકવાય છે. જો પૈસા ના ચૂકવાય તો જેને ગેરકાયદે અમેરિકા કે બીજા દેશમાં મોકલ્યો હોય ત્યાં એનો પાસપોર્ટ જપ્ત કરી લેવાય છે જેથી એ ભારત પરત ના આવી શકે."

"આવા પાસપોર્ટ સાચવવા માટે એજન્ટોની એક 'પાસપોર્ટ સિંડિકેટ બૅંક' બનેલી હોય છે, જે એજન્ટો દ્વારા આ હેતુ માટે ઊભી કરવામાં આવેલ એક વ્યવસ્થા છે, જેમાં ગેરકાયદે પરદેશ ગયેલી વ્યક્તિને અમે જ નોકરી અપાવીએ છીએ અને હવાલાથી બાકીના પૈસા આવી જાય એટલે એનો 'પાસપોર્ટ સિન્ડિકેટ બેન્ક'માં જમા થયેલો પાસપોર્ટ પરત અપાય છે."

મહેસાણાના સમાજશાસ્ત્રના નિવૃત પ્રોફેસર જે. ડી. પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે ઉત્તર ગુજરાતના ગામમાં યુવાનોને ખેતીમાં રસ રહ્યો નથી. મોટા ભાગના યુવાનો ખેતી કરવા માગતા નથી.

"ગામમાં જમીનના ભાવ વધ્યા પછી કેટલાક યુવાનો જમીન વેચી દુકાન કે ધંધો કરે છે પણ લગ્ન સમયે તકલીફ પડે છે. ભણેલી છોકરીઓ આવી પરિસ્થિતિમાં રહેવા માગતી નથી. જો ઓછું ભણેલો છોકરો પરદેશમાં હોય તો એનાં લગ્ન પણ ઝડપથી થઈ જાય છે, એટલે અહીંના લોકો જમીનનો ટુકડો વેચીને પણ ગેરકાયદે પરદેશ જાય છે."

"ગેરકાયદે પરદેશ ગયેલા યુવાનો વધુ પૈસા કમાઈને પરત આવે એટલે એ જોઈને બીજા યુવાનો પણ પરદેશ જાય છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો